સંતચરિત્રો અને ચિંતન
SadhanaWeekly.com       |    ૩૦-જૂન-૨૦૧૮


 

પુસ્તક : સંતચરિત્રો અને ચિંતન

લેખક : સ્વામી સચ્ચિદાનંદ

પ્રકાશક : ગૂર્જર સાહિત્ય

પૃષ્ઠ : ૩૧૮

મૂલ્ય : રૂા. ૧૫૦/-

દૂરભાષ : (૦૭૯) ૨૨૧૪૪૬૬૩

પુસ્તકના લેખક સ્વામી સચ્ચિદાનંદજીએ ધર્મને પ્રભાવિત કરનારાં ચાર તત્ત્વોની વાત કરી છે.

() ઋષિ : જેની વાણી આર્ષ હોય છે. જે શાસ્ત્રો રચે છે અને લોકો સુધી પહોંચાડે છે.() આચાર્ય : આચાર્ય ભાષ્યો રચે છે તે મૂળ શાસ્ત્રને વધુ સ્પષ્ટ કરે છે. () સાધુ : આચાર્યના ચુસ્ત અનુયાયી બની સાધુ ક્યારેક સાંપ્રદાયિક બને છે. () સંત : સંત સ્વયંભૂ હોય છે. તેમનામાં અમુક દેવી તત્ત્વો જન્મજાત હોય છે.

આમ ધર્મને પ્રભાવિત તત્ત્વો પૈકી સંતોનું આગવું મહત્ત્વ છે. સંતો પણ ત્રણ પ્રકારના હોય. () ભજન કરનારા, () સેવા કરનારા, () સમાજસુધારો કરનારા. પ્રસ્તુત પુસ્તકમાં આવા ત્રણેય પ્રકારના સંતોને સ્થાન આપવામાં આવ્યું છે. તેમના જીવનકવનની વાતો પુસ્તકમાં સમાવિષ્ટ છે.

અહીં અલિપ્ત થયેલા મોટા ભાગના સંતો ઋષિઓની માફક બાળબચ્ચાવાળા છે. કોઈ કોઈ બાળબચ્ચા વિનાના પણ સંતો થયા છે. મોટા ભાગના સંતો બહુ ભણેલા નથી હોતા પણ તેમની રચનાઓ અમર થઈ ગઈ છે. કારણ કે મસ્તિષ્કમાંથી નીકળેલી પંડિતાઈ વાણી સંતવાણી નથી પરંતુ નાભિમાંથી પ્રગટેલી પરાવાણી હોય છે.

મોટાભાગના બધા સંતોને ખૂબ સહન કરવું પડ્યું છે, જેમાં સૌથી વધુ ‚ઢિવાદી ધર્માચાર્યોથી સહન કરવું પડ્યું હોય છે. પુસ્તકમાં સંત કબીર, તુલસી, નરસિંહ મહેતા, જ્ઞાનેશ્ર્વર, તુકારામ, એકનાથ, અખો, અહલ્યાબાઈ, વિપ્રનારાયણ, ગંગા-જમુનાબાઈ, લિલ્લેશ્ર્વરી, મીરાબાઈ, પુનિત મહારાજ જેવા ૩૪ સંતોના જીવનકવનને આલેખ્યું છે. પુસ્તકમાં સંતોનાં ચરિત્રો કરતાં ચિંતનને વધુ મહત્ત્વ આપવામાં આવ્યું છે.

ધર્મનો મૂલાધાર સત્ય છે. તો પછી તેની ઉપેક્ષા કેમ કરવામાં આવે છે ? જે સત્યના આધારે જીવે તેને સંત કહેવામાં આવે છે. આમ આવ વિશાળ હૃદય ધરાવતા સંતોનાં ચરિત્રો અને સાથે ચિંતનને વાંચવાથી વાચક વિશાળતા પ્રાપ્ત કરે છે. સંકુચિત માનસિકતા અને વલણમાંથી મુક્ત થાય છે અને વિશાળતાને ખુલ્લા હૃદયથી આવકારવાની પ્રેરણા વાચકને મળે છે.

પુસ્તકના વાચનનો હેતુ આપણા સંતોનો સમજવાનો અને તે સમજ અનુસાર અનુસરણ કરવાનો છે. આપણા હૃદય અને મનને વ્યાપક તથા વિશાળ બનાવવા માટે પુસ્તક ખૂબ ઉપયોગી છે. વળી પુસ્તક થકી સાંપ્રદાયિક થવાના બદલે સાચા અર્થમાં ધાર્મિક થવાની વાતને અગ્રીમતા અપાઈ છે. તો ચાલો, પુસ્તકના વાચન થકી વ્યાપકતાને અપનાવીએ....