તંત્રી સ્થાનેથી : ૨૦૧૯ માટે ભાજપા સમર્થકે કમરપટ્ટો બાંધી પરિશ્રમ કરવો રહ્યો

    ૦૫-જૂન-૨૦૧૮   

દેશની થોડીક લોકસભા - વિધાનસભામાં ભાજપાને ઓછી સીટ મળતાં વિપક્ષો - મીડિયા, ૨૦૧૯ના દિવાસ્વપ્ન જોવામાં મસ્ત છે. કૈરાનામાં કોંગ્રેસ, આરએલડી, એસપી, બીએસપી બધાએ ભેગા થઈ તબસ્સુમ હસનને ટેકો આપ્યો. આ અપવિત્ર ગઠબંધન માત્ર ૪ લાખ ૮૧ હજાર ૧૮૨ મત પ્રાપ્ત કરી શક્યું અને ભાજપને એકલાને ૪ લાખ ૩૬ હજાર ૫૬૪ મતો મળ્યા. ઉત્તર પ્રદેશની નૂરપૂર વિધાનસભા સીટ પર ભાજપની હાર છતાં વોટ શેરીંગ વધ્યું છે. પાછલી ચૂંટણીમાં ભાજપને ત્યાં ૩૯ ટકા મત મળ્યા હતા, આ વખતે ૪૭.૨ ટકા મત મળ્યા છે. જ્યાં જ્યાં ભાજપની પીછેહટ થઈ છે ત્યાં મોટાભાગે દુશ્મનોનું શઠબંધન જ નડ્યું છે. હજુ કાલ સુધી એકબીજાનો ચહેરો જોવા પણ ના માંગતા હોય તેવા લોકો પણ આજે સત્તાની લાલસાએ એકબીજાના ખભે હાથ મૂકીને મોદીને હરાવવા મેદાને પડ્યા છે. ચાર વર્ષ દરમિયાન થયેલી ચૂંટણીઓમાં ૨૭માંથી ભાજપ ૨૨ હાર્યું એ ગણિત પ્રસારિત કરવામાં આવે છે. હા, ભાજપે જીતેલી ૧૩ સીટોમાંથી ૮ સીટ ગુમાવી છે છતાં વોટશેર વધ્યો છે.
 
ભાજપ કેન્દ્રમાં સત્તામાં આવ્યા પછી કેટલાં રાજ્યોમાં એનું શાસન સ્થપાયું તે વિગતવાર જોતાં ૨૦૧૪માં માત્ર ૮ રાજ્યોમાં એનડીએની સરકાર હતી અને ૧૪ રાજ્યોમાં કોંગ્રેસની સરકાર હતી. વીસ રાજ્યોમાં ભાજપની સરકાર બની તે સર્વસ્વીકૃતિ, વિદેશોમાં ભારતની તાકતવર છબી ઊભી થઈ તે સિદ્ધિ, ખમતીધર દેશોએ અને વૈશ્ર્વિક સંસ્થાઓએ ઉભરતા ભારતની શાખને ઓળખી વારંવાર અન્ય રાષ્ટ્રોની સરખામણીએ અગ્રસ્થાન આપ્યું તે વિદેશ નીતિની મોટી સફળતા. જે લોકો શઠબંધન કરી રહ્યા છે તેમાંની કેટલીયે પાર્ટીઓનાં મોટાં માથાં પર અપરાધિક કેસો ચાલી રહ્યા છે એ ભારતની જનતા જાણે છે. શશિકલા ૬૦ કરોડથી વધારે આવકના કેસમાં જેલની હવા ખાઈ રહ્યા છે, લાલુ પણ ચારા કૌભાંડમાં જેલમાં છે, મમતા બેનર્જીના ટીએમસીને તો લોકો ‘ટોટલ મમતા કરપ્શન’ તરીકે જ ઓળખે છે. મમતાના ભત્રીજા અભિષેક બેનર્જીનાં કૌભાંડો અને તેની સરકારના શારદા, રોજવૈલી, નારદા, ત્રિફલા જેવાં કૌભાંડો પણ સામેલ છે. આ ભ્રષ્ટાચારીઓ આ કેસોમાંથી બચવા અને ફરીવાર ભ્રષ્ટાચાર આચરવા શઠબંધન કરે છે, તે સિવાય મોદી તેમની જમાનત પણ થવા દે તેમ નથી.
 
આમ છતાં, મુસ્લિમ, દલિત તથા ઓબીસી વોટ્સ જે ૨૦૧૪ની તુલનાએ બીજેપીથી હતાશ થઈને, ઉપચુનાવમાં પ્રાદેશિક પાર્ટીઓ કે ગઠબંધનમાં ઢળી રહ્યા છે તેમના મિજાઝનો વધતો ગ્રાફ કુલ વોટીંગનો ટકાવારી જોતાં ચોંકાવનારો છે. હિન્દુત્વ, વિકાસ, મોદી કરીશ્મા કે ચૂંટણીનું માઈક્રોમેનેજમેન્ટ આવતી ચૂંટણીઓમાં પ્રભુત્વ દર્શાવશે તે હવે પછીના ૬ માસ નક્કી કરશે જેમાં અન્ય રાજ્યોની ચૂંટણીઓના પરિણામો પથદર્શક હશે.
 
લોકસભાની ચૂંટણીઓમાં છૂટપૂટ મુદ્દાઓને કોઈ સ્થાન નથી હોતું, ત્યાં દેશનો સર્વાંગીણ વિકાસ જ જોવાય, રાષ્ટ્રીય મુદ્દાઓ પર મતદાન થાય છે. પ્રજા જાણે છે કે ભાજપે રાષ્ટ્રનો કેટલો વિકાસ કર્યો છે. રોડ અને ઇન્ફ્રાસ્ટ્રકચર, આર્થિક વિકાસ, સ્કિલ અને સ્ટાર્ટ અપ ઇન્ડિયા, ઇન્ટરનેશલ રિલેશનશિપ, તીન તલાકમાંથી મુક્તિ, સ્વચ્છતા અભિયાન, બેટી બચાવો જેવા અનેક રાષ્ટ્રીય મુદ્દાઓ પ્રજાના માનસપટ પર અંકિત થઈ ગયા છે અને એને જ વોટ મળશે.
 
શઠબંધનમાં તો સત્તા લાલચુ રાજકારણીઓ, માથાભારે તત્ત્વો, ક્રિમિનલ્સ અને જેલની હવા ખાધેલા ઉમેદવારોની બોલબાલા હોય છે તેવું દરેક ચૂંટણીનું સર્વેક્ષણ બતાવે છે. આમાંની આસુરી શક્તિઓ સામે બાથભીડીને ભાજપાએ ફરી એકવાર લોકસ્વીકૃતિ મેળવવાની છે. ઉત્તરોત્તર સર્વાંગીણ પ્રગતીમાં આર્થિક-સામાજિક-ઉત્થાનના અનુભવે ભારતની પ્રજા પોતાનું ભવિષ્ય નરેન્દ્ર મોદી - ભાજપા સિવાય અન્ય કોઈને સોંપે તેટલી અણસમજુ નથી જ. વધતો જતો વોટ શેર તથા અનેક રાજ્યોમાં શાસન સોંપ્યુ તે તેનો પૂરાવો અને ૨૦૧૯ તેનું દૃઢિકરણ. અલબત્ત, દરેક ભાજપા સમર્થકે કમરપટ્ટો બાંધીને પરિશ્રમ કરવો રહ્યો.