માનવસંબંધોનું એક મોટું પ્લેટફોર્મ મોબાઈલ અને તેની અધિષ્ઠાત્રી દેવી વેબેશ્ર્વરી...

    ૧૮-જુલાઇ-૨૦૧૮   

 
 
સોશિયલ મીડિયા; સંતાપ કે સંક્રાન્તિ...આમાં મીડિયા કેટલું અને સોશિયલ કેટલું તે તપાસીએ
 
આ સવાર અવનવી છે, જુદી છે, સવારે ઊઠીને માણસ એના મોબાઈલમાં જુએ છે, વાંચે છે, પોતાને જગત કેવી રીતે સંબોધે છે તેનું પાણી છાંટીને ઊઠે છે. આ કયું દર્પણ છે ? આ કયા પ્રકારના કોગળા છે ? એવા તો આ મિસ્ટર-અ કેટલા અગત્યના માણસ છે કે એમણે સવારે ઊઠીને પોતાને આવેલા સંદેશાઓ જોઈ લેવા પડે. કદાચ આ મિસ્ટર-અ એક નાની ઑફિસમાં નાના કારકુન જ હશે. પણ મોબાઈલે એમને મોટા બનાવ્યા છે, એ એક વ્યક્તિ હતા, હવે અભિવ્યક્તિ બન્યા છે. નવા સશક્તિકરણના એ છડીદાર બન્યા છે. ટેક્નોલોજીએ છેડાના માણસમાં જે નવ્યજીવન પ્રગટાવ્યું છે તેનો આ નવોન્મેષ છે. આવાં દૃશ્યો ઠેર ઠેર જોવા મળે છે. હમણાં જ ઝૂંપડીમાંથી નીકળેલી યુવતી ઝાડ નીચે ઊભી રહીને મેસેજ જોતી હતી, ગઈકાલ સુધી બહુ જ મોટા માણસો. કહેતા કે ‘આજે વીડિયો કોન્ફરન્સ છે "આજે તો સામાન્ય માણસ બોલતો થઈ ગયો છે. આજે સવારે જ મેં મારા પુત્ર સાથે ફેસટાઇમ પર વીડિયો ટોક કરી.. આવી જ રીતે વોટસ-એપના ગ્રુપ છે અને ફેસબુકના ફ્રેન્ડ છે, લિન્કડ-ઇનની પ્રોફાઈલ અને લેખોની હારમાળા છે તો બ્લોગિસ્તાન કે બ્લોગેરીયાનો જાણે એક મોટો પ્રખંડ છે. મુદ્દો એ છે કે ટેક્નોલોજીએ બધી વ્યાખ્યાઓને તોડી નાંખી છે, બધા સંદર્ભોને બદલી નાંખ્યા છે. હવે, માનવસંબંધોનું એક મોટું પ્લેટફોર્મ એ આ મોબાઈલ ફોન કે ટેક્નોલોજી છે. આ બધાની અધિષ્ઠાત્રી દેવી વેબેશ્ર્વરી છે. એ વિશ્ર્વવ્યાપક વેબ-જાળની ધરણી છે. વ્યાખ્યા વિધ્વંસ અને નવી-વ્યાખ્યા-નિર્મિતિની એક સૂક્ષ્મ પ્રક્રિયા ચાલી રહી છે.
 
પહેલાં આપણે મીડિયા એટલે વર્તમાનપત્રો અને બહુ મર્યાદિત અર્થમાં ‘રેડિયો’ એમ ગણતા હતા. પરિઘ નાનો હતો, અને સમાચારો પણ એટલા જ ઓછા હતા. પછી ટેલિવિઝન ઉમેરાયું ત્યારે એક પ્રકારનો રોમાંચ અનુભવતા હતા. જગત ‘જોવા’ મળવા લાગ્યું. મનોરંજન આપતું સિનેમા અને સમાચાર આપતું ટેલિવિઝનનું ઝીણું પણ તીણું પ્રયાગ ઊભું થઈ રહ્યું હતું. આંખોની ધન્યતા વધતી હતી. મનુષ્યના ‘મગજ’ને રેડીમેડ મળવાની સગવડ ઊભી થવા લાગી હતી. છાપાના સમાચારોમાં માણસ ‘વિઝ્યુલાઈઝેશન’ની એક પ્રક્રિયામાંથી પસાર થતો હતો. પણ આપણે નસીબદાર છીએ કે એ પછીના અભિવ્યક્તિના ધરતીકંપો જોયા અને અનુભવ્યા. માણસ પાસે કમ્પ્યુટર અને મોબાઈલ આવ્યા અને એક મહાક્રાન્તિ થઈ. હવે જુઓ, આ વ્યાખ્યાના વસ્ત્ર પરિવર્તન. જે કોઈ મીડિયા હાઉસ કે પત્રકારોથી ચાલતું નથી, જેને નિયંત્રિત કરવા કોઈ ‘ઓથોરિટી’ નથી તે સોશિયલ મીડિયા છે. આમ જોવા જઈએ તો માણસને પોતાના સમાજથી વિખૂટો પાડી દે તે સોશિયલ મીડિયા છે. ગેટ-ટુ-ગેધરમાં ભેગા થયેલા લોકો એક વ્યક્તિગત-ટાપુ જેવા બની પોતાના મોબાઈલમાં ખોવાઈ જાય ત્યારે આપણને સમજાય છે કે આ ‘સોશિયલ’ કહેવાતું માનવવર્તન કેટલું બધું નોન-સોશિયલ છે.
 
આમ જોઈએ તો સમાજની જાડી અને જૂની દીવાલો તૂટી રહી છે. આ માધ્યમ માણસને એક જુદા જ પ્રકારની સ્વતંત્રતા આપે છે. તમે જ્યાં હોવ ત્યાં તમે સો ટકા હોવા જ‚રી નથી. આમાં જે વિકૃતિ છે, જે ધ્યાન કે નિસ્બત કે કાળજીનો અભાવ છે એને બે મિનિટ માટે ભૂલી જઈએ તો આ એક સ્વ-તંત્રતા છે. બીજી બાબત છે તે અંતર ચાહે તો અંતર ડિસ્ટન્સ-દૂરીને ઓલવી શકાય છે. ત્રીજું, તમે તમારા ઑડિયન્સને સંબોધી રહ્યા છો, ક્યારેક એક સાથે હજારોની મેદનીને કે બસો-પાંચસો લોકો કે માત્ર એક જ વ્યક્તિને તમે તમારો પોઇન્ટ-ઑફ-વ્યુ સમજાવી રહ્યા છો. ચોથું, તમે માત્ર ભાષા જ નહીં, ચિત્રો, વીડિયો અને એનિમેટેડ સામગ્રીથી વાત કરી રહ્યા છો. અહીં જે ઘટના બને છે તે વ્યક્તિગત-સશક્તિકરણની છે. જે વ્યક્તિ બસો લોકોની સભા આગળ બોલતાં ક્ષોભ અનુભવે છે એ અહીં ખૂલી જાય છે. (જો કે ક્ધટેન્ટ-ક્રાઇસીસ એક આખી નવી અને મોટી સમસ્યા છે..). અહીં સમાચારો જ નહીં પણ મનોરંજન, સાહિત્ય, માહિતી અને માર્કેટીંગના અનેક પ્રવાહો વહી રહ્યા છે, વધી રહ્યા છે. માણસની કમ્યુનિકેશન કરવાની શક્તિનું એક નવું વિશ્ર્વ ઉદ્ઘાટિત થઈ રહ્યું છે.
 
પણ આ તો પેલા અવકાશયાત્રીની જેમ નવા ગ્રહ પર તો આવી ગયા પણ સમસ્યાઓ જે રીતે ઊભી થઈ રહી છે તે પણ જાણવી જોઈએ, સાવધાન પણ થવું જોઈએ. એવું નથી ને કે એક નવી ગટર લાઇન ખૂલી ગઈ છે, જ્યાં ગાળો, ગપ્પાં અને જુગુપ્સાપ્રેરક બાબતો બેરોકટોક વહી રહી છે, મોબાઈલમાં ઊભરેલો આ મેળો કયા પ્રકારની માનવસભ્યતાને વિકસાવી રહ્યો છે તેની પણ ચર્ચા અને ચિંતા કરવી જોઈશે. પૂંછડી ગુમાવ્યા પછી શરીરની બહાર મળી આવેલું આ ઉપાંગ એક ઉત્ક્રાંતિનો વળાંક છે, ચઢાણ છે કે ઉતરાણ છે. કમ્યુનિકેશનની કલા છે, વ્યક્તિની વ્યક્તિમત્તા છે, બોલાયેલા શબ્દનું સૌંદર્ય છે તેવા બધા ખ્યાલો અને ખૂબીઓની માવજત કરીશું તો જ આ ‘સોશિયલ’ સમૂળી ક્રાન્તિનો ઉપયોગ કરી શકીશું. આમાં મઝા વિશ્ર્વનાગરિકત્વની છે. માર્ક ઝુકરબર્ગ કે બોબ ડાયલનના કશાક નવોન્મેષનો પડઘો ધરમપુરની ટેકરીઓ ખૂંદતા આદિવાસી યુવાનના કાનમાં અને પેરિસની કોઈ પાર્ટીમાં મસ્તીમાં ડૂબેલી યુવતીના ભાનમાં પડે છે.
 
કર્ણાયુધ કે કાન માટેનું સાધન આજે વસ્તુઓ અને અસ્તિત્વ આખાને વ્યાપી વળ્યું છે. તેવી ક્ષણે શબ્દને અ-ક્ષર થવાનું કે શાશ્ર્વત થવાનું વરદાન આપી શકાય તેવી ઋષિક્ષણ આવી ગઈ છે, તમે સમયના આ પગરવને સાંભળો છો ?