થાઈલેન્ડની ગુફામાંથી "વસુધૈવ કુટુંબકમ્‌"નું અજવાળું પ્રગટ્યું

    ૧૮-જુલાઇ-૨૦૧૮   

થાઈલેન્ડની ગુફામાંથી ૧૨ બાળકો અને તેમના કોચ સહિત ૧૮ લોકો બહાર આવ્યાના સમાચાર જાણીને સમગ્ર વિશ્ર્વએ શાંતિના શ્ર્વાસ લીધાં. વિશ્ર્વભરની અનેક આંખો હર્ષાશ્રુથી છલકાઈ પડી. અનેક શહેરોમાં બાળકો અને કોચના બચાવ માટે પ્રાર્થનાઓ યોજાઈ. એક અદ્ભુત જોડાણ, અદ્ભુત લાગણી અને અકલ્પનીય ભ્રાતૃભાવનાં દર્શન થયાં. તેમને બચાવવા માટે દુનિયાનું સૌથી જોખમી, અકલ્પનીય આંતરરાષ્ટ્રીય રેસ્કયુ મિશન હાથ ધરાયું. સૌ પ્રથમ બ્રિટનની ડાઈવર્સ (ગોતાખોર) ટીમ બાળકો સુધી પહોંચી. ઓપરેશન પાર પાડવામાં વિદેશી એકસપર્ટ, ૯૦ ડાઈવર સહિત ૧૨૦૦ લોકોની ટીમ જોડાઈ, યુનાઈટેડ નેશન્સની ટીમ ઉપરાંત ભારત, બ્રિટન, ચીન, મ્યાનમાર, લાઓસ, ઓસ્ટ્રેલિયા, જાપાન, સહિત અન્ય દેશોના નિષ્ણાતો મદદ મળ્યા. ૩૦ યુએસ મિલિટરમેનની અથાગ મહેનત, ખર્ચ, સમય કે બીજી કોઈ પણ જાતની ચિંતા કર્યા વિના જાણે સમગ્ર વિશ્ર્વે એકજૂટ થઈ કામ કર્યું. બૌદ્ધ ભિક્ષુ કોચે ગુફાના અંધારામાં અઢાર અઢાર દિવસ સુધી બાળકોમાં જીવવાની જિજીવિષા અને હિંમતનો દીપ પ્રગટાવી રાખ્યો. આ જીતમાં માત્ર ટેકનોલોજી કે વિજ્ઞાનનો ફાળો નથી. માનવીની લાગણીઓની જીત છે. વિશ્ર્વભરના માનવસમુદાયે, દેશનેતાઓએ, અગ્રણી ધનપતિઓએ જાત-પાત, દેશ-વિદેશના ભેદ વિના બચાવકાર્યમાં હાથ લંબાવ્યા. સરહદો ભુલાવીને સંસ્કૃતિઓ એક થઈ.
 
થાઈલેન્ડની આ અદ્ભુત ઘટના વિશ્ર્વબંધુત્વની ભાવના ઉજાગર કરે છે. વિશ્ર્વમાં જ્યારે જ્યારે આપદાઓ આવી છે ત્યારે સમગ્ર વિશ્ર્વની માનવતા ઉજાગર થઈ છે. ધનપતિઓએ પોતાના ખજાના ખુલ્લા મૂકી દીધા, અગ્રણીઓ આગળ આવ્યા, નેતાઓની મુત્સદ્દીગીરી કામ લાગી, દુશ્મનીઓ મટી ગઈ, સરહદોની સમસ્યાઓ તત્કાળ ભુલાઈ ગઈ અને માત્ર અને માત્ર સહાય, મદદ, બચાવ ઉજાગર થયાં.
 
વિશ્ર્વની અત્યાર સુધીની સૌથી મોટી આપદા ચીનમાં ૧૯૩૧માં ઘટી, જેમાં ચાર લાખ લોકોનાં મોત થયાં હતાં. ત્યારે સમગ્ર વિશ્ર્વે એકજૂટ થઈ મદદ કરેલી. સિલસિલો ચાલુ જ છે. ગુજરાતના મચ્છુ ડેમની આફત, ગુજરાતનો ભૂકંપ, નેપાલનો ભૂકંપ કે પછી ઉત્તરાંચલનુ પૂર, દર વખતે વિશ્ર્વભરની સહાય મળી જ છે. દરેક દેશ, દરેક ધનપતિ આજે આ માટે જોગવાઈ કરે છે એ આવકાર્ય છે.
 
વિશ્ર્વના સૌથી મોટા સંગઠન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા આપદા અને સેવા માટે વર્ષભર કાર્યો થતાં રહે છે. દેશ-વિદેશમાં જ્યારે આફત આવી ત્યારે સંઘની મદદ અને સેવા સૌથી પહેલાં પહોંચ્યાનાં અનેક દાખલા છે. નેપાળ, ઉત્તરાખંડ, લાતુર ભૂકંપ, મોરબી હોનારત સમયે સંઘના સ્વયંસેવકોનું કાર્ય આજેય સૌ યાદ કરે છે. દેશભરમાં ૧ લાખ ૬૦ હજાર જેટલા સંઘના સેવાકીય પ્રકલ્પો થકી સેવા કાર્યો થાય છે અને દેશ-વિદેશમાં તેને હર્ષભેર સ્વીકારાય અને બિરદાવાય છે.
 
ભારતે વર્ષ ૨૦૧૬માં અન્ય દેશોને આપદામાં ૮૯૭૦ કરોડ આપ્યા. નેપાલના ભૂકંપ વખતે હજારો કરોડ રૂપિયાની સહાય કરી. ભૂતાનને ૫૪૯૦ કરોડ, મ્યાંમારને-૪૦૦ કરોડ, અફઘાનિસ્તાનને ૨૯૦ કરોડની આપદા સહાય કરી અને જરૂર જણાઈ ત્યાં નિષ્ણાત ટીમ મોકલી.
 
વિશ્ર્વભરના દેશો આપદા વખતે સહાય માટે એક જ સાદે બેઠા થાય છે. અત્યાર સુધીમાં યુરોપિયન યુનિયન સૌથી વધુ ૯૧.૭૮ બિલયિન ડૉલરની આપદા સહાય કરી માનવતાના આ કાર્યમાં મોખરે છે, બાદમાં યુનાઈટેડ સ્ટેટ્સ ૩૧.૦૮ બિલિયન ડૉલર, યુનાઈટેડ કિંગડમ્ ૧૮.૭૦ બિલિયન ડૉલર અને જર્મની ૧૭.૭૮ બિલિયન ડૉલરની સહાય સાથે અગ્ર હરોળમાં છે. નોર્વેના કરદાતાઓએ ૮૯૯ મિલિયન ડૉલર માનવતાની સહાય માટે ફાળવ્યા છે, જે તેમની રાષ્ટ્રીય આવકના ૦.૧૮ ટકા જેટલી રકમ છે. વિવિધ દેશોએ ફાળવેલી આ રકમ એ માત્ર રકમ નથી, આ રકમોથી અનેક લોકોના જીવ બચે છે.
વર્ષ ૨૦૧૦માં માઈક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સ અને બાર્કશાયર હેથવેવના ચેરમેન વોરેન બફેટે પોતાની અરધી સંપતિ વિશ્ર્વકલ્યાણ અર્થે દાનમાં આપવાની જાહેરાત કરી અને વિશ્ર્વ સમક્ષ ''Giving Pledge'નો વિચાર રમતો મૂક્યો. તેમણે પત્નીના નામ સાથે જોડીને ‘બીલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન’ બનાવ્યું છે અને ઈમરજન્સી રીલીફ, ગ્લોબલ લાયાબિલિટીઝ, અર્બન પોવર્ટી, ગ્લોબલ હેલ્થ માટે સૌથી વધુ વ્યક્તિગત લાઇફ ટાઇમ ડોનેશન ૨૭ બિલિયન ડૉલરનું આપ્યું છે. બીજા ક્રમે ૨૧.૫ બિલિયન ડૉલર સાથે વોરન બફેટ છે અને ત્રીજા નંબરે ૮ બિલિયન ડૉલરના દાન સાથે જ્યોર્જ સિરોસ છે. ૨૨ દેશના ૧૮૩ ધનપતિઓ ''Giving Pledge'માં જોડાયા. અજીમ-પ્રેમજી, રતન તાતા, શિવ નાદેર, દીપચંદ ગાર્ડી, સ્ટીવ જોબ્સ સહિત વિશ્ર્વના અનેક દાનવીરો પણ માનવતાને મહેકાવી રહ્યા છે.
 
હિન્દુ ધર્મદર્શન ‘વસુધૈવ કુટુંબકમ્’ની ભાવનાથી જીવવાનું માર્ગદર્શન આપે છે. દુનિયાના ધર્મો પણ, એ જ સંદેશ આપે છે કે આ સમગ્ર વિશ્ર્વ એક પરિવાર છે. થાઈલેન્ડની ઘટનામાં આ ભાવના ઉજાગર થઈ, એ ગુફામાંથી વસુધૈવ કુટુંબકમ્નું અજવાળું પ્રગટ્યું. એનું ગૌરવ માનવ તરીકે દરેક સમાજ, ધર્મ, દેશના વ્યક્તિએ લેવું જ રહ્યું. આ જ રીતે આખુ વિશ્ર્વ જો વસુધૈવ કુટુંબકમ્ની ભાવનાથી એક પરિવાર તરીકે રહેશે તો દુનિયાની કોઈ આપદા એને હરાવી કે ડરાવી નહીં શકે. આપણા વડવાઓ ય વાર્તામાં આ ભાવનાનો સાર કહી ગયા છે કે, એક લાકડી કોઈનાથી પણ ભાંગી જશે, પણ અનેક લાકડીઓનો ભારો કોઈ નહીં ભાંગી શકે. આપણે કોઈ આફતથી ભાગવું નથી, જાગવું છે, અને જગાડવા છે. ચાલો, આપણે સમગ્ર વિશ્ર્વના માનવો "વસુધૈવ કુટુંબકમ્નો દીપ પ્રગટાવી આફતોનાં અંધારાં દૂર કરીએ...!