સંઘના પ્રચારક શ્રી હરીશભાઈ રાવલનો ૭૫માં વર્ષે ઉજવાયો જન્મોત્સવ...

    ૧૯-જુલાઇ-૨૦૧૮

 
(તસવીરમાં ડબેથી સર્વે શ્રી હસમુખભાઇ પટેલ, ડો. જયંતિભાઇ ભાડેસિયા, ડો. મનમોહનજી વૈદ્ય,
હરીશદાદા તથા યતિન્દ્રજી શર્મા)
 
 
તા. ૧૧ જુલાઈ, ૨૦૧૮ના રોજ રા.સ્વ. સંઘના વરિષ્ઠ પ્રચારક અને વિદ્યાભારતીના પૂર્વ અખિલ ભારતીય સંગઠન મંત્રી શ્રી હરીશભાઈ રાવલ ઉર્ફે હરીશ દાદાનો ૭૫મો જન્મોત્સવ ખેડા જિલ્લાના વસો ખાતે ઉજવાયો.
 
૧૧ જુલાઈ, ૧૯૪૪ના રોજ સુરેન્દ્રનગરમાં શ્રી હરીશભાઈનો જન્મ થયો હતો. બાલ્યકાળથી જ તેઓ રા.સ્વ. સંઘના સ્વયંસેવક રહ્યા છે. ૧૯૬૯માં તેઓ પ્રચારક બન્યા. તેઓ ભૂજ મહાનગર પ્રચારક, અમદાવાદ જિલ્લા પ્રચારક, ખેડા-પંચમહાલ જિલ્લા પ્રચારક, રાજકોટ વિભાગ પ્રચારક, વડોદરા વિભાગ પ્રચારક રહ્યા છે. તેઓ ૧૯૯૪થી ૨૦૦૪ દરમિયાન વિદ્યાભારતી ગુજરાત પ્રાંતના સંગઠન મંત્રી, વિદ્યાભારતી પશ્ર્ચિમ ક્ષેત્રના સંગઠન મંત્રી અને અખિલ ભારતીય સંગઠન મંત્રી રહ્યા છે.
 
આ પ્રસંગે શ્રી હર્ષદભાઈ પંડિત દ્વારા હરીશદાદાને એક લાખ રૂપિયાનો ચેક ભેટમાં આપવામાં આવ્યો હતો. જેને દાદાએ સમાજ સેવા માટે અર્પણ કરી દીધો હતો. સમારોહમાં હવન, ભારતમાતાની આરતી, ગણેશ વંદના અને વૃક્ષારોપણ પણ આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા.
 
વસુંધરા વિદ્યાધામ સમિતિ દ્વારા આયોજિત આ સમારોહમાં રા.સ્વ.સંઘના સહ સરકાર્યવાહ મા. શ્રી ડૉ. મનમોહનજી વૈદ્ય, ક્ષેત્રિય સંઘચાલક ડૉ. જયંતિભાઈ ભાડેસિયા, અખિલ ભારતીય સહ બૌદ્ધિક પ્રમુખ શ્રી સુનિલભાઈ મહેતા, ક્ષેત્ર પ્રચારક શ્રી અતુલજી, વિદ્યાભારતીના અખિલ ભારતીય સંગઠનમંત્રી યતિન્દ્રજી શર્મા, પશ્ર્ચિમ ક્ષેત્રના વ્યવસ્થા પ્રમુખ હસમુખભાઈ પટેલ, રા.સ્વ.સંઘના પ્રાંત સહકાર્યવાહ શ્રી કિશોરભાઈ મુંગલપરા, શ્રી શૈલેષભાઈ પટેલ, ખેડા જિલ્લાના સાંસદ શ્રી દેવુસિંહ ચૌહાણ, નડિયાદ વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક શ્રી પંકજભાઈ દેસાઈ, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદી તેમજ કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી જશવંતસિંહ ભાભોર, શ્રી ભીખુભાઈ દલસાણીયા સહિતના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પ્રેરણાત્મક ઉદ્બોધન થયાં હતાં.
 

 
પ્રચારક એ સમાજનો અવેતનિક સેવક છે : ડૉ. મનમોહનજી વૈદ્ય
 
આ પ્રસંગે વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મા. સહસરકાર્યવાહ ડૉ. મનમોહનજી વૈદ્યે જણાવ્યું હતું કે, મારા પ્રચારક જીવનનો એકડો હું હરીશભાઈ પાસેથી શીખ્યો છું. સાહસિક વૃત્તિ, ત્વરિત નિર્ણયશક્તિ અને સદાય મસ્તીમાં જીવવું એ તેમના વિશેષ ગુણો છે. તેઓના જીવનના પ્રસંગે પ્રસંગે મસ્તી વણાયેલી છે. પરસ્પરના અનેક મસ્તીભર્યા પ્રસંગોથી અમારી બન્નેની દોસ્તી વધુ ને વધુ પ્રગાઢ બની હતી. તેઓએ એક પ્રચારક તરીકેની જવાબદારી સુપેરે નિભાવી છે અને એક પ્રચારક કેવો હોવો જોઈએ ? મા. શ્રી દત્તોપંત ઠેંગડીજીએ એક પ્રસંગે કહ્યું હતું કે, ઉપનિષદમાં કહેવાયું છે - શરીરના આંખ, નાક, કાન, જીભ પ્રકારના અનેક સેવકો હોય છે અને તે તમામ શરીરની સેવા કરે છે, પરંતુ આ બધા સવેતનિક સેવકો છે. આપણે તેઓને સંભાળવા પડે છે. પરંતુ શરીરમાં પ્રાણ પણ હોય છે અને તે અવેતનિક સેવક છે. એટલે કે તે વેતન લીધા વગર શરીરની સેવા કરે છે. પ્રચારક પણ શરીરમાંના એ આત્માની માફક સમાજનો અવેતનિક સેવક હોય છે. સવેતનિક સેવક અને અવેતનિક સેવકમાં ભેદ એ છે કે સવેતનિક સેવક ક્યારેક ક્યારેક થાકી જાય છે. તેને આરામની જરૂર પડે છે. જ્યારે અવેતનિક સેવક એટલે કે પ્રચારક ક્યારેય થાકતો નથી. તે સતત પ્રવાસ થકી પ્રચાર અને સમાજસેવા કરતો રહે છે.
 
સંઘકાર્યની વિશેષતાઓની વાત કરતાં તેઓશ્રીએ જણાવ્યું હતું કે, સંઘકાર્યની મુખ્યત્વે બે વિશેષતા છે. એક મળવું અને આ મળવું એટલે એકઠા થવું નહીં, કારણ કે મળવામાં અને એકઠા થવામાં અંતર છે. મળવામાં સામેવાળાને મળવું મહત્ત્વનું છે. પોતાના મનને વ્યક્ત કરવાની સાથે સામેવાળાને સાંભળવો પણ એટલું જ મહત્ત્વનું છે. અગાઉ સૂચના આપવા માટે પણ મળવાનું થતું, પરંતુ આજે સૂચનાઓ મેસેજિસથી પહોંચી જાય છે, પરિણામે મળવાનું રહી જાય છે.
બીજું ‘આચરણ’ છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું સંપર્કકાર્ય શ્રેષ્ઠ છે, કારણ કે સંઘનું આચરણ શ્રેષ્ઠ છે. ધર્મની તાકાત જેમ તેના આચરણમાં રહેલી છે તેવી જ રીતે રા. સ્વ. સંઘની અસલી તાકાત પણ તેના આચરણમાં જ રહેલી છે. સંઘના કાર્યકર્તાઓ પોતાના આચરણ થકી સમાજમાં સંઘને એક શક્તિરૂપે પ્રસ્થાપિત કરી રહ્યા છે.
 
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં જે સમર્પિત કાર્યકર્તાઓ તૈયાર થાય છે તેમાં પ્રચારકોની ખૂબ જ મહત્ત્વની ભૂમિકા રહે છે. પ્રચારકોના સતત પ્રવાસ અને પ્રયાસના કારણે સંઘના સમર્પિત કાર્યકર્તાઓ મળતા રહે છે. પ્રચારક પોતાના આચરણથી સંઘનાં મૂલ્યોનો પ્રચાર કરે છે. એટલે જ તેને પ્રચારક કહેવામાં આવે છે. ઈશ્ર્વરની કૃપા અને સંઘનું નસીબ છે કે આવા સમર્પિત અને મૂલ્યનિષ્ઠ પ્રચારકોની હારમાળા આજે પણ અવિરત નીકળતી જ રહે છે.
 
સંઘકાર્ય હાલ તેના ચોથા ચરણમાં છે. પ્રથમ ચરણ માત્ર સંગઠન અને સંગઠન કરવાનું હતું. ૨૫ વર્ષ બાદ સંઘનાં વિવિધ ક્ષેત્રો રૂપે સંઘમાં બીજા ચરણની શરૂઆત થઈ. ૧૯૯૦ બાદ ત્રીજું ચરણ શરૂ થયું. હાલ ચોથા ચરણમાં પ્રત્યક્ષ કાર્યોમાં સૌને સહભાગી બનાવવાનું ચાલી રહ્યું છે. સમાજ પરિવર્તનના કાર્યમાં સક્રિય બનાવવામાં આવી રહ્યો છે. સમાજસેવા માટે ધન આપવું એ સહેલું છે. પરંતુ સમય આપવો એ એટલું જ અઘરું છું. સંઘ પ્રચારકો, સંઘ કાર્યકર્તા આ અઘરું કામ કરી રહ્યા છે.
 

 
 
પ્રચારક જીવન દરમિયાન મેં હિન્દુત્વને ખૂબ જ નજીકથી અનુભવ્યું છે : શ્રી હરીશભાઈ રાવલ
 
આ પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક અને વિદ્યાભારતીના અખિલ ભારતીય સંગઠનમંત્રી શ્રી હરીશભાઈ રાવલ ઉર્ફે દાદાજીએ પોતાના ૭૫ વર્ષે અમૃત મહોત્સવની ઉજવણી પ્રસંગે ભાવુક થતાં જણાવ્યું હતું કે, મારા પ્રચારક જીવન દરમિયાન મેં હિન્દુત્વને ખૂબ જ નજીકથી અનુભવ્યું છે. મારામાં અનેક અવગુણો હશે છતાં સમાજે મને સ્વીકાર્યો છે, સન્માન્યો છે. અનેક પ્રસંગોએ સમાજે મને પોતીકો બનાવ્યો છે. પરિણામે સમાજના લોકો સાથે હું સાહજિકતાથી જ જોડાઈ ગયો છું અને આ જ સંઘની એક કાર્યપદ્ધતિ છે કે સમાજને પોતાનો બનાવવાના ગુણ આપમેળે જ વિકસી જતા હોય છે. કટોકટી દરમિયાન અમને સમાજના પરિવારોએ પોતાના સંબંધીઓ બનાવી છુપાવ્યા હતા. અમારું રક્ષણ કર્યું હતું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો એક ભાવ છે કે સમગ્ર હિન્દુ સમાજ આપણો છે. સંઘના એ ભાવને કારણે સમાજને સંઘ પોતાનો લાગવા માંડ્યો છે. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી સંઘના કાર્યક્રમમાં આવી સ્વયંસેવકોને સંબોધન કરે એમાં સંઘનો આ જ ગુણ રહેલો છે.
 

ગુજરાતમાં જે કામ દેખાઈ રહ્યું છે તેમાં દાદાની ભૂમિકા મહત્ત્વની છે : યતિન્દ્રજી શર્મા
 
આ પ્રસંગે વિદ્યાભારતીના અખિલ ભારતીય સંગઠન મંત્રી શ્રી યતિન્દ્રજી શર્માએ જણાવ્યું હતું કે, પૂ. હરીશભાઈ રાવલ એટલે કે દાદાએ કાર્યકર્તાઓ સાથે હંમેશા સ્નેહપૂર્ણ સંબંધ રાખ્યા છે. હાલ ગુજરાતભરમાં વિદ્યાભારતીનું જે કામ દેખાઈ રહ્યું છે તેમાં હરીશભાઈનું ખૂબ જ યોગદાન રહેલું છે. કાર્યકર્તાઓના મનની અંદર તેમના માટે હંમેશા સ્નેહપૂર્ણ ભાવ રહ્યો છે. તેમના ગુણો અને સ્નેહપૂર્ણ સ્વભાવને કારણે તેઓ પરિવાર હોય કે કાર્યકર્તા - તેઓમાં સન્માનનીય બની ગયા છે અને ગુજરાત પ્રાંતના દાદા બની ગયા છે. તેઓ ભારતીયતાના આદર્શો સાથે કોઈપણ પ્રકારની બાંધછોડ કરતા નહોતા. સ્વદેશી ભાષાના આગ્રહી તેઓએ ક્યારેય આ મુદ્દે સમાધાન કર્યું નથી. તેઓએ કોઈ પણ પ્રકારની આશા કે અપેક્ષા રાખ્યા વગર નિર્લેપ ભાવે પોતાનું કર્મ કર્યું છે.
 

 
 
જે જીવન કોઈ આદર્શ માટે ખર્ચાય તે અન્યો માટે આદર્શ બની જાય છે : હસમુખભાઈ પટેલ
 
આ પ્રસંગે પશ્ર્ચિમ ક્ષેત્રના વ્યવસ્થા પ્રમુખ હસમુખભાઈ પટેલે કહ્યું હતું કે, ભગવાન શ્રીરામ ૧૪ વર્ષના વનવાસ બાદ પત્ની સીતા અને ભાઈ લક્ષ્મણ સાથે મહેલના ઝ‚ખામાં તેમનું વનવાસી જીવન વાગોળતા હતા, ત્યારે લક્ષ્મણે ગુસ્સાપૂર્વક કહ્યું કે, આપણો ૧૪ વર્ષનો મહત્ત્વનો સમયગાળો જંગલમાં વેડફાઈ ગયો. ત્યારે ભગવાન શ્રીરામે કહ્યું, કોઈ આદર્શ માટે જીવન ખર્ચાઈ જાય તે જીવન અન્ય માટે આદર્શ બની જાય છે. ભગવાન શ્રીરામનું જીવન આજે લોકોના માટે આદર્શ બની ગયું છે. બરોબર આવું જ પૂ. શ્રી દાદાના જીવનનું છે. રા. સ્વ. સંઘના જેટલા પણ પ્રચારકો થયા છે તેમનું જીવન આદર્શ બની ગયું છે. તેઓશ્રીએ દાદાના પ્રેરણાદાયી જીવનને વાગોળતાં જણાવ્યું હતું કે, સંઘનું કામ કાર્યકર્તા ઘડવાનું છે અને તે કામ પૂરો સમય આપવાથી જ થાય છે. આ બાબત હું તેમની પાસેથી શીખ્યો છું.
 
આ પ્રસંગે વિદ્યાભારતીના અખિલ ભારતીય શિશુવાટિકા પ્રમુખ શ્રી આશાબહેન થાનકીએ જણાવ્યું હતું કે જીવનના કઠિનમાં કઠિન સમયમાં પણ દાદાએ શિક્ષણ સાથે કોઈ જ પ્રકારનું સમાધાન કર્યું ન હતું. સંગઠનમાં બહેનોની સહભાગિતા વધારવા માટે શું કરી શકાય તે દાદા પાસેથી શીખી શકાય છે.