‘બેટા, ચક્રવ્યૂહને તોડવો સહેલો નથી. તું નાનો બાળક છે. તું ચક્રવ્યૂહ કેવી રીતે તોડી શકીશ ?’
SadhanaWeekly.com       |    ૨૭-જુલાઇ-૨૦૧૮

 
 
વીર બાળક અભિમન્યુ .......
 
મહાભારતનું યુદ્ધ ચાલી રહ્યું હતું. ભીષ્મપિતામહ બાણોની શય્યા પર પડ્યા હતા. દ્રોણાચાર્ય કૌરવપક્ષના સેનાપતિ બન્યા હતા. દુર્યોધન વારંવાર દ્રોણાચાર્યને કહેતો હતો, ‘તમે પાંડવોનો પક્ષ લઈ રહ્યા છો. તમે જો એવું ન કરો તો પાંડવોને જીતી લેવા સરળ છે.’
 
દ્રોણાચાર્યે કહ્યું, ‘અર્જુન જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી પાંડવોને દેવતાઓ પણ જીતી શકે એમ નથી. તું જો ગમે તે રીતે અર્જુનને યુદ્ધના મેદાનમાંથી હટાવી દેતો હોય તો બાકીના બધાને હું હરાવી દઈશ.’
 
દુર્યોધનના કહેવાથી કેટલાક યોદ્ધાઓએ તેને પડકાર ફેંક્યો અને રણમેદાનથી દૂર લઈ ગયા. આ બાજુ દ્રોણાચાર્યએ સાત કોઠાનો ચક્રવ્યૂહ બનાવ્યો. તેને ભેદવા માટે અર્જુન જ એક સક્ષમ હતો. અર્જુન યુદ્ધમેદાનમાં ન હોવાથી યુધિષ્ઠિર ખૂબ નિરાશ થઈ ગયા. આ સમયે અર્જુનનો પંદર વર્ષનો પુત્ર અભિમન્યુ આગળ આવ્યો. તેણે કહ્યું, ‘મહારાજ, તમે ચિંતા શા માટે કરો છો ? હું એકલો આ ચક્રવ્યૂહમાં પ્રવેશીને કૌરવોને હરાવી શકું એમ છું.’
 
યુધિષ્ઠિરે પૂછ્યું, ‘બેટા, ચક્રવ્યૂહને તોડવો સહેલો નથી. તું નાનો બાળક છે. તું ચક્રવ્યૂહ કેવી રીતે તોડી શકીશ ?’ અભિમન્યુએ કહ્યું, ‘હું માતાના ગર્ભમાં હતો ત્યારે એક દિવસ પિતાજીએ મારી માતાને ચક્રવ્યૂહનું વર્ણન કર્યું હતું. પિતાજીએ છ કોઠા તોડવાની વાત કરી ત્યાં સુધીમાં માતાને ઊંઘ આવી ગઈ. પિતાજીએ તેની આગળનું વર્ણન કર્યું નહીં. તેથી હું ચક્રવ્યૂહમાં પ્રવેશ કરીને તેના છ કોઠા વીંધી શકું છું, પરંતુ તેનો સાતમો કોઠો ભેદવાની વિદ્યા મને નથી આવડતી.’
ભીમસેને ઉત્સાહમાં આવીને કહ્યું, ‘ચક્રવ્યૂહનો સાતમો કોઠો તો હું મારી ગદાથી તોડી નાખીશ.’
 
યુધિષ્ઠિર નહોતા ઇચ્છતા કે બાળક અભિમન્યુ ચક્રવ્યૂહમાં જાય, પરંતુ બીજો કોઈ ઉપાય પણ નહોતો. બીજા દિવસે સવારે યુદ્ધનો પ્રારંભ થયો. અભિમન્યુ યુદ્ધમેદાનમાં પ્રવેશ્યો. ચક્રવ્યૂહમાં મુખ્ય દરવાજાના રક્ષણની જવાબદારી દુર્યોધનના બનેવી જયદ્રથને સોંપી હતી. અભિમન્યુએ પોતાની બાણવર્ષાથી જયદ્રથને પાછો ખદેડી દીધો. પરંતુ થોડીવારમાં સ્વસ્થ થઈને તે પાછો આવી ગયો. આખો દિવસ ઘનઘોર યુદ્ધ ચાલ્યું, પરંતુ અભિમન્યુ સિવાય બીજો કોઈ પણ યોદ્ધો ચક્રવ્યૂહમાં ઘૂસી શક્યો નહીં. પંદર વર્ષનો અભિમન્યુ પોતાના રથ પર સવાર થઈને ચક્રવ્યૂહમાં હાહાકાર મચાવી રહ્યો હતો. ચારે બાજુથી બાણોની વર્ષા થઈ રહી હતી. કૌરવોની સેનાના હાથી અને ઘોડા સૈનિકો સહિત ધરાશાયી થવા લાગ્યા. રથના ભૂક્કા બોલવા લાગ્યા. કૌરવોની સેના આમથી તેમ ભાગવા લાગી. દ્રોણાચાર્ય, કર્ણ, અશ્ર્વત્થામા, શલ્ય જેવા યોદ્ધાઓ સામે આવ્યા પણ કોઈ અભિમન્યુની સામે ટકી શક્યું નહીં. દ્રોણાચાર્ય અને કર્ણને વારંવાર પીછેહઠ કરવી પડી હતી. અભિમન્યુ એક પછી એક વ્યૂહને ભેદતો આગળ વધતો જતો હતો. સૈનિકોનો સંહાર કરતાં કરતાં તે છ દ્વાર ભેદીને આગળ વધ્યો. એકલો અભિમન્યુ બધાને હંફાવી રહ્યો હતો. જેણે તેને પરાજિત કર્યા હતા તે યોદ્ધાઓ પણ તેનો પીછો કરતા તેને ઘેરીને યુદ્ધ કરવા લાગ્યા. ચારેબાજુ બાણોનો મારો ચાલી રહ્યો હતો. સાતમો કોઠો કઠિન હતો. તેને અભિમન્યુ જાણતો નહોતો, છતાં પણ શત્રુસેનાને સહેજે મચક આપતો નહોતો. તેના ચહેરા પર સહેજ પણ ઉદાસી કે થાક દેખાતો નહોતો. બીજી બાજુ અભિમન્યુના બાણોથી કૌરવસેના ટપોટપ મરી રહી હતી. દ્રોણાચાર્યે નિરાશ થઈ કહ્યું, ‘જ્યાં સુધી આ બાળકના હાથમાં ધનુષ્યબાણ છે ત્યાં સુધી યુદ્ધમાં જીતવાની આશા છોડી દેવી જોઈએ.’
 
યુદ્ધમાં હાર જોઈને કર્ણ વગેરે છ મહારથીઓએ અભિમન્યુ સાથે છળકપટભર્યું યુદ્ધ કરવા માંડ્યું. અભિમન્યુના રથના ઘોડાને મારી નાખવામાં આવ્યા. તેના સારથિને પણ મારી નાખવામાં આવ્યો, જે યુદ્ધના નિયમોથી વિપરીત હતું. કર્ણે અભિમન્યુનું ધનુષ્ય કાપી નાખ્યું. અભિમન્યુ રથની નીચે આવીને દુશ્મનો પર પ્રહાર કરવા લાગ્યો. તેની શક્તિ જોઈને શત્રુસેના ડરવા લાગી. મહારથી યોદ્ધાઓએ તેને ચારે બાજુથી ઘેરી લીધો હતો. તેનાં કુંડળ અને કવચ પણ કપાઈને નીચે પડી ગયાં. નિર્દયી કૌરવ સેનાનાં બાણોથી અભિમન્યુ ઘવાઈ ગયો. તેની પાસે કોઈ હથિયાર ન રહ્યું એટલે તે રથના તૂટેલા પૈડાને હાથમાં ઉઠાવીને તેના વડે પ્રહાર કરવા લાગ્યો. ઘાયલ અવસ્થામાં પણ તે એક વીર યોદ્ધાની જેમ લડતો રહ્યો. તેની નજીક આવવાની કોઈ હિંમત કરી શકતું નહોતું. કૌરવોએ છેવટે છળકપટ આચર્યું. તેના મસ્તકના પાછળના ભાગે જોરદાર ગદાનો પ્રહાર કર્યો. તેના મસ્તકમાંથી લોહીની ધારાઓ વહેવા લાગી. અભિમન્યુ યુદ્ધમેદાનમાં એકલો લડતો લડતો ભોંય પર પટકાયો અને સદાયને માટે આંખો મીંચી દીધી. પાંડવોના વિજય માટે તેણે પોતાનું બલિદાન આપ્યું.
 
જ્યારે પાંડવોને આ વાતની ખબર પડી ત્યારે તેમના શોકનો કોઈ પાર રહ્યો નહીં. માતા સુભદ્રા, દ્રૌપદી સહિત સૌ કલ્પાંત કરવા લાગ્યાં. ત્યારે ભગવાન કૃષ્ણે તેની વીરતાની યાદ અપાવી સૌને સાંત્વના આપી. અભિમન્યુ જેવો વીર બાળક સદીઓ સુધી મહાન યોદ્ધા અને વીરતાની યાદ અપાવતો રહેશે.