દરિદ્રતાથી રિબાતા એક બ્રાહ્મણ દંપતી અને ગુરુવારનાં વ્રતની કથા

    ૧૬-ઓગસ્ટ-૨૦૧૮   


ઘણા કાળ પહેલાની વાર્તા – મણુપુરમ નામની એક નગરી હતી. તેમાં કુબેર ભંડારી નામે એક બ્રાહ્મણ અને તેની પત્ની શ્રીમતી દેવી રહેતા હતા. આ બ્રાહ્મણ અને બ્રાહ્મણી ખૂબ ભક્તિભાવવાળા અને નીતિ પરાયણ તથા ધર્મ ભાવનામાં અતિ શ્રદ્ધાવાળા હતાં.
પણ પેલી કહેવત છે ને કે “ભગતને ઘેર હાંડલા કુસ્તી કરે.”
આમ બ્રાહ્મણનું નામ કુબેર ભંડારી પણ તેનાથી વિપરીત તે ઘણો ગરીબ હતો. અને એટલું ઓછું હોય તેમ તેને ત્યાં સંતાનની ખોટ હતી.
પતિ અને પત્ની ભગવાનમાં શ્રધ્ધા રાખી વ્રત વરતુલા કરે છે. એ આશાએ કે કાલે ભગવાન આપણી સામુ જોશે અને પછી સૌ સારા વાના થશે.
પોતે જાતે બ્રાહ્મણ હોવાથી જીવન નિર્વાહ ચલાવવા કર્મકાંડ કરે. યજ્ઞ કરવા જાય. લગ્ન કરાવવા જાય. આમ પોતાનો જેમ તેમ નિર્વાહ ચલાવે. આ બંને બ્રાહ્મણ બ્રાહ્મણીની સ્થિતિ જોઈને આડોશી પાડોશીને ઘણી દયા આવતી અને વાર તહેવારે સીધું આપતા. આમ ગાડું ગબડે છે.
એક દિવસ સાંજના સમયે શ્રીમતી દેવી ઘરનાં આંગણામાં બેઠી હતી. ત્યાં તો કાને આજુબાજુની પાડોશણો એક બીજાને કહેતી હતી તેમાં તેનું ધ્યાન પડ્યું અને તે ધ્યાનથી સાંભળવા લાગી.
પેલી પડોશણ બોલી એક વ્રત એવું છે જો શ્રીમતી એ વ્રત શ્રધ્ધા અને ભક્તિ ભાવનાપૂર્વક અને એક નિષ્ઠાથી કરે તો ભગવાન તેના સામું જુએ અને દુઃખ દરિદ્રનો અંત આવે અને પ્રભુ તેની શેર માટીની ખોટ પૂરી કરે. આવું પાડોશણનું બોલવું સાંભળીને શ્રીમતી દેવી તૂર્ત જ તે પાડોશણ પાસે ગઈ અને કહેવા લાગગી, “ઓ ભલી બાઈ, બહેન ! તમારી વાત મેં સાંભળી છે. તેમાં મારી ભલાઈ છે. એવું તેમ કહ્યું તો હવે એ કયું વ્રત છે અને મારે કેવી રીતે કરવું તે મને કહો હું પૂર્ણ ભક્તિભાવથી તે વ્રતને આદરું માટે આપ મને વિધિ બતાવો.”
આ બ્રાહ્મણીની પ્રત્યે જે પાડોશણને લાગણી હતી તેણે કહ્યું, “સાંભળ, બહેન ! બાર માસમાં ગમે તે મહિનામાં કોઈ પણ ગુરુવારથી આ વ્રત થાય છે.”
ગુરુવારને દિવસે ભગવાન દત્તાત્રેય મહારાજનું સ્મરણ કરવું પછી તેમની મૂર્તિ લાવવી. મૂર્તિ ન મળે તો તેમની છબી લાવવી પછી સવારમાં સ્નાન કર્મથી પરવારીને ભગવાન દત્તાત્રેયની શ્રધ્ધા ભક્તિભાવનાથી પૂજા કરવી. પૂજા કર્યા પછી ભગવાનનું ધ્યાન કરવું, કિર્તન કરવું. ચણાની લોટની મીઠાઈ અને ચણાની દાળ લેવી તેનું ભગવાન દત્તાત્રેયને નૈવેદ્ય ધરાવવું.
પીળા વસ્ત્રો પહેરવા તથા પીળી કરેણના ફૂલની માળા પહેરાવવી અને ભગવાન દત્તાત્રેય મહારાજનું ધ્યાન કરવું, ભજન કીર્તન કરવા. અને આ દિવસે યથાશક્તિ ફુલ નહીં તો ફુલની પાંખડી દરિદ્રનારાયણને, લૂલા લંગડાને, ગરીબ ગરબાઓને દાન કરવું. આમ આખો દિવસ ભગવાન દત્તાત્રેયનું રટણ કરવું.
શ્રીમતી દેવી તો પાડોશણે બતાવેલી વિધિ પ્રમાણે પછીના જ ગુરુવારથી વ્રત કરવા લાગી. ભગવાનની ભક્તિ કરે છે. પૂજા કરે છે. વિધિ પ્રમાણે વ્રત કરે છે. તેમાં એક દિવસ તેને ત્યાં એક સંત મહાત્મા આવ્યા અને ભિક્ષાની માંગણી કરી. શ્રીમતી દેવી ઘરની બહાર આવીને જુએ છે તો કોઈ તેજસ્વી મહાત્માજી ભિક્ષાર્થે પોતાને આંગણે ઊભા છે. હાથ જોડીને તેણે કહ્યું, “બાપુજી! આજે તો મારે ગુરુવારનું વ્રત છે. માટે ભગવાન દત્તાત્રેયની પ્રસાદી છે. અને તે પણ ચણાના લોટમાંથી બનાવેલી છે. આપ કહો તો ભિક્ષામાં પધરાવું.” પેલા મહાત્માજી બોલ્યા, “જે આપીશ તે સ્વીકારીશ બચ્ચી.”
અને મહાત્માજીનું કહેવુ સાંભળી શ્રીમતી દેવી તો આનંદથી પોતાના ઘરમાં દોડી ગઈ. ભક્તિ ભાવથી ભગવાન દત્તાત્રેય મહારાજનું નામ લઈને મહાત્માજીને ચણાના લોટમાંથી બનાવેલી મીઠાઈનો પ્રસાદ આપ્યો અને બે હાથ જોડી પ્રણામ કરી ઊભી રહી.
શ્રધ્ધા અને ભક્તિ ભાવનાથી કરેલું કાર્ય કોઈ દિવસ અફળ જતું નથી.
તેમ આ બ્રાહ્મણીની ભક્તિ જોઈને પેલા મહાત્માજી પોતાના મૂળ સ્વરૂપમાં આવી ગયા અને કહ્યું. “બેટા ! આંખો ખોલ તારી શ્રદ્ધા અને ભક્તિથી હું પ્રસન્ન થયો છું. માગ તું જે માંગીશ તે આપીશ.”
બ્રાહ્મણીએ કહ્યું, “પ્રભુ ! શું માંગુ ? આપ તો અંતરયામી છો ! બધું જાણો જ છો. તેમ છતાં આપ મારા ઉપર પ્રસન્ન થયાં હોય તો જન્મ જન્માંતર આપના શરણમાં ભક્તિ અને મારા પતિનું દુઃખ દારિદ્ર દૂર કરી પુત્ર પ્રાપ્તિ થાય તેવું વરદાન આપો.”
ભગવાન દત્તાત્રેય મહારાજ બ્રાહ્મણીએ માગેલા વરદાનથી પ્રસન્ન થયા અને તથાસ્તુ કહી અંતરધ્યાન થયા.
વખતને વહેતા શી વાર ?
જેમ જેમ દિવસો પસાર થતાં ગયા તેમ તેમ કુબેર ભંડારી (બ્રાહ્મણની) ગરીબાઈ દૂર થતી ગઈ અને આ બાજુ પૂરા માસે શ્રીમતી દેવીએ સુંદર સૂર્યના સમાન ક્રાંતિવાળા બાળકને જન્મ આપ્યો. આજુ બાજુવાળી પાડોશણો આવા દેવના ચક્કર જેવા બાળકને જોઈને બોલી કે દત્તાત્રેય મહારાજ જેવા આ બ્રાહ્મણીને અને બ્રાહ્મણને ફળ્યાં તેવા આ વાર્તા લખનારને, સાંભળનારને, કહેનારને, વ્રત કરનારને ફળજો.
 
II જય દત્તાત્રેય મહારાજ II