નરેન્દ્ર મોદીએ રવાન્ડાવાસીઓને ૨૦૦ ગાયો કેમ ભેટમાં આપી?

    ૦૩-ઓગસ્ટ-૨૦૧૮

 
આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી હમણાં ત્રણ દિવસના આફ્રિકાના પ્રવાસે જઈ આવ્યા. આ પ્રવાસ દરમિયાન મોદી રવાન્ડા ગયા ને મોદીની આ રવાન્ડાની યાત્રા ઘણી બધી રીતે ઐતિહાસિક હતી પણ બે બાબતો ખાસ ધ્યાનાકર્ષક રહી. સૌથી પહલી વાત એ કે. કોઈ ભારતીય વડાપ્રધાન રવાન્ડા ગયા હોય એવું પહેલી વાર બન્યું. આપણને આઝાદ થયે ૭૧ વર્ષ થઈ ગયાં પણ આ ૭૧ વર્ષમાં આજ સુધી કોઈ ભારતીય વડાપ્રધાન રવાન્ડાની યાત્રાએ નહોતો ગયો. મોદીએ આ પહેલ કરીને ઇતિહાસ રચ્યો.
 
બીજી ધ્યાનાકર્ષક વાત એ રહી કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની યાત્રા સમયે શુભેચ્છાના પ્રતીક રૂપે રવાન્ડાને ૨૦૦ ગાયો ભેટમાં આપી. દરેક દેશના વડા બીજા દેશના પ્રવાસે જાય ત્યારે પોતાના તરફથી કોઈ વિશેષ ભેટ લઈ જતા હોય છે. આ એક પ્રોટોકલ એટલે કે શિષ્ટાચાર છે ને આ શિષ્ટાચાર અંતર્ગત સામાન્ય રીતે એવી ચીજોની ભેટ અપાતી હોય છે કે જે ભેટ તરીકે સાચવી શકાય. જે દેશની મુલાકાત લીધી હોય તે દેશના વડા પોતાના સત્તાવાર નિવાસસ્થાને કે પોતાના નિવાસસ્થાને સ્મૃતિ તરીકે સાચવી શકે તેવી ચીજોની ભેટ અપાતી હોય છે. નરેન્દ્ર મોદીએ એ પરંપરાને તોડીને અનોખી ભેટ આપી કેમ કે મોદીએ ભેટમાં આપેલી ગાયો રવાન્ડાના પ્રમુખ પૌલ કાગામે પોતાના ઘરમાં રાખી શકવાના નથી. છતાં મોદીની આ ભેટે રવાન્ડાના લોકોના દિલ જીતી લીધાં.
 
રવાન્ડામાં લોકો ગાયને જીવાદોરી માને છે
 
ભારતમાં લોકોને એવા સવાલ થયા છે કે, મોદીએ આખરે આવી ભેટ શું કરવા આપી ? જો કે રવાન્ડામાં લોકો આ ભેટથી ખુશ છે અને મોદી પર ફિદા થઈ ગયા છે. તેનું કારણ એ કે, રવાન્ડામાં ગાયને બહુ શુભ માનવામાં આવે છે. આપણે ત્યાં ગાયને માતા કહીએ છીએ પણ તેનું મહત્વ આપણે સમજ્યા નથી જ્યારે રવાન્ડામાં સામાન્ય લોકો ગાયને માત્ર પવિત્ર નથી માનતા પણ પોતાની જીવાદોરી માને છે. રવાન્ડામાં સામાજિક પ્રસંગોમાં પણ ગાયની ભેટ આપવામાં આવે છે. લગ્ન પ્રસંગે તો છોકરીનો પરિવાર અચૂક દીકરીને ગાય આપે જ છે કે જેથી સમૃદ્ધિ દીકરીના ઘરમાં જાય. આ પરંપરા વરસો સદીઓ જૂની છે અને ગાયનું દાન આપનારને મહાન ગણવામાં આવતો હતો. રવાન્ડાના પ્રાચીન ઇતિહાસમાં ગાયનો મુદ્રાની જેમ ઉપયોગ કરવામાં આવતો હતો. રવાન્ડાના લોકો માટે ગાય સમૃદ્ધિનું પ્રતીક એટલે છે કે, ભારતની જેમ રવાન્ડા પણ કૃષિપ્રધાન દેશ છે. રવાન્ડાના ૮૦ ટકા લોકો ખેતી સાથે જોડાયેલા છે. રવાન્ડાની વસ્તી ૧.૧૨ કરોડ છે અને મોટા ભાગના લોકો ખેતી પર જ નભે છે.
 
રવાન્ડામાં ગાયનો મહિમા કેવો છે તેનો ખ્યાલ એ પરથી જ આવી જાય કે, ખુદ રવાન્ડા સરકાર ’ગિરિંકા’ નામે યોજના ચલાવે છે. આફ્રિકન દેશોમાં કુપોષણની સમસ્યા મોટી છે. આફ્રિકાના મોટા ભાગના દેશો ગરીબીમાં સબડે છે તેથી નવજાત બાળકોને પૂરતા પ્રમાણમાં પોષણ નથી મળતું. કુપોષણના કારણે બાળકોનો પૂરતો વિકાસ ના થાય ને નાની વયે ગુજરી જાય તેનું પ્રમાણ બહુ મોટું છે. રવાન્ડામાં પણ આ સમસ્યા હતી જ ને એક દાયકા પહેલાં કુપોષણના કારણે નવજાત બાળકોના મોતના મામલે રવાન્ડા દુનિયાના ટોચના દેશોમાં એક હતો.
 
ગાયની મદદથી કુપોષણ પર કાબૂ
 
રવાન્ડાના હાલના પ્રમુખ પૌલ કાગામે ૨૦૦૦ની સાલમાં સત્તા પર આવ્યા પછી તેમણે આ સમસ્યા સામે લડવાનું નક્કી કર્યું. લાંબી વિચારણા પછી તેમને લાગ્યું કે, ગાયની મદદથી આ સમસ્યા ઉકેલાશે તેથી તેમણે ‘ગિરિંકા’ યોજના અમલમાં મૂકી. રસપ્રદ વાત એ છે કે, રવાન્ડામાં છેક સત્તરમી સદીમાં આવી યોજના અમલમાં મુકાયેલી. રવાન્ડાના રાજા મિબામ્બવે ગિસાનુરાએ આ યોજના અમલમા મૂકેલી. એ વખતે ગાય સંપત્તિનું પ્રતીક હતી. ધનિકો પાસે ઢગલાબંધ ગાયો હોય ને ગરીબ પરિવારો પાસે એક પણ ગાય ના હોય એવી સ્થિતિ હતી. તેના કારણે ગરીબોનાં છોકરાં દૂધ માટે ટળવળતાં. રાજાએ એલાન કર્યું કે, જેમની પાસે વધારે ગાયો છે એ લોકો ગરીબોને ગાયો વહેંચે કે જેથી રાજ્યનું કોઈ બાળક દૂધ વિના ના રહે. એ વખતે એવી પ્રથા પણ અમલમાં મુકાઈ કે, ગાય વાછરડીને જન્મ આપે ત્યારે પરિવારે એ વાછરડી પોતાની પાસે ના રાખવી પણ જેમની પાસે ગાય નથી તેવા પરિવારને આપી દેવી કે જેથી ભવિષ્યમાં એ પરિવાર તેના દૂધનો ઉપયોગ કરી શકે, બાળકોને પોષણ મળી શકે. કાગામેએ આ જ મોડલ અપનાવી લીધું અને ‘ગિરિંકા’ યોજના ૨૦૦૬માં અમલમાં મૂકી.
 

 
 
 
‘ગિરિંકા’નો અર્થ છે, પોતાની પાસે ગાય હોવી. આ યોજના હેઠળ અત્યંત ગરીબ એવા દરેક પરિવારને ગાય આપવાનું નક્કી કરાયું. ગરીબ પરિવાર ગાયના દૂધનો ઉપયોગ કરીને કુપોષણથી બચી શકે તે ઉદ્દેશ આ યોજના પાછળ હતો. ગાયોનું દૂધ પીવડાવીને બાળકોનું કુપોષણ દૂર કરવાનો અને સાથે દૂધ ઉદ્યોગને પ્રોત્સાહન આપવાના બેવડા ઉદ્દેશ સાથે આ યોજના શરૂ કરાઈ ને તેના કારણે બહુ મોટો ફરક પડી ગયો છે. છેલ્લા એક દાયકામાં રવાન્ડાની સરકારે ૨.૦૩ લાખ પરિવારોને આ યોજના હેઠળ ગાયો આપી છે. આ ગાયોએ જન્મ આપેલી વાછરડી બીજા ગરીબ પરિવારોને અપાય છે ને એ રીતે બીજા પરિવારોને પણ લાભ મળે છે. રવાન્ડાની સરકાર કુલ ૩.૫૦ લાખ પરિવારોને ‘ગિરિંકા’ યોજના હેઠળ ગાયો આપવા માગે છે.
 
‘ગિરિંકા’ યોજનાના કારણે રવાન્ડામાં કુપોષણનું પ્રમાણ ઘટ્યું છે અને રોજગારી વધી છે. ગરીબ પરિવારો ગાયોને સાચવે છે અને તેમને સારો ખોરાક આપે છે કે જેથી વધારે દૂધ મળે. આ દૂધમાંથી પોતાના વપરાશ જેટલું દૂધ રાખીને પરિવાર બીજું દૂધ વેચી દે છે તેથી તેમને આવક પણ થાય છે. રવાન્ડામાં આ કારણે ડેરી ઉદ્યોગ પણ વિકસવા માંડ્યો છે. બીજું એ કે, ગાયો માટે લીલા ઘાસચારાની વ્યવસ્થા કરવી જ‚રી હોય છે કે જેથી તે સારું દૂધ આપે. તેના કારણે ગરીબ પરિવારો નકામી પડી રહેલી જગાઓને સરખી કરીને ત્યાં ઘાસચારાનું વાવેતર કરવા માંડ્યા છે. તેના પરિણામે નકામી જમીનનો ઉપયોગ થવા માંડ્યો છે અને લીલોતરી વધી છે. ગાયો એ રીતે પર્યાવરણનું જતન કરવામાં નહીં પણ તેનું સ્તર સુધારવામાં પણ નિમિત્ત બની છે.
 
મોદીએ રવાન્ડાના રવેરુ મોડલ જઈને ગામના એવા પરિવારોને ગાયો ભેટમાં આપી કે જેમને હજુ સુધી સરકારી યોજનાનો લાભ નહોતો મળ્યો. ગાયો ભેટમાં આપતી વખતે મોદીએ ‘ગિરિંકા’ યોજના માટે પ્રમુખ પોલ કગામેનાં વખાણ કર્યાં અને જે શબ્દો કહ્યા તે આપણે યાદ રાખવા જેવા છે. મોદીએ કહ્યું કે, ભારતની જનતા પણ આશ્ર્ચર્યચકિત છે કે અહીં આટલે દૂર ગાયને આટલું મહત્ત્વ આપવામાં આવે છે અને ગાયો ગામોના આર્થિક વિકાસનું એક માધ્યમ છે.
 
રવાન્ડા ગરીબ દેશ છે અને બહુ આર્થિક સમૃદ્ધિ નથી પણ આ દેશ પાસે બીજી પણ ઘણી વિશેષતાઓ છે. રવાન્ડાની સંસદમાં બે તૃતીયાંશ સાંસદ મહિલાઓ છે ને દુનિયામાં મહિલાઓને પ્રતિનિધિત્વ આપવાના મામલે રવાન્ડા સૌથી આગળ છે. આવું તો બીજું ઘણું રવાન્ડા પાસેથી પ્રેરણા લેવા જેવું છે, પણ આપણે બીજું કંઈ ન કરીએ ને ગાયને મહત્ત્વ આપીએ તો પણ ઘણું. હિન્દુત્વમાં ગાયને પવિત્ર માનવામાં આવે છે. તે પાછળનું કારણ માત્ર ધાર્મિક માન્યતા જ નથી પણ ગાય આર્થિક વિકાસનું પ્રતીક છે તે પણ છે. આપણું ગ્રામીણ અર્થતંત્ર આજેય સાબૂત છે તે ગાયોના કારણે જ ટક્યું છે પણ કમનસીબે આપણે ગાયનું મહત્ત્વ ભૂલતા જઈએ છીએ.
 
રવાન્ડા જેવો નાનકડો દેશ ગાયના મહત્ત્વને સમજ્યો છે ત્યારે આપણે કમ સે કમ આ મામલે તેની પાસેથી પ્રેરણા લેવી જ જોઈએ.