ગાંધીએ સત્યના પ્રયોગો કર્યા હતા, આ ગાંધીએ સત્યના પ્રયોગો રચ્યા છે.

    ૦૩-ઓગસ્ટ-૨૦૧૮   

 
 
 
નટવર ગાંધીની સંઘર્ષ અને પ્રગતિની ગાથા
એક અજાણ્યા ગાંધીની આત્મકથા...
 
‘મારે જ્યારે ન્યૂયોર્કમાં ‘ગુજરાતીપણું, શીખવે ઘણું’ એ વિષય પર પ્રવચન આપવાનું હતું ત્યારે ખૂબ કુતૂહલથી અમેરિકામાં ખૂબ જ ટોચે પહોંચેલા ગુજરાતીઓ યાદ આવેલા. આ યાદી લાંબી છે અને વિષયો પણ અનેક છે. એમાં જેમની સાથે ઘરોબો છે એવા નટવર ગાંધી બહુ તીવ્રતાથી યાદ આવેલા. નટવર ગાંધી એટલે સાવરકુંડલાથી નીકળેલું એક શમણું, જે મુંબઈમાં મોટું થયું, એટલાન્ટામાં એકેડેમિક્સ પામ્યું અને વોશિંગ્ટનમાં વિસ્તરણ પામ્યું. વોશિંગ્ટનમાં ‘ચીફ ફાઈનાન્સિયલ ઑફિસર’ના ઉચ્ચ અને મહત્ત્વના હોદ્દા સુધી પહોંચવું અને પહોંચ્યા પછી ગુજરાતીપણું સાચવી રાખવું એ ખૂબ અગત્યની ઘટના છે, પણ આ ગાંધીનું માહાત્મ્ય તો એમની સર્જકતાને એમણે જે રીતે સાચવી રાખી છે, વિશેષ કરીને સોનેટ-લેખનમાં તે અભિનંદનીય તો છે જ, પણ માણવાનું ટાણું છે.
 
આત્મકથા લખવી એ પરાક્રમનું કામ છે, એમાં વીરતા જોઈએ કારણ એમાં સચ્ચાઈ જ એની યથાર્થતા નક્કી કરે છે. નટવરભાઈની આત્મકથાનાં ત્રણ લક્ષણો છે; એ ઇન્ટરેસ્ટીંગ છે, એ ઇનસ્પાયરીંગ છે અને એ ઇન્ટરનેશનલાઇંગ પણ છે. શૈલી સરળ છે પણ સાહિત્યત્વથી ભરપૂર છે. શબ્દોના ચયનમાં નટવરભાઈ અત્યંત કુશળ અને કલાત્મક છે. આખી આત્મકથામાં ઠેર ઠેર શબ્દચિત્રો છે, અને આ શબ્દચિત્રોમાં એક સ્પર્શક્ષમતા કે ૩ડીની અસર ઊભી કરી શકાય તેવી તાકાત છે. જુઓ, સાંભળો એમના વતનવર્ણનમાં ધબકતા પ્રાણને,..
 
"અમારું ઘર દેવળાને ઝાંપે, કુંડલામાં. ઝાંપેથી આગળ વધીએ તો જે રસ્તો તમને ચોક લઈ જાય, તે ગાંધી ચોક તરીકે ઓળખાતો. એ રસ્તે હું દરરોજ અમારી દુકાને જતો. એ રસ્તા પર ડાબી બાજુએ એક બીડીવાળાની દુકાને કામ કરનારાઓ ફટફટ બીડીઓ વાળતા જાય અને આવતાં જતાં બૈરાઓ ઉપર ગંદી કોમેન્ટ કરતા જાય. પછી પાનાવાળાની દુકાન, જ્યાં પાન ખાનારાઓનો અડ્ડો જામ્યો હોય, ત્યાં નવરા લોકો બીડી ફૂંકતા હોય, ઊભા ઊભા તમાકુવાળું પાન ખાતા હોય અને ગામ આખાની ગોસિપ કરતાં કરતાં પાનની પિચકારી મારતા જાય. એ પિચકારીઓથી બાજુની ભીંત આખી રાતી થઈ ગઈ હોય. આગળ વધો તો આવે હજામ, એ પણ ગામની ગોસિપનું મોટું ધામ. થોડેક આગળ આવે ગાંધી ચોક જેમાં કોંગ્રેસ અને સમાજવાદ એમ બન્ને પક્ષો ચોકમાં હાથેથી લખેલા સંદેશાઓ મૂકે, આ બોર્ડ દ્વારા મ્યુનિસિપાલિટી (સુધરાઈ)ની ચૂંટણી લડાઈ. સમજો કે આ ચોક એ જ અમારું રોજનું છાપું... નવરા લોકો ઊભા ઊભા એ બોર્ડ વાંચે. ગામની એકની એક ટોકીઝમાં કઈ ફિલ્મ ચાલે છે તેનું પણ મોટું પોસ્ટર લગાડેલું હોય.
 
આ આત્મકથાને ઇન્ટરેસ્ટીંગ બનાવે છે તેનો પૃથ્વીને ફરી વળતો વ્યાપ... આ સાવરકુંડલાની શેરીથી છેક વોશિંગ્ટન જ્યાં વીસમી જાન્યુઆરીએ અમેરિકાના રાષ્ટ્રપતિનું પદગ્રહણ-સમારંભ થાય છે, એનું વર્ણન વાંચીએ ત્યારે આપણે આપણા કવિમિત્રનો રોમાંચ અનુભવીએ છીએ. આ ઑડિયો-વિઝ્યુઅલના જમાનામાં એક શબ્દશિલ્પી પોતાની કથનકલાથી આપણને જે તે સ્થળનો અને સ્થિતિનો અનુભવ કરાવે છે તે આ આત્મકથાનો વિશેષ છે.
 
મેં આ આત્મકથાનું કેન્દ્રબિંદુ શોધવાનો પ્રયાસ કર્યો ત્યારે મને નટવરભાઈના બે સોનેટોમાં એમણે વ્યક્ત કરેલી ભાવનામાં વાંચવા મળ્યો, આવું કશુંક વંચાય છે, "ગમે ધનિક દેશ આ/પણ વિશેષ આકર્ષણ/ઇમર્સન પ્રબુદ્ધ, લિંકન મુક્તિદાતાતણું, થોરોનું, વ્હીટમેન, ટ્વૈન, કવિ એમિલીનું મને; ......"અને છેલ્લે, "જરૂર તજી હિંદની સરહદો, પરંતુ મટ્યો નથી જ નથી હિંદી હું../વળી થઈ સવાયો થઈ અમેરિકન, હું થઈશ ગુજરાતી ગાંધીતણો. "એક આત્મકથા મોહનદાસ ગાંધીની હતી જેમણે સત્યના પ્રયોગો કર્યા હતા, આ ગાંધીએ (અહીં મોહનદાસ ગાંધી સાથે સરખામણી કરવાનો જરાયે પ્રયત્ન નથી) સત્યના પ્રયોગો રચ્યા છે. સત્યની પરીક્ષા થતી હોય, વોશિંગ્ટન જેવા મહાનગરનાં મહાકૌભાંડોને ડામવા માટે અને સીસ્ટમને વ્યવસ્થિત કરવા એક ગુજરાતી કવિ એક પદ ઉપર બેસીને નિવૃત્ત થાય ત્યારે આવી આત્મકથા આપે ત્યારે સ્વાભાવિક રીતે પ્રેરણાદાયક બની રહે છે. આ આત્મકથાની વિશેષતા એ છે કે અમેરિકાની સરકારી સીસ્ટમમાં પોસ્ટીંગ વગેરે બાબતોમાં ચાલતી ખટપટ અને કાળા-ગોરા અંગેના ભેદભાવની સૂક્ષ્મ સમજ પડે છે. આ રીતે આંતરરાષ્ટ્રીય બાબતોથી વધુ ને વધુ જાણતી નવી પેઢી આ આત્મકથા થકી નટવરભાઈ પાસેથી પ્રેરણા અને આંતરરાષ્ટ્રીય સમજ વધારનારી બની છે.
નટવર ગાંધી એ તત્ત્વજ્ઞાની અને એમના આદર્શ પુરુષ થોરોનું એ વાક્ય ચરિતાર્થ કર્યું છે, "જીવો, સપાટી ઉપર નહીં. જીવનનાં ઊંડા રહસ્યો પામવાં હોય તો ઊંડાણથી જીવો.
 
(ઇમેજ દ્વારા આયોજિત કાર્યક્રમમાં દીધેલા પ્રવચનનું ગૃહકાર્ય...)