દેશમાં કેમિકલયુક્ત ફૂડનું વધતું બજાર ઓર્ગેનિક ફૂડ અપનાવો, નીરોગી જીવન જીવો

    ૦૬-ઓગસ્ટ-૨૦૧૮   

 
બજારમાં તમામ પ્રકારનાં ફળ અને શાકભાજી ઉપલબ્ધ છે, જે જોવાથી વધુ તાજાં લાગે છે, પરંતુ એનો એવો મતલબ નથી કે તે ઓર્ગેનિક છે. ઓર્ગેનિક ફૂડ આઈટમ્સ સર્ટિફાઈડ હોય છે. એના પર સર્ટિફાઈડ સ્ટિકર્સ હોય છે. તેનો સ્વાદ પણ નોર્મલ ફૂડથી થોડો અલગ હોય છે. ઓર્ગેનિક મસાલાની ગંધ નોર્મલ મસાલાની તુલનામાં વધુ હોય છે. આથી ઓર્ગેનિક શાકભાજી રાંધવામાં વધુ સમય લેતી નથી. સ્વાસ્થ્યની દૃષ્ટિએ ઓર્ગેનિક ખાદ્યસામગ્રીને પ્રથમ શ્રેણીની ખાદ્યસામગ્રી માનવામાં આવે છે. ઓર્ગેનિક ફાર્મિંગ વિશે આ લેખમાં વિસ્તારથી જોઈએ.
 
ઓર્ગેનિક ફૂડ્સમાં ઝેરી તત્ત્વ હોતાં નથી, કેમ કે તેમાં કેમિકલ્સ, પેસ્ટિસાઈડ્સ ડ્રગ્સ, પ્રિઝર્વેટિવ જેવી નુકસાન કરવાવાળી વસ્તુનો ઉપયોગ કરાતો નથી. સામાન્ય ફૂડ આઈટમ્સમાં પેસ્ટિસાઈડ્સનો ઉપયોગ થાય છે. પેસ્ટિસાઈડ્સમાં ઓર્ગેનો-ફોસ્ફોરસ જેવાં કેમિકલ હોય છે જેમાં ઘણા પ્રકારની બીમારીનું જોખમ વધી જાય છે. પારંપરિક ફૂડ કરતાં ઓર્ગેનિક ફૂડમાં ૧૦થી ૫૦ ટકા સુધી વધુ પૌષ્ટિક તત્ત્વ હોય છે. તેમાં વિટામિન, મિનરલ્સ, પ્રોટીન, કેલ્શિયમ અને આયર્ન પણ વધુ હોય છે. તેમાં સામેલ પોષક તત્ત્વ હૃદયની બીમારી, માઈગ્રેન, ડાયાબિટીસ, કેન્સર, પ્રેશર જેવી બીમારીઓથી બચાવે છે.
એન્ટી-ઓક્સિડેન્ટ્સની માત્રા જરૂરી
 
ઓર્ગેનિક ફાર્મમાં ઉગાડવામાં આવેલાં ફળો અને શાકભાજીમાં વધુ એન્ટિ-ઓક્સિડેન્ટ્સ હોય છે, કેમ કે તેમાં પેસ્ટિસાઈડ્સ હોતા નથી આથી આવાં પોષક તત્વ જળવાઈ રહે છે, જે તમારા સ્વાસ્થ્ય માટે સારાં છે અને તમને બીમારીઓથી બચાવે છે. તે શરીરની પ્રતિરોધક ક્ષમતાને વધારે છે અને ચામડીને ચમકીલી બનાવે છે. તેનાથી શરીરમાં ચરબી પણ વધતી નથી, કેમ કે ઓર્ગેનિક ફૂડને પ્રોસેસ્ડ કરતી વખતે સેન્ચુરેટેડ ફેટનો ઉપયોગ કરાતો નથી. આનાથી વજન વધતું નથી. આ ખાદ્યપદાર્થને સુરક્ષિત પણ લાંબા સમય સુધી રાખે છે. ઓર્ગેનિક ખેતી શરૂ કરતાં પહેલાં જમીનને બે વર્ષ સુધી છોડી દેવામાં આવે છે, જેથી માટીમાં પહેલાથી ભળેલ પેસ્ટિસાઈડ્સની અસર સંપૂર્ણ નાશ થઈ જાય છે. આ કારણને લઈને આ ઉત્પાદનોમાં વિટામિન અને મિનરલ વધુ હોય છે.
 
યોગ્ય રીતે રાંધવાથી જ ઓર્ગેનિક ફૂડ ફાયદો કરે છે. જો તમે ઓર્ગેનિક શાકભાજીથી જેક ફૂડ (પિત્ઝા, બર્ગર, ફ્રેન્ચ ફ્રાઈઝ વગેરે) કે તળેલું ભોજન બનાવી રહ્યા છો તો તેનાં પોષક તત્ત્વ પણ ઓછાં થઈ જાય છે. ઓર્ગેનિક ફૂડને ઓઈલી બનાવી કે તેને જંક ફૂડમાં ટ્રાન્સફર કરી તેના મિનરલ્સ અને વિટામિનને નષ્ટ કરવા નહીં.
 
કિંમત કેમ વધુ
 
લગભગ કિસાન જૈવિક ખેતી છોડી પારંપરિક રીતથી જ ખેતી કરે છે, આથી ઓર્ગેનિક ખાદ્ય ઉત્પાદનની ઊપજ સામાન્ય ખાદ્ય ઉત્પાદનોથી ઓછી છે અને માંગ વધુ છે. આથી બજારમાં આની કિંમત સામાન્ય ફૂડથી વધુ હોય છે. તેનું સર્ટિફિકેશન પણ મોંઘું હોય છે અને સબસિડી પણ મળતી નથી. પરંતુ એક વાતનું ધ્યાન રાખવું. વર્ષો સુધી ખાવામાં પેસ્ટિસાઈડ અને કેમિકલ્સ ખાધા પછી ખરાબ થવાવાળા સ્વાસ્થ્ય સામે ઓર્ગેનિક ફૂડની કિંમત વધુ નથી.
 
આને ઓર્ગેનિક ખરીદવું જરૂરી નથી
 
* બધા ફૂડને ઓર્ગેનિક ખરીદવાની જ‚ર નથી. કેમ કે તેની છાલ એટલી મોટી હોય છે કે પેસ્ટિસાઈડ સરળતાથી અંદર જતું નથી. આમ પણ તે સામાન્ય ફૂડથી મોંઘાં હોય છે. આથી આપણે કેટલાક ફૂડને નોર્મલ પણ ખાઈ શકીએ છીએ.
* મકાઈ ઉપર પણ ઘણાં પડ હોય છે. આથી પેસ્ટિસાઈડ મકાઈના દાણા સુધી પહોંચતા નથી. ફક્ત ફ્રેશ મક્કાઈ ખરીદો અને તેને શેકી અથવા બાફીને ખાઓ.
* કાંદામાં આમ તો પેસ્ટિસાઈડ નાંખવામાં આવતાં નથી અથવા ઓછાં નાખવામાં આવે છે. તેના ઉપરની છાલને કાઢી નાંખવામાં આવે છે. આથી પેસ્ટિસાઈડ કાંદાને નુકસાન પહોંચાડતું નથી.
* પાઈનેપલ ઉપર પણ મોટાં પડ આને પણ કોઈપણ પ્રકારના કીટાણુ અને પેસ્ટિસાઈડથી બચાવે છે.
* વટાણાનું ઉપરનું પડ તેના દાણાને બચાવી રાખે છે. આથી એવા વટાણા ખરીદો જેનું ઉપરનું પડ બિલકુલ સલામત હોય.
* શકરકંદ જમીન નીચે ઊગે છે અને પેસ્ટ કે પેસ્ટિસાઈડથી પ્રભાવિત હોવાની આશંકા ઓછી હોય છે. આ સુપરફૂડ છે અને તેને ખાવામાં ઘણા ફાયદા છે.
* નારિયેળ ઉપર મોટું પડ છે ઉપરાંત ખોલ પણ મોટી હોય છે. એવામાં આ પેસ્ટિસાઈડની ખરાબ અસરથી સંપૂર્ણ બચી રહે છે.
 
આને પણ જાણો
 
જે વસ્તુઓ પર નેચરલ કે ફાર્મ ફ્રેશ લખેલું હોય, જ‚રી નથી કે તે ઓર્ગેનિક છે. તે પ્રિઝર્વેટિવ-ફ્રી હોઈ શકે છે. પરંતુ તેમાં એવી સામગ્રી હોય, જેમાં પેસ્ટિસાઈડ નાંખવામાં આવ્યું હોય કે તે જેનિટિકલી મોડિફાઈડ હોય. ડીડીટી જેવી પેસ્ટિસાઈડ્સ વર્ષો સુધી હવા અને માટીમાં હોય છે. આ નર્વસ સિસ્ટમ પર અસર નાંખે છે અને બ્રેસ્ટ કેન્સરનું કારણ બને છે. આથી પેસ્ટિસાઈડ્સથી જેટલા દૂર રહો તેટલું સારું છે. જો ઓર્ગેનિક ચિપ્સ, ઓર્ગેનિક સોડા કે ઓર્ગેનિક કૂકીઝ ખાઈશું તો સ્વાસ્થ્યને ફાયદાની જગ્યાએ નુકસાન જ થશે. ઓર્ગેનિક ફૂડની કિંમત નોર્મલ ફૂડથી ચાલીસ ટકા સુધી વધારે હોય છે. કોઈપણ ઓર્ગેનિક ફૂડ ખરીદવા પહેલાં તેના પર લખેલી સામગ્રી સારી રીતે વાંચવી કેમ કે ઘણીવાર ઓર્ગેનિક ફૂડ્સમાં પણ ખાંડ, મીઠું, ફેટ અને કેલરી ઘણી વધારે હોય છે.
 
સામાન્ય ફૂડને બનાવો સુરક્ષિત
 
* કોઈ એક સ્ટોર નહીં બલ્કે અલગ-અલગ જગ્યાથી અને અલગ-અલગ બ્રેડનાં ફૂડ આઇટ્મ ખરીદવી. આનાથી તમને સારી ન્યૂટ્રિએન્ટ મળશે. સાથે જ કોઈ એક પેસ્ટિસાઈડ સતત તમારા શરીરમાં જવાથી બચી જશે. સીઝન ફળ અને શાકભાજી ખરીદવા. લોકલ ફાર્મર્સ માર્કેટથી ખરીદી કરવી.
* દાળોને વહેતા પાણીમાં સારી રીતે ધોવી. લગભગ અર્ધો કલાક પલાળી રાખવી અને આ પાણીને ફેંકી દેવું. પછી તાજા પાણીમાં ઉકાળવું. એક લીટર પાણીમાં એક મિલીલિટર પોટેશિયમ પરમેંગેનેટ મેળવવું. ફળ અને શાકભાજી (ખાસ કરીને પત્તેદાર શાકભાજી)ને આ પાણીમાં પંદરથી વીસ મિનિટ સુધી પલાળી રાખવી. આવું કરવાથી તેમાં રહેલ હાનિકારક કેમિકલ નીકળી જશે. પોટેશિયમ પરમેંગેનેટ જો સોલિડ ફાર્મમાં છે તો એક લિટર પાણી માટે એક ગ્રામ યોગ્ય રહેશે.
* પોટેશિયમ પરમેંગેનેટ દરેક દવાની દુકાનમાં મળી રહેશે. ન મળે તો ઓછામાં ઓછી ૧ ચમચી મીઠું મેળવેલ પાણીમાં ફળ અને શાકભાજીને ત્રીસ મિનિટ સુધી પલાળી રાખવાં.
 

 
 
ઘરમાં બનાવી શકાય ઓર્ગેનિક ગાર્ડન
 
ઓર્ગેનિક ગાર્ડન બનાવી તમે પણ પોતાના ઘરમાં જ ફ્રેશ ફળ-શાકભાજી ઉગાડી શકો છો, આ પર્યાવરણ માટે તો સુરક્ષિત છે, તથા તેમાં ખર્ચ પણ ઓછો છે, કેમ કે તેમાં મોંઘા ખાતર અને કીટનાશકોની જરૂરિયાત હોતી નથી. તમે તમારા ગાર્ડનના નાના હિસ્સામાં જ્યાં તડકો આવતો હોય ત્યાં સરળતાથી ખેતી કરી શકો છો. જો તમારી પાસે યોગ્ય ઓજાર અને સારી માટી છે તો નાના ઓર્ગેનિક ગાર્ડનને સાચવવો ઘણું સરળ છે. પાવડામાં જો કીડા કે ફૂગ લાગી જાય તો ઓર્ગેનિક પેસ્ટિસાઈડ્સનો ઉપયોગ કરવો. પાંદડામાં કીડા લાગવાથી તેલ કે નીમવાળાં પેસ્ટિસાઈડનો ઉપયોગ કરવો. પાંચ મિલી દવાને એક લિટર પાણીમાં મેળવી પ્રભાવિત જગ્યા પર છંટકાવ કરવો. આ ઉપરાંત ઘણીવાર ફૂગ પણ લાગે છે. આના માટે ફૂગનાશક ટ્રાઈકોડમાં વીરડીનો ઉપયોગ કરવો. ટ્રાઈકોડમાં વીરડી દવા પાઉડરમાં મળે છે. બે ગ્રામ પાઉડરને એક લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. જો કે વાવણી પહેલાં જો બીજને બીજામૃત કરવામાં આવે તો કીટ, બીમારી કે ફૂગ લાગવાનું જોખમ ઘણું ઘટી જાય છે.
 
સરકાર પણ ઓર્ગોનિક ખાતર બાબતે જાગ્રતતા લાવવા માંગે છે. ફળ, શાકભાજીમાં થતા કેમિકલના ઉપયોગની ભ્રાંતિને દૂર કરવા માટે દેશમાં ઓર્ગેનિક ફળ, શાકભાજીના ઉપયોગને લઈને લોકો જાગ્રત બને તે માટેના પ્રયાસો થઈ રહ્યા છે. દેશમાં શાકભાજી, ફળ મંડળી, માર્કેટોમાં જે રીતે મોટો જથ્થો ઠાલવવામાં આવે છે તે જોતાં ઓર્ગેનિક ફળ, શાકભાજી હજી લોકો ઘણા દૂર છે તે સ્પષ્ટ જોઈ શકાય છે. હાલ ઓર્ગેનિક ફળ, શાકભાજીની ખેતી ખૂબ જ સીમિત માત્રામાં છે અને એક ચોક્કસ નાગરિકો સુધી જ તેની ખપત પણ છે. ગરીબ, મધ્યમવર્ગ સુધી ઓર્ગેનિક ફળ, શાકભાજીને પહોંચતું કરવા માટે મોટા પાયે કામગીરી કરવાની રહેશે. દેશમાં જે રીતે ફળ, શાકભાજીને મોટા પાયે જલદીથી પકાવવા માટે ઝેરી રસાયણોનો બેફામ ઉપયોગ થઈ રહ્યો છે. તેના પર જલદીથી કાબૂ મૂકવો ખૂબ જરૂરી છે. દેશની જનતાને ભલે ઓર્ગેનિક ફળ, શાકભાજી ન મળે પરંતુ શુદ્ધ, તાજા, કેમિકલ વિનાનાં ફળ, શાકભાજી મળી રહે તે માટેના પ્રયાસો સરકાર દ્વારા મક્કમપણે થશે તો સૌનું આરોગ્ય સુરક્ષિત રહેશે.