"જાગ્યા ત્યારથી સવાર" : કચ્છી બંધુઓએ બનાવી સજીવ ખેતી પર બની ગુજરાતની પ્રથમ ફિલ્મ

    ૨૪-સપ્ટેમ્બર-૨૦૧૮

 
 
ગુજરાતી ફિલ્મનું નામ આવે એટલે અર્બન ટ્રેન્ડની લવ સ્ટોરી,કોમેડી કે મનોરંજક ફિલ્મો જ સામે
દેખાય,પણ માધાપરના બે ભાઈઓએ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક નવો પાયો સ્થાપ્યો છે સજીવ
ખેતી પરની પ્રથમ ફિલ્મ રચીને.
 
આજના યુગમાં કેમીકલવાડી ખેતીના લીધે જમીન ખરાબ થઇ રહી છે,જેનાથી લોકોનું સ્વાસ્થ્ય નબળું
પડી રહ્યું છે. બીજા પાસામાં જમીન નબળી પડતા અને વળતર ન મળતા યુવાનો ખેતી છોડી રહ્યા છે.
આ બધીજ પરિસ્થિતિ આજે સર્જાઈ છે,ત્યારે લોકજાગૃતિ કેળવાય માટે કચ્છના ભુજ તાલુકાના કુકમા
સ્થિત શ્રી રામકૃષ્ણ ટ્રસ્ટ દ્વારા 'જાગ્યા ત્યારથી સવાર' ફિલ્મનું નિર્માણ કરાયું છે,જે 28 સપ્ટેમ્બરથી
ગુજરાતભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે.
 
એક સમય હતો જયારે સમાજજીવનના પાયાના વિષયો જેવા કે,ખેતી અને પશુપાલનના મુદ્દે હિન્દીમાં
ફિલ્મો બનતી હતી. કાળક્રમે ભૌતિકવાદ આ મુદ્દાઓને ભરખી ગયો. હવે બચ્યું છે તો રોમાંચ,રોમાન્સ અને
રોમિયોગીરી. જાગ્યા ત્યારથી સવાર ફિલ્મનું શૂટિંગ શ્રી રામકૃષ્ણ ટ્રસ્ટના પ્રાંગણમાં માધાપર અને
કુકમામાં જ કરાયું છે. મોટાભાગના કલાકારો કચ્છના જ કચકડે મઢાયા છે. મહેશભાઈ અને મનોજભાઈ
સોલંકી ગૌ ઉત્થાન અને સજીવખેતી ક્ષેત્રે બે દાયકાથી કાર્યરત છે.
 
આ વિચારબીજથી સુનિલભાઈ માંકડ અને દીપ ધોળકિયાએ આ ફિલ્મની વાર્તા લખી છે,યુવા ડાયરેક્ટર
સનીકુમાર પરીખનું નિર્દશન છે.આ અંગે 'સાધના ' સાથે વાત કરતા મનોજભાઈ સોલંકીએ
જણાવ્યુ કે, અત્યંત આધુનિક ટેક્નોલોજીના માધ્યમથી બનેલી આ ફિલ્મ થીમ બેઝડ છે,એક્ટર કે સ્ટોરી
બેઝડ નથી. આત્મવિશ્વાથી એ પણ કહયું કે, આ ફિલ્મના કલાકારો પ્રખ્યાત નહીં હોય પણ હવે પ્રખ્યાત
જરૂર થશે. 20 વર્ષનો જૈવિક ખેતીનો અનુભવનો નિચોડ આ ફિલ્મમાં ઉતારવામાં આવ્યો છે. ભવિષ્યમાં
પર્યાવરણના મુદ્દે પણ ફિલ્માંકન કરવાનું તેમને લક્ષ્યાંક વ્યક્ત કર્યું હતું. આ ફિલ્મમાં કચ્છના જાણીતા
કવિ મહેશભાઈ સોલંકી 'બેનામ' લિખિત ગીતો વાર્તાને અનુરૂપ છે. હીરોની ભૂમિકામાં રાધે વરુ,વિલન
પ્રકાશ શુક્લ, હિરોઈન તરીકે કંવલજીત ટફ, ગુજરાતી ફિલ્મના પીઢ અભિનેતા દેવેન્દ્ર પંડિત પણ મુખ્ય
પાત્રોમાં છે. દૈનિક જીવનમાં બદલાવ,પરિવારના સ્વાસ્થ્ય અને એવી કેટલીય બાબતો જે હજુ સુધી
સ્પર્શી છે પણ સમજાઈ નથી તેને સમજવા એક વાર જરૂર પરિવાર સાથે આ ફિલ્મ જોવા જેવી ખરી !
 
 
- રોનક ગજ્જર,ભુજ 
 
એક્વાર જુવો આ ફિલ્મનું ટ્રેલર......