પ્રકરણ – ૨૦ : ગુલાલ હવે વિધાતાએ લખેલા લેખ મુજબ નહીં, પેલા માણસે લખેલી સ્ક્રિપ્ટ મુજબ જીવી રહી હતી

    ૦૩-સપ્ટેમ્બર-૨૦૧૮   



 
ડ્રોઇંગરૂમની દીવાલ પર લટકાવેલું ફોર્ટી ટુ ઇંચનું એલ.ઈ.ડી. ટીવી ઓન હતું. સ્ટારમૂવીઝ પર હોલીવુડની કોઈ રોમેન્ટિક ફિલ્મ ચાલી રહી હતી. ગુલાલની આઈઝ ત્યાં હતી, ઈયર્સ પણ ત્યાં હતા પણ હાર્ટ બીજે ક્યાંક હતું. બીજે ક્યાંક એટલે સ્વાભાવિક જ મલ્હાર પાસે. એ કયાં હશે? શું કરતો હશે ? કોઈએ એને મારી તો નહીં નાંખ્યો હોય ને ? એવી ભયંકર કલ્પનાઓ કરતું એનું મન ચહેરા પર પણ છતું થઈ રહ્યું હતું. પંખો અને એ.સી. બંને ચાલુ હતાં તોયે એના ચહેરા પર પરસેવો અને ગભરામણ દોડી રહ્યાં હતાં.

અચાનક એના મસ્તક પર કોઈકનો હાથ ફર્યો. એ સ્પર્શમાત્રથી જ સમજી ગઈ કે આ મમ્મીનો સ્પર્શ હતો. એના સિવાય કોઈ સ્પર્શમાં આટલી હૂંફ અને ચિંતા દેખાય જ નહીં. એણે પાછળ જોયું. સોફા પાછળ એની મમ્મી ગરીબડું સ્મિત કરતાં ઊભાં હતાં. ગુલાલે પરાણે ચહેરા પર ઉત્સાહ લાવતાં કહ્યું, ‘હાય, મોમ! બેસ! જો તો ખરી કેટલી જબરજસ્ત ફિલ્મ બનાવી છે.’ પણ કદાચ ગુલાલ અવાજમાં ઉત્સાહ નહોતી લાવી શકી. મમ્મી એનો ચહેરો વાંચી ગયાં હતાં, આંખોનાં પૂર પારખી ગયાં હતાં. એ શાંતિથી એની પાસે બેઠાં અને બોલ્યાં, ‘બેટા, શું થયું છે તને ?’

‘મને? મને વળી શું થવાનું હતું. આટલી હટ્ટી-કટ્ટી તો છું !’

‘તું હટ્ટી-કટ્ટી છે પણ તારું મન હટ્ટું-કટ્ટું નથી. બોલ બેટા, કોઈ મુસીબતમાં ફસાઈ છે કે શું?’

ગુલાલ ચોરી કરતાં પકડાઈ ગયેલા કોઈ મજબૂર ગરીબ નોકર જેમ શરમાઈ ગઈ, નીચે જોઈ રહી. કૌશલ્યાબહેને એને નજીક ખેંચી, ‘જો, બેટા ! જિંદગીમાં મુશ્કેલીઓ તો આવ્યા જ કરે. મુશ્કેલી વગરની જિંદગી જિંદગી નથી, મોત છે. બોલ, શું પ્રોબ્લેમ છે? ઓફિસમાં કંઈ ગરબડ છે ? મલ્હાર સાથે કોઈ ગરબડ છે ? અંતરા સાથે વાંકું પડ્યું છે કે પછી બીજો કોઈ પ્રોબ્લેમ. જે હોય એ કહી દેજે, આપણે જિંદગી જેવી જિંદગીને એકલે હાથે જીવી જાણી છે તો આ મુસીબતનું વળી શું ગજું ?’

ગુલાલે માંડ માંડ બાંધી રાખેલું હિંમતનું પોટલું એની મમ્મીના ખોળામાં ફસ્સ કરીને ખૂલી ગયું. ખૂલી તો શું ગયું પણ જાણે ખાબકી પડ્યું. વર્ષો બાદ આજે એ એની મમ્મીના ખોળામાં આ રીતે ખાલી થઈ રહી હતી અને ખૂલી રહી હતી. એની સાથે બનેલી એક એક ઘટના એ આંસુ અને ડૂમાનાં આવરણ લપેટીને એની મમ્મીને કહેતી રહી. કૌશલ્યાબહેન વચ્ચે એક શબ્દ પણ ના બોલ્યાં, દીકરીને ખાલી થઈ જવા દેવી જરૂરી હતી. નહીંતર આ મૂંઝારો એને અંદર ને અંદર કોરી ખાત. એમણે માત્ર સાંભળ્યા કર્યું. જેમ્સના ફની મેસેજિસ, મલ્હારની ફ્રેન્ડશિપ ઓફર, નિખિલનું પ્રપોઝલ, મલ્હાર સાથેની મુંબઈ મુલાકાત, મલ્હાર સાથેનો સંબંધ, મલ્હારનો વિડિયો ધડાકો, એક કરોડ રૂપિયાની માંગણી, પૈસા આપવા, ફરી મેસેજ, મલ્હાર સિવાય જ કોઈ ત્રીજા વ્યક્તિની સંડોવણી, ઇ. ઝાલાનું ઇન્વોલ્વ થવું, અને ફરી મલ્હારની યાદનું એને ઘેરી લેવું. જાણે કોઈ ફિલ્મ બતાવતી હોય એમ ગુલાલે એની આખીયે પાછલી જિંદગી ફાસ્ટ ફોરવર્ડ કરીને એની મમ્મી સામે વિથ પિક્ચર એન્ડ ડાયલોગ્સ રજૂ કરી દીધી.

એ ખૂલી એટલે ખાલી થઈ ગઈ હતી. ડૂમો બહાર નીકળી ગયો હતો. કૌશલ્યાબહેને એને સ્વસ્થ થવા દઈને પછી વાત કરી, ‘બેટા, તું તો બહુ હિંમતવાન છે. આવી નાનકડી ઘટનાઓથી ભાંગી જાય એવી નથી. તું મારી જાંબાજ દીકરી છે. આવો બે ટકાનો બ્લેકમેઈલર તને ઈ-મેલ કરી જાય એમાં કેટલાય દિવસથી આમ નરવસ થઈને શું કામ ફરે છે? આજે તો મોટાભાગની યુવાન છોકરીઓ સાથે આવું બને છે. આમાં તે ગભરાવાતું હશે! બૂરાનો અંતર બૂરો જ હોય છે, મને વિશ્વાસ છે કે હવે બહુ જ જલદી એ પકડાઈ જશે.ડોન્ટ વરી બેટા!’

‘મમ્મી, તું શું એમ માને છે કે હું આ વિડિયોથી કે પેલા બ્લેકમેઈલરથી ગભરાઈ ગઈ છું? જો એવું જ હોત તો એકલી એને પૈસા દેવા જ ના ગઈ હોત. પણ મમ્મી, મને માત્ર મલ્હારની ચિંતા કોરી ખાય છે. શી ખબર આ ગુંડાઓએ એની સાથે શું નું શું કર્યું હશે. મમ્મી, એને કંઈ થઈ જશે તો હું જીવી નહીં શકું.’

‘એને કશું જ નહીં થાય બેટા, સાચા પ્રેમની હંમેશાં જીત થતી હોય છે.’ કૌશલ્યાબહેન એજયુકેટેડ ખરાં પણ મૂળ તો જૂના જમાનાનાં. એમણે એમના જમાના જેવું જૂનુંપુરાણું વાક્ય ઘસી નાંખ્યુ કે, ‘સાચા પ્રેમની હંમેશાં જીત થાય છે.’ પણ એમને ખબર નહોતી કે આ જમાનો પણ સાયબરનો હતો અને આ લવ પણ સાયબરનો. આમાં જીતવાની કે જીવવાની કોઈ ગેરંટી જ નથી હોતી.’

જવાબમાં ગુલાલ માત્ર હસી. ત્યાં જ ડોરબેલ વાગી. નોકરે દરવાજો ઓપન કર્યો. ઇ. ઝાલા અંદર પ્રવેશ્યા. ગુલાલે એમને આવકાર આપ્યો, એ સાદા ડ્રેસમાં જ આવ્યા હતા. એમની જાણમાં હતું કે કૌશલ્યાબહેનને ગુલાલ સાથેની ઘટના વિશે કોઈ જ માહિતી નથી. એટલે એ આમ સાદા ડ્રેસમાં આવ્યા હતા અને વાત પણ એ જ રીતે શરૂ કરી, ‘મેડમ, ઓફિસનું થોડું કામ છે!’

ગુલાલ સમજી ગઈ. એણે સહેજ હસતાં કહ્યું, ‘સર, મેં મારી મોમને બધું જ કહી દીધું છે. હવે એનાથી એક પણ વાત છાની નથી. જે વાત હોય એ તમે કરી શકો છો. આવો બેસો! આપણે નિરાંતે વાતો કરીએ.’

કૌશલ્યાબહેને ઇ. ઝાલા સામે જોઈને બંને હાથે નમસ્કાર કર્યા. ઇ. ઝાલાને ઉતાવળ હતી. એમણે તરત મુદ્દાસર વાત ચાલુ કરી, ‘ગુલાલ, કાલે હું જયદેવસિંહના ગામ જઈ આવ્યો. જયદેવસિંહ એના મા-બાપનો એકનો એક દિકરો હતો. એ ગુજરી ગયો પછી એનાં માતા-પિતા પણ ગુજરી ગયાં. એમનો વંશવેલો ત્યાં જ ખતમ થઈ ગયો. કોઈ સગું-વ્હાલું પણ નથી. ઘર માટીનો ઓટલો થઈ ગયું છે. એટલે એના પર શક કરવાની કોઈ ગુંજાઈશ જ નથી. બાકી નિખિલ, અંતરા અને બાકીના જે કોઈ વ્યક્તિઓ પર મને શક હતો એમના પર વોચ ગોઠવી દીધી છે.’

નિખિલ અને અંતરાનું નામ સાંભળીને કૌશલ્યાબહેન ચમક્યાં, પણ કંઈ બોલી ના શક્યાં. પણ ગુલાલ ચૂપ ના રહી શકી, ‘અંકલ, મેં કહ્યું ને કે એ બંને પર શક કરવો એ જ પાપ છે. બોથ આર સો ક્લોઝ્ડ ટુ મી. એ બંને મને ખૂબ ચાહે છે.’

‘મેં પણ તને કહ્યું ને કે કોના પર શક કરવો અને ન કરવો એ મારે જોવાનું છે. છોડ એ વાત. ગઈકાલે રાત્રે હું અમરેલીથી આવતો હતો ત્યારે ઇ. દેશમુખનો ફોન આવ્યો હતો. એમને બ્લેકમેઈલર વિશે એક સુરાગ મળ્યો છે. હું આજે બપોરે જ મુંબઈ જવા નીકળું છું. પણ તું આ વાત હવે કોઈને ના કરીશ. જે હશે એ હું તને ત્યાંથી જણાવીશ.’

ગુલાલે એની મમ્મી તરફ જોયું, એ હજુ હમણાં જ બોલ્યાં હતાં કે ‘મને વિશ્વાસ છે કે એ હવે બહુ જ જલદી પકડાઈ જશે. માની દુઆઓ આટલી જલદી ફળતી હશે એ આજે ગુલાલે સાક્ષાત જોયું હતું.’

ઈ. ઝાલા ઊભાં થયા, ‘ઓ.કે. ગુલાલ હું જાઉં છું. બહું જ જલદી આ સાયબર ક્રિમિનલનો ચહેરો તારી સામે હશે અને અલબત મલ્હારનો પણ. મને વિશ્વાસ છે કે એણે મલ્હારને કિડનેપ કરીને ક્યાંક ગોંધી રાખ્યો હશે.’

ઇ. ઝાલા બોલ્યા પણ એમના ચહેરા પર પણ ‘ગુનેગાર કોણ હશે? તેનું કુતૂહલ સ્પષ્ટ જોઈ શકાતું હતું. ગુલાલના ચહેરા પરથી એની જિંદગીમાં ભૂકંપ મચાવનાર એ ચહેરાને જોવાની ઉત્સુકતા અને મલ્હારને ફરી મળવાની તાલાવેલી ટપકી રહી હતી અને એની મમ્મીના ચહેરા પર પણ દીકરીને રડાવનાર નરાધમનો ચહેરો જોવાની, એ નામ જાણવાની ઇચ્છા પ્રજ્વળી રહી હતી.’

***

ઇ. ઝાલા મુંબઈ જવા નીકળ્યા. ગુલાલ પણ ઓફિસ જવા નીકળી ગઈ અને એની મમ્મી માળા લઈને બેસી ગયાં. ત્રણે જુદી જુદી દિશામાં જુદા જુદા કામે લાગી ગયાં હતાં પણ ત્રણેના મનના વિચારો એક જ કેન્દ્રબિંદુ પર સ્થિર હતા. ત્રણેના મનમાં અત્યારે એક જ ગડમથલ ચાલી રહી હતી કે એ કોણ હશે ? ઇ. ઝાલા, ગુલાલ કે એની મમ્મી જ નહીં પણ આ ઘટના સાથે સંકળાયેલા તમામે તમામ લોકો એ જાણવા ઉત્સુક હતા કે કોણ હશે આ સાયબર ક્રિમીનલ? શા માટે એણે ગુલાલ સાથે આવું કર્યું? ફકત પૈસા માટે? કે બીજો કોઈ બદલો લેવા? કયારે શરૂ કર્યું ?

આ બધા જ પ્રશ્ર્નોનો જવાબ આજથી છ મહિના પહેલાં મુંબઈના એક પરા વિસ્તારની ખખડધજ ઝૂંપડપટ્ટીમાં ભજવાયેલા દૃશ્યમાં છે. ગુલાલ સાથે ખેલાયેલી સાયબર શતરંજના પ્યાદા તો મહિનાઓ પહેલા ગોઠવાઈ ચૂક્યાં હતાં. જ્યારે ગુલાલને સપનેય ખ્યાલ નહીં હોય કે એની જિંદગીમાં આવું કંઈક થશે ત્યારે એક માણસ વિધાતાએ લખેલા લેખની પરવા કર્યા વગર ગુલાલની જિંદગીના લેખ લખી રહ્યો હતો. એમાં એણે ગુલાલ સાથે ઘટેલી એક એક ઘટનાનું શબ્દશ: આલેખન કર્યું હતું. અને એના સદ્‌નસીબે વિધાતા હારી હતી, ગુલાલ હવે વિધાતાએ લખેલા લેખ મુજબ નહીં પેલા માણસે લખેલી સ્ક્રિપ્ટ મુજબ જીવી રહી હતી. એ કોણ હતું ? એણે કઈ સ્ક્રિપ્ટ લખી હતી એ બધું જાણવા માટે ગુલાલની લાઇફને ફાસ્ટફોરવર્ડ કરીને જોવી પડે અને આ કથાને છ મહિના પહેલાંના ભૂતકાળમાં જઈને જોવી પડે. સો, લેટ્સ ગો ! આવો જાણીએ શું થયું હતું આજથી છ મહિના પહેલાં મુંબઈની એ ખખડધજ ઝૂંપડીમાં ?

***

હાઈરાઈઝ બિલ્ડિંગ્સ અને ઝૂંપડપટ્ટીના ડબલ સેડ્સ ધરાવતા મુંબઈનું વાતાવરણ એ દિવસે ઉકળેલી ભઠ્ઠી જેવું હતું. બપોરના સાડા બાર જેવું થયું હતું. જે ઝૂંપડપટ્ટીએ બોલીવુડને ગોવિંદા જેવો સુપરસ્ટાર આપ્યો છે એ વિરારની ઝૂંપડપટ્ટીમાંના એક એક ઝૂંપડામાં મેઘધનુષી જિંદગીઓ શ્વસી રહી હતી.

કોઈ ઝૂંપડીમાં કોઈ અપાહિજ વૃદ્ધ નિ:સંતાન જિંદગીને હાથલારી જેમ ખેંચી રહ્યો હતો, કોઈ ઝૂંપડીમાં કોઈ ગરીબડો છોકરો હાયરાઈઝ બિલ્ડિંગના સપનાને ચ્યુઈંગમની જેમ ચગળી રહ્યો હતો, કોઈ ઝૂંપડીમાં કોઈ સ્ત્રી બપોરે શું ખાવુંની ગડમથલને લોટના ખાલી ડબ્બામાં કેદ કરી રહી હતી, કોઈ સ્ત્રી પેટની ભૂખ સંતોષવા એના જ બાળકના રડવાના બેકગ્રાઉન્ડ મ્યુઝિક સાથે જાત વેચીને કોઈનાં દેહની ભૂખ સંતોષી રહી હતી, તો કોઈ ઝૂંપડીમાં કોઈ લંપટ પુરુષ બાજુવાળાની નાસમજ છોકરીને સમજપૂર્વક ભોગવી રહ્યો હતો.

જિંદગીના એક કરતાં વધારે ક્રૂર અને સુંવાળા બંને પાસાઓ અહીં જિવાઈ રહ્યા હતા ત્યારે આ બધાંની પરવા કર્યા વગર એક ઝૂંપડીમાં બે છોકરાઓ અર્જુન જેવી ત્વરાથી એમણે પોતે પસંદ કરેલી માછલી પર આંખ ટાંપીને બેઠા હતા. એક ખૂણામાં મનુ નામનો એક છોકરો બેઠો બેઠો ભંગારમાંથી લાવેલું માઉસ રિપેર કરી રહ્યો હતો. બીજા એક ખૂણામાં યુવરાજ નામનો એક છોકરો ખખડધજ કોમ્પ્યુટર પર બેઠો હતો. ઘસાઈ ગયેલું કિ-બોર્ડ ટાઇપ રાઇટર જેટલો ખડખડાટ કરી રહ્યું હતું. ઝૂંપડીના છાપરે તાર વડે બાંધી રાખેલો કટાઈ ગયેલો પંખો હવા ઓછી ફેંકી રહ્યો હતો અને કિચૂડાટ વધારે કરી રહ્યો હતો. કી-બોર્ડની ખટખટ અને પંખાનો કિચૂડાટ ઝૂંપડીમાં હવા જેમ ધુમી રહ્યા હતા.

યુવરાજની સ્થિતિ તંગ હતી પણ એ અનલિમિટેડ નેટ ચોક્કસ વાપરતો હતો. એ છેલ્લા ઘણા સમયથી કોમ્પ્યુટર પર કંઈક કારીગરી કરી રહ્યો હતો. અત્યારે જાણે ક્લાયમેક્સ પર હોય એમ એ આખેઆખો કોમ્પ્યુટરમાં ડૂબી ગયો હતો. અચાનક એની આંખ ચમકી. એ કોમ્પ્યુટરની એકદમ નજીક ગયો. ધ્રૂજતા હાથે એણે બે-ત્રણ કી પ્રેસ કરી અને કોમ્પ્યુટર પર એક ચેટિંગ બોક્સ ઓપન થયું.

ચેટિંગ બોક્સમાં ટાઇપ કરેલા મેસેજ પર એની નજર ઘૂમવા લાગી, એ મલ્હાર નામના કોઈ છોકરાએ ગુલાલને મોકલેલો મેસેજ હતો. મેસેજ વાંચતાં જ યુવરાજે ટેબલ પર જોરથી હાથ પછાડ્યો અને ઉત્સાહથી ચીસ પાડી, ‘યસ, હવે ફસાશે સાલી.’

મનુ તરત જ બોલ્યો, ‘શું થયું, ગુલાલ ટ્રેસ થઈ ગઈ કે શું?’

‘અરે જાદુ થયું છે દોસ્ત જાદુ! એક કાંકરે હવે બે પંખી મરી જશે અને બે પંખી જીવી જશે. તું અહીં આવીને જો તો ખરો!’

મનુ તરત જ ઊભો થઈને યુવરાજ પાસે બેસી ગયો. યુવરાજે એને કોમ્પ્યુટર પર આવેલો મલ્હારનો મેસેજ બતાવ્યો, ‘જો, દોસ્ત!’ આ કોઈક લવરિયાએ ગુલાલને મેસેજ મોકલ્યો છે એ મેં અહીં ઓપન કરી નાંખ્યો. મનુની નજર મેસેજ પર ફરી રહી હતી. મલ્હાર નામના કોઈ છોકરાએ ગુલાલને મેસેજ મોકલ્યો હતો. ‘હાય, હાઉ આર યુ ?’

મેસેજ વાંચીને તરત જ મનુએ યુવરાજની પીઠમાં ધબ્બો માર્યો, ‘યુ આર જિનિયસ દોસ્ત!’

ક્રમશ: