શ્રાવણ અને પર્યુષણની ત્રિવેણી એટલે, સ્મૃતિમાં શિવ, કાનમાં કૃષ્ણ અને મનમાં મહાવીર...

    ૦૭-સપ્ટેમ્બર-૨૦૧૮   

 
 
 
શ્રાવણ અને પર્યુષણની ત્રિવેણી એટલે
સ્મૃતિમાં શિવ, કાનમાં કૃષ્ણ અને મનમાં મહાવીર...
 
બહુ સુંદર સુયોગ થયો છે, એક સમન્વયનો પવન વાઈ રહ્યો છે. હજી કાનમાંથી ‘મધુરાધિપતે..’ના સ્વર ભૂંસાતા નથી ત્યાં સરસ મધુર મંજુલ ધ્વનિથી નવકાર મંત્ર સંભળાય છે. પહેલાં શિવ, પછી કૃષ્ણ અને હવે મહાવીર.. એક ત્રિવેણીના પ્રવાહનો સાક્ષી એવો શ્રાવણ હમણાં જ આથમ્યો. જાણે વાદળ પર કો’ક ઋષિના અક્ષર લખાયા હોય અને આંખ બંધ કરીને વાંચતા હોઈએ એવી લાગણી થઈ રહી છે. તાંડવની ધરતી ધ્રુજાવનારી નૃત્યલીલાનો ગડગડાટ હજી તો શમ્યો નથી. દિશાઓને ખભે ફરફરતું પાર્વતીનું ઉપવસ્ત્ર લઈને ઊભેલા કાલિદાસ કંઈ બોલે તે પહેલાં જ કૃષ્ણ આવી ગયા. વાસુદેવ જેમણે વસ્ત્ર પૂર્યાં. દ્રૌપદીના આર્તનાદને જેમણે સાંભળ્યો અને અર્જુનનો રથ સંભાળ્યો. યુદ્ધભૂમિ પર અર્જુનના સંવાદે તો આખી જિન્દગીને તરબતર કરી દીધી છે. મોટા મોટા મહારથીઓ સામે લડવા માટે ઊભો થયેલો અર્જુન જ્યારે હતોત્સાહ થાય છે ત્યારે પ્રબોધેલી ગીતાના શબ્દો તો બારમાસી ફૂલ જેવા છે. એ તો મારી ભાષાનું વસ્ત્ર છે તો અંતરના ઓરડાનું અજવાળું છે. આ બેના સંવાદોની ચર્વણા કરતા હોઈએ ત્યારે મહાવીર ભગવાનનું સ્મરણ અને ઉપાસના એક સરસ ભારતીય જીવનવિજ્ઞાન અને તત્ત્વવિચારનું ત્રિપુણ્ડ લગાવે છે. આ મારું શ્રાવણી અમાસનું ત્રિવેણીસ્નાન છે.
 
કૃષ્ણ સ્થિતપ્રજ્ઞતાની જે વાત છેડે છે, તેને ખોલનાર પ્રશ્ન પણ એટલો જ વજનદાર છે. અર્જુન પૂછે છે, "હે કેશવ ! સ્થિતપ્રજ્ઞની ભાષા કેવી હોય છે ? સમાધિમાં રહેલો માણસ કેવી રીતે ચાલે, બેસે કે બોલે ? પહેલી દૃષ્ટિએ તો એમ લાગે કે આ પ્રશ્ર્ન યુદ્ધમાં પૂછવાનો પ્રશ્ર્ન છે ? તરત જ જવાબ મળે, "આ યુદ્ધ એ પરંપરાથી તમે વિચાર્યું છે તેવું યુદ્ધ જ નથી, અને જો હોય તો પણ અર્જુન અને કૃષ્ણનો આ સંવાદ એ કોઈ બે યુદ્ધખોર રાજનેતાઓ કે સત્તાલોલુપ કે સત્તાકાંક્ષી લોકો વચ્ચેની વાતચીત નથી. આ શિવ અને જીવનો સંવાદ છે, અને સામાન્ય મનુષ્યની ભાષામાં પુછાયેલો પ્રશ્ર્ન છે. એકદમ ભોળો લાગે એવો સવાલ છે પણ વેદવ્યાસ જેવા કવિએ ગૂંથેલી કથાનો આ વાસુદેવિત વળાંક છે. અહીં પ્રશ્ર્ન આચારનો પુછાય છે અને જવાબ વિચારનો અપાય છે. એટલે મને મહાવીર ભગવાન સંભળાય છે. જૈન ધર્મ એ આચરણનો ધર્મ છે, એના આચાર અને વિચારમાં સમ્યક્તાનો મહિમા છે. સ્થિતપ્રજ્ઞતા એ આચાર-વિચારનું અણીશુદ્ધ વ્યાકરણ છે. એટલે આ યુદ્ધભૂમિનો પ્રશ્ર્ન શુદ્ધ મનના નિર્માણનો પ્રશ્ર્ન છે. અહીં બુદ્ધના નિર્વાણના પડઘા છે, આત્મા દ્વારા જ આત્માના કલ્યાણની આહલેક છે. આ સત્તાની દોડ નથી, આ અર્જુનના મનની દોડ છે. અહીં આત્માને ઓળખવા માટે માણસે પહેલાં સ્થિર બુદ્ધિના માણસ થવું પડે તેવી પૂર્વશરતની ઘોષણા છે. આ પર્યુષણના સત્સંગનો પણ જાણે કે પડઘો છે.
 
પહેલી શરત છે, મનની શુદ્ધિ. પ્રતિક્રમણ એટલે પોતાના તરફ પાછા ફરવાની અર્જુનક્ષણ. સંસાર એ બીજું કશું નથી એક યુદ્ધભૂમિ છે એમાં સતત પ્રતિક્રમણની આવશ્યકતા છે.
 
મનની શુદ્ધિ માટે જે ‘વીતરાગનો ધર્મ’ છે એ ગીતાના બીજા અધ્યાયના છપ્પનમા શ્ર્લોકમાં આવી રીતે સંભળાય છે, ‘જે દુ:ખોમાં ઉદ્વેગરહિત, સુખોમાં સ્પૃહારહિત તથા રાગ, ભય અને ક્રોધ વિનાનો હોય તે સ્થિર બુદ્ધિવાળો મુનિ કહેવાય છે...’ ગીતા સાંભળીએ ત્યારે મનમાં મહાવીર અને કાનમાં કૃષ્ણ સંભળાય છે. સુખદુ:ખને જે ગણકારે નહીં તે વીતરાગ મુનિ છે. અહીં ‘એ કશુંક મળે તો નથી હર્ષથી ફુલાઈ જતો કે નથી ઉદ્વિગ્ન બની જતો.. કૃષ્ણ અર્જુનની અંત:કરણની શુદ્ધિ અને સ્વસ્થતા માટેની વાત કરતાં કહે છે, ‘તને આ સ્થિતપ્રજ્ઞતા નહીં સમજાય. જે લોકો નિરાહારી બને છે એટલે કે ઉપવાસાદિ કરે છે તે પણ જો રસનું મૂળ જે મન છે તેની કાળજી ના કરે તો મન તો પાછું ત્યાં વિષયોમાં દોડી જ જાય છે. એ રસાસક્તિ અને રસાકર્ષણ કોઈ પરમ તત્ત્વની ઓળખાણ ના થાય ત્યાં સુધી ઓલવાતું નથી. શ્રીમદ્ રાજચંદ્રના વચનામૃતના ૪૭મા પત્રાંકમાં આ સિદ્ધાંત આમ સંભળાય છે, ‘ધર્મ’ એ વસ્તુ બહુ ગુપ્ત રહી છે. તે બાહ્ય સંશોધનથી મળવાની નથી. અપૂર્વ અંતર્સંશોધનથી તે પ્રાપ્ત થાય છે. પર્યુષણમાં આ મનની કેળવણીનો જ મહિમા છે. પરિ એટલે નજીક રહેવું, આ ઉપસ્થિતિ, ઉપવાસ, ઉપનિષદ અને ઉન્નયન જ જીવને ઊર્ધ્વમાર્ગી કરે છે.
 
જીવનમાં જાગૃતિનું જેટલું મહત્ત્વ છે તેટલું બીજા કશાનું નથી. એટલે ગીતામાં કહ્યું, "જે સામાન્ય લોકોની રાત્રી છે તે સ્થિર બુદ્ધિવાળા મુનિની જાગૃતિનો સમય છે. આનો ગૂઢાર્થ જાગૃતિનો છે, નિત્ય જાગૃતિ એ વીતરાગધર્મની સિદ્ધિ માટેની પૂર્વશરત છે. પર્યુષણ એ જાગૃતિનો યજ્ઞ છે, આમાં આહુતિ મનની ચંચળતાની આપવાની છે. જગતમાં યુદ્ધનાં નગારાં વાગતાં હોય ત્યારે જીવ પોતાની ઈશ્ર્વર સાથેની ઓળખ પાકી કરે એ જ પર્યુષણનો પ્રસાદ છે, ક્ષમાપના અને તપસ્વિતાનું સારસર્વસ્વ છે.