વિદ્યાર્થી પુસ્તક વાંચે અને શિક્ષક મસ્તક વાંચે...

    ૦૬-ફેબ્રુઆરી-૨૦૧૯   

 
ઉમાશંકર જોશી લખે છે કે ‘માર્ગમાં કંટક પડ્યા, સૌને નડ્યા, બાજુ મુક્યા ઊંચકી, તે દિ નકી જન્મ ગાંધી બાપુનો.’ મનુષ્યપ્રાણીએ કેટલોય અન્યાય કર્યો હોય અને કેટલાય પાપ કર્યા હોય, તો પણ મનુષ્ય એ મનુષ્ય છે તેને આખરે ધર્મનો જ રસ્તો સૂઝશે. એવી ગાંધીજીની અમર શ્રદ્ધા છે. એ શ્રદ્ધાથી જ તેઓ બધું સહન કરે છે. સહન કરીને પોતાની શ્રદ્ધા બીજામાં રેડે છે. તેમનું બાળક જેવું નિર્મળ મુક્ત હાસ્ય એમની એ શ્રદ્ધાનું જ પ્રતિબિંબ છે. લોક્વાર્તામાં જે વર્ણન આવે છે કે પવિત્ર પુરુષોના હાસ્ય સાથે પુષ્પ અને મોતીના પોષ ઝરે છે. તે ગાંધીજીના હાસ્યમાં ચરિતાર્થ થતું અનુભવાય છે.

કટ્ટર વિરોધીઓને દિલોજાન દોસ્ત બનાવ્યા 

કેટલાક પાસે વિશ્વ વિજયી તલવાર હોય છે. કેટલાક પાસે વિશ્વવશી રૂપ હોય હોય છે. કેટલાક પાસે વિશ્વભયંકરી રસ્તા હોય છે. ગાંધી પાસે આમાંનું એકેય નથી. તેમની પાસે ફક્ત વિશ્વપ્રેમી હાસ્ય છે. – અને તે હાસ્યની અંદર બધી શક્તિઓ છુપાયેલી છે. આ પવિત્ર હાસ્યએ ચોર-લૂંટારા અને ખૂની લોકોને સમાજના હિતેચ્છુ બનાવ્યા છે. ધૂર્તોને લજ્જિત કર્યા છે, પારકાને પોતીકા બનાવ્યા છે. બગડેલાંને સુધાર્યા છે. કટ્ટર વિરોધીઓને દિલોજાન દોસ્ત બનાવ્યા છે.

વિદ્યાર્થી પુસ્તક વાંચે પણ શિક્ષકે મસ્તક વાંચવું પડે તો જ એ ઉત્તમ  

મહાદેવભાઈ દેસાઈ સદભાગી હતા. ગાંધીનીની સતત નિશ્રા મળી. મહાપુરુષોનો સંગ પણ ઉમંગ આપે છે. નિદા ફાજલી કહે છે તેમ ‘અચ્છી સંગત બેઠકે, સંગી બદલે રૂપ, જૈસે મિલકે આમ સે મીઠી હો ગઈ ધૂપ.’ એટલે જ બાલ્યાવસ્થામાં સારી દોસ્તી રાખવા મા બાપ કહેતા હોય છે. વિદ્યાર્થી પુસ્તક વાંચે પણ શિક્ષકે મસ્તક વાંચવું પડે તો જ એ ઉત્તમ રીતે ભણાવી શકે છે. થોડા વર્ષો પહેલા હું વિમાનમાં મુસાફરી કરી રહ્યો હતો ત્યારે મારી બાજુમાં બેઠેલા સજ્જન મારી ખૂબ પ્રશંસા કરવા લાગ્યા. હું ડરી ગયો. જ્યારે વધારે વખાણ થાય ત્યારે ચેતવું જોઈએ. મને એમણે પૂછ્યું ‘વાલ્મીકિ રામાયણ કરો કે તુલસીદાસની ?’ મેં કહ્યું ‘તુલસીરામાયણ. પણ સંદર્ભો અલગ અલગ શાસ્ત્ર માંથી લેતો હોઉં છું અને અર્થઘટન મારી મતિ અને ગતિ પ્રમાણે કરતો હોઉં છું.’ મને એ સજ્જ્ને કહ્યું કે ‘તુલસી રામાયણ તો ખૂબ જ સરળ છે. હિન્દી ગ્રામભાષામાં છે’ એવું કહી પોતાની વિદ્વતા બતાવવા લાગ્યા. મેં કહ્યું કે ‘શાસ્ત્ર સરળ હોય એ જ સારું. હું પ્રાથમિક શાળાનો શિક્ષક હતો ત્યારે એકથી સાત ધોરણ ભણાવતો હતો. આજે રામચરિતમાનસના સાત સોપાન લઈને ગાન કરું છું. તમને ખ્યાલ જ હશે કે વિધાર્થીને પ્રાથમિક શાળામાંથી પાસ ન કરવામાં આવે તો એ હાઈસ્કૂલમાં પહોચી ન શકે. તુલસીની રામાયણ પ્રાથમિક શિક્ષણ છે. જે વિદ્યાર્થીનું પ્રાથમિક શિક્ષણ તેજસ્વી એને ઉચ્ચ અભ્યાસમાં વાંધો નથી આવતો.’ મને કઈ જવાબ આપવાને બદલે એ વિદ્વાન કાર્ટૂનનું પુસ્તક વાંચવા લાગ્યા. આ ઉંમરે પણ એને પ્રાથમિક શિક્ષણ પાકું કરતા જોઈ એક પ્રાથમિક શિક્ષકને આનંદ થયો. બાલકાંડમાં ગોસ્વામીજી લખે છે....
 
सप्त प्रबंध सुभग सोपाना, ज्ञान नयन निरखत मन माना,
रघुपति महिमा अगुन अबाधा, बरनव सोई बार बारि अगाधा.
 
તુલસીનો શ્લોક લોક સુધી પહોચ્યો છે. લોકબોલીમાં લખાયેલી ચોપાઈ શ્લોક જાણનારાના હૃદયમાં પણ ઘર કરી ગઈ છે અને સંસ્કૃતના પ્રકાંડ પંડિતના વક્તવ્યમાં તુલસીની ચોપાઈ આવી જતી જોઈ છે. તુલસીની ચોપાઈ છપ્પન ભોગમાં તુલસીપત્ર જેમ શોભે છે. ચોપાઈ મંત્રનું કામ કરે છે. મને એક પાઠકે પૂછેલું કે ‘કથામાં જે આરતી આવે છે , એમાં એવું આવે છે गावत संतत संभु भवानी, अरु घटसंभव मुनि बिग्यानी, तात मात सब बिधि तुलसीकी, आरती श्री रामयणजी की. રામચરિત તુલસીના માત પિતા કેમ થાય ?’ મેં કહ્યું કે ‘મારી સમજ મુજબ કહું તો શ્લોક બાપ છે, ચોપાઈ મા છે, શ્લોક નરવાચક એટલે બાપ અને ચોપાઈ નારી વાચક એટલે મા. બાપ કરતા માની કરુણા વધારે હોય છે એટલે ચોપાઈની કરુણાનો પાર નથી. તુલસીએ અંતમાં તો બાપનું નામ લીધું જ નહીં.. संत पंच चौपाई मनोहर...’ ચોપાઈના ચોપાસમાં એકવાર પ્રવેશો એટલે સ્વર્ગના સરનામેથી પ્રેમની પોસ્ટ આવવા લાગે....
 
- આલેખન : હરદ્વાર ગોસ્વામી