રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વરિષ્ઠ પ્રચારક લેખક અને ચિંતક એવા શ્રી રંગાહરીજીનું દેવલોકગમન

શ્રી રંગાહરી અગિયાર કરતા વધારે ભાષાઓ બહુ સારી રીતે જાણતા હતા જેમાં સંસ્કૃત, મલયાલમ, હિન્દી, મરાઠી, તમિલ, અંગ્રેજી, ગુજરાતી વગેરે અનેક ભાષાઓ પર તેઓનું પ્રભુત્વ હતું.

    ૩૦-ઓક્ટોબર-૨૦૨૩
કુલ દૃશ્યો |

Ranga Hariji gujarati
 
 
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વરિષ્ઠ પ્રચારક લેખક અને ચિંતક એવા શ્રી રંગાહરીજીનું દિનાંક 29 ઓક્ટોબરના રોજ  અવસાન થયું છે. તેઓ કોચીની અમૃતા હોસ્પિટલમાં દાખલ હતા. તેઓની આયુ 93 વર્ષ હતી.
 
શ્રી રંગાહરીજીનો જન્મ કેરળના એરનાકુલમ જિલ્લામાં 5 ડિસેમ્બર 1930ના રોજ થયો હતો. તેમણે સેન્ટ આલ્બર્ટ હાઇસ્કુલ ખાતે અભ્યાસ કર્યો હતો અને એર્નાકુલમની મહારાજા કોલેજમાં રાજ્ય શાસ્ત્ર, ઈતિહાસ અને સંસ્કૃત એવા મુખ્ય વિષયો સાથે અભ્યાસ પૂર્ણ કર્યો હતો.
 
તેઓ 13 વર્ષની ઉંમરેથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયા હતા. 1948માં જ્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર સરકારે પ્રતિબંધ મૂક્યો ત્યારે એના વિરોધમાં તેમણે સત્યાગ્રહ પણ કર્યો અને આ બદલ એપ્રિલ 1949 સુધી કન્નુર કેન્દ્રીય કારાગારમાં જેલવાસ પણ ભોગવ્યો હતો. 1951માં તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક બન્યા. તેમણે સંઘમાં તાલુકાથી શરૂ કરીને અખિલ ભારતીય સ્તર સુધીની અનેકવિધ જવાબદારીઓ નિભાવી હતી. 1983 થી 1990ના સમય દરમિયાન તેઓ કેરળ પ્રાંતના પ્રાંત પ્રચારક રહ્યા તથા 1990માં અખિલ ભારતીય સહ બૌદ્ધિક પ્રમુખ અને 1991 થી 2000 દરમિયાન અખિલ ભારતીય બૌદ્ધિક પ્રમુખની જવાબદારી સંભાળી હતી. આ દરમિયાન તેઓએ 22 દેશોમાં સંઘ કાર્ય માટે પ્રવાસ કર્યો. 2006માં સંઘની જવાબદારીઓમાંથી મુક્ત થયા પછી તેઓ લેખન અને અધ્યયનમાં વ્યસ્ત રહ્યા.
 
આ રીતે ગુજરાતી ભાષા શીખ્યા...!!
 
શ્રી રંગાહરીજી અગિયાર કરતા વધારે ભાષાઓ બહુ સારી રીતે જાણતા હતા જેમાં સંસ્કૃત, મલયાલમ, હિન્દી, મરાઠી, તમિલ, અંગ્રેજી, ગુજરાતી વગેરે અનેક ભાષાઓ પર તેઓનું પ્રભુત્વ હતું. ૨ જાન્યુઆરી ૨૦૧૨માં તેમણે સાધના સાપ્તાહિકના કાર્યા લયની મુલાકાત લીધી હતી અને સાધનાના લેખકો સાથે વિચાર વિમર્શ કરી માર્ગદર્શન આપ્યુ હતું. ગુજરાતી લિપીમાં છપાયેલી ભગવદ્‌ ગીતા વાંચીને ગુજરાતી વાંચતા અને સમજતા તેઓ શીખ્યા હતા અને આ વાત તેમણે સાધનાની મુલાકાત દરમિયાન જણાવી હતી. તેમણે કહ્યું હતું કે સાધાના હું નિયમિત વાંચુ છું. આ સંદર્ભે તેમણે અનેક સૂચનો પણ આપ્યા હતા.
 
ગહન વિચારક, માર્ગદર્શક, કુશળ કાર્યકર્તા શ્રી રંગાહરીજી હવે આપણી વચ્ચે રહ્યા નથી પણ તેમાના વિચારો, શબ્દરૂપી સર્જન થકી તેઓ સદાય આપણી વચ્ચે રહેશે. તેમના ચરણોમાં વંદન સહ વિનમ્ર શ્રદ્ધાંજલિ. ૐ શાંતિ...