ભારતની પ્રાચીન ભાષા સંસ્કૃતનો ડંકો સમગ્ર વિશ્વમાં વાગી રહ્યો છે

“સંસ્કૃતના અધ્યયન વિના કોઇપણ સાચો ભારતીય સાચો વિદ્વાન બની શકતો નથી. સંસ્કૃત ભાષા જેવી સમૃદ્ધિ કોઇ ભાષામાં નથી. અજ્ઞાની લોકો તેને અકારણે અઘરી ભાષા ગણે છે” - મહાત્મા ગાંધી

    ૦૧-નવેમ્બર-૨૦૨૩   
કુલ દૃશ્યો |

world wide sanskrit language
 
અમેરિકા, જર્મની, ગ્રીસ પછી હવે લિથુઆનિયાએ પણ સ્વીકાર્યુ કે તેમના દેશની ભાષાના મૂળિયા સંસ્કૃત ભાષા સાથે જોડાયેલા છે એટલું જ નહીં, તેમની પૂજા કરવાની રીતથી લઇ વિચારવાની પદ્ધતિના તારએ ભારતની સંસ્કૃતિ સાથે જોડાયેલા છે
 
“પરંપરાગત ધોતી અને ઝભ્ભો ધારણ કરીને બેઠેલા અંદાજે 100 યુવાનો જૂથથી ખીચોખીચ ભરાયેલો સભાખંડ, પદ્માસન સાથે ધ્યાનસ્થ મુદ્રામાં બેઠેલા યુવાનોના મુખેથી મધુર છંદોના આરોહ – અવરોહ સાથે શુક્લ યજુર્વેદના પાઠનું પઠન.. સમગ્ર રુમમાં અજબ જ પ્રકારનું જાણે સંમોહન પેદા થઇ રહ્યું હતું, ઊર્જા સંચારની એ અવર્ણનીય અનુભૂતિ મન અને શરીરને જાણે સંતૃપ્ત કરી રહી હતી.”
 
આ શબ્દો છે અમેરિકાના ન્યુરોસાયન્ટિસ્ટ જેમ્સ હર્ટઝલના. સંસ્કૃત ભાષામાં ઊંડો રસ ધરાવતા અમેરિકાના આ ન્યુરોસાયન્ટિસ્ટે પોતાના સંશોધનમાં નોંધ્યું છે કે, વિશ્વની સૌથી પ્રાચીન ભાષા એટલે કે સંસ્કૃત ભાષાએ આપણા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર ઘેરો પ્રભાવ પાડે છે. અમેરિકાના આ ન્યુરોસાયન્ટિસ્ટે એક વ્યક્તિ પર અભ્યાસ કરીને તેના MRI રિપોર્ટ પરથી નિષ્કર્ષ કાઢ્યો કે, સંસ્કૃત ભાષાના પ્રાચીન મંત્રોના ઉચ્ચારણ કરવાથી સંજ્ઞાનાત્મક કાર્ય સાથે સંકળાયેલા મસ્તિષ્ક ક્ષેત્રોના આકારમાં વધારો થાય છે. સાદી ભાષામાં આનો અર્થ સમજીએ તો, સંસ્કૃત શ્લોકના નિયમિત પાઠ કરવાથી યાદશક્તિ સાથે જ્ઞાનાત્મક કુશળતામાં વધારો થાય છે.
 

world wide sanskrit language 
 
દેવોની ભાષા ગણાતી સંસ્કૃત ભાષાએ આપણી સંસ્કૃતિનો ધબકાર છે પરંતુ આપણામાંથી મોટાભાગના ભારતીયો અઘરી ભાષા હોવાનું કારણ આપી તેનાથી અળગા રહે છે. જો કે, જર્મન, ગ્રીક, અમેરિકા સહિત અનેક દેશોના વિદ્વાનો સંસ્કૃતને વિશ્વની તમામ ભાષાઓની જનની તરીકે સ્વીકારતા સહેજ પણ ખચકાટ અનુભવતા નથી. તમને થશે કે, નજીકના ભવિષ્યમાં સંસ્કૃત ભાષા દિવસ આવી રહ્યો નથી. તો પછી સંસ્કૃત વિશેની વાત કેમ? વાત જાણે એમ છે કે, તાજેતરમાં જ ઉત્તર- પૂર્વી યુરોપમાં સ્થિત અને સમૃદ્ધ દેશોમાં ગણના થતા એવા લુથિયાનિયા દેશના સ્કોલર વિટિસ વિદુનસ ભારતના પ્રવાસે છે.
 
નવી દિલ્હી સ્થિત ઇંડિયન ઇન્ટરનેશનલ સેન્ટરમાં તેમણે પોતાનું વક્તવ્ય આપતા જણાવ્યું કે, “લિથુઆનિયાઇ અને સંસ્કૃત - ભાષા વચ્ચે ગાઢ નાતો છે. તેમણે ઉમેર્યુ કે, બંને ભાષા ઘણા ખરા અંશે સમાન શબ્દાવલી તો ધરાવે છે પણ સાથે તેમના વ્યાકરણની સંરચનામાં પણ ઘણી સમાનતા જોવા મળે છે.” મહત્ત્વનું છે કે, વિટિસ વિદુનસ સંસ્કૃત ભાષા પ્રત્યે ઊંડો રસ ધરાવે છે. તેમણે લિથુઆનિયાઇ અને સંસ્કૃત ભાષામાં સમાન ઉચ્ચારણ, શબ્દ અને અર્થ ધરાવતા હોય તેવા 108 શબ્દોની શબ્દાવલિને પોતાના અહેવાલમાં ટાંકી છે. આ શબ્દાવલિમાં બંને ભાષામાં સમાન શબ્દોનો હવાલો આપતા તેમણે ઉમેર્યુ છે કે, સંસ્કૃત ભાષામાં ભગવાન માટે ‘દેવ’ શબ્દ પ્રયોજવામાં આવે છે, તે જ રીતે, લિથુઆનિયામાં ‘ડીવાસ’ શબ્દ વાપરવામાં આવે છે. જ્યારે સંસ્કૃતમાં ‘મધુ’ તરીકે ઓળખાતા મધને લિથુઆનિયામાં ‘મિડુસ’ તરીકે બોલાય છે.
 
ભારતમાં પોતાના પ્રવાસ દરમિયાન વિદુનસ વિવિધ શહેરોમાં પ્રવચનો આપશે. ભારત અને લિથુઆનિયા બંને દેશોએ સંસ્કૃતિ, ભાષા અને વિચારવાની પદ્ધતિ મામલે ઘણા અંશે સમાન છે. આ હકીકતથી બંને દેશોના યુવાઓને રૂબરૂ કરાવવાનો તેમજ તે અંગે જાગૃતિ લાવવાનો છે.
 
આ અંગે ભારતમાં લિથુઆનિયાના રાજદૂત ડાયના મિકેવિસીને જણાવ્યું કે, “બંને દેશો વચ્ચે હજારો કિલોમીટરનું અંતર છે, છતાં પણ બંને ભાષાઓના મૂળિયા એકબીજા સાથે જોડાયેલા છે. આથી જ અમારા દેશના અનેક વિદ્વાનો ભારતમાં આવીને સંસ્કૃત ભાષાનું અધ્યયન કરવા માટે રસ દાખવી રહ્યાં છે.” ડાયના મિકેવિસીનના મતે, લિથુઆનિયાના નાગરિકોનો સંસ્કૃત ભાષા પ્રત્યેનો લગાવ એ આજકાલનો નથી. આ સંદર્ભે પોતાના પ્રવચનમાં ઉદાહરણ ટાંકતા કહ્યું કે, અમારા દેશના વિખ્યાત વિદ્વાન અંતાનાસ પોસ્કોએ ઇ.સ. 1929માં મોટરસાઇકલ મારફતે ભારતના વિવિધ વિસ્તારોમાં પ્રવાસ ખેડ્યો. તે જમાનામાં યુરોપથી ભારત મોટરસાઇકલ લાવી પ્રવાસ કરવો સરળ નહોતો પરંતુ તેમને સંસ્કૃત ભાષા પ્રત્યે એ હદે વળગણ હતું કે આ હિંમત દાખવી શક્યા અને ભારતમાં છ વર્ષ રહી સંસ્કૃત ભાષા પર સારી પકડ જમાવી શક્યા.
 
ભારતમાં સંસ્કૃત ભાષા પ્રત્યે પ્રચાર – પ્રસારની આવશ્યકતા
 
તમને જાણીને નવાઇ લાગશે કે, વિશ્વના 130 દેશોના 450થી વધુ શૈક્ષણિક સંસ્થોનામાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંસ્કૃત ભાષા શીખવાડવામાં આવે છે. આ જ સંદર્ભમાં ભારતમાં બોલચાલની ભાષામાં સંસ્કૃત ભાષાનો ઉપયોગ બહુ સીમિત પ્રમાણમાં થાય છે. 2011ના વસતી ગણતરીના અહેવાલ મુજબ, ભારતમાં લગભગ 130 કરોડ લોકોની વસતીમાંથી માત્ર 24 હજાર 821 લોકો સંસ્કૃત બોલે છે. હકીકત એવું છે કે ભારતના બધા જ લોકો સંસ્કૃત જાણે છે. રોજ બરોજની જિંદગીમાં સંસ્કૃત શબ્દનો ઉપયોગ પણ  કરીએ  છીએ. માટે હવે વસ્તી ગણતરીનો સર્વે થાય તો પહેલી ભાશા સંસ્કૃત લખાવજો.  વિશ્વ આખુ સંસ્કૃત ભાષા તરફ ધ્યાન આપી રહ્યું છે ત્યારે આપણી ફરજ બને છે કે સંસ્કૃત ભાષાને જાણીએ, સમજીએ અને ગર્વ લઈએ...

જ્યોતિ દવે

જ્યોતિ દવે, છેલ્લા 10 વર્ષથી પત્રકારત્વ ક્ષેત્રમાં કાર્યરત છે. તેઓ અગાઉ દિવ્ય ભાસ્કર વેબ પોર્ટલ, સંદેશ અખબારમાં પણ ફરજ બજાવી ચૂક્યાં છે. હાલમાં તેઓ દૂરદર્શન સમાચાર સાથે તેમજ અનુવાદક તરીકે ફ્રિલાન્સ કામ કરી રહ્યાં છે.