જળવાયુ પરિવર્તનનું વૈશ્વિક સંકટ હવે તો માત્ર એક જ ઉપાય - એક વિશ્વ, એક પરિવાર અને એક ભવિષ્યના દર્શનનો સ્વીકાર

તમામ મહાસત્તાઓ કે જે વિશ્વ પર છવાયેલા આ સંકટ માટે જવાબદાર છે, તે પગલાં લેવામાં ઊણી ઊતરે છે. ત્યારે ફરી એક વખત આ વિશ્વસંકટને ખાળવામાં ભારત વિશ્વનું નેતૃત્વ કરવા તૈયાર છે. ત્યારે આ વૈશ્વિક સંકટમાંથી વિશ્વને ઊગારવા આપણી સનાતન સંસ્કૃતિ કેવી રીતે મદદરૂપ થઈ શકે છે. જાણીએ આ વિશેષ મુખપૃષ્ઠ વાર્તામાં...

    ૧૬-ડિસેમ્બર-૨૦૨૩   
કુલ દૃશ્યો |
 
global warming in gujarati
 
 

જળવાયુ પરિવર્તનનું વૈશ્વિક સંકટ સનાતન સંસ્કૃતિ જ આ સંકટથી બચાવી શકશે..| Global warming and Sanatan dharm

 
વધતી ગરમી, વાવાઝોડાં, ચક્રવાત, અનિયમિત વરસાદ, ક્યાંક પૂરપ્રકોપ તો ક્યાંક દુષ્કાળ. સમગ્ર વિશ્વમાં ગ્લોબલ વોર્મિંગને કારણે આ પ્રકારની ઘટનાઓ ભયજનક હદે વધી રહી છે. જલવાયુ પરિવર્તન એટલે કે, ગ્લોબલ વોર્મિંગ એક એવો મુદ્દો છે, જેની ચર્ચા આમ તો સતત થતી જ રહે છે, પરંતુ હાલ આ મુદ્દો વધારે જ ગરમ છે, કારણ કે તાજેતરમાં જ આ મુદ્દે દુબઈ ખાતે કોન્ફરન્સ ઓફ પાર્ટી એટલે કે સીઓપીનું આયોજન થયું હતું.
 
સીઓપી - કોન્ફરન્સ ઓફ ધ પાર્ટીઝ સંયુક્ત રાષ્ટ્રની વાર્ષિક બેઠક છે. આ સંગઠનમાં એ દેશો ભાગ લે છે, જેઓએ ૧૯૯૨માં સંયુક્ત રાષ્ટ્રની જલવાયુ સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા. આ સંગઠનમાં ભારત સહિત ૨૦૦ દેશોએ હસ્તાક્ષર કર્યા છે. દર વર્ષે કોઈ એક દેશમાં તેની વાર્ષિક બેઠક યોજાય છે. જ્યાં પૃથ્વીના વાતાવરણને ઠંડું રાખવા અને કાર્બન ઉત્સર્જન ઘટાડવાની ચર્ચાઓ થાય છે, જો કે તેનો અમલ કેટલો થાય છે? એ એક વિવાદનો વિષય છે. પર્યાવરણ ચળવળકાર ગ્રેટા થનબર્ગ કહે છે કે, સંયુક્ત રાષ્ટ્રનું આ સંમેલન વૈશ્વિક સંકટને માત્ર ઔપચારિક રીતે જ લઈ રહ્યું છે. તેમાં વાતો તો બહુ થાય છે, પરંતુ નક્કર પગલાં લેવાની વાત આવે ત્યારે તમામ મહાસત્તાઓ કે જે વિશ્વ પર છવાયેલા આ સંકટ માટે જવાબદાર છે, તે પગલાં લેવામાં ઊણી ઊતરે છે. ત્યારે ફરી એક વખત આ વિશ્વસંકટને ખાળવામાં ભારત વિશ્વનું નેતૃત્વ કરવા તૈયાર છે. ત્યારે આ વૈશ્વિક સંકટમાંથી વિશ્વને ઊગારવા આપણી સનાતન સંસ્કૃતિ કેવી રીતે મદદરૂપ થઈ શકે છે. જાણીએ આ વિશેષ મુખપૃષ્ઠ વાર્તામાં...
 
 
પશ્ચિમનાં કર્યા સમગ્ર વિશ્વ ભોગવી રહ્યું છે
 
 
ગત ૩૦ નવેમ્બરે દુનિયાભરમાંથી પર્યાવરણ નેતા સીઓપી-28 માટે દુબઈ પહોંચ્યા હતા, જે જળવાયુ પરિવર્તનના જોખમનો સામનો કરવા માટો યોજાતું વાર્ષિક સંમેલન હતું. જો કે, એક હકિકત એ પણ છે કે, છેલ્લાં આ અંગેનાં સંમેલનો નિષ્ફળ રહ્યાં છે. આ સંકટના મુખ્ય દોષી તો વિકસિત દેશો જ છે. ૧૭૫૦થી ૨૦૨૨ ની વચ્ચે વાયુમંડળમાં ઉત્સર્જિત ૧.૫ ટ્રિલિયન મેટ્રિક ટન કાર્બન ડાયોક્સાઈડ (સીઓટી)માંથી લગભગ ૯૦ ટકા હિસ્સો યુરોપ અિને ઉત્તર અમેરિકાનો રહ્યો છે. આ એક ઐતિહાસિક નગ્ન સત્ય છે એટલું જ નહિ દોષ નથી. આજે પણ એક સરેરાશ અમેરિકન દર વર્ષે વાયુમંડળમાં ૧૪.૫ મેટ્રિક ટન સીઓટુ (કાર્બન ડાયોક્સાઇડ) ઉત્સર્જિત કરે છે, જેની સરખામણીએ એક સરેરાશ ભારતીયનું વાર્ષિક ઉત્સર્જન માત્ર ૨.૯ મેટ્રિક ટન જ છે.
 
પોતાની ઔદ્યોગિક ક્રાંતિને કારણે યુરોપ અને અમેરિકાએ એવા કારખાનાં બનાવ્યાં, જે ભરપૂર સીઓટુ ઉત્સર્જિત કરતાં હતાં. પશ્ચિમે બે સદીઓ કરતાં વધુ સમય સુધી પૃથ્વીને પ્રદૂષિત કરીને સમૃદ્ધ સમાજોનું નિર્માણ કર્યું છે. આટલું જ નહીં, તેમણે એશિયા અને આફ્રિકામાં પોતાની વસાહતોમાં અલ્પ-વિકસિત ઔદ્યોગિક વિકાસને પણ અવરોધ્યો છે. ગ્લોબલ વોર્મિંગ હવે ટેક્સાસ, એરિઝોના અને અમેરિકાના અન્ય રાજ્યોની સાથે-સાથે સ્પેન, ઇટાલી અને પોર્ટુગલના શહેરોને ઉનાળામાં ૪૮ ડિગ્રી સેલ્સિયસ કરતા વધુ તાપમાન સાથે રહેવાને લાયક ન રાખીને પશ્ચિમી જીવનશૈલીને જોખમમાં નાખી રહ્યું છે માટે પશ્ચિમ હવે ભારત જેવા વિકાસશીલ દેશ, જેમને સદીઓ સુધી બ્રિટિશ રાજ હેઠળ ઔદ્યોગિકરણ કરતાં અટકાવાયા છે, તે પર વિકાસશીલ દેશો નેટ-ઝીરો સમયસીમા લાગુ કરીને તેમના ઔદ્યોગિક વિકાસને રુંધાવી દેવાના કારસ્તાનો રચવામાં આવી રહ્યા છે.
 
પશ્ચિમના દેશોએ નેટ ઝીરો કાર્બન ઉત્સર્જનનું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે ખુદને ૨૦૫૦ સુધી કટ ઓફ પોઇન્ટ આપ્યો છે. હવે તેઓ ઔદ્યોગિકરણ પછીના યુગમાં પહોંચી ગયા છે, જ્યાં નિર્માણને બદલે સેવા ક્ષેત્ર; તેમના આર્થિક ઉત્પાદનનો મોટો ભાગ બની ગયું છે. પશ્ચિમના દેશ આ લક્ષ્યને પોતાનાં અર્થતંત્ર કે જીવનશૈલીને પ્રભાવિત કર્યા વગર પ્રાપ્ત કરવાને લાયક માને છે. વિકસિત દેશો માટે નેટ-ઝીરો લક્ષ્ય પ્રાપ્ત કરવું એ પૂર્વ વસાહતી દેશોની સરખામણીએ વધુ સરળ છે, જે હજુ પોતાના ઔદ્યોગિક વિકાસ ચક્રની અધવચ્ચે છે. વિકાસશીલ દેશોએ આ સમસ્યા પેદા કરી નથી, તેમ છતાં આ સમસ્યાનો ઉકેલ લાવવાના નામે તેમની મદદરૂપે વળતરને નામે પશ્ચિમે ગરીબ દેશોને રિન્યુએબલ ગ્રીન એનર્જીમાં રોકાણથી અંતર બનાવવા માટે ૧૦૦ અબજ ડોલરનું વાર્ષિક ફંડ આપવાનું વચન આપ્યું છે. આ નિર્ણય ૨૦૦૯માં કોપેનહેગનમાં સીઓપી ૧૫ શિખર સંમેલનમાં લેવાયો હતો. જો કે ૧૪ વર્ષ પછી પણ હજુ તેને પૂરી રીતે અમલમાં મુકાયો નથી. તે પણ એક હકિકત છે.
 
દુનિયાને પ્રદૂષિત કરવામાં પોતાની ઐતિહાસિક ભૂમિકાની ટીકાથી આઘાત પામીને પશ્ચિમે ૨૦૨૨માં ઇજિપ્તમાં સીઓપી-૨૭ શિખર સંમેલનમાં લોસ એન્ડ ડેમેજ ફંડ બનાવવાનું સૂચન કર્યું હતું. જળવાયુ પરિવર્તન પર સંયુક્ત રાષ્ટ્ર ફ્રેમવર્ક કન્વેન્શને (UNFCCC) એ સમયે કહ્યું હતું ઃ સીઓપી-27 પૂર, દુષ્કાળ અને અન્ય જળવાયુ આફતોથી પ્રભાવિત નબળા દેશો માટે નુકસાન અને ક્ષતિ માટે પૈસા પૂરા પાડવા અંગેના એક મહત્ત્વપૂર્ણ કરાર સાથે સમાપ્ત થયું છે. તેની એક ઐતિહાસિક નિર્ણય તરીકે પ્રશંસા કેમ કરાઈ હતી? કેમ કે પ્રથમવાર જળવાયુ પરિવર્તનની વિનાશક અસરો સંબંધિત નુકસાનની ભરપાઈ માટે એક ફંડ સ્થાપિત કરવા માટે સહમતિ વ્યક્ત કરાઈ હતી. પરંતુ પશ્ચિમના દેશોએ ચાલાકીપૂર્વક ફન્ડિંગની જવાબદારી બહુપક્ષીય વિકાસ બેન્કો (એમડીબી)ના માથે ઢોળી દીધી. તેનો અર્થ હતો કે વિશ્વ બેન્ક અને એશિયાઈ વિકાસ બેન્ક (એડીબી) જેવી સંસ્થાઓ પર જવાબદારી નાખી દેવી ને ખુદને પોતાની જવાબદારીમાંથી બચાવી લેવા. એમડીબીના દાનકર્તા વિકસિત અને વિકાસશીલ દેશોની વચ્ચે વિભાજિત છે, એટલે આખરે ગ્લોબલ સાઉથે જ પશ્ચિમના ઐતિહાસિક પ્રદૂષણ માટે ચૂકવણું કરવું પડશે. રશિયા-યુક્રેન યુદ્ધ અને ઇઝરાયલ-હમાસ યુદ્ધ પછી મંદીની ચિંતાઓ, ફુગાવો અને બજેટના અભાવથી પ્રભાવિત પશ્ચિમના દેશો હવે જળવાયુ સંકટના સમાધાન માટે વિકાસશીલ દેશોને રાજી કરવા ૩૦ નવેમ્બરથી ૧૨ ડિસેમ્બર સુધી દુબઈમાં આયોજિત સીઓપી-28 ઘણી ડાહી ડાહી વાતો-ચર્ચાઓ કરી, પરંતુ જ્યાં સુધી આ મુદ્દે નક્કર પગલા નહીં લેવાય ત્યાં સુધી આ માત્ર ઔપચારિકતા જ સાબિત થવાની છે.
 
 

global warming in gujarati 
કાર્બન ઘટાડવા ભેગા થયેલાઓ એ જ ૫૫૦૦ ટન કાર્બન ઠાલવ્યો
 
આ બેઠક છેક ૧૯૯૫થી પર્યાવરણના સંરક્ષણ માટે થાય છે. એ વખતે જગતભરના નેતાઓ મળે છે અને પ્રદૂષણ ઘટાડવા આ કરીશું, તે કરીશું વગેરે વાતો કરી નોખા પડે છે. દુબઈમાં `કોપ-28' નામે પર્યાવરણ સંમેલનના નામે શરૂ થયેલો મેળાવડો ૧૨મી ડિસેમ્બર સુધી ચાલ્યો. આ બેઠક જગતના વાતાવરણમાં ઠલવાતો કાર્બન ડાયોક્સાઇડ કેમ ઘટાડવો એ અંગેની હતી, પણ હકીકત એ છે કે બેઠક પોતે જ હવામાં ૫૫૦૦ ટનથી વધારે કાર્બન ઠાલવવા માટે જવાબદાર બની હતી. કેવી રીતે હવે તે જોઈએ. આ બેઠકમાં જગતના ચાર લાખ પ્રતિનિધિઓએ ભાગ લીધો.
 
દુબઈમાં આવનારા મોટા ભાગના મહાનુભાવો જે તે દેશના વડા અને તેમની સાથેના પ્રતિનિધિઓ હતા. એ બધા જ વિમાનમાં ઊડીને આવ્યા. સાથે સાથે તેમના ઉતારા અત્યંત મોંઘી હોટેલમાં હતાં જ્યાં તેમના માટે મોંઘામાં મોંઘી ગાડીઓ હતી. એ બધાને કારણે હવામાં કાર્બન ન ઠલવાય એવું તો બને જ નહીં!
 
કાર્બનની ગણતરી
 
જગતમાં દરેક વ્યક્તિ વર્ષે સરેરાશ પાંચ ટન કાર્બન ઠાલવે છે. એટલે કે વ્યક્તિદીઠ કાર્બન ઉત્સર્જન ૦.૦૧૩ ટન છે. તેને ચાર લાખ વડે ગુણી નાખીએ તો વાર્ષિક ૨૦ લાખ ટન અને દૈનિક સાડા પાંચ હજાર ટન જેવો આંકડો આવે છે. આ તો સરેરાશ વ્યક્તિના કાર્બન ઉત્સર્જનની વાત થઈ. દુબઈમાં કોપ-28 માટે આવેલા બધા જ મહાનુભાવો હતા, જે સરેરાશ કરતાં બે-ત્રણ ગણો કાર્બન હવામાં ઠાલવશે એ વાત નક્કી છે. પર્યાવરણનીય બેઠકમાં કાર્બન ઠલવાતો હોય એવો આ પહેલો કિસ્સો નથી. દરેક બેઠક વખતે ઠલવાતો જ હોય છે. પેરિસમાં ચાલી રહેલી બેઠક વખતે પણ કેટલો કાર્બન ઉત્સર્જિત થયો એ ચર્ચાનો અને પછી ટીકાનો વિષય બન્યો જ હતો.
 
ગ્લોબલ વોર્મિંગનું નિરાકરણ કેમ કરવું એ નક્કી કરવા આખા જગતના નેતાઓ દર વર્ષે ક્યાંકને ક્યાંક ભેગા થાય છે. એમના મેળાવડાથી એકેય ટન કાર્બન ઓછો થયો હોય કે ન થયો હોય, પણ સતત વધી રહ્યો છે એ નક્કી છે. ૧૯૯૫માં કોપ બેઠક શરૂ થઈ ત્યારે હાજર રહેનારા સભ્યોની સંખ્યા પાંચ હજાર હતી, આજે તે ૮૦ ગણી વધી ગઈ છે.
 
જગતમાં પર્યાવરણ સંરક્ષણ માટે સ્થાનિક કક્ષાથી માંડીને આંતરરાષ્ટીય કક્ષા સુધીની અસંખ્ય બેઠકો થાય છે. એમાંથી મોટા ભાગની બેઠકો હવામાં થોડો વધુ કાર્બન ઠાલવીને પૂરી થાય છે. જો એવું ન હોત તો ૨૮ વર્ષથી ચાલી આવતી બેઠકો પછી કોઈ નક્કર પરિણામ મળ્યું હોત!
 
માંસાહારી લોકોને કારણે વધી રહ્યું છે કાર્બન ઉત્સર્જન
 
વિશ્વ આખા પર જલવાયુ પરિવર્તન અને કાર્બન ઉત્સર્જનનું મહાસંકટ તોળાઈ રહ્યું છે અને મહાવિનાશના આ દૈત્યને નિયંત્રણમાં કેવી રીતે લાવી શકાય તે અંગે વિશ્વભરમાં છેડાયેલ ચર્ચા વચ્ચે કાર્બન ઉત્સર્જનને લઈ વૈજ્ઞાનિકો દ્વારા થયેલા નવા સંશોધનમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે. ભોજન માટેની વસ્તુઓ અને કાર્બન ઉત્સર્જન વચ્ચેનો સંબંધ સમજવા અમેરિકાની ઇલિનોયસ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા ૨૦૦ દેશોમાં આ અંગે સંશોધન થયું હતું. વૈજ્ઞાનિકો દ્વારા તે દેશોમાં થતા ૧૭૧ પાકો અને જાનવરો થકી મેળવાતા ૧૬ જેટલાં ઉત્પાદનો પર સંશોધન કર્યું હતું, જેમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી કે, જાનવરો થકી મળતાં મીટ અને ડેરી ઉત્પાદનો થકી ૫૭ ટકા જેટલો કાર્બન ઉત્સર્જન થાય છે, જ્યારે ખેતીના પાકોથી માત્ર ૨૯ ટકા જ કાર્બન ઉત્સર્જન થાય છે. સંશોધન મુજબ વિશ્વભરમાં થતું કુલ ગ્રીન હાઉસ ગેસના ઉત્સર્જનના ૩૩ ટકા ખોરાક ઉત્પાદનને કારણે થતી હોય છે. વિશ્વભરમાં સૌથી વધુ બીફનો ઉપયોગ થાય છે અને તે જ સૌથી વધુ પ્રદૂષણ પેદા કરે છે, ત્યાર બાદ પાકનું સ્થાન આવે છે.
 

global warming in gujarati
 
 
જો સમગ્ર વિશ્વ શાકાહાર અપનાવી લે તો શું થાય ?
 
૨૦૧૬માં નેશનલ એકેડેમી ઓફ સાયન્સ દ્વારા આ અંગે એક અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો, જે મુજબ જો વિશ્વના તમામ લોકો માંસાહાર છોડી દે તો ૨૦૫૦ સુધી ગ્રીન હાઉસ ગેસોનું ઉત્સર્જન ૭૦ ટકા સુધી ઘટાડી શકાય તેમ છે.
એક અંદાજ મુજબ વિશ્વમાં ૧૨ અરબ એકર જમીનનો ખેતી અને તેની સાથે સંબંધિત કામો માટે ઉપયોગ થાય છે. આમાંથી પણ ૬૮ ટકા જમીન જાનવરો (પ્રાણી)ઓ માટે ઉપયોગ થાય છે, ત્યારે જો તમામ લોકો શાકાહારી બની જાય તો ૮૦ ટકા જમીન જંગલો અને ખેતી માટે ઉપયોગમાં લાવી શકાય છે, જેને પરિણામે કાર્બન ડાયોક્સાઇડના ઉત્સર્જનની માત્રામાં મોટો ઘટાડો નોંધાશે અને ગ્લોબલ વોર્મિંગના પડકારને પહોંચી વળવામાં મદદ થશે.
 
જલવાયુ પરિવર્તન અંગે ભારતની પ્રતિબદ્ધતા
 
એક તરફ અમેરિકા, ચીન, રશિયા સહિત જે દેશો ગ્રીન હાઉસ ગેસોનું સૌથી વધુ ઉત્સર્જન કરે છે તેને નિયંત્રણમાં લાવવા અત્યાર સુધી માત્ર ઠાલાં વચનો જ આપ્યાં છે, ત્યારે ભારતે આ ક્ષેત્રે વિશ્વને જાણે કે રાહ ચીંધી છે. ૨૦૧૫માં દુનિયાના ૨૦૦ દેશો દ્વારા જલવાયુ પરિવર્તનને લઈ પ્રેરિત સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા અને વિશ્વ તાપમાનને ૧.૫ ડિગ્રીથી વધારે ન વધવા દેવાની પ્રતિબદ્ધતા જાહેર કરી હતી, ત્યારથી લઈ ભારતે આ બાબતે અનેક પગલાં લીધાં છે. ભારતે ૨૦૭૦ સુધી નેટ ઝીરો ઉત્સર્જન પ્રાપ્ત કરવાનું લક્ષ્ય નક્કી કર્યું છે.
 
સંયુક્ત રાષ્ટ્રની પરિભાષામાં નેટ ઝીરોનો મતલબ ગ્રીન હાઉસ ગેસોનું ઉત્સર્જન શૂન્યની લગોલગ લઈ જવાનું છે. કોઈપણ દેશ નેટ ઝીરો ઉત્સર્જન ત્યારે પ્રાપ્ત કરી લે છે, જ્યારે તે પર્યાવરણમાં માત્ર એટલું જ ગ્રીનહાઉસ ગેસોનું ઉત્સર્જન કરે જેટલું તે દેશ શોષી શકે. આ લક્ષ્યને પહોંચી વળવા ભારતીય રેલવે પ્રત્યેક વર્ષ પોતાના કાર્બન ઉત્સર્જનમાં ૬ કરોડ ટનની કમી કરવાના પ્રયત્નો કરી રહ્યું છે. ભારતમાં એલઈડી બલ્બને લઈને પણ એક સફળ અભિયાન ચલાવવામાં આવ્યું છે, જેનાથી વાર્ષિક ચાર કરોડ ટન ઉત્સર્જન ઓછું થઈ રહ્યું છે. ભારતે ૨૦૩૦ સુધી પોતાની ઊર્જાની કુલ જરૂરિયાતોમાંથી અડધી જરૂરિયાત સ્વચ્છ ઊર્જા થકી પૂરી કરવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે. સેન્ટ્રલ ઇલેક્ટ્રિકલ ઓથોરિટીના એક અહેવાલ મુજબ ભારતમાં સૌરઊર્જા અને પવનઊર્જાનો ઉપયોગ પણ વધી રહ્યો છે. ભારતે ડિસેમ્બર ૨૦૨૨ સુધી પોતાની સ્વચ્છ ઊર્જાક્ષમતાને ૧૭૫ ગીગાવોટ સુધી વધારવાનું લક્ષ્ય નક્કી કર્યું હતું. ૧૧૬ ગીગા વોટ ઉત્પન્ન કરી ભારત તેની નજીક પહોંચ્યું છે.
 
ભારત નવાં વૃક્ષો અને જંગલો થકી પ્રાકૃતિક રીતે કાર્બનને શોષવાની ક્ષમતાને ૨.૫ અરબ ટનથી વધારી ૩ અરબ ટન સુધી કરવા માંગે છે અને ફોરેસ્ટ કવર અહેવાલના તાજા જ આંકડા મુજબ ભારતમાં ૨૦૨૧ સુધી ૨૨૬૧ વર્ગ કિલોમીટર જંગલો વધ્યાં છે. આમ ભારત જલવાયુ સંરક્ષણ મુદ્દે વિશ્વને માર્ગ ચીંધી શકે છે, કારણ કે પ્રકૃતિ સંરક્ષણ, ભારતીય સંસ્કૃતિ અને સનાતન સંસ્કૃતિમાં માનનારા પ્રત્યેક વ્યક્તિના લોહીમાં છે.
 
ભારતીય પરંપરામાં પર્યાવરણ સંરક્ષણનો સંદેશ
 
હિન્દુધર્મમાં પ્રકૃતિ સંરક્ષણનો મહિમા છેક સનાતન કાળથી ગવાતો આવ્યો છે. ઋગ્વેદની એક ઋચા અનુસાર `આકાશ અને પૃથ્વી અમને આશીર્વાદ આપો, વાતાવરણ અમારા માટે બક્ષિસરૂપ હો.' માનવજીવન અને પ્રકૃતિનો આવો સંબંધ આપણી સંસ્કૃતિમાં જોવા મળે છે. ભારતમાં વૃક્ષ-છોડ, નદી-પર્વત, ગ્રહ-નક્ષત્ર, અગ્નિ-વાયુ સહિત પ્રકૃતિનાં વિભિન્ન રૂપો સાથે માનવસંબંધો જોડવામાં આવ્યાં છે. વૃક્ષને પુત્ર, તો નદીને માતા અને પર્વતને પિતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. વાયુને દેવ ગણી પૂજવામાં આવે છે. આમ, પ્રાચીન સમયથી જ ભારતના ઋષિમુનિઓને પ્રકૃતિ-સંરક્ષણ અને માનવ સ્વભાવ અંગે ઊંડી જાણકારી હતી. આપણા ઋષિમુનિઓ જાણતા હતા કે માનવ પોતાના ક્ષણિક લાભ માટે ક્યારે પ્રકૃતિને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. માટે જ તેઓએ પ્રકૃતિને માનવસંબંધો સાથે જોડી દીધી, જેથી મનુષ્ય પ્રકૃતિને ગંભીર નુકસાન પહોંચાડતો અટકે. જીવો અને જીવવા દો નો આપણો સહઅસ્તિત્વનો સિદ્ધાંત જ આપણને પ્રકૃતિ પ્રત્યે વધારે સંવેદનશીલ બનાવે છે. આપણા ઋષિમુનિઓ જાણતા હતા કે, પૃથ્વીનો આધાર જળ અને જંગલ છે, માટે તેઓએ પૃથ્વીની રક્ષા માટે વૃક્ષ અને જળને મહત્ત્વપૂર્ણ માનતાં કહ્યું છે કે, `વૃક્ષાદ વર્ષતિ પર્જન્યઃ પર્જન્યાદન્ન સમ્ભવઃ' એટલે કે વૃક્ષ જળ છે, જળ અન્ન છે, અન્ન જીવન છે, જંગલોને આપણા ઋષિઓ આનંદદાયક ગણાવતાં કહે છે કે, અરણ્ય તે પૃથિવી સ્યોનમસ્તુ. આ જ કારણે હિન્દુ જીવનના ચાર મહત્ત્વપૂર્ણ આશ્રમોમાંથી બ્રહ્મચર્ય, વાનપ્રસ્થ અને સન્યાસનો સીધો સંબંધ વનો એટલે કે પ્રકૃતિના સાનિધ્ય સાથે છે. હિન્દુ સંસ્કૃતિમાં વૃક્ષોને દેવતા માની પૂજા કરવાની આજ્ઞા છે. પરિણામે આપણે સ્વભાવથી જ વૃક્ષોના સંરક્ષક બનીએ છીએ. મહાન સમ્રાટ વિક્રમાદિત્ય અને અશોકનાં શાસનોમાં તો વનોની રક્ષા સર્વોપરી હતી. મહાન અર્થશાસ્ત્રી ચાણક્યે પણ આદર્શ શાસન વ્યવસ્થામાં ફરજિયાત રીતે અરણ્યપાલોની નિયુક્તિ કરવાની વાત કરી છે.
 
ઋગ્વેદથી લઈ બૃહદારણ્યકોપનિષદ, પદ્મપુરાણ અને મનુસ્મૃતિ સહિતનાં વાડમયોમાં વૃક્ષોને મનુષ્યના સમતુલ્ય ગણવાના સંદર્ભ મળી આવે છે. છાન્દોગ્ય ઉપનિષદમાં ઉદ્દાલક ઋષિ પોતાના પુત્ર શ્વેતકેતુ સમક્ષ આત્માનું વર્ણન કરતાં કહે છે કે, વૃક્ષ જીવાત્માથી ઓતપ્રોત હોય છે અને મનુષ્યોની જેમ જ સુખ-દુઃખની અનુભૂતિ કરે છે. હિન્દુ દર્શનમાં એક વૃક્ષની તુલના માનવના દસ પુત્રો સાથે કરવામાં આવી છે.
 

global warming in gujarati 
 
છોડમાં રણછોડ જોવાની આપણી પરંપરા
 
મોટાભાગનાં હિન્દુ ઘરોમાં આજે પણ તુલસીનો છોડ અવશ્ય જોવા મળી જાય છે તે શું છે ? વૈજ્ઞાનિકોએ પણ સ્વીકાર્યું છે કે, તુલસીનો છોડ સૌથી વધુ ઓક્સિજન છોડે છે. પીપળાના વૃક્ષને દેવતા માનીને પૂજવાની આપણી પરંપરા તેની પાછળ પણ તે સૌથી વધુ ઓક્સિજન- પ્રાણવાયુ પૂરો પાડતો હોવાનું વૈજ્ઞાનિક કારણ છે. દેવોના દેવ મહાદેવ બિલિપત્ર અને ધતૂરાના ફૂલથી પ્રસન્ન થાય છે એવું આપણને પરંપરાથી શીખવાડવામાં આવ્યું છે. વટસાવિત્રીના વ્રતમાં વડની પૂજા કરવામાં આવે છે. માતા સરસ્વતીને પીળાં ફૂલ પસંદ છે. માતા લક્ષ્મીને કમળ અને ગુલાબનાં ફૂલ થકી પ્રસન્ન કરી શકાય છે. ભગવાન શ્રી ગણેશ દુર્વા (ધરો)થી પ્રસન્ન થાય છે. હિન્દુ ધર્મનાં પ્રત્યેક દેવી-દેવતા પશુ-પક્ષી અને વૃક્ષ-છોડથી માંડી પ્રકૃતિના કોઈને કોઈ ભાગના સંરક્ષણનો સંદેશ આપે છે. દેવદર્શને જતાં ફૂલ-ફળ લઈ જવાની પરંપરા માત્ર સનાતન સંસ્કૃતિ સિવાય વિશ્વની કોઈ સંસ્કૃતિમાં જોવા મળતી નથી. ક્યારેય કોઈ ચર્ચમાં ક્રોસ પર પુષ્પમાળા ચડેલી જોઈ છે? ક્યારેય મસ્જિદમાં ફળ-ફૂલોનો ભોગ ધરાતો જોયો છે ખરો? નહીંને? કારણ કે પ્રકૃતિ સંરક્ષણના સંસ્કારો માત્ર હિન્દુ ધર્મ અને પરંપરાઓમાં જ જોવા મળે છે. અલબત્ત પશ્ચિમના આંધળુકિયા અનુકરણ અને મેકોલો શિક્ષણપદ્ધતિને કારણે આપણે પણ ધીરે ધીરે પશ્ચિમની પ્રકૃતિવિરોધી જમાતમાં જોડાઈ રહ્યા છીએ, પરંતુ આજે પણ ઘણાંખરાં ઘરોમાં વિશેષ કરી આપણા ગ્રામીણ વનવાસી વિસ્તારોમાં આપણી પ્રકૃતિપૂજાની એ સંસ્કૃતિ જળવાઈ રહી છે, ત્યારે જરૂર છે આપણી સંસ્કૃતિના સંવર્ધનની. ગ્લોબલ વોર્મિંગની આ સમસ્યાને વૈશ્વિક સ્તરે 0 નેટ સુધી લઈ જવી હશે તો સમગ્ર વિશ્વએ ભારતીય સંસ્કૃતિના શરણે આવ્યા સિવાય છૂટકો નથી. ભારત આ બાબતે વિશ્વનું નેતૃત્વ કરી શકે છે, પરંતુ તે પહેલાં ભારતે તેની શરૂઆત ઘરઆંગણેથી કરવી પડશે.
 
વાસ્તવિક પર્યાવરણ દિવસ
 
પર્યાવરણ સંરક્ષણ આજે બહુચર્ચિત વૈશ્વિક વિષય બની ગયો છે. દર વર્ષે ૫ જૂને સમગ્ર વિશ્વની જેમ ભારતમાં પણ આપણે પર્યાવરણ દિવસ ઉજવી કર્તવ્યપૂર્તિનો સંતોષ માની લઈએ છીએ, પરંતુ શું એ ઉજવણીમાં આપણા હૃદયમાં કોઈ ઉત્સાહ કે પ્રેરણાનો ભાવ હોય છે ખરો? ૧૯૪૭ પછી આપણે આંખો મીંચી વિદેશીઓની નકલમાં કરવાનાં ઉત્સાહમાં માતૃદિવસ, પિતૃ દિવસ, વેલેન્ટાઇન દિવસ જેવા કેટકેટલા ય નિરર્થક દિવસો જાહેર કરી દીધા છે, તેમ ૫ જૂને પણ પર્યાવરણ દિવસ તરીકે જાહેર કરી દીધો. પરંતુ તેની સાથે કોઈ પ્રેરક ઘટના જોડાયેલ ન હોવાથી પર્યાવરણ દિવસ પણ આત્માહીન થઈ માત્ર ક્રિયાકાંડ જ બની રહ્યો છે, ત્યારે પર્યાવરણ બચાવવા મુદ્દે ભારતમાં બનેલી એક ઐતિહાસિક ઘટનાનું અહીં સ્મરણ કરવું રહ્યું. ઉત્તરાખંડમાં ગૌરા દેવી, ચંદીપ્રસાદ અને તે પછી સુંદરલાલ બહુગુણાના નેતૃત્વમાં ચિપકો આંદોલનથી કદાચ જ કોઈ અજાણ હશે. આ આંદોલન કરનારાઓએ પણ જ્યાંથી પ્રેરણા લીધી હતી એ વિશ્વ ઇતિહાસની એક અનુપમ ઘટના છે, જેમાં વૃક્ષોના રક્ષણ માટે ૩૬૩ જેટલા પુરુષ-મહિલા અને બાળકો સ્વેચ્છાએ બલિવેદી પર ચડી ગયાં હતાં. તેઓએ ન તો પર્યાવરણ સંરક્ષણના લેખો વાંચ્યા હતા કે, પર્યાવરણને લઈ અપાતી યુએન જેવી સંસ્થાઓની ચેતવણી, તેઓ બસ એટલું જાણતાં હતાં કે, પશુ-પક્ષી સ્વચ્છ નિર્મળ જળ તથા વાયુ ભગવાનના આશીર્વાદ છે. તેથી તેનું રક્ષણ કરવું એ માનવધર્મ છે. પ્રકૃતિ પ્રત્યેની આ જ શ્રદ્ધાને લઈ ભાદરવા સુદ દસમે રાજસ્થાનમાં એક અનુપમ ઘટના ઘટી જે પર્યાવરણના સંરક્ષણ માટે સ્થાયી પ્રેરણા બની શકે છે. ગુરુજી જમ્ભેશ્વરજીએ સમાજ જીવન માટે ૨૯ નિયમો બનાવ્યા જેનું પાલન કરનારાઓ બિશ્નોઈ કહેવાયા. આ નિયમોમાં ઝાડને કાપવું નહીં, પશુ-પક્ષીઓ સાથે હિંસા ન આચરવી. પાણી ગંદું કરવું નહીં વગેરે નિયમો માને છે તેથી તેમના ગામોમાં પશુ-પક્ષી નિર્ભય થઈને કરે છે. ઈ.સ. ૧૭૩૦માં આ પર્યાવરણ-પ્રેમીઓ સામે પરીક્ષાની એક એવી થડી આવી જેમાં ઉત્તીર્ણ થઈને તેમણે પોતાને અમર કરી દીધા.
 
સન ૧૭૩૦ (સંવત ૧૭૮૭)માં જોધપુરમાં તત્કાલીન નરેશ અજયસિંહને પોતાના રાજ્યમાં નિર્માણકાર્યના હેતુસર ચૂનો તૈયાર કરવા માટે બળતણની આવશ્યકતા ઉભી થઈ. તેમણે પોતાના મંત્રી ગિરધરદાસ ભંડારીને તે માટે વ્યવસ્થા કરવાનો આદેશ આપ્યો. મંત્રીએ સશસ્ત્ર સૈનિકોની ટુકડી સાથે લાકડાં કાપનારાઓને ૨૫ કિ.મી. દૂર આવેલા ખેજડલી ગામે (ખેજડી) ખિજડાનાં વૃક્ષો કાપવા માટે મોકલ્યા. એ ગામના રહેવાસી બિશ્નોઈઓએ તેનો પ્રખર વિરોધ કર્યો પરંતુ સૈનિકો ક્યાં માનવાના હતા? છેવટે એક સાહસિક મહિલા ઈમરતી દેવીના નેતૃત્વમાં ગામવાસીઓએ એવો અભૂતપૂર્વ સત્યાગ્રહ કર્યો હતો અને પોતાનાં બલિદાનો આપ્યાં હતાં જેથી અંતે રાજાને પોતે ત્યાં ઉપસ્થિત થઈને પોતાનો આદેશ પાછો ખેંચવો પડ્યો.
ઈમરતી દેવી સાથે સેંકડો ગામવાસીઓ, જેમાં આબાલવૃદ્ધ સ્ત્રી અને પુરુષો બધા જ સામેલ હતા, વૃક્ષોને ચોંટી પડ્યા. તેમણે કહી દીધું કે અમે જીવતા છીએ ત્યાં સુધી એક પણ વૃક્ષ કપાશે નહીં. સૈનિકો પર વળી આવી વાતની કેટલી અસર પડવાની હતી ! તેમણે તો વૃક્ષો કાપવાનું કામ શરૂ કરી દીધું પરંતુ તે સાથે જ વૃક્ષોની સાથે સાથે ગામવાસીઓનાં પણ અંગપ્રત્યંગ કપાવા લાગ્યાં અને મૃતશરીરો જમીન પર પડવા લાગ્યાં. ગામવાસીઓની માન્યતા હતી કે,
 
દામ લિયા દાગ લાગે, ટુકડો ન દેવો જાન, સિર સાઠે સંખ રહે, તો ભી સસ્તો જાન.
 
(માથું આપીને પણ જો વૃક્ષનું રક્ષણ થાય તો એ સોદો પણ સસ્તો જ ગણાય)
 
સૌથી પહેલા આંદોલનને દૈવી નેતૃત્વ પ્રદાન કરનારી ઇમરતી દેવી પર કુહાડીના નિર્મમ પ્રહાર થાય અને તે વૃક્ષરક્ષા માટે પ્રાણ આપનારી પ્રથમ મહિલા બની ગઈ. આ ઘટના ભાદરવા સુદ ૧૦ (૫ સપ્ટેમ્બર, ૧૭૩૦)ના દિવસે ઘટી હતી. ક્રૂર કુહાડીઓ ચાલતી રહી અને બલિદાન માટે તત્પર ગ્રામવાસીઓ ધરતીના ખોળામાં ચિરશાંતિ મેળવતા રહ્યા. ૨૭ દિવસ ચાલેલા આ બલિદાન પર્વમાં ૩૬૩ બલિદાનીઓએ પોતાના દેહ અર્પણ કર્યા, જેમાં ઇમરતી દેવીની ત્રણેય પુત્રીઓ સહિત ૬૯ મહિલાઓ સામેલ હતી. છેવટે રાજા પોતે ત્યાં આવ્યો. તેણે બધાની ક્ષમા માગી અને લીલાં વૃક્ષો કાપવા પર પ્રતિબંધ મૂકી દીધો.
ગામવાસીઓને રાજા સામે કોઈ વ્યક્તિગત વેર તો હતું નહીં, તેઓ તો પોતાના ધર્મનું પાલન કરી રહ્યા હતા એટલે તેમણે રાજાને ક્ષમા આપી. એ ઐતિહાસિક ઘટનાની યાદમાં આજે પણ ત્યાં ભાદરવા સુદ ૧૦ના દિવસે મેળો ભરાય છે. થોડાં વર્ષોથી રાજસ્થાન સરકારે ઈમરતી દેવીના સ્મરણાર્થે વન, વન્યજીવ અને પર્યાવરણ સુરક્ષા માટે `અમૃતા દેવી બિશ્નોઈ સ્મૃતિ પુરસ્કાર' તેમ જ કેન્દ્ર સરકારે ૧૬ જુલાઈ ૨૦૦૦ થી `અમૃતાદેવી બિશ્નોઈ પુરસ્કાર' આપવાની શરૂઆત કરી છે. પર્યાવરણ સંરક્ષણ માટે જનજાગૃતિની ઘણી આવશ્યકતા છે પરંતુ એ ખાલી સભા-સરઘસ કે સેમિનારો દ્વારા થશે નહીં. એ માટે આપણે આપણી સમક્ષ એવું કોઈ પ્રેરક ઉદાહરણ રાખવું પડશે જે સદીઓ સુધી આપણને પ્રેરણા આપતું રહે. ઈમરતી દેવી તથા તેના પરિવારનું બલિદાન વિશ્વ ઇતિહાસની એક અપ્રતિમ અનુપમ ઘટના છે. એટલે એ દિવસ જ ખરો પર્યાવરણ દિવસ' છે. ભાદરવા સુદ ૧૦ને સ્વીકારવામાં કોઈ સમસ્યા હોય તો આપણે તે દિવસે હતી તે તારીખ ૫ સપ્ટેમ્બરને જ `પર્યાવરણ દિવસ' તરીકે અપનાવી શકીએ. એ કેટલું સારું થાય જો આપણે વિદેશોની ચિંતા કરવાને બદલે આપણા દેશથી જ આનો પ્રારંભ કરીએ.
 
ભારતીય ચિંતનમાં પ્રકૃતિને માતા માની તેની સાથે પૂજ્યભાવથી વર્તન કરવાની વાત કરવામાં આવી છે, પરંતુ હાલ બાળકોને શાળામાં ભણાવવામાં આવે છે કે પ્રકૃતિ પર વિજય અને સભ્યતાનો વિકાસ સાથે સાથે ચાલે છે. વર્તમાન સમયમાં વિશ્વ સમક્ષ જે ગ્લોબલ વોર્મિંગની સમસ્યા પેદા થઈ છે, તે આ પ્રકારના શિક્ષણને આભારી છે. આપણે ત્યાં તો રામચરિત માનસમાં પણ લક્ષ્મણના મૂર્છામાં આવવાના પ્રસંગે, વૈદ્ય સંજીવની જડીબુટ્ટીના આખેઆખા છોડને ન તોડતાં તે વનસ્પતિ સામે હાથ જોડી દવા માટે પાનાં તોડવાની પરવાનગી માગે છે, પરંતુ આજે જે રીતે સંપૂર્ણ પ્રકૃતિને નષ્ટ કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે, તેના કારણે પૃથ્વીના અસ્તિત્વ સામે જ સંકટ ઊભું થઈ ગયું છે અને પ્રકૃતિનું દહન નહીં, દોહન કરવાની વાત સમગ્ર વિશ્વ સ્વીકારી રહ્યું છે, પરંતુ અફસોસ એક વાતનો છે કે આજે આપણે જ આપણી ભારતીય સંસ્કૃતિનાં મૂલ્યોને વીસરી રહ્યાં છીએ.
 
જળવાયુ પરિવર્તનના આ વૈશ્વિક સંકટનો સામનો કરવા માટે ભારતને શરણે જવું પડે તેવું વિશ્વના મહાનુભાવોને સમજાઈ રહ્યું છે. દેશ-દેશ વચ્ચેની સ્પર્ધા ભૂલીને આપણે એક વિશ્વ છીએ તે ભાવના જાગવી જોઈએ, આ ભાવના `વસુધૈવ કુટુંબકમ્' જગવે છે. આ આખું વિશ્વ એટલે માત્ર વિશ્વનો માનવ સમુદાય નહીં, પરંતુ જળ, જમીન, જંગલ, જંતુ, જનાવર તમામ પરિવારનો હિસ્સો છે તેવું મનમાં ઉતરે તે માટે આધ્યાત્મિક ચેતનાનું જાગ્રત થવું અનિવાર્ય લાગી રહ્યું છે. સૌનું એક લક્ષ્ય એટલે કે ભવિષ્યને જોવાની એક દૃષ્ટિ, ટૂંકમાં કહીએ તો સૌનું એક દર્શન બનવું જરૂરી છે. આ એક વિશ્વ, એક પરિવાર અને એક ભવિષ્યના દર્શનનો સ્વીકાર એ જ એક ઉપાય છે, દુનિયાને આ માર્ગ પર લાવવા ભારત તેનું પ્રતિમાન (Model) બને તેવી આહલેક જગવીએ!
 
 

સંજય ગોસાઈ

સંજય ગોસાઇ સાધનામાં છેલ્લા ૧૦ વર્ષથી પત્રકાર તરીકે કામ કરે છે. તેમણે ગૂજરાત વિદ્યાપીઠમાંથી જર્નાલિઝમની માસ્ટર ડિગ્રી મેળવી છે. હાલ તેઓ સાધનાનાં સંપાદક મંડળમાં છે…