કવર સ્ટોરી
- સંજય ગોસાઈ
વેકેશન : ગમ્મત સાથે જ્ઞાનની મોસમ

018.jpgવેકેશન એટલે બહુ જ બધી રજાઓની ઋતુ. ન શાળાએ જવાની ઝંઝટ કે ન વડીલોના, અલા ભાઈ... લેશન નથી ? કે વાંચવાનું નથી? ની કચ-કચ. આખો દિવસ યાર-દોસ્તારો સાથે ધિંગામસ્તી અને શરારતો કરવાની ઋતુ. મામા-માસી, કાકા-ફોઈના પિતરાઈઓને મનભરી મળવાની મૌસમ. ઘરઆંગણામાં પાણી છાંટી માટીની ભીની-ભીની સુગંધને નાભિ સુધી ભરવાની ઋતુ. ખુલ્લાં મેદાનો ખેતરો-વાડીઓમાં આખો દિવસ ધમાચકડી મચાવ્યા બાદ રાત્રે અગાસી પર સમૂહમાં સૂતાં-સૂતાં ભૂત-પ્રેતની કાલ્પનિક વાતો અને એ વાતોને ધડકતા હૈયે માણવાની મૌસમ. ચોખ્ખાચટ આકાશમાં ટમટમટતા અગણિત તારાઓને ગણતાં-ગણતાં માસૂમ સપ્નાંની સોડ તાણી સૂવાની મૌસમ.

‘વેકેશન’ આ શબ્દ સાથે આવી તો ભૂતકાળની કેટકેટલીય મીઠી યાદો સંકળાયેલી છે. એક વખત ફરી પાછી વેકેશનની એ ઋતુ આવી છે, પરંતુ બદલાતા જતા સમયની સાથે સાથે વેકેશનની એ પરંપરામાં પણ જબરજસ્ત પરિવર્તન આવી ગયું છે એક તરફ એક મહિનાના આ વેકેશનમાં બાળકો વધુમાં વધુ મસ્તી કરી લેવા ઇચ્છે છે ત્યારે બીજી તરફ તેનાં માતા-પિતાને એ વાતની ચિંતા સતાવતી હોય છે કે, તેઓના બાળકનું વેકેશન બહાર હરવા-ફરવામાં અને તાપમાં મિત્રો સાથેની નાહકની ધિગામસ્તીમાં જ બરબાદ ન થઈ જાય. હાલના સમયમાં તમામ બાળકોનાં માતા-પિતા પોતાનું બાળક વેકેશનમાં કાંઈક નવું શીખે એનો ખાસ આગ્રહ રાખતાં હોય છે અને આમાં કાંઈ ખોટું પણ નથી. પ્રતિસ્પર્ધાના આ યુગમાં આ બાબત ખૂબ જ જરૂરી છે અને હવે તો વેકેશન એટલે માત્ર રજાઓ જ એવું પણ નથી હોતું. હવે તો શાળાની સાથે સાથે વધારાના ક્લાસિસ અને શાળાનું વેકેશન કાર્ય પણ પૂરું કરવાનું હોય છે ત્યારે આ અંગે ન માત્ર માતા-પિતાઓએ જ, બાળકોએ પણ વેકેશનના સદ્ઉપયોગનું સમયપત્રક બનાવી તેને અનુસરવું જોઈએ. જો આમ થાય તો બાળકનાં માતા-પિતા પણ ખુશ રહી શકે છે અને બાળકોનું વેકેશન પણ મજેદાર બની જઈ શકે છે.

પ્રથમ સમયપત્રક બનાવો

સૌપ્રથમ બાળકોએ તેમનાં માતા-પિતા સાથે મળી સમયપત્રક તૈયાર કરવું જોઈએ, જેમ કે શાળાના વેકેશનકાર્ય માટે બે કે ત્રણ કલાક, જો બાળકની ઇચ્છા સમર કેમ્પમાં ભાગ લેવાની હોય તો ક્યાં અને શેમાં એ નક્કી કરી લેવું જોઈએ. જો બાળકને કેટલાક દિવસો કોઈ સંબંધીને ત્યાં રહેવા જવાની કે પછી ક્યાંક ફરવા જવાની ઇચ્છા હોય તો તેણે આ અંગે તેનાં માતા-પિતાને અગાઉથી જ જાણ કરી દેવી જોઈએ.

019.jpg

વિવિધ પ્રકારની રમત-ગમતોમાં જરૂરથી ભાગ લો...

એક સમયે આપણે કુદરત અને પ્રકૃતિ સાથે ખૂબ જ નજીક હતા, પરંતુ આજના આધુનિક અને યાંત્રિક યુગમાં આપણે એ કુદરત અને એ પ્રકૃતિથી દૂર થઈ રહ્યા છીએ. આજે બાળકોના મોટાભાગનો સમય ટીવી, કમ્પ્યુટર, મોબાઈલ અને ગેજેટ સાથે જ પસાર થાય છે ત્યારે બાળકોએ થોડો સમય આ તમામ ચીજવસ્તુઓ પોતાનાથી દૂર કરી એ સમય દરમિયાન શારીરિક કસરતોમાં ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, કારણ કે આ ઉંમરે તમારામાં શારીરિક મજબૂતી હોવી ખૂબ જ જરૂરી છે અને શારીરિક મજબૂતી માટે રમત-ગમત પણ એટલી જ જરૂરી છે.

જો બાળક કે તેનાં માતા-પિતાને બાળકના તડકામાં રમવા સામે ચિંતા કે વાંધો હોય તો તેમની સામે સમરકેમ્પમાં લાગતા સ્પોર્ટ કેમ્પ છે જ. આ પ્રકારના કેમ્પો સવારે અને સાંજે જ લાગતા હોય છે અને જો આવા સમરસ્પોર્ટ કેમ્પ્ની સુવિધાઓ ન હોય તો પણ સવાર-સાંજ દરમિયાન મિત્રોનું એક વર્તુળ બનાવી શારીરિક કસરતને લગતી રમતો પણ રમી શકો છો. ગ્રામીણ બાળકો માટે આ શ્રેષ્ઠ વિકલ્પ છે.

ટેક્નોલોજી-સ્લેવી નહિ. ટેકનોલોજી-સેવી બનો

આજના ટેક્નોલોજીકલ યુગમાં કમ્પ્યુટર અને ઇન્ટરનેટથી સદંતર દૂર રહેવું શક્ય નથી, પરંતુ એનો મતલબ એ પણ નથી કે તમે વેકેશનમાં ટાઇમ મળ્યો છે તો આખો દિવસ ઇન્ટરનેટ અને વીડિયો ગેમ્સને માત્ર મનોરંજન માટે જ વાપર્યે રાખો. વેકેશનમાં બાળકોએ મલ્ટીમીડિયા, એનિમેશન જેવા કમ્પ્યુટર સંબંધિત ફ્રેશ કોર્સ જરૂરથી કરવા જોઈએ. આ કોર્સ બાળકો માટે ક્રિયેટીવ સાબિત થઈ શકે છે અને આ કોર્સ શીખવા માટે બાળકોને કંટાળો પણ આવતો નથી.

સમરકેમ્પ વેકેશન ગાળવાનો એક શ્રેષ્ઠ વિકલ્પ

ઉનાળુ વેકેશન શરૂ થતાંની સાથે જ નાનાં મોટાં શહેરોમાં બિલાડીના ટોપ્ની માફક વર્કશોપ અને સમરકેમ્પ ફૂટી નીકળે છે. જ્યાં બાળકોને વિવિધ ક્ષેત્રના એક્સ્પર્ટસ દ્વારા ટ્રેકિંગ, વર્ડવોચિંગ, પેઇન્ટિંગ, ડાંસ, મ્યુઝિક સહિત પર્સનાલિટી ડેવલપમેન્ટ, હેન્ડરાઇટિંગ, ક્રિએટિવ આર્ટ અને એક્સપ્લોરિંગ નેચર કેમ્પ સહિત અન્ય અનેક બાબતો શીખવાડવામાં આવે છે. આ પ્રકારના સમરકેમ્પમાં જવાથી બાળક અનેક નવી-નવી વસ્તુઓ શીખે છે.

મનોરંજનની સાથે કોઈ એક વિદેશી ભાષા શીખી શકો છો

અંગ્રેજીનું જ્ઞાન હાલ કોઈપણ ક્ષેત્રમાં ખૂબ જ મહત્ત્વનુ બની ગયું છે ત્યારે બાળક તેને રસપૂર્વક શીખે એ સમયની માગ છે. આજે શહેરનાં બાળકોમાં પોતાનું અંગ્રેજીનું જ્ઞાન મજબૂત કરવા માટે મિત્રો સાથે વર્ડ મીનિંગ અને સ્પેલચેક જેવી રમતોનો ખૂબ ક્રેઝ જોવા મળે છે, પરંતુ અંગ્રેજી સિવાયની ભાષાઓ પણ ખૂબ મહત્ત્વની છે માટે ચીની, જાપાની, ફ્રેંચ, જર્મન, રશિયન ભાષા શીખવી જોઈએ. વિદેશી ભાષાઓના સ્પેશિયલ વેકેશન ક્લાસિસ યોજાતા હોય છે, જે બાળકની કારકિર્દી માટે પણ ખૂબ મદદરૂપ થઈ શકે છે. ભવિષ્યમાં વિદેશી ભાષાનું લીધેલું શિક્ષણ બાળકની કારકિર્દી બનાવી શકે છે.

થિયેટરની દુનિયા

જો કોઈ બાળકને અભિનય, ગીત કે નૃત્ય જેવા વિષયોમાં રસ હોય તો વેકેશનનો આ સમયગાળો તેના માટે ઉત્તમ છે. જો બાળક થોડું મોટું હોય અને શાળામાં આ ક્ષેત્રનો થોડો ઘણો અનુભવ હોય તો શહેરમાં ચાલતી કોઈ નાટકમંડળીનો પણ સંપર્ક સાધી શકે છે. જો એ શક્ય ન હોય તો વેકેશન દરમિયાન ટૂંકા ગાળા માટે કોઈ એક્ટિંગ ક્લાસ જોઈન કરી પોતાની આંતરિક કળાને વિકસાવી શકે છે.

બાળકો, યુવાનોમાં લાઇફસ્કીલ ડેવલપમેન્ટ શીખવાનો નવો ટ્રેન્ડ

વેકેશનમાં બાળકો, યુવાનો અને તેમનાં માતા-પિતામાં સમરકેમ્પ ખેલકૂદ, ઇન્ટરનેટ કમ્પ્યુટર્સની સાથે સાથે આ બધાથી કંઈક અલગ અને હટકે શીખવાનો ક્રેઝ ધીરે ધીરે વધી રહ્યો છે. દિલ્હી, મુંબઈ, કલકત્તા, અમદાવાદ જેવાં મેટ્રો શહેરોમાં તો હવે ઉનાળુ વેકેશન દરમિયાન મ્યુઝિક, ડાંસ, સ્વિમિંગ, પેઇન્ટિંગ જેવા શોખ આઉટડેટેડ અને પુરાણા માનવામાં આવે છે. તેની જગ્યાએ હવે બાળકો, યુવાનોમાં લાઇફસ્કીલ ડેવલપમેન્ટ ક્લાસિસે સ્થાન લઈ લીધું છે. આ ક્લાસિસમાં ક્ષેત્રના એક્સ્પર્ટસ દ્વારા સ્ટ્રેસ દૂરી કરી વ્યક્તિત્વને પ્રભાવી બનાવવાની તાલીમ આપવામાં આવે છે. નેશનલ સાઇસસેન્ટર એજ્યુકેશનના હેડ રામદાસ ઐયર કહે છે કે અગાઉ વેકેશન દરમિયાન બાળકો, યુવાઓ ક્રિએટિવ આર્ટ અને એક્સપ્લોરિગ નેચર કેમ્પમાં રસ લેતા હતા. જ્યારે હવે લાઇફસ્કીલ ડેવલપમેન્ટમાં રસ દાખવી રહ્યા છે. જોકે આ પ્રકારના ક્લાસીસની ફી પણ ભારે તગડી હોય છે. એક અઠવાડિયાના કેમ્પમાં 15થી 25 હજાર સુધીની ફી વસૂલવામાં આવે છે.

આજના યુવાઓ માટે વેકેશન એટલે...?

એક સમય હતો જ્યારે દેશના યુવા માટે ઉનાળુ વેકેશન એટલે સાથી મિત્રો સાથે મોજમસ્તી, ગપ્પાં મારવા કે લાંબી પિકનિક પર ઊપડી જવું, પરંતુ વર્તમાન સમયમાં પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. યુવા વધુ સમજદાર અને જવાબદાર બન્યો છે.

કશુંક નવું કરવાની ધૂન

ઉનાળુ વેકેશનમાં વિદ્યાર્થીઓ પાસે લગભગ દોઢથી બે મહિના જેટલો સમય હોય છે. આ દરમિયાન કેટલાક યુવાઓ શોખ પ્રમાણે અનેક અભ્યાસ વર્ગોમાં જોડાય છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી આપણે ત્યાં યુવાઓમાં વ્યક્તિત્વ વિકાસ જર્મન, સ્પેનિસ, રશિયન અને ફ્રેન્ચ જેવી વિદેશી ભાષાઓ શીખવાનો ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત પણ વેકેશન દરમિયાન શહેરમાં ઠેક-ઠેકાણે બોડીલેંગ્વેઝ, ટિચિંગસ્કીલ, કૂકિંગ-પેકેજિંગ, પેઇન્ટિંગ, મહેંદી આર્ટ, ડાંસ, બ્યૂટિપાર્લર અને ઇન્ટિરિયર ડેકોરેશન સહિતના અનેક પરંપરાગત કોર્સિસનાં સેન્ટરો ધમધમી ઊઠે છે.

વેકેશન અને પ્રવાસ

યુવાવર્ગમાં પ્રવાસને લઈને ગજબનું આકર્ષણ રહ્યું છે. એક સમય હતો જ્યારે યુવા વેકેશનમાં સગા-સંબંધીઓના ઘરે પ્રવાસમાં ઊપડી જતા કે પછી મિત્રો સાથે નાની-ટૂંકી ટૂરમાં નીકળી પડતા પરંતુ આજે સમય બદલાયો છે. તો યુવાનોમાં એ પરંપરાગત પ્રવાસનો ટ્રેન્ડ પણ બદલાયો છે. આજનો યુવા પ્રવાસમાં કે સગા-સંબંધીઓના ઘરે જવા કરતા કંઈક નવું કરવા માટે જંગલ ટ્રેનિંગના કેમ્પોમાં જવાનું વધુ પસંદ કરે છે. અહીં તેને સાહસની સાથે સાથે પરંપરાથી કાંઈક અલગ કરવાનો આનંદ પણ મળે છે. ભારતમાં મહાબળેશ્ર્વર, માથેરાન, ગોવા, પૂણે, અમદાવાદ, બોરિવલી, નેશનલ પાર્ક જેવાં સ્થળો પર આ પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવે છે. આ પ્રકારના ટ્રેનિંગ કેમ્પોમાં ઘોડેસવારી, રાઇફલ શૂટિંગ, કમાંડો બ્રિજ, ટારઝન સ્વિંગ, મેપ રીડિંગ, જંગલ કૂકિંગ, સ્વિમિંગ, કંપ ફાયર જેવી અનેક રોચક અને સાહસી પ્રવૃત્તિઓની તાલીમ આપવામાં આવે છે. શહેરના જીવનથી દૂર જંગલનો આ પ્રવાસ તેમના વેકેશનને યાદગાર બનાવી દે છે. આ ઉપરાંત પણ યુવાઓએ ભારત અને તેને જાણવાના વિષયને લઈને પ્રવાસ ગોઠવવો જોઈએ. જેમાં ગુજરાતના કે ભારતના ઐતિહાસિક, ધાર્મિક સ્થળો, વિવિધ વિભૂતિઓ, ક્રાંતિકારીઓ ઉપરાંત પૌરાણિક, ઐતિહાસિક મહત્ત્વ ધરાવતી નદીઓ, પહાડોનો પ્રવાસ ગોઠવી વેકેશન અને પ્રવાસને જ્ઞાનપ્રદ અને યાદગાર બનાવી શકાય છે.

લર્નિંગ સાથે અર્નિંગ

તાજેતરનાં વર્ષોમાં યુવાવર્ગમાં એમાં પણ ખાસ કરીને પોતાના ઘર-શહેરથી દૂર દિલ્હી-મુંબઈ, અમદાવાદ જેવાં મેટ્રો શહેરોમાં ભણતા વિદ્યાર્થીઓમાં વેકેશન દરમિયાનના સમયગાળામાં જોબ કરી પોતાના ક્ષેત્રના કામના અનુભવ સાથે સાથે થોડાઘણા પૈસા કમાઈ લેવાનું ચલણ પણ વધ્યું છે.

કાલેજના વિદ્યાર્થીઓ કાલેજમાં થતા પ્લેસમેન્ટ દરમિયાન જ વેકેશન માટે પાર્ટટાઇમ નોકરી શોધી કાઢતા હોય છે. મુંબઈ, કાંદિવલીમાં રહેતો અર્જુન કનૌજિયા નામનો વિદ્યાર્થી કહે છે કે, કાલેજમાં પ્લેસમેન્ટ દરમિયાન અને બહાર અનેક કંપ્નીઓ વિદ્યાર્થીઓને ઓછા પગારે પાર્ટટાઇમ નોકરી આપતી જ હોય છે. આ પ્રકારની નોકરીનો ફાયદો એ હોય છે કે, કંપ્ની તમને એપ્રેન્ટિસ માનતી હોય છે, માટે કામ દરમિયાનમાં કોઈ ભૂલ થઈ જાય તો તેને નજરઅંદાજ કરવામાં આવે છે, જેને કારણે તમે કોઈપણ પ્રકારની ચિંતા કે તણાવ વગર ઘણું બધું શીખી શકો છો. દિલ્હીમાં ભણતી એન્જિનિયરિંગ કાલેજમાં અભ્યાસ કરતો સુબીર નામનો વિદ્યાર્થી કહે છે કે, હું ગત વર્ષે સમર ઇન્ટર્નશીપમાં કામ કરી ચૂક્યો છું અને મારો અનુભવ કહે છે કે, શહેરની  કોઈ વેલનોન કંપ્ની સાથે કામનો અનુભવ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે, કારણ કે આ પ્રકારની નોકરી કરવાથી તમને રીઅલ પ્રોફેશનલ વિશ્ર્વ સાથે રૂબરૂ થવાનો અવસર તો મળે છે, સાથે સાથે જે-તે કંપ્ની સાથે કામ કર્યું હોવાનું સર્ટિફિકેટ પણ મળે છે.

સેવાથકી વેકેશનનો સદ્ઉપયોગ

026.jpgઆજકાલ ભારતીય યુવા માનસમાં વિવિધ પ્રકારનાં સેવાકાર્યો કરવાનો નવા પ્રકારનો એક નવતર અભિગમ વિકસી રહ્યો છે. શાળામાં વેકેશન પડતાં જ કેટલાક વિદ્યાર્થીઓ પોતાના મિત્રો સાથે ગૃપ બનાવી સમાજમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરતા હોય છે. નડિયાદની આવી જ એક મિત્રમંડળીએ શહેરની સોસાયટીમાં ફરી ફરી 1200 જોડી જૂનાં બૂટ ચંપલ એકત્રિત કરી તૂટેલી જોડીઓને પોતાના પોકેટમનીમાંથી રિપેર કરાવી જરૂરિયાતમંદ લોકોને વહેંચ્યા હતાં.

અમદાવાદની એક સંસ્થાના પ્રોજેક્ટ અંતર્ગત આવા સેવાકાર્ય કરી ચૂકેલ કાલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો રાહુલ કહે છે કે, અમને મિત્રોને ત્રણ જૂથમાં વહેંચી નાખવામાં આવ્યા હતા. જેમની પાસે કાર હતી તેઓને પ્રથમ જૂથમાં મૂકવામાં આવ્યા હતા. અમારે વહેલી સવારે કાર લઈ નીકળી પડવાનું હતું અને સ્ટેશન કે બસસ્ટેશન પર ઊભેલા મધ્યમવર્ગના અને નિમ્ન મધ્યમવર્ગના માણસોને કારમાં બેસાડી તેઓને જ્યાં જવાનું હોય ત્યાં કાળજીપૂર્વક પહોંચાડવાના હતા અને વૃદ્ધ માણસોને અગ્રીમતા આપવાનું જણાવાયું હતું. પોતાના સેવાના એ 15 દિવસના અનુભવો અંગે વાત કરતાં તે કહે છે કે, ફાઇવસ્ટાર હોટલ્સમાં મિત્રો સાથે ડિનર લીધા પછી જે ખુશી નહોતી થઈ તે ખુશી અને તે રોમાંચ અમને લોકોને તેમની મંજિલે પહોચાડ્યા બાદ થતો. રાહુલ કહે છે કે એક દિવસ એક વૃદ્ધ માજીને કારમાં બેસાડી બસસ્ટેન્ડ પર ઉતાર્યાં ત્યારે તેઓએ મને થેલામાંથી 10ની નોટ કાઢી આપી. તેઓને ક્યાં ખબર હતી કે હું શહેરના મોટા ઉદ્યોગપતિનો દીકરો છું, મને આશીર્વાદ આપવા માટે ઊંચો થયેલો તેમનો ધ્રૂજતો હાથ, તમે માનશો... કાલેજમાં માણેલી મારી તમામ મજાઓ એક તરફ અને મધુર પ્રભાતના ઝાંખા ઉજાસમાં પ્રાપ્ત થયેલા એ માજીના આશીર્વાદ એક તરફ.

બીજા જૂથના યુવાનોનું શહેરમાં એકલા રહેતા વૃદ્ધોના ઘરે જઈ એમની સાથે સમય પસાર કરી તેઓના રોજબરોજનાં કામો પતાવી આપવાનું હતું. તેમની દવા, તેમનાં લાઇટબિલ ભરવાં, કોર્પોરેશનનું કાંઈ કામ, શાકભાજી લાવી આપવા સુધ્ધાંનાં કામો પતાવી આપવાનાં હતાં. આ જૂથમાં ઈમરાન નામનો એક યુવાન કહે છે કે, મોહનકાકા નામના એક વૃદ્ધને મારી કારમાં હાસ્પિટલ લઈ જતો હતો. શુક્રવારે બપોરનો સમય હતો. બાજુની મસ્જિદમાંથી બાંગ પોકારવાનો અવાજ સંભળાયો ત્યારે મોહનકાકાએ મને કાર બાજુમાં પાર્ક કરી નમાજ પઢી આવવા કહ્યું ત્યારે મારા એક જવાબથી તેમની આંખો આંસુથી છલકાઈ ગઈ હતી. મેં તેઓને કહ્યું હતું કે, કાકા, સવારથી એ જ તો કરું છું. મારી નમાજ તો બધાથી પહેલી કબૂલ થઈ ગઈ છે.

આમ હાલ અનેક વિદ્યાર્થીઓ વેકેશન પડતાંની સાથે જ તેમના શહેરમાં કે વિસ્તારમાં ચાલતા કોઈ સામાજિક સંગઠન સાથે જોડાઈને સમાજસેવા કરી વેકેશનનો સદ્ઉપયોગ કરતા હોય છે. દિલ્હી સ્થિત આવા જ એક સંગઠન સાથે સંકળાયેલ રામલાલસિંહ નામના એક સામાજિક કાર્યકર કહે છે કે, આજની યુવાપેઢીમાં અન્યને મદદ કરવાને લઈને જબરજસ્ત ઉત્સાહ જોવા મળે છે. તેનો અંદાજ એ બાબત પરથી લગાવી શકાય છે કે, આ વર્ષે વેકેશનમાં અમારી સંસ્થા દ્વારા દિલ્હીના સ્લમ એરિયાનાં ગરીબ બાળકોની પર્સનાલિટી ડેવલપમેન્ટ સ્કીલના કલાસિસ શરૂ કરવાની જાહેરાત સાથે જ દિલ્હીની કાલેજમાંથી 40 જેટલા યુવાઓ અમારો સંપર્ક સાધી આ અભિયાનમાં જોડાયા છે.

વેકેશનમાં રા.સ્વ. સંઘનો શિક્ષાવર્ગ એક અદ્ભુત અનુભવ

020.jpgવેકેશન પડતાંની સાથે સાથે વિવિધ જગ્યાઓ પર સમર કેમ્પ, સહિતના જાત-જાતના કેમ્પ્ના રાફડા ફાટી નીકળતા હોય છે. જ્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તેના સ્થાપ્નાકાળથી જ તરુણ અને યુવાવર્ગમાં ઉચ્ચ અને રાષ્ટ્રપ્રેમી ચરિત્રના ઘડતર માટે સંઘ શિક્ષા વર્ગોનું આયોજન કરતો આવ્યો છે. દર વર્ષે દેશના વિવિધ સ્થળો પર ઉનાળામાં શાળાના વેકેશન દરમિયાન સંઘ શિક્ષા વર્ગો યોજાતા હોય છે. જ્યાં શિક્ષાર્થીને 20થી વધુ દિવસ સુધી ઘર-પરિવારથી દૂર રહી રાષ્ટ્ર અને સમાજ માટે ઉત્તમ ચરિત્રવાન નાગરિક બનવાની સખત તાલિમ આપવામાં આવે છે. આ કેમ્પ્ની એક ખાસિયત એ છે કે અહીં દેશભરમાંથી વિવિધ રાજ્યોના શિક્ષાર્થીઓ આવતા હોવાથી આખું એક મીની ભારત ખડું થઈ જાય છે, સાથે સાથે દેશના જુદા-જુદા રાજ્યના લોકો વચ્ચે એકાત્મભાવના અને ભાઈચારો પણ કેળવાય છે. આ પ્રકારના શિક્ષાવર્ગમાં વ્યક્તિત્વના ચતુરમુખી વિકાસને ધ્યાનમાં રાખી શારીરિક અને બૌદ્ધિક કાર્યક્રમોની શૃંખલા તૈયાર કરી એ આધારે શિક્ષાર્થીને તાલીમ આપવામાં આવે છે. અહીં શિક્ષાર્થીઓને પરંપરાગત ભારતીય રમતો, સાથે સાથે યોગ-પ્રાણાયામ, સમતા, દંડસંચાલન અને શાખા-સંચાલનની પણ તાલીમ આપવામાં આવે છે. તો માનસિક કસરતોમાં બૌદ્ધિક કાર્યક્રમો જેમાં દેશની મહાન પરંપરા, વ્યક્તિત્વો, સમૃદ્ધ વિરાસત તેમજ વર્તમાન સમાજને લગતા વિષયો અને પ્રશ્ર્નો પર બૌદ્ધિક, તેમાં ચર્ચા સત્રનું આયોજન પણ કરવામાં આવે છે. આજે જ્યારે યુવાવર્ગ અને તેઓનાં માતા-પિતાને સમર કેમ્પ અને વ્યક્તિત્વ વિકાસના વર્ગો પાછળ મસમોટી રકમો ખર્ચવા છતાં પણ આત્મસંતોષ નથી થતો અને કેટલીક વખત તો પોતે છેતરાયા હોવાનો અહેસાસ થાય છે ત્યારે એક વખત રા.સ્વ.સંઘના શિક્ષાવર્ગનો પણ અનુભવ કરવા જેવો ખરો.

કોમ્પ્યુટરનું મેક્સિમમ જ્ઞાન મેળવી લેવા માગું છું

021.jpgઆઠમા ધોરણની પરીક્ષા આપી ચુકેલ ‘હર્ષ’ કહે છે કે, હાશ પરીક્ષાઓ આખરે પતી. થોડો થાક પણ ખાઈ લીધો, પરંતુ મારે હવે કમ્પ્યુટર ક્લાસિસ જોઈન કરવા છે. આમતો હર્ષને શાળામાં કોમ્પ્યુટર એક વિષય તરીકે ભણાવવામાં આવે જ છે, પરંતુ શાળામાં બીજા બધા વિષયો અને ટ્યૂશન પર પણ ધ્યાન આપવાનું હોવાથી પ્રેક્ટિસ પૂરતી થઈ શકતી નથી. માટે કમ્પ્યુટરના ખાસ વેકેશન ક્લાસિસ જોઈન કરી રહ્યો છું. હર્ષ કહે છે કે, 30 દિવસના આ શોર્ટ ટર્મ ક્લાસિસમાં હું કોમ્પ્યુટર અંગે મેક્સિમમ જ્ઞાન મેળવી લેવા માગું છું.

હું મારી ડાન્સિંગ સ્કિલને કેળવવા માગું છું : જીગર

022.jpgઅમદાવાદમાં ઈસનપુરમાં રહેતો બી. કોમ. ફાઇનલનો વિદ્યાર્થી જીગર તેના ગત વર્ષના સમર વેકેશનના ડાન્સ ક્લાસિસનો અનુભવ વર્ણવતા કહે છે કે, ગત વર્ષે મેં માત્ર એક મહિનાના ક્લાસિસમાં ડાન્સના બેઝિક સ્ટેપ સારા એવા કવર કરી લીધા હતાં. હવે હું આ વેકેશનમાં પણ ડાન્સ ક્લાસ જોઈન કરી મારા એ શોખને આગળ ધપાવવા માગું છું.

વેકેશન જરા હટકે વિતાવવા ખૂબ જ એક્સાઈટિંગ છું : યશ

023.jpgત્રીજા ધોરણમાં અભ્યાસ કરતા યશની મમ્મીએ તો ‘યશ’ માટે વેકેશન અગાઉથી જ પ્લાનિંગ કરી રાખ્યુ છે. યશ આ વખતે પરીક્ષા બાદ થોડો આરામ કરી, આઠ દિવસના સમર કેમ્પમાં જશે. જ્યાં તેને ટ્રેકિંગ, સ્વિમિંગથી માડી તમામ પ્રકારની સ્પોર્ટ એક્ટિવિટી સહિત લાઇફસ્કિલ ડેવલોપમેન્ટની તાલિમ પણ આપવામાં આવશે. ‘યશ’ પણ આ વખતનું વેકેશન જરા હટકે વિતાવવા માટે ખૂબ જ એક્સાઇટમેન્ટ અનુભવે છે.

અંગ્રેજી સાથે ફ્રેન્ચ ભાષા પણ શીખવી છે : મયંક

024.jpgઓટોમોબાઈલ એન્જિનિયરિંગની છેલ્લા ટર્મમાં અભ્યાસ કરી રહેલ ‘મયંક’ આ વખતે તેના સમર વેકેશનમાં અંગ્રેજીની સાથે સાથે ફ્રેન્ચ ભાષાનો શોર્ટટર્મ કોર્સ જોઈન કરી રહ્યો છે. તે કહે છે કે, અમારી કાલેજના સિનિયરોનો અનુભવ કહે છે કે, આ પ્રકારના શોર્ટટર્મ કોર્સમાં શીખવવામાં આવતી અંગ્રેજી સિવાયની અન્ય ભાષાઓને કારણે તમારામાં એક ગજબનો આત્મવિશ્ર્વાસ આવે છે જે તમારા જોબ માટેના ઇન્ટરવ્યુ અને કારકિર્દી માટે ખૂબ જ જરૂરી છે.

સમર એક્ટિવિટી સાથે પિકનિકની મઝા માણી

025.jpgમહિલાઓને કંઈક શીખવવાના હેતુથી કામ કરતી ઉત્કર્ષ મહિલા ક્લબ દ્વારા હાલમાં વેકેશનની એક્ટિવિટી યોજવામાં આવી છે. 20 થી 22 મહિલાઓ આ એક્ટિવિટીમાં જોડાઈ છે. આ મહિલાઓએ એક્ટિવિટી દરમિયાન કેલીગ્રાફ અને પેપર વર્ક પર પોતાનો હાથ અજમાવ્યો હતો.

ક્લબના ચેરપર્સન રેખા અધ્વર્યુ જણાવે છે કે, ‘શનિવારે વેકેશન એક્ટિવિટીમાં ભાગ લેનાર મહિલાઓ માટે એક નાનકડી પિકનિકનું આયોજન કરાયું હતું. હેવમોર ફેક્ટરીની વિઝીટ પણ કરવામાં આવી હતી. જેથી દરેક મહિલાઓ એકબીજાના સંપર્કમાં આવે અને એકબીજાને ઓળખે.’ વેકેશન એક્ટિવિટીમાં મહિલાઓ - છોકરીઓને લર્નિંગ, વાયર ક્રાફ્ટ, લમાસા વર્ક, મડ વર્ક, ચોક્લેટ મેકિંગ, જામ, જ્યૂસ, અથાણા બનાવવાની રીત જેવી વિવિધ એક્ટિવિટી શીખવાડવામાં આવી હતી.1આપના પ્રતિભાવો - Your Feedback
Name :
Email :
Title :
Description :
Security Code : *
[Plese insert above code in this textbox.]
   
  '*' are mandatory fields.
પ્રતિભાવો - Your Comments
ચાલુ અંક
સમાચાર અને કાયઁક્ર્મો
જાહેરાત
Copyright © 2009-10 Sadhana Weekly
Created By: DCS