ચાનકીનું દફ્તર

    ૨૪-સપ્ટેમ્બર-૨૦૧૫

ઉનાળાની રજાઓ પૂરી થવા આવી. શાળાઓ ખૂલવાનો દિવસ નજીક આવી રહ્યો હતો. ચાનકી એના મામાને ઘેર ગઈ હતી. એની મમ્મી દેવીબહેને એના ભાઈને ફોન કરી કહ્યું, ‘મયૂર, હવે ચાનકીને મોકલી દે. હજી એના ચોપડા, દફ્તર બધું લાવવાનું છે.’

‘દીદી, કાલે હું જ આવી જઈશ. મારે મહેસાણા જવું છે એટલે તેને ઘરે મૂકતો જઈશ.’ મયૂરમામાએ કહ્યું.

ને બીજે દિવસે ચાનકી ઘેર આવી ગઈ. હવે તે પહેલા ધોરણમાં આવી હતી. ચાનકી બે વર્ષ બાલમંદિરમાં ભણવા જતી હતી, ચાનકીને નિશાળે જવું બહુ ગમતું હતું.

દેવીબહેન કહે, ‘જો ચાનકી, કાલે બજારે જવાનું છે. તારી બધી વસ્તુઓ લેવા, સમજી?’ આ સાંભળી ચાનકી રાજી રાજી થઈ ગઈ.

ચાનકીના પપ્પા મહેશભાઈ એમના સમાજના ચાલતા મંડળની ઑફિસેથી સસ્તા દરે ડઝન નોટો લઈ આવ્યા હતા. સમાજવાળા આ રીતે દરેક સભ્યને ચોપડા અને નોટબુકો આપતા હતા. નીચલા ધોરણવાળાને નોટબુકો અને ઉપલા ધોરણવાળાને ચોપડા. ડઝન ચોપડા જોઈ દેવીબહેન મોં બગાડીને કહે, ‘આટલી બધી નોટો શીદ લાવ્યા?’

‘શીદ તે ચાનકીને ભણવા સારુ.’

‘પણ બાર નોટો?’

‘આખા વર્ષમાં આટલી નોટો તો જોઈશે.’ મહેશભાઈ બોલ્યા.

‘આપણા વખતમાં તો પેન ને પાટી જ હતાં. એક-બે ચોપડીઓ ખરી પણ નોટો તો હતી જ નહિ.’ દેવીબહેને એમના જમાનાની વાત કાઢી.

ચાનકીને ચોપડીઓ તો સ્કૂલમાંથી સરકાર તરફથી મફતમાં મળવાની હતી. એટલે ચોપડીઓ ખરીદવાની ચિંતા નહોતી.

ને બીજે દિવસે ચાનકીને લઈ દેવીબહેન બજારમાં ગયાં. એક દુકાનેથી વૉટરબેગ અને લંચબૉક્સ ખરીદ્યો. બીજી દુકાનેથી કંપાસબૉક્સ લીધો. રંગીન પેન્સિલોનું મોટું બૉક્સ પણ ચાનકીએ હઠ કરીને લેવરાવ્યું. ને પછી મા-દીકરીની સવારી ઊપડી દફ્તર ખરીદવા.

દફ્તરની દુકાને બહાર દફ્તરો લટકાવ્યાં હતાં. દુકાન બહાર વાલીઓ અને વિદ્યાર્થીઓનો મેળો જામ્યો હતો. છતાંય દુકાનદાર સૌને હસતા ચહેરે આવકારતો હતો ને માલ બતાવતો હતો. દુકાનમાં મદદ કરવા બીજા ત્રણ જણ હતા.

દુકાનદારે દેવીબહેનને આવકારતાં કહ્યું, ‘બોલો બહેન, કોના માટે દફ્તર લેવાનું છે?’

‘મારી આ બેબી માટે.’

‘એ કયા ધોરણમાં ભણે છે?’ ‘પહેલા ધોરણમાં આવી.’ ‘સારું...બતાવું.’ આમ કહી દુકાનદારે નાની સાઇઝનું દફ્તર કાઢીને એમના હાથમાં આપ્યું. ચાનકીને પણ જોતાંવેંત એ દફ્તર ગમી ગયું. તે બોલી, ‘મમ્મી, આ જ લઈ લે.’

‘ઊભી રે’, બીજાં દફ્તર જોવા દે.’

દેવીબહેને બીજા દફ્તર જોયાં તોય ચાનકીએ તો પેલું જ દફ્તર ગમાડ્યું. ને એ દફ્તર ખરીદી, રિક્ષા કરી મા-દીકરી ઘરે આવ્યાં.

નિશાળ ખૂલી. પહેલા જ દિવસે ચાનકી નવું જ દફ્તર લઈને નિશાળે ગઈ. દફ્તરમાં થોડી નોટો, કંપાસબૉક્સ, લંચબૉક્સ વગેરે લઈ ગઈ હતી. તે દિવસે શાળામાંથી ભણવાની ચોપડીઓનો સેટ આપવામાં આવ્યો. આ વખતે સરકારે ચોપડીઓ મોટી બનાવી હતી. તે દફ્તરમાં સમાતી નહોતી. ચાનકીએ માથાની રીબનમાં તેને બાંધી તે હાથમાં લઈ ઘેર આવી. આ જોઈ દેવીબહેન નવાઈ પામ્યાં.

ફરી મમ્મી દફ્તર અને ચાનકીને લઈ દુકાને ગઈ. દુકાનદારને કહે, ‘ભૈ, આ દફ્તર બદલી આપો. આ તો નાનું પડે છે.’

દુકાનદાર હસતાં હસતાં કહે, ‘કશો વાંધો નહિ.’ ને બીજાં મોટાં દફ્તર બતાવ્યાં. ચાનકીને જે દફ્તર ગમ્યું તે ખરીદી, ઉપરના વધારાના પૈસા ચૂકવી મા-દીકરી ઘેર ગયાં.

બીજે દિવસે ચાનકી દફ્તર લઈ નિશાળે ગઈ. બે-ચાર દિવસ પછી શાળામાંથી સ્વાધ્યાયપોથીઓ, ચિત્રપોથી, લેશન-ડાયરી વગેરે વધારાની સ્ટેશનરી આપવામાં આવી. આ બધા ચોપડા દફ્તરમાં સમાય એવું ચાનકીને ન લાગ્યું. ફરીથી એણે રીબન કાઢી ને સ્વાધ્યાયપોથીઓ ફરતે બાંધી પરાણે ઘેર લઈને આવી. ચાનકી વજન ઊંચકી થાકી ગઈ.

આ જોઈ દેવીબહેન ફરી નવાઈ પામ્યાં. ‘બાપરે! આટલા બધા ચોપડા! આ બધાંનું વજન ચાનકીના વજન કરતાંય વધી જશે... તો છોકરું કઈ રીતે નિશાળે જશે? પણ આ દફ્તર...?

ને ફરી ચાનકીને લઈ દેવીબહેન દફ્તર બદલવા ઊપડ્યાં. આ જોઈ દુકાનદાર ખિજાયો. કહે, ‘બહેન, આમ વારંવાર દફ્તર ના બદલી અપાય.’

‘કેમ ના બદલાય? ચોપડા વધતા જાય છે... એમાં હું શું કરું?’ દેવીબહેન ખિજાઈને બોલ્યાં.

ફરી મોટું દફ્તર લઈ મા-દીકરી ઘરે આવ્યાં.

બીજે દિવસે દફ્તરમાં બધું ગોઠવ્યું. નોટબુકો ને ચોપડા...! દફ્તર તો ફૂલીને દેડકા જેવડું થઈ ગયું. એક હાથમાં વૉટરબેગ પણ ખરી. ચાનકી જાતે દફ્તર ઊંચું કરી પીઠ પાછળ ભરાવવા ગઈ પણ એ એમ ના કરી શકી. તેણે બૂમ પાડી, ‘મમ્મી, અહીં આવ...’

‘શું છે?’

‘જોને આ દફ્તર... મને ખભે લટકાવી દે.’

દેવીબહેન આવ્યાં. એમણે પરાણે ચાનકીના ખભે દફ્તર ભરાવ્યું ને બબડ્યાં, ‘બાપરે! આટલો બધો ભાર! પહેલા ધોરણથી ભણતરનો ભાર બહુ વધી ગયો છે. આમાં છોકરાં ખાશે ક્યારે ને રમવા જશે ક્યારે?’

દેવીબહેન - એક માને બાળકના ભણતરની ચિંતા થઈ રહી હતી. પણ તેઓ શું કરે? શાળાના નિયમો આગળ વાલી બિચારો શું બોલે?

- નટવર પટેલ