ભારતીય મનીષાની વિશ્ર્વને દેન : રાજ્યપાલ શ્રી ઓ. પી. કોહલી

    ૧૪-ઓક્ટોબર-૨૦૧૬


કર્ણાવતી : શિવાનંદ આશ્રમ ખાતે સ્વામી ચિદાનંદ યોગ સત્સંગ ભવનનું લોકાર્પણ


સ્વામી ચિદાનંદજી મહારાજના વ્યક્તિત્વને લઈને મારા પહેલાં અનેક વક્તાઓએ વાત કરી છે. તેમના દ્વારા દેશ-વિદેશમાં જે ધાર્મિક, આધ્યાત્મિક વાતાવરણનું સૃજન થયું છે, તેનો અહીં ઉલ્લેખ થયો છે. જેમને તેમની નજીક રહેવા, તેમના મુખેથી જ્ઞાન અને ધર્મનાં પ્રવચન સાંભળવા મળ્યાં છે તેઓ જ અધિકારિક ‚પે તેમની બાબતે વાત કરી શકે છે. મેં સ્વામી શિવાનંદજી દ્વારા લખાયેલી કેટલીક રચનાઓ વાંચી જ‚ર છે, પરંતુ હું ખુદને તેમની અને સ્વામી ચિદાનંદજી અંગે બોલવાનો અધિકારી ગણતો નથી અને કદાચ કંઈક બોલીશ તો તે મારું બડબોલાપણું ગણાશે, જે યોગ્ય નથી, પરંતુ મારા મનમાં એક પ્રશ્ર્ન ઉદ્ભવે છે. સ્વામી શિવાનંદજી હોય, સ્વામી ચિદાનંદજી હોય કે પછી મંચ પર બેઠેલા તમામ સંન્યાસીઓ - આખરે એ સમાજને શું આપી રહ્યા છે અને તેઓ જે કાંઈ સમાજને આપી રહ્યા છે તેના કારણે સમાજમાં કાંઈ પરિવર્તન આવી રહ્યું છે ? કોઈ બદલાવ આવી રહ્યો છે ? સમાજ કાંઈક નવી શક્તિ મેળવી પોતાનું ઘડતર કરી રહ્યો છે ? આ સંતશક્તિનું કુલ પ્રદાન શું છે તે અંગે આપણે ચિંતન કરવાનો પ્રયાસ કરીશું. અહીં એક સ્મરણિકાનું વિમોચન થયું તેમાં એક શબ્દ છે ‘ભારતીય મનીષા’. સ્વામી ચિદાનંદજીએ ભારતીય મનીષાનો દેશ- વિદેશમાં પ્રચાર કર્યો. આ આપણી સૌથી મોટી તાકાત, સૌથી મોટી પૂજા છે. ભારતીય મનીષાની તમે કોઈપણ વ્યાખ્યા કરો, પરંતુ એ એક એવી શક્તિ છે જેને આપણા સંન્યાસીઓએ, ભગવાં વસ્ત્રધારીઓએ ફેલાવવાનો પ્રયાસ કર્યો છે. આ ભારતીય મનીષા છે શું ? તેને કોઈ સરળ શબ્દોમાં સમજાવી શકાય છે ખરી ? જવાબ છે હા. એક શબ્દનો આપણે રાત-દિવસ પ્રયોગ કરીએ છીએ. એ શબ્દ છે ધર્મ. પૂજ્ય સ્વામીજીએ મારા પહેલાં ભગવદ્ગીતાનું ઉદાહરણ આપ્યું. ‘ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે’ એટલે કે ભગવાન શ્રીકૃષ્ણે પણ પોતાનુ મિશન ધર્મની સ્થાપનાનું ગણાવ્યું છે. ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે, ધર્મની સ્થાપના જ મારું મિશન છે, પછી તે હું ખુદ કરું કે, પછી મારી વિભૂતિ અન્યમાં મૂકી દઈ તેની પાસે કરાવું. આમ ધર્મની સંસ્થાપના ભગવાનનું પણ મિશન છે. સ્વામી વિવેકાનંદ આ જ સંદેશ લઈ વિદેશ ગયા. ધર્મ એ તત્ત્વ છે, જે ભારતની ઓળખ છે અને તેને દેશ-વિદેશમાં ફેલાવવાનું કામ જે સંતો દ્વારા થયું છે તેમના માટે દેશના લોકો વિનમ્ર છે. આભારી છે. સ્વામીજી સાથે વાતચીત દરમિયાન તેમણે મને પૂછ્યું કે આજકાલ શું લખો - વાંચો છો. મેં તેમને જવાબ આપ્યો કે, તાજેતરમાં મેં યોગી અરવિંદનું ઉત્તરપાડા ભાષણ વાંચ્યું હતું. તેમાં યોગી અરવિંદને કોઈ એક કેસમાં ફસાવી દેવાયા હતા અને જો તેઓ ઈશ્ર્વરકૃપાથી તેમાં નિર્દોષ સાબિત ન થયા હોત તો તેમાં તેમને ફાંસીની સજા થઈ હોત, પરંતુ ઈશ્ર્વરની કૃપાથી તેઓ નિર્દોષ સાબિત થયા. ત્યારબાદ તેઓ આવ્યા ત્યારે ઉત્તરપાડામાં તેમનું સ્વાગત થયું. ત્યાં તેઓએ જે નાનું ભાષણ આપ્યું તે ૧૮ પાનાંનું છે. તે ભાષણમાં તેમણે જે કહ્યું તેનો અહીં ઉલ્લેખ કરી દઉં તો મને લાગે છે કે, મારું અહીંનું વક્તવ્ય પૂર્ણ થઈ જશે. તેઓએ કહ્યું, ભારતની એક શક્તિ છે. તેનું નામ સનાતન ધર્મ છે અને એ ભારતની ઓળખ છે. સંસ્કૃતિ રાષ્ટ્રીયતા ભારતીયતા છે. તેઓએ કહ્યું કે સનાતન ધર્મની ઓળખ શું? તેની વ્યાખ્યા શું ? કોઈને કહેવું હોય તો આસાન છે કે, ભારત એટલે સનાતન ધર્મ, પરંતુ તેની અસલી ઓળખ શું તો તેઓએ બે વાતો કરી. જે સનાતન ધર્મની બે વિશેષતાઓ છે. એક તે યુનિવર્સલ, સાર્વભૌમ, વિશ્ર્વધર્મ છે. તે કોઈ એક દેશ કે ખંડનો ધર્મ નથી. તે કોઈ એક માનવ સમુદાયનો જ ધર્મ નથી, પરંતુ તે સમગ્ર માનવજાતનો ધર્મ છે. બીજું તે શાશ્ર્વત છે. ચિરંતન છે. ઇતિહાસના ઉતાર ચઢાવમાં પણ તે ટકી રહ્યો છે અને આગળ આવનાર ઉતાર-ચડાવમાં પણ તે ટકી રહેશે. કારણ કે તે સ્થાયી છે. ઉર્દૂના એક શાયરે કહ્યું છે કે ‘કુછ બાત હૈ કિ હસ્તી મીટતી નહીં હમારી’. આપણા ધર્મમાં પણ કંઈક એવી વાત છે કે આપણી હસ્તી મીટતી નથી. યોગી અરવિંદ કહે છે કે, ભારત એટલે કે સનાતન ધર્મ, ભારતીય એટલે સનાતન ધર્મ, ભારતની રાષ્ટ્રીયતા એટલે સનાતન ધર્મ. આ સનાતન એટલે કે તે યુનિવર્સલ છે. તમામમાં વ્યાપ્ત છે. તે માનવમાત્ર અને જીવમાત્રમાં છે. આપણા દેશમાં કેટકેટલાં આક્રમણો થયાં. યુનાની આવ્યા, શક, હૂણ આવ્યા. અહીં એક હજાર વર્ષ સુધી મુસ્લિમોનું શાસન રહ્યું. લગભગ ૨૦૦ વર્ષ સુધી અંગ્રેજોનું શાસન રહ્યું. આટલાં આક્રમણોમાં તો ભલભલાની ઓળખ ભુલાઈ જાય. છતાં આપણી ઓળખ જેમની તેમ છે. કંઈક તો વાત છે. આપણામાં આ એક તાકાત છે. સનાતન ધર્મની બીજી વાત કે આપણા માટે કાંઈ જ પારકું નથી. એક પરમતત્ત્વ છે જેને લોકો અલગ અલગ નામેથી ઓળખે છે. પૂજે છે. તે પરમ તત્ત્વ સૌમાં વ્યાપ્ત છે અને જો તે પરમતત્ત્વ સર્વવ્યાપી છે તો પછી કોણ પારકું હોવાનું? કોઈ જ નહીં. જયશંકર પ્રસાદ હિન્દીના જાણીતા કવિ છે. તેમની એક રચના છે ‘કામાયની’. તેમાં અંતમાં એક પંક્તિ છે કે, હમ કેવલ એક હમી હૈ, તુમ સબ મેરે અવયવ હો, ઈસમેં કુછ ભી ન કમી હૈ. આ એકત્વનો જે ભાવ છે તેને કોઈપણ નામ આપી શકાય. આ એકાત્મભાવ જ ભારતીય ચિંતન છે. હાલ જ્યારે વિશ્ર્વ આતંક, મારકીય હિંસામાં ઘેરાયેલું છે ત્યારે આ ભારતીય ચિંતન ખૂબ જ મહત્ત્વનું બની જાય છે. ભારતીય મનીષાનું આ તત્ત્વ જેને પૂજ્ય સ્વામી શિવાનંદજી, ચિદાનંદજીએ દેશના સંન્યાસીઓએ આમ વ્યક્તિની ભાષામાં સમજાવવાનું ભગીરથ કાર્ય કર્યંુ છે, એ જ આપણી સૌથી મોટી ઓળખ છે.
ભારત વિશ્ર્વને શું આપી શકે છે ? સ્વામી વિવેકાનંદ વિશ્ર્વને આપવા માટે શિકાગોમાં પોતાની સાથે શું લઈ ગયા હતા? ભારત તો ખૂબ જ ગરીબ દેશ. તેની સામે પશ્ર્ચિમ તો ખૂબ જ સમૃદ્ધ. ત્યાં આર્થિક ક્રાંતિ થઈ. ઉત્પાદન વધ્યું. વિજ્ઞાન અને ટેક્નોલોજીની ક્રાંતિ થઈ. તેમની પાસે તો આપણે સંપત્તિ કે પૈસા લઈને તો જઈ ન શકીએ, પરંતુ આપણે તેમનાથી એક બાબતમાં અમીર છીએ અને તે છે ધર્મ. એ ધર્મ આપણે પશ્ર્ચિમને આપી શકીએ છીએ, પરંતુ આ ધર્મ મોટો ગૂંચવણભર્યો શબ્દ છે. આજ-કાલ ધર્મ શબ્દને ખૂબ જ દૂષિત અને પ્રદૂષિત કરી દેવામાં આવ્યો છે. જ્યારે ભગવાન શ્રીકૃષ્ણ ગીતામાં કહે છે કે હું ધર્મની સ્થાપના માટે જન્મ લઈશ, ત્યારે તેઓે એમ કહે છે કે, હું હિન્દુ ધર્મ, ઇસ્લામ ધર્મ, શીખ, જૈન, ઈસાઈ ધર્મની સંસ્થાપના માટે જન્મ લઈશ ? આ પંથો સાથે આપણે ધર્મને વિભાજિત કરી દીધો છે. ધર્મની તો ખૂબ જ સુંદર પરિભાષા છે. મનુષ્યમાં બે પ્રવૃત્તિઓ હોય છે. સ્વાર્થની અને પરમાર્થની, સ્વાર્થનો મતલબ છે કે, માત્ર ને માત્ર પોતાની બાબતે જ વિચારવું. જ્યારે કોઈ પોતાની ચિંતા કરે છે ત્યારે તે અન્યોથી પોતાને અલગ સમજે છે અને આ પ્રવૃત્તિ વત્તે-ઓછે અંશે તમામમાં હોય છે જ, પરંતુ ધર્મ આપણને કહે છે કે, આ સ્વાર્થી વૃત્તિમાંથી બહાર નીકળો અને પરમાર્થી બનો અને પરમાર્થનો અર્થ છે બીજા માટે જીવવું અને બીજા માટે આપણે ત્યારે જ જીવીશું જ્યારે આપણે ખુદને અન્યથી અલગ ન સમજીએ અને આવું ત્યારે શક્ય બનશે જ્યારે આપણે માનતા થઈશું કે જે પરમતત્ત્વ મારામાં છે એ અન્યમાં પણ વ્યાપ્ત છે. આમાંથી પરમાર્થની ભાવના જન્મે છે. એક જાણીતો દુહો છે જેમાં બતાવવામાં આવ્યું છે કે પરમાર્થી જીવન કેવું હોય છે.
તરુવર, સરોવર, સંતજન ઔર ચોથા મેઘ
પરમારથ કે વાસતે સભી ધરે યે દેહ
અર્થાત્ વૃક્ષોનો છાંયડો ખુદને માટે નથી. તેનાં ફળોને તે ક્યારેય આરોગતાં નથી. તેનાં લાકડાં તેના કામમાં ક્યારેય આવતાં નથી. વૃક્ષો પોતાના માટે જીવતાં નથી. તેનું અસ્તિત્વ જ અન્યો માટે છે. ત્યાર બાદ સરવર (પાણી). પોતાનું પાણી સ્વયં ક્યારેય નથી પીતાં. હંમેશા અન્યોના ઉપયોગ અર્થે થાય છે અને ત્રીજા છે સંતજન (તરવર, સરોવર ઓર સંતજન)નું જીવન પણ પોતાના માટે નથી હોતું. લોકકલ્યાણ માટે હોય છે અને આગળ કહેવાયું છે કે, ચોથે બરસે મેઘ એટલે કે વાદળાં ખુદના માટે ક્યારેય વરસતાં નથી. આગળ કહેવાયું છે કે પરમાર્થ કે કારણ વે ચારોં ધરે દેહ, એટલે કે આ ચારેયનું અસ્તિત્વ જ પરમાર્થ માટે હોય છે અને આ જ પરમાર્થ એ ધર્મ છે. આનાથી વધુ ધર્મની અન્ય કોઈ પરિભાષા હોઈ જ ન શકે. તુલસીદાસજીએ સામાન્ય જનની ભાષામાં તેમના રામચરિત માનસની સુંદર વ્યાખ્યા કરી છે. તેમણે કહ્યું છે કે, ‘પરહિત સરિસ નહીં કોઈ ધર્મ ભાઈ, પરપીડા સમ નહીં અધર્મ’ એટલે કે પરહિત (પરમાર્થ જ) ધર્મ છે અને પરપીડા એટલે કે સ્વાર્થ એ અધર્મ છે.
ગુજરાતના વૈષ્ણવ કવિ નરસિંહ મહેતાએ પણ પોતાની રીતે ધર્મની વ્યાખ્યા કરી છે. તેઓએ કહ્યું છે કે વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે. એટલે કે પરપીડાને જાણનાર જ સાચો વૈષ્ણવજન છે. તે જ ધર્માત્મા છે. ધર્મની પરિભાષા યુનિવર્સલ પરિભાષા છે. હું તિલક કરું છું કે નથી કરતો, હું આવાં કપડાં પહેરું છું કે નથી પહેરતો એને લઈને ઝઘડા વિવાદ હોઈ શકે છે, પરંતુ એને લઈને શું ઝઘડા થશે કે, પરહિત સમજ સાચો ધર્મ છે. પરમાર્થનો નામ જ ધર્મ છે અને આ પરમાર્થનો એક પર્યાયવાચી શબ્દ છે - સેવા. અને સેવા જ ધર્મ છે અને સેવા જ પરમાર્થ છે. સેવા થકી શબ્દોમાં ખોવાઈ જવાની જ‚ર નથી. સ્વામી શિવાનંદજી અને સ્વામી ચિદાનંદ જેવાં આધ્યાત્મિક વ્યક્તિત્વોએ આપણા જીવનને ધર્મમય બનાવવાના પ્રયાસ કર્યા છે અને આ ધર્મમય જીવન એટલે આપણે પરમાર્થી બનીએ, સેવાર્થી બનીએ અને અહીં શિવાનંદ આશ્રમમાં સ્વામી અધ્યાત્મનંદજીના સાંનિધ્યમાં અનેક સેવાઓ અને સામાજિક ગતિવિધિઓ થઈ રહી છે. વનવાસીઓ, શિક્ષણસેવાનું કામ ચાલી રહ્યું છે. શાળા-મહાશાળાઓમાં જે વિષયો મનમાં પરમાર્થ ભાવ જગાવી શકે છે, તે વિષયોને લઈ વકતૃત્વ સ્પર્ધાઓનું આયોજન કરે છે. આ બધી પ્રવૃત્તિઓ પણ ધર્મનો જ એક પ્રકાર છે. કોઈપણ સેવાકાર્ય એ ધર્મ જ છે અને આજે આપણે જ્યારે સ્વામી ચિદાનંદજી મહારાજની શતાબ્દીના પૂર્ણાહુતિ કાર્યક્રમમાં ઉપસ્થિત છીએ ત્યારે એક પ્રશ્ર્ન થવો જોઈએ કે આવા મહાન આધ્યાત્મિક વ્યક્તિઓ પાસેથી આપણે શું શીખી શકીએ છીએ. તેનો જવાબ છે પરમાર્થની ભાવના અને સમાજને જે ચીજ ટકાવી રાખે છે તેનું અનુસરણ. ભગવાન શ્રીકૃષ્ણ ભગવદ્ ગીતામાં કહે છે કે, ધર્મ સમાજને ટકાવી રાખે છે, માટે જ ધર્મની સંસ્થાપના જ‚રી છે. શું આપણે આ અવસરે સંકલ્પ કરી શકીએ કે આપણે કોઈ ને કોઈ પ્રકારનાં સેવાકાર્યો, પરમાર્થ કાર્ય ચલાવી શકીએ? સેવાથી મન ઉન્નત થાય છે. આ જ ચીજ ધર્મ છે, પરમાર્થ છે, જે આપણે પશ્ર્ચિમને આપી શકીએ છીએ. આ જ સંદેશ લઈને આપણા મહાપુરુષો ચીન, તિબેટ ગયા. સાઉથ ઈસ્ટ એશિયા સહિત સમગ્ર વિશ્ર્વમાં ગયા. આજે વિદેશોમાં અનેક ભારતીય સંગઠનો ભારતીય મનીષાનો સંદેશ ફેલાવી રહ્યા છે, ત્યારે આપણે પણ આપણી આ મનીષાને દેશ-વિદેશમાં ફેલાવવા માટે પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ યોગદાન આપી શકીએ તેનો વિચાર કરવો જોઈએ. આમ થશે તો આપણે આપણા જીવનમાં થોડું પરિવર્તન અને બદલાવ મહેસૂસ કરીશું અને આ બદલાવ નિશ્ર્ચિત ‚પે આપણને શાંતિ આપશે.