ઘરેણું આત્મશુદ્ધિનું - ક્ષમાપના : મુનિશ્રી જીનચંદ્રજી મહારાજ સાહેબ (તીથલ)

    ૧૪-ઓક્ટોબર-૨૦૧૬


એ સત્ય છે કે ક્ષમા જેવો ઉત્તમ ધર્મ કોઈ નથી. ભગવાન મહાવીરના જીવનનો એક પ્રસંગ છે. કોઈકે તેમને પૂછ્યું, ‘આપનું તત્ત્વજ્ઞાન ગહન છે. એ અમે સમજી શકીએ તેમ નથી. તો એક વાક્યમાં જૈન ધર્મનો સાર કહેશો ?’ ભગવાને કહ્યું, ‘મારું જૈન શાસન એવું કહે છે - જેવું વર્તન તમે બીજા પાસેથી ઇચ્છો છો તેવું વર્તન તમે બીજા સાથે કરો. જે તમને નથી ગમતું એવો આચાર, વિચાર, વ્યવહાર બીજા સાથે ન કરો. તમે જે પણ કંઈ કરવા જાવ, તે પહેલાં એક સેક્ધડ રોકાઈ જાવ, વિચાર કરો, બીજા મારી સાથે આવું વર્તન કરે તો મને કેવું લાગે ? જાગૃતિ રાખો. પળ પળની જાગૃતિ પછી કોઈ પાપ નહીં બંધાય માટે યાદ રાખો :-

  • મને પ્રેમ ગમે છે. સૌને પ્રેમ જ ગમે છે.
  • દરેકનો આત્મા સરખો છે. દરેક જીવમાં ચૈતન્ય વિલસી રહ્યું છે.
  • દરેકને સુખ ગમે છે, દુ:ખ નથી ગમતું.
  • દરેકને સન્માન ગમે છે, અપમાન નથી ગમતું.
  • તું નિંદા કૂથલી ન કરતો.
  •  તું કોઈની સાથે છેતરપિંડી ના કરીશ.
  • તું ગુસ્સો ના કરીશ.
  • કોઈની સાથે વેરઝેર ના રાખીશ.


તમે ભૂલ કરો અને સામી વ્યક્તિ તમને ક્ષમા આપે છે. તો માફી તમને ગમે છે - આ જ ધર્મ છે. તમે બીજાને ક્ષમા આપતા જાવ. જ્યાં સુધી વિશ્ર્વચેતનાનું દર્શન ન કરીએ અને દરેકમાં પરમાત્માનો જ અંશ પડેલો છે. એની અનુભૂતિ ના કરીએ તો માફી આપવી શક્ય જ નથી. બીજાને દુ:ખી જ કરીશું તો વેરઝેર જ બંધાશે.
વિશ્ર્વપ્રેમ ક્ષમાનો પાયો છે. તમે વિચાર કરો કે તમે નિ:સ્વાર્થ, નિરપેક્ષ ભાવનો પ્રેમ વિકસાવી શક્યા છો ? વિશ્ર્વની વાત જવા દો, પરિવારની વાત કરીએ. કોઈ અપેક્ષા વગરનો નિરપેક્ષ પ્રેમ તમારા હૃદયમાં જાગ્રત થાય તો ધર્મનું બીજારોપણ થઈ જાય. ક્ષમા આપવાની નથી, એ સહજ પ્રક્રિયા બનવી જોઈએ. પ્રેમ અને મૈત્રીથી એ શક્ય બને. મૈત્રીની વાતો કરીએ છીએ પણ સાચા ભાવથી મૈત્રી જન્મી છે તેવું વિશ્ર્વાસપૂર્વક કહી શકીએ ? જેમની સાથે અતૂટ મૈત્રી હોય તેની ભૂલો આપણે ભૂલી જઈએ છીએ કે નહીં ? રોષ ક્ષણિક હોય છે. થોડી જ વારમાં રિસામણામાંથી મનામણાં થઈ જાય છે. થયેલી ભૂલોમાંથી પાછા ફરીને સામાવાળા આત્મા સાથે મનામણાં કરવાની પદ્ધતિ ક્ષમા છે. આપણાથી કડવું વચન બોલાઈ ગયું. અનુચિત વ્યવહાર થઈ ગયો તો સામેથી ચાલીને માફી માંગી લેવી. મિચ્છામિ દુક્કડમ્ કહી દઈએ તો એનો અર્થ આપણે ક્ષમાના ક્ષેત્રે ડગ માંડ્યું છે.
ક્ષમાપનાનું પાલન કરવાથી પારિવારિક શાંતિ રહેશે, સમાજમાં શાંતિ અને સ્નેહનું ઝરણું વહેતું રહેશે અને આપણા આત્માનું અહિત થતું રોકી શકીશું.

0 0 0
(શાંતિધામ આરાધના કેન્દ્ર)