સેવાભાવી સ્વામી ચિદાનંદ

    ૧૪-ઓક્ટોબર-૨૦૧૬


જે માણસને તમે આંખેથી જોઈ પણ ન શકો, હાથથી અડકવાની તો વાત જ ક્યાંથી થાય ? હાથ-પગ સડેલા, ઘવાયેલા, પરુની વાસમાં ઊબકે ચડાય તેવા રક્તપિત્તના દર્દીઓ શિવાનંદ આશ્રમ સામે નૌકાઘાટ પર ભીખ માગવા બેસતા. તેમાંના અમુકની દશા તો બહુ જ ખરાબ. ઉનાળે ઉનાળો ભયંકર, શિયાળે શિયાળો અસહ્ય અને ચોમાસે વરસાદ મુશળધાર, આ ત્રણેય કપરા કાળે તેઓ ક્યાં જાય? રસ્તે ચાલતા લોકોને પણ તેમની દુર્ગંધ અસહ્ય... તેવાઓને પોતાના ખભે ઊંચકી લાવી કોઈ ન જુએ ત્યારે મળસ્કે અથવા તો અંધારે અંધારે સ્વામી ચિદાનંદજી પોતાની કુટિરમાં લઈ આવતા, તેમના ઘા સાફ કરતા, તેમની પાટા-પિંડી કરતા, આશ્રમના અન્નક્ષેત્રમાંથી દૂધ-રોટલી લઈ આવે. ગઢવાલી રોટલી તો મોટી મોટી અને જાડી હોય. તેના ટુકડા કરી, દૂધમાં પલાળીને ખવડાવે, જાતે દૂધ ન પીએ. આવતાં-જતાંને તેમની દુર્ગંધના કારણે તે માર્ગે ચાલવાનું અસહ્ય થાય જ, છતાં સ્વામીજી તે રક્તપિત્તના દર્દીઓને મળ-મૂત્ર પોતાની કુટિરમાં કરાવે અને પોતે બધું સાફસૂફ રાખે.
ગઢવાલમાં આજથી પચાસેક વર્ષ પૂર્વે એવી માન્યતા હતી કે શાપિત વ્યક્તિને જ રક્તપિત્ત થાય. તેવી વ્યક્તિને સમાજ વચ્ચે જીવવાનો અધિકાર નથી એમ માનીને લોકો આવા માણસો પછી તે પુરુષ હોય કે સ્ત્રી.... તેમને ઝાડ સાથે બાંધીને જીવતાં જ સળગાવી દેતા. નિર્જન વનની વાટે તેનું આક્રંદ અને બુમરાણ શુષ્ક પહાડોની ચટ્ટાનો સાથે ટકરાઈને હવામાં વિખેરાઈ જતું તેવામાં સ્વામી ચિદાનંદજી મહારાજે બે ગઢવાલી ભોમિયાઓને સાથે લઈ ગઢવાલ, પૌડી અને કુમાઉ જિલ્લાઓની પગપાળા યાત્રા કરી, ઠેરઠેર લોકોને ‘રક્તપિત્ત શાપ નથી, તે સારો થઈ શકે છે તેની જાણ હૉસ્પિટલમાં કરો’ વગેરે વગેરે વાતો કરી ‚બ‚ ઘરઘરમાં લોકોને મળીને સમજાવ્યા.
સ્વામી ચિદાનંદજીની કરુણા અને પ્રેમ જ તેમને હૃષીકેશ ખેંચી લાવ્યાં. યાત્રીઓ પાસેથી ભીખ મળતી હતી અને સ્વામીજીની સારવાર. ત્યારે શિવાનંદ આશ્રમની હૉસ્પિટલમાં પાટાપિંડી કરવાની સેવા સ્વામી ચિદાનંદજી જ કરતા. તેમનું નામ શ્રી શ્રીધર રાવ હતું, તેથી તેઓ ડૉ. રાવજીના નામથી જ ઓળખાતા.
આમ, હૃષીકેશ અને મુનિ કી રેતી વચ્ચે ઢાલવાલા, લક્ષ્મણઝૂલા અને હૃષીકેશથી અગિયારેક કિલોમીટર દૂર શ્રીરામતીર્થ ગુફા પાસે બ્રહ્મપુરીમાં ત્રણ રક્તપિત્ત વસાહતો ઊભી થઈ. સરકાર પાસેથી તેમને પટ્ટે જમીન શિવાનંદ આશ્રમે ફાળવી આપી. સરકાર પંદર દિવસનું રાશન આપતી. બાકી પંદર દિવસનું રાશન, માંદે-સાંજે દવા-દા‚ અને જીવન જ‚રિયાતનું ઠેકાણું સ્વામી ચિદાનંદજી જ હતા.
સ્વામીજીને તો મુખ્યમંત્રી મળવા આવે ત્યારે જો આકસ્મિક ત્રણ-ચાર આવા રક્તપિત્તના દર્દીઓ આવી ચઢે તો સ્વામીજી રસ્તા વચ્ચે જ બેસીને તેમની સાથે વાતો કરી લે.
તેમને મન આ બધા દુ:ખીનારાયણ, રોગીનારાયણ, દર્દીનારાયણ. શિવરાત્રી હોય કે દશેરા, શિવાનંદ આશ્રમમાં કંઈક પણ ઉત્સવ કે મિષ્ટાન્ન થાય તો પહેલો ભાગ આ ત્રણેય કૉલોનીના અંતેવાસીઓનો, પછી આશ્રમના અધિષ્ઠાતા દેવતા ભગવાન વિશ્ર્વનાથ !
રીબન કાપીને રક્તપિત્ત વસાહતો ખુલ્લી મૂકવાનું સહેલું છે. અહંકાર કાપીને તેમનાં દૈનિક, વ્યક્તિગત, પારિવારિક અને સામાજિક જીવનની જવાબદારી લેવાનું દુષ્કર છે, પરંતુ તે અસંભવ તો નથી જ. સ્વામીજીએ રક્તપિત્તના દર્દીઓનાં બાળકોને આશ્રમમાં ઉછેર્યાં છે, ભણાવ્યાં છે, પરણાવીને પોતાના પગ ઉપર સ્વમાનભર્યંુ જીવન જીવતાં શીખવ્યું છે. સ્વામી ચિદાનંદજીની રક્તપિત્તના દર્દીઓ પ્રત્યેની સેવા જોવા જેવી છે, જાણે તિરુપતિ બાલાજીને ચંદનચર્ચાનાં દર્શન.
સ્વામીજીની વાતો જાણવા જેવી છે. માણવા જેવી છે, સાંભળવા જેવી છે, વાગોળવા જેવી છે. શક્ય હોય તો જીવવા જેવી પણ ખરી જ !

જીવદયા

વાત માત્ર રક્તપિત્તના દર્દીઓ સુધી જ સીમિત નથી, પરંતુ પ્રસાદ ખાઈ ખાઈને કૂતરાંઓ સડી જાય, કૂતરાંઓને ગળપણ ખવડાવવું ન જોઈએ, પરંતુ લોકો પ્રસાદ લાવ્યા જ કરે અને ખવડાવ્યા કરે. પછી એ સડેલાં કૂતરાંઓના ઘા સાફ કરવા અને દવાદા‚ કરવાનું કામ સ્વામીજીનું.
વાત ચકલાંની હોય કે ખિસકોલાંની, કૂતરાંની કે વાંદરાની અથવા તો પોતાનો દેશ છોડીને શિવાનંદ આશ્રમમાં આવીને વસનાર વૃદ્ધ આંગ્લ મહિલાઓની. સ્વામી ચિદાનંદજી સૌનાં માતાપિતા.
એવાં જ એક પૌલા માતાજી હતાં. જીવનના અંતિમ શ્ર્વાસ સુધી સ્વામીજીએ તેમની સેવા કરી. પૉલેન્ડના સ્વામી વેદાંતાનંદજી હતા, ઑસ્ટ્રેલિયાના સ્વામી કરુણાનંદજી હતા, આ બધા વૃદ્ધ થયા, કાયા ર્જીણ થઈ, કૃશ થઈ, અક્ષમ થઈ, પરંતુ તેમની જીવાદોરી સ્વામી ચિદાનંદજી... જાણે આંધળાને લાકડી. સ્વામી ચિદાનંદજી મહારાજને મન પૌલા માતાજી કે રક્તપિત્તના દર્દી, સૌમાં નારાયણ અક્ષર પરબ્રહ્મ.
એક દિવસ તેઓ કશુંક લખતા હતા. ડાબે હાથે જબરો મોટો મચ્છર બેઠો. તેમણે તેને ઉડાડ્યો નહીં. તેમના સેવક ઉડાડવા ગયા તો કહે, "ઓ જી ! રહને ભી દો ! છોટા તો જંતુ હૈ, પેટ ભર જાયેગા તો અપને આપ હી ઊડ જાયેગા....
આપણે સૌ દરરોજ બોલીએ છીએ, "ત્વમેવ સર્વં મમદેવ દેવ... હોઠેથી જ આવતું હશે નહીં ! ક્યારેક હૈયેથી ગવાય તો ચિદાનંદત્વને ચોક્કસ પમાય...

પશુઓના દાક્તર

એક વખતે આશ્રમના કાર્યાલયના બારણા પાસે એક કૂતરાને સૂતેલો જોયો. તેના આખા શરીરે ઘારાં અને ચાંદાં પડ્યાં હતાં. આ કરુણ દૃશ્ય જોઈને રાવ સ્વામીજીનું કોમળ હૈયું ઘવાઈ ગયું. થોડીક દવા ચોપડી, ઇંજેક્શન આપી પાટાપિંડી કરીને પછી આખી રાત એને થાબડતા એની પાસે જ સૂઈ રહ્યા. સવારે આશ્રમવાસીઓએ એમને કૂતરા પાસે સૂતેલા જોયા ત્યારે તો સૌ સ્તબ્ધ થઈ ગયા. ત્યારે ગુરુદેવ બોલી ઊઠેલા કે રાવ સ્વામીજી એ કોઈ સામાન્ય માનવી નથી, પરંતુ કરુણાના સાક્ષાત્ અવતાર છે ! કરુણાસભર આ માનવીની સચ્ચાઈ અને ભક્તિ એવાં હતાં કે પોતે એ કૂતરાની દેખરેખ બે માસ સુધી કરી અને એ પૂરેપૂરો સાજો ન થયો ત્યાં સુધી એને ત્યાં જ રાખ્યો. ગુરુદેવે આ પ્રસંગ પર માર્મિક ટકોર કરી કે, ‘ડૉ. રાવ તો ડૉ. શિવાનંદ કરતાં ય ચડી ગયો.’

બધાં જ પ્રાણીઓ માટે સેવાભાવ

સુરેન્દ્રનગર(ગુજરાત)ની દિવ્ય જીવન શાખાના ઉપક્રમે યોજાયેલ એક આંખની સારવાર-શિબિરનું ઉદ્ઘાટન કરવા માટે સ્વામીજીને આમંત્રણ આપ્યું હતું. ઉદ્ઘાટન વિધિ પૂરી થયા પછી આયોજકો સ્વામીજીને ચા અને નાસ્તા માટે લઈ ગયા. આ જગ્યા એક દાદરો ચઢી મકાનના પહેલા માળે હતી. દાદરા નીચે એક કૂતરી સાથે તેનાં કુરકુરિયાં હતાં. સામાન્ય રીતે કૂતરી લોકોને પોતાની પાસે આવવા દેતી નથી. ત્યાંનો કાર્યક્રમ પત્યા પછી, સ્વામીજીએ દાદરા ઊતરી સાથે લાવેલાં થોડાંક બિસ્કિટ કૂતરીને આપવા માંડ્યાં, પરંતુ સ્વામીજીએ જોયું કે કૂતરીની ખોરાક લેવાની ઇચ્છા હોવા છતાં તે દેખતી ન હોવાથી લઈ શકતી ન હતી. સ્વામીજીએ તરત જ ત્યાં હાજર રહેલા આંખના ડૉક્ટરને તેની આંખો તપાસવા વિનંતી કરી અને જ‚ર જણાય તો ઑપરેશન કરવા પણ જણાવ્યું, પરંતુ ડૉક્ટરે જણાવ્યું કે તે તો ફક્ત મનુષ્યની આંખને તપાસી શકે, પ્રાણીઓની નહિ. સ્વામીજીએ કૂતરીની આંખની તપાસ માટે આગ્રહ રાખ્યો અને હૃષીકેશ ગયા પછી પણ કૂતરીની આંખો માટે જે કંઈ શક્ય હોય તે કરવા માટે તાર દ્વારા જણાવ્યું.

કીડીઓની સેવામાં

સ્વામી ચિદાનંદજી મહારાજ તેમના નિવાસસ્થાને થાણા (મહારાષ્ટ્ર) ખાતે પધાર્યા. ફ્લિટની વાસ તો ચાલી ગયેલી, પરંતુ બહારની ચોગમ સફાઈ વચ્ચેથી બચવા એક વાંદો (કોક્રોચ) અવાવરું ખૂણે મરી ગયો હશે, તેને કીડીઓની ઘ્રાણશક્તિએ પકડી પાડ્યો, હજારો કીડીઓ ભેગી થઈને દોડાદોડી કરવા લાગી અને મૃત વાંદાના શરીરની યાત્રા ચાલી. દરેક કીડી તેને પોતાની તરફ ખેંચવા માગતી હતી અને ભલે કીડીઓની સંખ્યા મોટી હોય, ભારે ભરખમ વાંદાને એકસાથે તે ભલા કેટલીક કીડીઓ વળગી શકે ?
સ્વામીજીએ એ યજમાન પાસે દાઢી બનાવવાની બ્લેડ માગી. ફૂંક મારીને કીડીઓ દૂર કરી. પછી એક કાગળ ઉપર રાખીને તે વાંદાના ખૂબ નાના ટુકડા કર્યા. ત્યારબાદ શાંતિથી હાથ ધોઈ નાંખ્યા. થોડી જ પળોમાં કીડીઓની વણજાર આવી પહોંચી. નાના ટુકડાઓ લઈ જવાનું સહેલું હતું. સૌનાં દર જુદાં જુદાં હતાં. તેમણે સૌએ ‘થેન્ક્યુ સ્વામીજી’ ચોક્કસ કહ્યું હશે. સ્વામીજીએ સાંભળ્યું પણ હશે અને પ્રત્યુત્તર આપતાં કહ્યું હશે... ‘મેન્શન નૉટ !!!’