પૂજ્ય સ્વામી શ્રી ચિદાનંદ સરસ્વતીજી

    ૧૪-ઓક્ટોબર-૨૦૧૬


પૂજ્ય સ્વામી શ્રી ચિદાનંદ સરસ્વતીજીની જન્મશતાબ્દિ નિમિત્તે વિશેષ

પૂજ્ય સ્વામી શ્રી ચિદાનંદ સરસ્વતીજી
સત્યમ્ - શિવમ્ અને સુંદરમ્નું સાક્ષાત્ સ્વ‚રૂપ


કર્ણાવતી શિવાનંદ આશ્રમ ખાતે પૂજ્ય સ્વામી શ્રી ચિદાનંદ સરસ્વતીજીના જન્મશતાબ્દિ મહોત્સવની ઉજવણી તાજેતરમાં જ થઈ. મહાન આત્મા જેમના જીવન અને સેવાને દુનિયા સાષ્ટાંગ પ્રણામ કરે છે. તેમના જીવન-કવન વિશે જાણીએ...
પૂજ્યશ્રી સ્વામી ચિદાનંદજી મહારાજના પૂર્વાશ્રમનું નામ શ્રીધર રાવ હતું. તેમના પિતાશ્રીનું નામ શ્રીનિવાસ રાવ અને માતુશ્રીનું નામ શ્રીમતી સરોજિનીદેવી હતું. તેમનું પ્રાક્ટ્ય ૨૪ સપ્ટેમ્બર, ૧૯૧૬ના રોજ થયું હતું. તેઓશ્રી તેમના માતા-પિતાનાં પાંચ સંતાનોમાં બીજું સંતાન અને પુત્રોમાં તેઓ જ્યેષ્ઠ પુત્ર હતા. આદરણીય શ્રીનિવાસ રાવ સમૃદ્ધ જમીનદાર હતા. તદુપરાંત દક્ષિણ ભારતમાં અનેક ગામડાંઓ, વિશાળ જમીન અને રાજસી ભવનોના સ્વામી હતા. સુશ્રી સરોજિનીદેવી એક આદર્શ ભારતીય માતા હતાં અને પોતાની સાધુતા માટે પ્રસિદ્ધ હતાં.
આઠ વર્ષની ઉંમરમાં તેમના જીવનમાં શ્રીઅનંતૈયાજી નામની વ્યક્તિના જીવનનો પ્રભાવ પડ્યો. આદરણીયશ્રી અનંતૈયાજી તેમના દાદાશ્રીના મિત્ર હતા અને રામાયણ, મહાભારતનાં મહાકાવ્યોમાંથી તેમને કથાઓ સંભળાવતા હતા. આમ, બાળ શ્રીધરના માનસ પર તપશ્ર્ચર્યા, ઋષિ જીવન-યાપન તથા ભગવદ્દર્શન પ્રિય આદર્શ બન્યા.
તેમના ફુઆ શ્રી કૃષ્ણ રાવજીએ તેમની ચોપાસ પ્રસરેલા અને વિસ્તરેલા ભૌતિકવાદી જગતના કુપ્રભાવોથી તેમની રક્ષા કરી અને તેમનામાં નિવૃત્તિ જીવનનું બીજારોપણ કર્યંુ. પાછળની ઘટનાઓથી સમજી શકાશે કે આ બીજારોપણને સંતત્વમાં વિકસિત થવા સુધીની જીવનયાત્રાને તેમણે સંપૂર્ણ પ્રસન્નતા સાથે વહન કરી.
શ્રી શ્રીધર રાવજીનું પ્રારંભિક પ્રાથમિક શિક્ષણ મેંગ્લોરમાં થયું. ત્યારબાદ તેઓએ ઈ.સ. ૧૯૩૨માં મદ્રાસની મુત્થૈયા ચેટ્ટી શાળામાં પ્રવેશ મેળવ્યો. અહીં તેમણે એક ખૂબ જ પ્રભાવશાળી વિદ્યાર્થીના ‚પમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી. તેઓશ્રીએ તેમના પ્રફુલ્લ વ્યક્તિત્વ, અનુકરણીય વ્યવહાર તથા પોતાના અસાધારણ ગુણો વડે પોતાના સંપર્કમાં આવનાર પ્રત્યેક અધ્યાપકો અને વિદ્યાર્થીઓના હૃદયમાં પોતાના માટે એક વિશિષ્ટ સ્થાન ઊભું કર્યંુ.
ઈ.સ. ૧૯૩૬માં લોયોલા કૉલેજમાં પ્રવેશ મેળવ્યો, અહીં બહુ મેધાવી વિદ્યાર્થીઓ જ પ્રવેશ મેળવી શકતા. સન ૧૯૩૮માં સાહિત્યિક-સ્નાતક (બી.એ.)ની ઉપાધિ પ્રાપ્ત કરી. તેમનું વિદ્યાર્થીજીવન મોટા ભાગે ખ્રિસ્તી ધર્મની કૉલેજોમાં જ વ્યતીત થયું; તેનો પણ તેમના વ્યક્તિગત જીવનમાં ઘણો પ્રભાવ પડ્યો. તેમના હૃદયમાં પ્રભુ ઈશુ, ઈશુના દેવદૂતો તથા ખ્રિસ્તી સંતોના ભવ્ય આદર્શોનું હિંદુ-સંસ્કૃતિના સર્વોત્કૃષ્ટ અને ખાનદાન તત્ત્વો સાથે એક સુંદર સુરેખ ઐક્ય થયું હતું. બાઈબલનો સ્વાધ્યાય તેમના માટે માત્ર દૈનિક પ્રક્રિયા જ ન હતી, પરંતુ તે તો તેમના માટે ભાગવતીય જીવન હતું. બાઈબલનું જ્ઞાન તેમના જીવનમાં તેટલું જ જીવંત હતું જેટલું વેદ, ઉપનિષદ્ અને ગીતાનું જ્ઞાન હતું. પોતાના સ્વાભાવિક દૃષ્ટિકોણને કારણે તેઓ કૃષ્ણમાં ઈશુનાં કે કૃષ્ણના સ્થાને ઈશુનાં દર્શન ન કરી શક્યા. તેઓ ભગવાન વિષ્ણુના જેટલા ભક્ત હતા તેટલા જ ઈશુ ખ્રિસ્તના પણ ભક્ત હતા.
રાવ ખાનદાન તેમની ઉચ્ચ કોટિની ખાનદાની માટે પ્રસિદ્ધ હતું. અને તે દિવ્ય આચરણોના પવિત્ર સંસ્કારોનું સિંચન શ્રી શ્રીધર રાવના જીવનમાં પણ થયું. તેના પરિણામે પ્રત્યેક પરિજનના જીવનની રગે-રગમાં દાન અને સેવાના સંસ્કારો વ્યાપ્ત હતા. તેમણે આ સદ્ગુણોને વ્યક્ત કરવાનાં સાધનો શોધી કાઢ્યાં હતાં. કોઈપણ વ્યક્તિ કે જે તેમની પાસે સહાયની આશા રાખતી હોય તે ક્યારેય પણ ખાલી હાથ પાછી ફરતી ન હતી. તેઓ ગરીબ લોકોને ખૂબ જ ઉદારતાથી દાન આપતા હતા.
રક્તપિત્તિયાઓની સેવાએ તેમના જીવનમાં આદર્શનું ‚પ ધારણ કર્યંુ. તેઓ પોતાના ઘરઆંગણે ખાલી જમીન ઉપર તેમના માટે ઝૂંપડાં ઊભાં કરતા અને માનો કે તેઓ જ તેમના સાક્ષાત્ દેવતા હોય તેવા ભાવથી તેમની સેવા કરતા. જ્યારે તેઓ આ રક્તપિત્તિયાઓની સેવા કરતા ત્યારે તેમના હાથ અને આંગળીઓમાં એવી ભાવસભર મુદ્રાઓ ઉત્પન્ન થતી જાણે કે તેઓ પ્રત્યક્ષ નારાયણની જ સેવા ન કરી રહ્યા હોય ! સમય વીત્યે જ્યારે તેઓનું શિવાનંદ આશ્રમમાં આગમન થયું ત્યારે તેમના આશ્રમના પ્રારંભિક જીવનમાં આ ગુણ પૂર્ણ અને નિરવરોધ સ્વ‚પે વ્યક્ત થયો. બધાં જ પ્રાણી એક છે. આ પરમ જ્ઞાન પર આશ્રિત દિવ્ય પ્રેમના વિશાળ સામ્રાજ્યમાં કદાચ મોટામાં મોટા માણસો પણ પ્રવેશ કરવાનું સાહસ ન કરી શકે. આડોશપાડોશના અનેક પ્રકારની ઉગ્ર વ્યાધિઓથી પીડિત રોગીઓ તેમની પાસે આવતા. સ્વામી ચિદાનંદજી મહારાજ માટે તેઓ રોગી ન હતા, સાક્ષાત્ નારાયણ હતા. તેઓ મૃદુ પ્રેમ અને કરુણાથી તેમની સેવા કરતા. કાર્ય કોઈપણ હોય, પછી ભલે તે ખૂબ જ તાકીદનું અને મહત્ત્વપૂર્ણ હોય, પૂજ્ય સ્વામીજીને મન સૌથી મહત્ પ્રાથમિકતા પીડિત-રોગી આશ્રમવાસીઓને સુખ અને સાંત્વના આપવાની રહેતી.
સેવા અને વિશેષ‚પે રોગીઓની સેવા દ્વારા તેઓશ્રીને માટે એક વાતની સ્પષ્ટ સમજણ થઈ કે તેઓશ્રીને તેમની વ્યક્તિગત સભાનતા રહેતી જ ન હતી. એવું લાગતું કે જાણે તેમનું શરીર એક એવા જીવાત્મા સાથે ઢીલું-પોચું થઈને ચોંટેલું છે અને પૂર્ણ સ્વ‚પે એકાકાર થયેલું છે અને તે હંમેશા એવું અનુભવતા હતા કે તેઓ જાતે જ બધાં જ શરીરમાં નિવાસ કરી રહ્યા છે.
અને તેમની આ સેવા માત્ર માનવજાતિ સુધી જ સીમિત ન હતી. પશુ કે પક્ષી, મનુષ્યથી વધુ નહીં તો ઓછામાં ઓછું જીવમાત્ર જેટલા તેમના ધ્યાનના અધિકારી હતા. તેઓ તેમની પીડાની ભાષા સમજતા હતા. એક બીમાર કૂતરાની તેઓ જે રીતે સેવા કરી રહ્યા હતા તે જોઈ શ્રી ગુરુદેવ સ્વામી શિવાનંદજી મહારાજે તેમની ખૂબ જ પ્રશંસા કરી હતી. તેમની હાજરીમાં કોઈ પણ વ્યક્તિ ક્યારેય પણ કોઈ પણ પ્રકારની ઈજા આવાં આ મૂક પ્રાણીઓ પર કદીયે કરી શકતું ન હતું અને જો આમ થતું તેઓ જુએ તો સત્વરે પોતાના હાથના ઇશારાથી ત્વરિત તેમને તેઓ રોકી દેતા.
રક્તપિત્તિયા રોગીઓ માટેની તેમની સેવાભાવના અને કલ્યાણપ્રદાયક ગંભીર અને સ્થિર રુચિને કારણે તેઓ રાજકીય અધિકારીઓની પ્રશંસા તથા વિશ્ર્વાસના પાત્ર બન્યા અને આમ થવાથી રક્તપિત્ત નિવારણ - કલ્યાણ સમિતિના સભ્યપદે પણ તેમને નીમવામાં આવ્યા. મુનિ-કી-રેતી અધિસૂચિત ક્ષેત્ર સમિતિના તેઓ પહેલા ઉપાધ્યક્ષ અને પછી અધ્યક્ષ પણ ચૂંટાયા હતા.
જોકે શ્રીધર સંપન્ન પરિવારના હતા, છતાં એકાંત અને ધ્યાનમાં સંલગ્ન રહેવાના કારણે તેમણે બાળપણમાંથી જ તમામ સાંસારિક ભોગોનો ત્યાગ કર્યો હતો. જ્યાં સુધી અધ્યયનનો સંબંધ છે, કૉલેજના બીજા વિષયોનાં પુસ્તકોના પ્રમાણમાં આધ્યાત્મિક પુસ્તકોના વાચનમાં તેમની વધુ રુચિ હતી. લોયોલા કૉલેજના વિદ્યાર્થી હોવા છતાં પાઠ્યપુસ્તકોની તુલનામાં આધ્યાત્મિક પુસ્તકોનો અભ્યાસ તેમના જીવનમાં વધુ મહત્ત્વ ધરાવતો હતો. શ્રીરામકૃષ્ણ, સ્વામી વિવેકાનંદજી અને ગુરુદેવશ્રી સ્વામી શિવાનંદજીનાં પુસ્તકો બીજાં પણ પુસ્તકોનાં પ્રમાણમાં વધુ રુચિકર હતાં.
શ્રીધર પોતાના જ્ઞાનમાં બીજા લોકોને એટલા બધા સહભાગી બનાવતા હતા કે તેઓ પોતાના ઘર પરિવાર અને પાસ-પાડોશના લોકો માટે જાણે ગુ‚ થઈ ગયા હતા. સૌ સાથે તેઓ સત્યપરાયણતા, પ્રેમ, શુચિતા, સેવા અને ભગવદ્-ભક્તિની ચર્ચા કર્યા કરતા. તેઓ સદા સૌને શ્રીરામ નામનો જપ કરવા માટે પ્રેરણા આપતા. જ્યારે તેઓ માત્ર વીસ વર્ષના હતા ત્યારથી જ તેમણે નવયુવકોને રામતારક મંત્રની દીક્ષા આપવાનું શ‚ કરી દીધું હતું. તેમના અનુયાયીઓમાં એક શ્રી યોગેશ હતા જે બાળક ગુરુ શ્રીધર દ્વારા આપવામાં આવેલ તારકમંત્રનો જપ ૧૨ વર્ષ સુધી નિરંતર કરતા રહ્યા હતા.
તેઓશ્રી રામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદજીના પરમ પ્રેમી હતા. શ્રી રામકૃષ્ણ મઠ મદ્રાસમાં તેઓ નિયમિત જતા અને ત્યાંની પૂજા તથા ઉત્સવોમાં ભાગ લેતા. સ્વામી વિવેકાનંદજીનું સંન્યસ્ત જીવન માટેનું આહ્વાન તેમના શુદ્ધ હૃદયમાં સદા ગુંજતું રહેતું. મહાનગરમાં આવતા-જતા સાધુ સંતોનાં દર્શન માટે તેઓ સદા ઉત્સુક રહેતા.
ઈ.સ. ૧૯૩૬માં શ્રીધર ચૂપચાપ ઘરમાંથી ચાલ્યા ગયા હતા. તેમનાં માતા-પિતાએ બહુ શોધખોળ પછી તેમને તિરુપતિના પવિત્ર પર્વતીય મંદિરથી થોડા માઈલો દૂર એક ધર્માત્મા સંતના નિર્જન આશ્રમમાંથી શોધી કાઢ્યા હતા. બહુ સમજાવ્યા પછી તેઓ ઘરે પાછા આવ્યા હતા. તેમનો આ ટૂંક સમયનો વિયોગ પરિવાર, મિત્ર અને સંપત્તિના મોહમય સંસારથી અંતિમ વિદાય લેવાની તૈયારી ‚પ હતો. જ્યારે તેઓ ઘરમાં હતા ત્યારે પણ તેમનું હૃદય તેમના અંત:સ્તરની જ્ઞાનગંગાના સનાતન પ્રણવનાદની સાથે સુસ્વર થઈને સ્પંદિત થતું હતું અને આધ્યાત્મિક વિચારોના નિ:સ્તબ્ધ વનોમાં રમણ કરતું રહેતું હતું. તિરુપતિથી પાછા આવ્યા બાદ તેમણે ઘરમાં વધુ સાત વર્ષ ગાળ્યાં. આ દિવસો દરમ્યાન તેમના જીવનમાં એકાંતવાસ, સેવા, આધ્યાત્મિક સાહિત્યનું ગહન અધ્યયન, આત્મસંયમ, ઇન્દ્રિય-નિગ્રહ, સરળ અને સાત્ત્વિક જીવનચર્યા એ આહાર, વિલાસિતાનો ત્યાગ અને તપોનિષ્ઠ જીવનના અભ્યાસની ઊંડી છાપ પડી અને આ બધું તેમની અંત:સ્થ આધ્યાત્મિક શક્તિના સંવર્ધનમાં ખૂબ જ મદદ‚પ પુરવાર થયું.
ઈ.સ. ૧૯૪૩માં તેમણે પોતાના ભાવિ જીવનના સંબંધમાં અંતિમ નિર્ણય લીધો. હૃષીકેશના શ્રી સ્વામી શિવાનંદજી મહારાજ સાથે તેઓ પહેલાંથી જ પત્રવ્યવહારમાં હતા. અંતે તેઓ તેમના આશ્રમમાં જોડાવા માટેની સ્વામીજી મહારાજની અનુમતિ મેળવવામાં સફળ પણ થયા.
આશ્રમમાં પદાર્પણ કરતાંની સાથે જ તેમણે તેમના સેવા-પરોપકારના સ્વભાવ પ્રમાણે દવાખાનાના સંચાલનની જવાબદારી ઉપાડી લીધી. તેમના હાથમાં રોગ-નિવારણની અદ્ભુત શક્તિ હતી. તેમના આ ગુણની સુવાસ ચોપાસ પ્રસરી ગઈ અને તેના કારણે શિવાનંદના નિ:શુલ્ક દવાખાનામાં રોગીઓ ઊભરાવા લાગ્યા.
આશ્રમમાં જોડાયા પછી થોડા જ દિવસોમાં શ્રીધરે તેમની કુશાગ્ર બુદ્ધિનો ખૂબ જ મોટા પાયે પરિચય આપ્યો. તેમણે પ્રવચનો કર્યાં, સામયિકો માટે લેખો લખ્યા અને આશ્રમમાં આવનાર જિજ્ઞાસુઓને આધ્યાત્મિક ઉપદેશો આપ્યા. ઈ.સ. ૧૯૪૮માં જ્યારે ‘યોગ વેદાંત ફોરેસ્ટ યુનિવર્સિટી’ (હવે યોગ વેદાંત ફોરેસ્ટ અકાદમી)ની સ્થાપના કરવામાં આવી ત્યારે શ્રી ગુરુદેવે તેમને તેના ઉપકુલપતિ અને રાજયોગના પ્રાધ્યાપક તરીકે નિમણૂક કરીને તેમનું યોગ્ય સન્માન કર્યંુ. પહેલા જ વર્ષમાં તેમણે મહર્ષિ પતંજલિનાં યોગ-સૂત્રોની વિસ્તૃત વ્યાખ્યા કરીને જિજ્ઞાસુઓને યોગના માર્ગની ઉચિત પ્રેરણા આપી.
આશ્રમના પોતાના નિવાસકાળના પહેલા જ વર્ષમાં તેમણે શ્રી ગુરુદેવ સ્વામી શિવાનંદજી મહારાજની અમર જીવનકથા વિષયક લાઈટ ફાઉન્ટન નામના ગ્રંથની રચના કરી. આ પુસ્તક સંબંધી પોતાનો મત વ્યક્ત કરતાં શ્રી ગુરુદેવે કહ્યું હતું કે, ‘એક સમય એવો આવશે જ્યારે શિવાનંદ આ જગતમાંથી પ્રયાણ કરી જશે, પરંતુ ‘લાઈટ ફાઉન્ટન’ સદા અમર થઈને રહેશે.’
કાર્યભારમાં ખૂબ જ વ્યસ્ત અને ગંભીર સાધનામય જીવનની વચ્ચે પણ તેઓશ્રી ગુરુદેવના માર્ગદર્શનમાં ઈ.સ. ૧૯૪૮માં યોગ-મ્યુઝિયમની સ્થાપના કરી હતી, તેમાં વેદાંતનું સમગ્ર દર્શન તથા યોગસાધનાની તમામ પ્રક્રિયાઓ ચિત્રો દ્વારા દર્શાવવામાં આવી હતી.
સન ૧૯૪૮ના અંતિમ દિવસોમાં જ્યારે શ્રી સ્વામી નિજબોધાનંદજી મહારાજે દિવ્ય જીવન સંઘના મહામંત્રીપદનો ત્યાગ કર્યો ત્યારે શ્રી ગુરુદેવે શ્રી શ્રીધરને તેમના સ્થાને નિયુક્ત કર્યા. આમ થવાથી તેમના ઉપર હવે સંઘની વ્યવસ્થાની મહાન જવાબદારી આવી પડી. આ નિયુક્તિ બાદ સત્વરે તેમણે સંસ્થાની તમામ પ્રવૃત્તિઓમાં ઉપસ્થિત રહીને સલાહ વગેરે આપીને તથા સ્વકીય બુદ્ધિમત્તાપૂર્વક તે પદનું ઉચિત વહન કરીને નેતૃત્વનાં આધ્યાત્મીકરણનું ઉચ્ચ ઉદાહરણ પૂરું પાડ્યું. તેઓ સૌને પોતપોતાની ચેતનાને દિવ્ય ચેતનામાં પરિણીત કરવાની પ્રેરણા આપતા અને તે દિશામાં ઉત્સાહિત પણ કરતા રહેતા.
૧૦ જુલાઈ, ૧૯૪૯ને ગુરુપૂર્ણિમાના પવિત્ર દિવસે શ્રી શ્રીધરે પરમ પૂજ્ય શ્રી સ્વામી શિવાનંદજી મહારાજ પાસેથી સંન્યસ્ત દીક્ષા ગ્રહણ કરીને ચતુર્થ આશ્રમમાં પ્રવેશ કર્યો. હવે તેઓ ‘સ્વામી ચિદાનંદ’ના યોગપટ-નામથી વિભૂષિત થયા. ચિદાનંદનો અર્થ સર્વોપરી ચેતના અને જ્ઞાનમાં સ્થિત વ્યક્તિ.
ભારતના વિભિન્ન ભાગોમાં દિવ્ય જીવન સંઘની શાખાઓના કુશળતાપૂર્વકનાં સંયોજનનું શ્રેય તેમને પ્રાપ્ત થયું. તદુપરાંત સન ૧૯૫૦માં શ્રી ગુરુદેવની નવયુગ નિર્માણકારી અખિલ ભારતીય યાત્રાની સફળતામાં તેમનું યોગદાન સદૈવ ચિરસ્મરણીય રહેશે. સૌના એકમેકના સામૂહિક પ્રયાસ વડે ભારતના મોટા મોટા રાજનૈતિક તથા સામાજિક નેતાગણ, રાજકીય ઉચ્ચ પદાધિકારી તથા રાજ્યના રાજા-મહારાજાના દિવ્ય જીવનના અભિયાન પ્રત્યે જાગૃતિ ઉત્પન્ન કરી.
પૂજ્ય શ્રી ગુરુદેવ શ્રી સ્વામી ચિદાનંદજીને પોતાના વ્યક્તિગત પ્રતિનિધિના ‚પમાં નૂતન જગતમાં દિવ્ય જીવનના સંદેશનો પ્રચાર કરવા માટે મોકલ્યા. તેમણે અમેરિકાના એક વિષદ પ્રવાસનો સન ૧૯૫૯ના નવેમ્બર મહિનામાં પ્રારંભ કર્યો. અમેરિકન પ્રજાએ પાશ્ર્ચાત્ય વૈચારિક ભૂમિમાં ઉછરેલા લોકો માટે ભારતીય યોગની વ્યાખ્યા પ્રસ્તુત કરવામાં પૂર્ણ નિષ્ણાત ભારતના એક યોગીના ‚પમાં તેમનું સ્વાગત કર્યંુ. તેમણે દક્ષિણ અમેરિકાનો પણ પ્રવાસ કર્યો અને ધર્મપ્રચાર કર્યો. અમેરિકાથી તેમણે યુરોપની સંક્ષિપ્ત યાત્રા કરી અને ૧૯૬૨ના માર્ચ મહિનામાં તેઓ આશ્રમ પાછા પધાર્યા.
એપ્રિલ-૧૯૬૨માં તેમણે દક્ષિણ ભારતનાં તીર્થસ્થળોની યાત્રા માટે પ્રયાણ કર્યંુ. પોતાની આ યાત્રામાં તેઓ દક્ષિણના મંદિરો અને તીર્થસ્થાનોનાં દર્શન કરતા તથા આત્મપ્રેરક પ્રવચનો પણ કરતા. શ્રી સદ્ગુરુદેવની મહા સમાધિના લગભગ આઠ-દશ દિવસ પહેલાં જ તેઓ દક્ષિણ ભારતની યાત્રાએથી આશ્રમ પાછા પધાર્યા-આને તેઓ અલૌકિક ઘટના જ માને છે.
ઑગસ્ટ સન ૧૯૬૩માં તેઓને શ્રી ગુરુદેવના ઉત્તરાધિકારીના ‚પમાં દિવ્ય જીવન સંઘના પરમાધ્યક્ષ તથા યોગ્ય વેદાન્ત આરણ્ય અકાદમીના કુલપતિ ઘોષિત-સંસ્થાપિત કરવામાં આવ્યા.
મહાન ગુરુના તેઓ સુયોગ્ય ઉત્તરાધિકારી હતા. તે સંબંધે તેમણે માત્ર ગણતરીનાં વર્ષોમાં જ ન કેવળ સંસ્થાની દૂર સુધી વિસ્તરિત શાખા-પ્રશાખાઓના બંધારણમાં જ નહીં, પણ વિશ્ર્વભરના અસંખ્ય સાધકોના હૃદયમાં, જેમાં તેમની સલાહ, સહાયતા તથા માર્ગદર્શન પ્રાપ્ત કરવા જેઓ સદા ઉત્સુક રહ્યા છે - ત્યાં ત્યાગ, સેવા, પ્રેમ અને આધ્યાત્મિકતાનો ઝંડો ઊંચો રહે, માટે તેમણે અથાક શ્રમ કર્યો. તેઓ એક ઉન્નત કોટિના સંન્યાસીનું અનુકરણીય જીવનયાપન કરતા હતા, આધ્યાત્મિકતાનું આકર્ષક કેન્દ્ર હતા તથા વિશ્ર્વમાં દિવ્ય જીવનના ભવ્ય આદર્શોને પુનર્જીવન પ્રદાન કરવા માટે તેમના બહુમુખી જહેમતભર્યા પ્રયાસને કારણે તેઓ નાના-મોટા સૌના પ્રેમપાત્ર બની ગયા.
પૂર્ણ એકાગ્રતાપૂર્વક સુરક્ષિત તેમના વ્યક્તિત્વના સ્વભાવગત સૌજન્ય તથા સંપૂર્ણ સેવાસભર પ્રેમાળ સ્વભાવના કારણે લાખો વ્યક્તિઓના જીવનમાં તેમણે અમીટ સાંત્વના પ્રદાન કરી. દેશના સુદૂર અને સમીપસ્થ સ્થાનોની યાત્રાની સાથે-સાથે સ્વામીજીએ મલેશિયા તથા હોંગકોંગની યાત્રાઓ પણ કરી અને ત્યાં જઈને વાસ્તવિક ભારતીય સંસ્કૃતિ, આધ્યાત્મિકતા તથા બધાં જ કાર્યોમાં અહંભાવરહિતતાની ભાવનાનો પ્રચાર અને પ્રસાર કર્યો અને અગણિત વ્યક્તિઓના હૃદયમાં દિવ્ય જીવન જીવવાની કળાની સ્થાપના કરી. તેમના આવા દિવ્ય ગુણોના કારણે જીવનનાં તમામ ક્ષેત્રોમાં લોકો તેમના પ્રત્યે ખૂબ જ કૃતજ્ઞતાનો આદરભાવ પ્રદર્શિત કરતા રહ્યા.
સમગ્ર સંસારમાં દિવ્ય જીવનના મહાન આદર્શોના પુનર્જીવન માટે અથાક પ્રયત્ન કરતાં કરતાં ૨૮ ઑગસ્ટ, ૨૦૦૮ના રોજ પરમ આરાધ્ય શ્રીમત્ સ્વામી ચિદાનંદજી મહારાજ બ્રહ્મલીન થયા.