આપણે આપણો ધર્મ સંભાળીએ : શ્રી પી. કે. લહેરી

    ૧૪-ઓક્ટોબર-૨૦૧૬


આપણો વિષય છે : આપણે આપણો ધર્મ સંભાળીએ. દેખીતી રીતે સરળ લાગતો આ વિષય છે, પણ ખૂબ અઘરો છે. આપણો ધર્મ કર્યો ?
આપણાં શાસ્ત્રોમાં કે ધાર્મિક કે આધ્યાત્મિક સાહિત્યમાં ‘ધર્મ’ શબ્દ અનેકવાર આવે, પણ ધર્મ એટલે શું ? રાજાનો ધર્મ રાજધર્મ કહેવામાં આવે. અંગ્રેજીમાં religion કહીએ છીએ. વ્યાસજીએ મહાભારતમાં બંને હાથ ઊંચા કરીને કહ્યું છે, ‘તમે તમારો ધર્મ સંભાળો, એ તમારું રક્ષણ કરશે.’ ધર્મ-અર્થ-કામ-મોક્ષ ચાર પુરુષાર્થ છે, જેમાં ધર્મ પ્રથમ નંબરે છે.
શ્રી કૃષ્ણ પરમાત્માએ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં કહ્યું છે :


યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત
અભ્યુત્થાનમધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહમ્ ॥
પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતામ્
ધર્મસંસ્થાપનાર્થાય સમ્ભવામિ યુગે યુગે ॥

(અધ્યાય - ૭, ૪-૮)
અર્જુનને કહ્યું છે :

સ્વધર્મમપિ ચાવેક્ષ્ય ન વિકમ્પિતુમર્હસિ
ધર્મ્યાદ્ધિ યુદ્ધાચ્છ્રેયો ન્યત્ક્ષાત્ર્યસ્ય ન વિદ્યતે ॥

(અધ્યાય ૨ - ૩૧)
વળી પાછું કહ્યું છે :


સર્વધર્માન્પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ
અહં ત્વા સર્વપાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ: ॥

(અધ્યાય ૧૮- ૬૬)
ઘણાંને મૂંઝવણ થાય કે કૃષ્ણ પરમાત્મા એક બાજુ કહે છે ધર્મની સ્થાપના માટે વારંવાર હું જન્મ લઈશ. અર્જુનને કહે છે તારો ક્ષત્રિય ધર્મ યુદ્ધ કરવાનો છે અને વળી કહે છે. સઘળા ધર્મોને ત્યજીને તું મારા શરણે આવી જા. તો શું સમજવું ?
ધર્મ અંગે જે ચિંતન થયું છે, તે અલગ અલગ છે. માણસનો પ્રાદુર્ભાવ થયો, તેનો વિકાસ થયો. માણસે સૂર્ય જોયો, ચંદ્ર જોયો, અંધારી રાત જોઈ, વીજળીના ચમકારા જોયા, જંગલી જાનવરો જોયાં, એના પ્રત્યેની જિજ્ઞાસા અને ડરને લીધે તેણે ધર્મ શોધ્યો.
ગ્રીકમાં સનગોડ, મુનગોડ, શુક્રની દેવી એ રીતે માનતા, મૂર્તિપૂજા થતી. બાઈબલ આધારિત ધર્મ આવ્યો તેમાં ઈસુ ખ્રિસ્ત ભગવાનપુત્ર છે. તેનો મોટાપાયે પ્રચાર કરવામાં આવ્યો અને ખ્રિસ્તી ધર્મ અસ્તિત્વમાં આવ્યો. આજે ખ્રિસ્તી ધર્મ પાળે છે તેમાંથી માત્ર ૭% લોકો ચર્ચમાં જાય છે. અનેક જગ્યાએ ચર્ચોને વેચી નાંખવામાં આવ્યાં છે. લોકોને ધર્મમાં રસ નથી.
બીજો ધર્મ ઈસ્લામિક છે. ઘણા દેશો આ ધર્મ પાળે છે, આ અંગે પણ વાદવિવાદ થતો રહે છે. આ પછી હિન્દુ ધર્મ પાળનારની સંખ્યા ૧૧૦ કરોડની છે, પણ આપણો ચોથો આંકડો છે. ત્રીજા નંબરે સવા અબજની વસ્તી છે, જે કોઈ ધર્મને માનતી જ નથી.
ગાંધીજીએ કહ્યું : ‘સત્ય જ ઈશ્ર્વર છે’ ઈશ્ર્વરને કોઈ ધર્મ નથી હોતો. બધા જ ધર્મોના એ જ આરાધ્ય છે. આપણો ધર્મ શું છે ? ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન કહે છે : ‘ઈશ્ર્વર સાથે કેવી રીતે સંબંધ રાખવો, તેની પૂર્ણ સત્તા તમારી પાસે છે.’ કોઈ પ્રેયસી, કોઈ સખા કે પિતા તરીકે માને. આપણે જે રીતે ધારીએ તે રીતે સંબંધ વિકસાવી શકીએ છીએ. આપણો ધર્મ આપણને સજાગ રહી સ્વીકાર કરવા કહે છે. હિન્દુ ધર્મની જે સ્વાતંત્ર્યની વ્યાખ્યા છે તે વ્યક્તિગત છે. હિન્દુ ધર્મમાં ધાર્મિક બાબતની ચરમસીમા આપી છે. ‘હરિનો મારગ છે શૂરાનો, નહીં કાયરનું કામ જો ને, પરથમ પહેલું મસ્તક મૂકી વળતી લેવું નામ જો ને.’
આપણે આપણો માર્ગ જાતે નક્કી કરવાનો છે. આપણે ત્યાં અનેક દેવો છે. બધા દેવો પ્રત્યે આપણને આસ્થા છે. જે એકાંગી રીતે સમજે છે તેને બહુઆયામી તરીકે સમજવું મુશ્કેલ પડશે.
ધર્મ એટલે સભાનપણે જવાબદારીપૂર્વક નક્કી કરીએ - મારી ફરજ શું છે ? મારો મજહબ શું છે ? હમણાં જ આપણા પાડોશી દેશની અવળચંડાઈને કારણે જે મુશ્કેલી ભોગવવી પડે છે તેથી તકલીફ પડે છે. ‘મઝહબ નહીં સિખાતા આપસમેં બૈર રખના’ તો પછી શા માટે ? ધાર્મિક રીતે વ્યક્તિને સંપૂર્ણ સ્વતંત્રતા આપીએ કે જેથી ઘર્ષણ ન થાય, અરસપરસ સંપ રહે, વાદવિવાદ ન થાય. આ વિશિષ્ટતા સાથે જ આપણે જીવવાનું છે.
‘આપણે આપણો ધર્મ સંભાળીએ’ એમાં સંભાળવું એટલે શું ? કાળજી કરવી. કબીરજી જુદી રીતે કહે છે :

‘ચાદર જતન સે ઓઢી
જ્યોં કિ ત્યોં ધર દીની ચદરિયાં’


જતન એટલે માત્ર સંભાળવું નહીં, લાલનપોષણ કરવું. આપણે બાળકનું જતન કરીએ છીએ. લાગણીથી જોડાઈને તેના સર્વાંગી વિકાસ માટે પ્રયત્નશીલ રહીએ છીએ. ધર્મનું જતન કરવા માટે આપણને અનેક સગવડો, વિકલ્પો આપ્યા છે. આ આખી સૃષ્ટિ પદાર્થમાંથી ઊભી થઈ છે. આ જગતમાં બધુ જ નાશવંત છે. ધર્મ આપણા માટે આદર્શ છે. ધર્મના આદર્શો છે કે શું કરવું અને શું ના કરવું તે ધ્યાનમાં રાખવું. આપણે ત્યાં ધર્મ અભણમાં અભણ માણસ પાસે પણ પહોંચ્યો છે. જેસલ નામના બહારવટિયાને જ્ઞાની તોરલ કહે છે :


‘પાપ તારું પરકાશ જાડેજા, ધરમ તારો સંભાળ રે
તારી બેડલીને બૂડવા નહીં દઉં, એમ તોરલ કહે છે જી.’


ધન ચાલી જશે, પત્ની ચાલી જશે, જમીન ચાલી જશે, ચિંતા નથી, પરંતુ શરીર એકવાર જ મળે છે, તેનું ધ્યાન રાખવું. પાર્વતી ઉગ્ર તપ કરે છે. ત્યારે શિવજી કહે છે : ‘દેવી, આટલું ઉગ્ર તપ શા માટે કરો છો ? શરીર પડી જશે તો કંઈ નહીં રહે.’ કવિ કાલિદાસે પણ રઘુવંશમાં કહ્યું છે, ‘શરીરમાદ્યં ખલુ ધર્મસાધનમ્’. આપણે મનુષ્ય યોનિમાં જન્મ્યા છીએ. ૮૪ લાખ યોનિના ચક્કર પસાર કરી અંતે મનુષ્યજન્મ પ્રાપ્ત થયો છે, પ્રજ્ઞા અને વિવેકની પ્રાપ્તિ થઈ છે, ત્યારે વિચાર આવે છે - ‘આ જગતનું સર્જન કોણે કર્યંુ હશે ? તેની રચના કોણે કરી હશે ? કીડીના અંતર કોણે ઘડ્યાં હશે ? કીડીની દુનિયા જોઈએ છીએ ત્યારે વિચાર આવે છે, આ નાનામાં નાના જીવ માટે પણ કેવી સગવડ કરી છે ? હાથીને મણ, કીડીને કણ કોણ પૂરું પાડતું હશે ?’
દિવ્ય જીવન સંઘનું મિશન છે. પ્રભુપ્રાપ્તિ આપણને પ્રભુને સમજવાની, અહેસાસ કરવાની તક મળી છે અને જો એ તકનો ઉપયોગ ના કરીએ તો દુર્લભ માનવજન્મ મૂર્ખની જેમ ગુમાવી દઈએ છીએ. જેનો એક રસ્તો ભક્તિ પણ છે. ભક્તિની તીવ્રતાને કારણે માણસના અંતરમનની ચેતના જાગ્રત થાય છે.