દિવાળી-‘આશા’નો દીપક...

    ૨૯-ઓક્ટોબર-૨૦૧૬

 


 


દિવાળીનો દિવસ હતો. નગરના એક સાધારણ એવા મકાનના એક ખંડમાં ચાર દીપકો ટમટમી રહ્યા હતા. આમાંનો એક દીપક બોલ્યો, ‘મારું નામ શાંતિ છે. મને લાગે છે કે, આ દુનિયાને મારી જરૂર નથી. ચારેય તરફની હિંસા અને અશાંતિથી હું હારી ગયો છું. મારે માટે અહીંયાં રહેવું શક્ય નથી.’ આટલું બોલી તે બુઝાઈ ગયો. બીજો દીપક બોલ્યો, ‘હું વિશ્ર્વાસ છું, પરંતુ જૂઠાણાં અને ફરેબની જાણે અહીં સ્પર્ધા જામી છે, માટે મારા માટે પણ અહીં રહેવું શક્ય નથી,’ આટલું બોલી બીજો દીપક પણ બુઝાઈ ગયો. બંનેને બુઝાતાં જોઈ ત્રીજો દીપક ખૂબ જ દુ:ખી સ્વરે બોલ્યો, ‘મારું નામ ‘પ્રેમ’ છે, લોકો કહે છે કે પ્રેમ ક્યારેય મરતો નથી, પરંતુ હાલ લોકો એટલા વ્યસ્ત બની ગયા છે કે, કોઈની પાસે મારે માટે સમય નથી. પારકાને તો ઠીક લોકો પોતીકાઓને પણ જાણે પ્રેમ કરવાનું ભૂલી ગયા છે. માટે હું પણ હવે આ દુનિયાને અલવિદા કરું છું.’ આટલું બોલી પ્રેમ પણ બુઝાઈ ગયો. તેવામાં જ તે ઘરનો એક બાળક ત્યાં આવી ચડ્યો અને ખંડમાં ચારેકોર ફેલાયેલા અંધકારથી ગભરાઈ રડવા લાગ્યો. આ જોઈ ટમટમી રહેલ ચોથો દીપક આશ્ર્વાસનભર્યા સૂરમાં બોલ્યો, ‘ડરીશ નહીં. મારું નામ ‘આશા’ છે. મારામાં બુઝાયેલ ત્રણેય દીપકોને પુન:પ્રજ્વલિત કરવાની તાકાત છે. મારી જ્યોતથી શાંતિ, વિશ્ર્વાસ અને પ્રેમને પુન:પ્રજ્વલિત કર.’
દિવાળીના પર્વમાં ઝળહળતા દીપકો પણ આજ પ્રેરણા આપે છે. જ્યારે ચારેય તરફ અંધકાર ફેલાય, પોતાના પણ પારકા લાગવા માંડે, ત્યારે પણ પણ ‘આશા’ ન છોડો, કારણ કે આશા અમર છે. ‘આશા’ નામના દીપકમાં તમારી બુઝાઈ ગયેલ તમામ મહેચ્છાઓને પુન:પ્રજ્વલિત કરવાની શક્તિ રહેલી છે, માટે પોતાનામાં આશાના દીપકને હંમેશાં ઝળહળતો રાખો.