જ્યાં જ્યાં વસે ભારતીય, ત્યાં સદા ઉલ્લાસપૂર્ણ દીપાવલી!

    ૨૯-ઓક્ટોબર-૨૦૧૬


 


ભારતનાં અલગ અલગ રાજ્યોમાં સહેજ જુદી જુદી રીતે દીપાવલીનો તહેવાર ઊજવાય છે તો જ્યાં જ્યાં ભારતીયો રહી વસ્યાં છે એ તમામ દેશોમાં પણ પ્રકાશનો આ ઉત્સવ એટલા જ ઉત્સાહ અને આનંદથી પાર પાડે છે. ભારતના ઘણા ખરા ભાગોમાં ભગવાન રામના સંદર્ભમાં દિવાળીનો તહેવાર મનાવાય છે, તો ક્યાંક કૃષ્ણ-સત્યસભામાએ નરકાસુર સામે યુદ્ધ કરીને લોકોને ત્રાસમુક્ત કર્યા હતા એના સ્મરણમાં પણ દિવાળી ઊજવાય છે. ભગવાન રામ ૧૪ વર્ષનો વનવાસ પૂર્ણ કરીને અયોધ્યા પાછા ફર્યા એની યાદમાં આખું અયોધ્યા નગર રોશનીથી ઝળહળ્યું હતું અને પછી પ્રતિવર્ષ એવી જ રોશનીથી આ દિવસને મનાવવાનું શરૂ થયું એને જ દિવાળી અને ભગવાન રામનો રાજ્યાભિષેક થયો અને નવી શરૂઆતના સંદર્ભમાં નૂતનવર્ષ તરીકે મનાવવાનું લોકોએ સ્વયંભૂ શરૂ કર્યું અને સમયાંતરે આ તહેવાર ભારતીયોની જીવનશૈલી અને વાર્ષિક આયોજનો સાથે અભિન્ન રીતે જોડાઈ ગયો.
ગુજરાતમાં દિવાળીના બીજા દિવસે એટલે કે કારતક સુદ એકમના દિવસે નૂતનવર્ષ ઊજવાય છે, પરંતુ બાકીના ઘણા બધા પ્રાંતમાં દિવાળીનો તહેવાર ભલે આસો મહિનાની અમાસે હોય; નૂતનવર્ષની ઉજવણી કારતક માસમાં નથી થતી. મહારાષ્ટ્ર-કાશ્મીર અને બિહારમાં ચૈત્ર માસમાં નવું વર્ષ ઊજવાય છે, તો પંજાબ-બંગાળ-ઓરિસ્સા વગેરે રાજ્યોમાં વૈશાખ મહિનો નવું વર્ષ લઈને આવે છે. ક્યાંક અષાઢ માસમાં પણ નવા વર્ષની ઉજવણી રંગેચંગે થાય છે. પણ દિવાળીની ઉજવણી તો આસો વદ અમાસે જ આખા વિશ્ર્વમાં જ્યાં પણ ભારતીયો રહે છે ત્યાં થાય છે.
કર્ણાટકમાં કાળીચૌદશને નરકાચૌદશ તરીકે ઓળખવામાં આવે છે. કહેવાય છે કે એ દિવસે ભગવાન કૃષ્ણના શરીર પર નરકાસુરના લોહીના છાંટા ઊડ્યા હતા એટલે ભગવાને સ્નાન કર્યું હતું અને પછી દીપાવલી મનાવી હતી. નરકાસુરના સકંજામાંથી મુક્ત થયેલી ૧૬ હજાર રાજકુમારીઓનો કૃષ્ણએ સ્વીકાર કર્યો હતો એટલે એ દિવસે તેમના સન્માનમાં દિવાળી ઊજવાઈ હતી. એ માન્યતાના બળે કર્ણાટકના કેટલાય ભાગોમાં ભગવાન રામને બદલે ભગવાન કૃષ્ણની માન્યતા સાથે દિવાળી ઉજવાય છે. વળી ત્યાં દીપાવલી રોશનીને બદલે રંગોળી માટે વધુ જાણીતો તહેવાર છે. આંધ્રપ્રદેશમાં પણ કર્ણાટકની જેમ કૃષ્ણ ભગવાનને ધ્યાનમાં રાખીને ચૌદશ અને દીપાવલી ઊજવાય છે.
આપણે ત્યાં ગાયનું પૂજન જન્માષ્ટમી પહેલાં બોળચોથના દિવસે શ્રાવણ માસમાં થાય છે જ્યારે મહારાષ્ટ્રમાં ગૌપૂજન દીપાવલીના તહેવારો દરમિયાન થાય છે. મહારાષ્ટ્રમાં વસુબારસના દિવસે ગાયનું પૂજન થાય છે, એ સિવાયના બાકીના દિવસોમાં આતશબાજી, રંગોળી-રોશનીમય પર્વ બની રહે છે.
એક સમયે જ્યાં સુધી મિથિલા પ્રદેશ વિસ્તરતો હતો એ બિહાર અને ઓરિસ્સામાં લક્ષ્મીજીના પૂજનની સાથે સાથે રિદ્ધિ-સિદ્ધિ માટે ગણેશજીનું પૂજન થાય છે. ભગવાન રામની સાથે સીતાજીનો વનવાસ પણ પૂરો થયો હતો એટલે ઘણાં પ્રાંતોમાં સીતાજીના સન્માનમાં આતશબાજી થાય છે.
દિવાળીનો તહેવાર ભારતના અલગ અલગ પ્રાંતોમાં થોડાઘણા સામાજિક ફેરફાર સાથે ઊજવાય છે એ જ રીતે વિશ્ર્વભરમાં વસતા ભારતીયો પણ દીપાવલીની ઉજવણી વિભિન્ન તરાહથી કરે છે. વિશ્ર્વના કુલ ૨૨ દેશોમાં દિવાળીનો તહેવાર ખૂબ જ ઉત્સાહ-આતશબાજીથી ઊજવાય છે. કદાચ અંગ્રેજી નવું વર્ષ જેને કહેવાય છે એ ૧લી જાન્યુઆરી પછી સૌથી વધુ દેશોમાં ફેલાવો ધરાવતો તહેવાર દિવાળી છે!
બ્રિટનમાં સ્થાયી થયેલા ભારતીયો ઉત્સાહપૂર્ણ રીતે દિવાળી ઊજવે છે. ભારતમાં થાય છે એવી જ રીતે દિવાળી પહેલાં ઘરની સફાઈ કરવામાં આવે છે. ઘરને મીણબત્તીથી રોશન કરાય છે. આપણી પરંપરાગત વાનગી લાડુ બનાવીને સમૂહમાં ભોજન લેવાની વર્ષોની પરંપરા બ્રિટનમાં વસતા ભારતીઓએ નિભાવી છે. બ્રિટનમાં દિવાળી હવે તો બ્રિટનવાસીઓ માટે ય જાણીતો તહેવાર બની ગયો છે.
બ્રિટનની જેમ જ અમેરિકામાં પણ ભારતીયો એકઠાં થઈને પરંપરાગત રીતે દિવાળીનો તહેવાર ખૂબ ઉલ્લાસપૂર્વક મનાવે છે. અમેરિકામાં દર દિવાળીએ અમેરિકન પ્રમુખ દ્વારા ભારતીય લોકો માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન થાય છે. આમંત્રિત મહેમાનો માટે ખાસ ભોજન તૈયાર કરવામાં આવે છે. એ જ રીતે ઑસ્ટ્રેલિયામાં ભારતીય મૂળના લોકો અને સ્થાનિક ઑસ્ટ્રેલિયનો મેલબોર્નમાં દિવાળીની જાહેરમાં ઉજવણી કરે છે.
બ્રિટન-અમેરિકાની તુલનાએ ઑસ્ટ્રેલિયામાં પ્રમાણમાં ઓછા ભારતીયો છે, છતાં દિવાળીની ઉજવણીમાં સંખ્યા બહુ મોટી હોય છે. કેમ કે, દિવાળીના પર્વનો ભારતીયો જેટલો જ ઉત્સાહ ઑસ્ટ્રેલિયાનો પણ હોય છે. ઑસ્ટ્રેલિયાના પાડોશી દેશ ન્યૂઝિલેન્ડમાં દક્ષિણ એશિયન સમાજનાં ઘણાં જૂથો જાહેરમાં દિવાળીની ઉજવણી કરે છે. ન્યૂઝિલેન્ડની સંસદે વિશેષ ખરડો પસાર કર્યો છે એટલે ૨૦૦૩થી દિવાળીના દિવસે મૂળ ભારતીયો માટે અધિકૃત સત્કાર સમારંભ પણ રખાય છે.
ટ્રિનિદાદ અને ટોબેગોમાં રહેતા ભારતીયો વર્ષમાં એક વખત દિવાળીને દિવસે એકઠાં થાય છે. ભારતીય સંસ્કૃતિ મુજબના કાર્યક્રમો ઊજવાય છે. સ્થાનિક લોકનાટ્ય-લઘુનાટિકા રામાયણ-મહાભારતનાં પાત્રો ઉપર નાટકો ભજવાય છે. મોડી રાત્રે દેવી લક્ષ્મીની પૂજા થાય છે. દીવા પ્રગટાવવામાં આવે છે અને લોકો ભારતીય શાકાહારી વાનગીઓની લિજ્જત માણે છે.
એક સમયના સંપૂર્ણ હિન્દુ રાષ્ટ્ર નેપાળમાં દિવાળીને ‘સ્વાન્તિદ’ તરીકે ઓળખવામાં આવે છે. પાંચ દિવસ માટે ઊજવાતા આ પર્વના પ્રથમ દિવસે કાગડાઓને નેવૈદ્ય રૂપે ભોગ ધરાવાય છે. બીજા દિવસે કૂતરાઓની પૂજા કરાય છે. ત્રીજા દિવસે લક્ષ્મીપૂજા થાય છે અને ગાયની પણ પૂજા થાય છે. નેપાળના વર્ષ પ્રમાણે આ છેલ્લો દિવસ હોવાથી ભારતની જેમ જ વેપારી હિસાબ ચોખ્ખો કરે છે. ચોથો દિવસ નવા વર્ષ તરીકે ઊજવાય છે. એ દિવસે આગામી વર્ષ માટે શરીર-મનની તંદુરસ્તી માટે એકબીજાને શુભકામના પાઠવવામાં આવે છે. પાંચમો દિવસ આપણી જેમ જ ભાઈબીજ તરીકે ઊજવાય છે. ભાઈબીજના દિવસે ભાઈ બહેનને કશીક ભેટ આપે છે.
તો વળી, મલેશિયાની દિવાળી તો ભારતમાં ઊજવાતી દિવાળી સાથે ઘણી બધી રીતે તાલ મિલાવે છે. મલેશિયામાં આ દિવસે સરકાર જ જાહેર રજા પાળે છે. ખુલ્લાં મેદાનોમાં આતશબાજી કરીને તેમ જ એકબીજાનું મોં મીઠું કરાવીને વર્ષ દરમિયાન નવી સિદ્ધિઓ મળે એ માટે શુભકામના પાઠવાય છે. ભારતની જેમ જ વડીલો પાસેથી ચરણસ્પર્શ કરીને આશીર્વાદ લેવામાં આવે છે.
વિશ્ર્વભરમાં ફેલાયેલા ભારતીયો દ્વારા લગભગ સમાન રીતે ઊજવાતા આ તહેવારનો અર્થ એ છે કે દિવાળીની આતશબાજીમાં વીતેલાં વર્ષની તમામ કડવાશ, ખારાશ, નિષ્ફળતા કે નકારાત્મક લાગણીને ઓગાળી દેવામાં આવે છે. દિવાળીના દિવસે ઝળહળ થતા પ્રકાશમાં જે પતંગિયાંઓ ખાક થઈ જાય છે એમ એની સાથે સાથે આપણાં અધૂરાં રહેલાં સ્વપ્નો અને કડવાહટ પણ બળી જાય છે. ફટાકડાઓની આતશબાજીમાં નવી આશાનો સંકેત છે. વર્ષભરની કડવાશ કે મનદુ:ખને ધમાકાઓ સાથે ધરબી દેવાનો એ અવસર છે, જેથી દિવાળીની આતશબાજી શમે એટલે તરત જ નવો સૂર્ય આશાનું અને સંબંધોનું નવું કિરણ લઈને આવવાનું છે.
સાથે સાથે ઝળહળ થતી રોશની પછી બૂઝાતા જતા દીવડાઓમાં આધ્યાત્મિક સંદેશો છે. અમાસના દિવસે ય જો માણસ ધારે તો તેજપુંજ ઊભો કરી શકે છે, પણ જો એમાં સાતત્ય ન રહે તો એ તેજપુંજને અંધકાર તરફ જતાં પણ કોણ રોકી શકે છે? પરંતુ એ લુપ્ત થતી રોશની વચ્ચે ય ફરી નવા સૂરજની રાહ જોઈને નવી શરૂઆતનો એક વિકલ્પ હાજર રખાયો છે. આ તહેવાર છે આશાઓનો, આ તહેવાર છે નવી મહેચ્છાઓને મહેકાવવાનો, આ તહેવાર છે અંધકાર આતશબાજીની રતાશમાં હતાશા દૂર કરવાનો, આ તહેવાર છે ધમાકાઓ વચ્ચે ધરપત રાખીને નવા વર્ષને વધાવવાનો! 
                                                              - હર્ષ મેસવાણિયા