જંગલમાં નવરાત્રિ ઊજવાય રે !

    ૦૭-ઓક્ટોબર-૨૦૧૬


એક વાર જંગલના રાજા સિંહને નવો વિચાર આવ્યો. આ વિચાર તેણે પોતાના મંત્રી શિયાળ શિવલાને જણાવ્યો. શિવલો કહે, ‘મહારાજ, ફક્કડ આઈડિયા છે. કહો તો પશુઓની સભા બોલાવી પાક્કું કરી દઈએ.’
વનરાજ કહે, ‘પશુઓય ખરાં ને પંખીઓનેય બોલાવો.’
શિવલો તો ઊપડ્યો. સાથે વરુ ને દીપડોય ગયા. જંગલમાં ઢંઢેરો પિટાવ્યો, ‘જંગલનાં પ્રાણીઓ, સાંભળો. આવતીકાલે બપોરે બાર વાગ્યે ઝગમગિયા વડ નીચે બધાંએ ભેગા થવું. આ વનરાજાનો હુકમ છે. પંખીઓએ પણ આવી જવું.’
ને બીજે દિવસે સભા થઈ. બધાં પશુ-પક્ષીઓ આવી ગયાં. સૌના મનમાં તર્ક-વિતર્ક થતા હતા કે શીદ સભા બોલાવી હશે ? શું જંગલ ઉપર કોઈ આફત આવવાની હશે ?
વનરાજે ત્રાડ પાડી એટલે સૌ શાંત થઈ ગયા. પછી શિવલો શિયાળ ઊભો થયો ને ભાષણ કરતાં બોલ્યો, ‘જંગલના વનરાજા, તથા સર્વે પશુઓ અને પંખીઓ, તમે સૌ માનવીઓના કેટલાક રીત-રિવાજોથી પરિચિત છો જ. માણસો અમુક દિવસે ઉત્સવ ઊજવી આનંદ મેળવે છે તો શું આપણે પણ એવું ના કરી શકીએ ? આવો વિચાર વનરાજાના મનમાં આવ્યો. એમણે એ મને જણાવ્યો અને આજ હું તમને જણાવું છું.’ થોડી વાર અટકીને તે આગળ બોલ્યો, ‘નવરાત્રિ નામનો આ તહેવાર નવ-નવ દિવસ ચાલે છે. માનવી આ નવે દિવસ રોશની કરે છે, સંગીત વગાડે છે ને નાચી-કૂદીને ગાય છે. આપણેય જંગલમાં આવું કરવું છે. તો તમે સાથ-સહકાર આપશો ને ?’
બધાં પ્રાણીઓએ આનંદમાં આવી કિકિયારીઓ પાડી વનરાજાના નિર્ણયને વધાવી લીધો. તે પછી ત્યાં જ નવરાત્રિ સમિતિની રચના કરવામાં આવી. મંડપ ઊભો કરવાનું કામ વાઘ અને જિરાફને સોંપાયું. તેનો શણગાર કરવાનું કામ હરણાં અને સાબરે માથે લીધું. ઢોલ વગાડવાનું વનિયા વાંદરાએ અને બગલાએ શહનાઈ વગેરે વગાડવાનું સ્વીકાર્યું. ગરબા સારા રાગે ગવડાવવાનું કામ કોયલ, મોર તથા બુલબુલની ટુકડીને સોંપાયું. હાથીને ક્યાંય ગરબડ ન થાય તે જોવાનું કામ અને સસલાને પ્રસાદ તૈયાર કરવાનું કામ સોંપાયું.
ને એ પછી સૌ પોતપોતાનાં કામમાં લાગી ગયાં. વડ પાસેથી ખુલ્લી જગ્યા સરખી કરવામાં આવી. ત્યાં મંડપ રોપાયો. આંબા અને આસોપાલવનાં તોરણ બંધાયાં. મંડપ વચ્ચે ઊંચો ઓટલો બનાવ્યો તેના પર માતાજીની મૂર્તિ બનાવીને મૂકી. કબૂતરો કોડિયાં અને કાગડા મીણબત્તીઓ લઈ આવ્યા. કાબર ‚ લાવી. જંગલમાં તો ધમાલમાલ મચી ગઈ. નવરાત્રિનો પ્રથમ દિવસ આવ્યો. તૈયારી પૂરી થઈ ગઈ હતી. રાત પડી. દીવાઓ પેટાવવામાં આવ્યા. મંડપ રોશનીથી ઝગમગી ઊઠ્યો. વનિયા વાંદરાએ ઢોલ વગાડ્યો. સારસે પિપૂડી વગાડી. બધાં દોડતાં આવી ગયા.
વનરાજના હાથમાં આરતીની થાળી આપવામાં આવી. વનરાજે માતાજીની આરતી ઉતારવાની તૈયારી કરી, ત્યાં દૂર એક મોટર દેખાઈ. મોટરમાં માણસો હતા. માણસોના હાથમાં કશુંક સાધન જેવું હતું. આ જોઈ પ્રાણીઓ ગભરાયાં, સસલાં, હરણ જેવાં નાનાં પ્રાણીઓ હાથીની પાછળ સંતાવા લાગ્યાં.
વનરાજે આ જોયું. તેમને થયું કે રંગમાં ભંગ પડશે કે શું ? જો આ માનવીઓ બંદૂક ફોડશે તો હું એમને જીવતા નહીં છોડું.
વનરાજ બોલ્યો, ‘પ્રાણીઓ, જ્યાં છો ત્યાં જ ઊભા રહો. હું ના કહું ત્યાં સુધી કોઈએ ભાગવાનું નથી કે હુમલો નથી કરવાનો. એ લોકો કેટલા છે, શું કરે છે તે જોયા પછી હું આદેશ કરીશ.’
બધાં પ્રાણીઓ એ તરફ જોઈ રહ્યાં મોટરમાંથી છ-સાત જણ ઊતર્યા તેમના હાથમાં વીડિયો કૅમેરા અને લાઇટનાં સાધનો હતાં. તેમના નાયકે જોયું કે પ્રાણીઓ કદાચ હુમલો કરશે. એટલે તેમણે મેગાફોનમાં દૂરથી વાત કરતાં કહ્યું, ‘જંગલના મહારાજા વનરાજ નમસ્તે, અમે શિકાર કરવા નથી આવ્યા. અમે તમારો સહકાર માગીએ છીએ.’
વનરાજે પૂછ્યું, ‘શેનો સહકાર ?’
નાયકે જણાવ્યું, ‘તમે લોકો નવરાત્રિ ઊજવી રહ્યા છો એ સમાચાર અમને મળ્યા છે. તમારા એ સુંદર કાર્યક્રમનું અમે રેકોર્ડિંગ કરવા આવ્યા છીએ. તમારા માટે આ એક સારા સમાચાર છે. માનવીઓ તમારી નવરાત્રિ કેવી રીતે ઊજવાય છે તે જોવા માગે છે. તમારી માતાજીની ભક્તિની વાત અમે માનવીઓ સુધી પહોંચાડવા માટે આવ્યા છીએ. અમે સાધનો વડે તમારા ફોટા પાડીશું. રેકોર્ડિંગ કરીશું અને ટેલિવિઝન પરથી તે બધું બતાવીશું.’
આવા આનંદના સમાચાર સાંભળી વનરાજ ખુશ થયા. તે બોલ્યા, ‘હે માનવીઓ, પધારો ! વનરાજ અને મારી પ્રજા આપનું હાર્દિક સ્વાગત કરે છે.’
ને પછી તો જંગલમાં નવરાત્રિ મહોત્સવ શ‚રૂ થયો. ટીમે તેનું સરસ રેકોર્ડિંગ કર્યું. વનરાજે આરતી કરી. કોયલ અને બુલબુલે ગરબા ગવડાવ્યા. સૌ પશુ-પંખીઓએ નાચી-કૂદીને ગાયા.
બીજે દિવસે બપોરે આ આખો પ્રોગ્રામ ટીવી પરથી પ્રસારિત કરવામાં આવ્યો. જંગલમાં આનંદ આનંદ થઈ ગયો.


પ્રેરક પ્રસંગ
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી

બીજી ઑક્ટોબર એટલે બાપુનો જન્મદિવસ. યાદ છે ને આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી ૨ ઑક્ટોબર, ૧૮૬૯ના રોજ પોરબંદરમાં જન્મ્યા હતા. તેમણે આપણને આઝાદી અપાવી, પરંતુ આ આઝાદી અપાવવા માટે જે મક્કમ મનોબળ, દૃઢ નિર્ધાર, આત્મવિશ્ર્વાસ, સત્ય અને અહિંસા વગેરેએ તેમના જીવનનું ઘડતર કર્યું એવા કેટલાક પ્રેરક પ્રસંગો વિશે માહિતી મેળવીએ...
ગાંધીજીના બાળપણની વાત છે. બહુ જ અંધારું હતું અને તેમને તેમના ‚મમાંથી બીજા ‚મમાં જવું હતું, પરંતુ ડરના માર્યા તેઓ ગભરાતા હતા. ગાંધીજીને અંધારાનો ડર લાગતો. તેમને એવું લાગતું કે અંધારામાં ભૂત હોય છે. તેઓ દબાતા પગલે તેમના ‚મના દરવાજા પાસે આવ્યા. તેમને બહાર આવેલા જોઈને તેમને ત્યાં કામ કરતી રંભા નામની મહિલાએ ગાંધીજીને આ રીતે ગભરાતા ગભરાતા બહાર આવવાનું કારણ પૂછ્યું, ગાંધીજીએ જવાબ આપ્યો કે તેમને અંધારાનો અને ભૂતનો ડર લાગે છે. ત્યારે રંભાએ ગાંધીજીને જ્યારે પણ ડર લાગે ત્યારે રામનું નામ લેવાનું શીખવાડ્યું. જ્યાં સુધી રામ સાથે હોય ત્યાં સુધી કોઈનાથી ડરવાની જરૂ‚ર નથી. ગાંધીજીના મનમાં આ વાત વસી ગઈ. તેઓ હંમેશા રામનું નામ લેતા. તેમને લાગતું કે રામ હંમેશા તેમની સાથે છે અને તેથી તેમણે ક્યારેય કોઈનાથી કે કશાયથી ડરવાની જરૂ‚ર નથી. તેઓ જ્યારે મૃત્યુ પામ્યા ત્યારે પણ તેમણે રામનું સ્મરણ કર્યું હતું. રામ નામની શક્તિએ જ તેમને દૃઢ નિશ્ર્ચયી, અહિંસક, સત્યવાદી અને કરુણાસાગર જેવા ગુણોના ઉપાસક બનાવ્યા હતા.


૧. કોણાર્ક સૂર્યમંદિર કયા રાજ્યમાં આવેલું છે ?
૨. શ્રીરંગ અવધૂતનો આશ્રમ ગુજરાતમાં ક્યાં આવેલો છે ?
૩. મધ્યકાલીન ગુજરાતમાં આખ્યાન માટે કયા કવિ જાણીતા હતા ?
૪. નર્મદા નદી બીજા કયા નામે ઓળખાય છે ?
૫. મીનળદેવીએ વીરમગામમાં કયું તળાવ બંધાવ્યું હતું ?
૬. પારસીઓનું પૂજાસ્થળ કયા નામે ઓળખાય છે ?
૭. ઇચ્છા પ્રમાણે ફળ આપતા વૃક્ષને શું કહે છે ?
૮. શક્તિની આરાધનાનું પર્વ કયું છે ?
૯. ભગવાન કૃષ્ણે કયા વૃક્ષ નીચે દેહત્યાગ કર્યો હતો ?
૧૦. ‘આર્યસમાજ’ના સ્થાપક કોણ હતા ?