માણસની અંદરની આંખ ખૂલે ત્યારે દરેક વ્યક્તિનો ચહેરો તેને સદ્ગ્રંથ લાગશે

    ૨૫-નવેમ્બર-૨૦૧૬

કોઈનું દિલ ન દુભાય એ છે અહિંસા. એક સાસુ પોતાની વહુને મહેણાં મારે તો તે હિંસા કરી રહી છે. એક વહુ પોતાની સાસુને અનર્ગળ વાતો કહે તો તે હિંસા છે. હિંસાનું ખૂબ વિસ્તૃત રૂપ છે, આનાથી બહાર રહીએ. મન, વચન, કર્મથી કોઈના દિલને ઠેસ ન પહોંચે. એકવીસમી સદીમાં તો સૌએ પાકો નિર્ણય કરવો જોઈએ કે અમે આ રીતે જીવીશું. લોકો નિંદા કરે છે કે આટલી-આટલી કથાઓ થાય છે, કંઈ પરિણામ તો આવતું જ નથી. ટીકા કરે છે. અમદાવાદમાં અમને કોઈએ કહ્યું કે બાપુ ! કથામાં આટલા લોકો આવે છે, પરંતુ સમાજ જ્યાં છે, ત્યાં રહે છે. કંઈ થતું નથી. મેં કહ્યું- ખૂબ સારું પ્રમાણપત્ર મળ્યું. વર્ષો પછી કે સમાજ જ્યાં છે, ત્યાં જ છે. અરે... સમાજ જ્યાં છે, ત્યાં તો રહ્યો. અમે નીચે તો ન પડવા દીધો. આટલું તો થયું કે ઉપર ન ઊઠ્યો, પરંતુ નીચે પણ ન પડવા દીધો...
દિલ તોડના કિસીકા,
યે જિંદગી નહીં હૈ,
ગમ દૂસરોં કા લેના,
ક્યા યે ખુશી નહીં હૈ ?
યુવાન ભાઈ-બહેનોને ખાસ કહીશ. મારું લક્ષ્ય યુવાન છે. સંકલ્પ લેજો મારા ભાઈ-બહેન કે અમે હિંસા નહીં કરીએ. અમે કોઈનું દિલ નહીં દુભાવીએ. અમે અમારી બુદ્ધિની હોંશિયારી કરીને ચાલાકીથી અહિંસાની વાત નહીં કરીએ.. દિલ કી આંખો સે તેરે રુખ કી ઈબાદત કી હૈ આ ક્યારે થશે, જ્યારે માણસની અંદરની આંખ ખૂલી જશે ત્યારે દરેક વ્યક્તિનો ચહેરો તેને સદ્ગ્રંથ લાગશે. દરેક વ્યક્તિનું રૂપ તેને પરમેશ્ર્વરી લાગશે. પરંતુ, તે માટે જોઈએ હૃદયની આંખો...
દિલ કી આંખો સે તેરે રુખ કી ઈબાદત કી હૈ, હમને બરસોં ઇસી કુરાન કી જિયારત કી હૈ.
ભગવાન શ્રીકૃષ્ણ મથુરા ગયા ત્યારે કુબ્જા મળી. કહે છે કે ભગવાને તેના પગના અંગૂઠાને દબાવ્યો અને કંઈક એવો ઝટકો લગાવ્યો કે જે વાંકી હતી, તે સીધી થઈ ગઈ. આમાં કોઈ સવાલ જ નથી. એક્યૂપ્રેશર કર્યું હોય, જે પણ કર્યું હોય, આના પર ખૂબ શોધ થઈ પરંતુ અર્થ તો આ જ કે જે પોતાની જાતને કુરૂપ સમજતી હતી તેની માનસિકતા જ બદલી નાખી કે હું તેને પ્રેમ કરું છું. તું કુ‚પ કેવી રીતે હોઈ શકે છે. આ અહિંસા છે. કુરૂપમાં કુરૂપ વ્યક્તિમાં પણ આવો ભાવ નિર્માણ કરે છે કે તું સુંદર છે. કુબ્જાને કૃષ્ણ અડે અને કંઈ ન થાય ! આખી માનસિકતા બદલી નાખી હશે કે હું તારા ઘરે આવીશ. તારી સેવા જરૂર કબૂલ કરીશ. તું તારી જાતને આવી નિમ્ન કેમ સમજે છે ? આખી દુનિયા કુબ્જાને કૂબડી-કૂબડી કહેતી હતી, પરંતુ કૃષ્ણે તેની માનસિકતા જ બદલી નાખી, આ અહિંસા છે. કુરૂપમાં કુરૂપ વ્યક્તિમાં પણ આવો ભાવ નિર્માણ કરે છે કે તું સુંદર છે. કુબ્જાને કૃષ્ણ સ્પર્શે.
કોઈ ગરીબની આંખમાંથી આંસુ પડતાં હોય, કોઈ બાળકની આંખમાંથી આંસુ પડતાં હોય ત્યારે હરિ નહીં દેખાય ! તે સમયે હરિ ન દેખાય તો
મંદિરોં મેં મુલાકાત,
બહુત દેર હો સકતી હૈ
વરના મુલાકાત,
કરીબ-કરીબ અસંભવ હૈ.
એક શેર છે, ખૂબ સરસ છે. સૂફી કહે છે કે અમારામાં તાકાત નથી, શક્તિ નથી, ક્ષમતા નથી, અકિંચન, નિ:સાધન છતાં પણ અમે એક હિંમત કરી છે, એક સાહસ કરી લીધું. ક્ષમતા તો નથી. અમે નિ:સાધન લોકો કેવી રીતે કરી શકીએ છતાં પણ સાહસ કરી લીધું. આ અર્થનો શેર છે. નાતવાં હોં કે ભી ઈસ દિલને જુર્રત કી હૈ. અમારા દિલે, અમારા હૃદયે ક્ષમતા ન હોવા છતાં પણ એક સાહસ કરી લીધું કે ‘તુઝકો દેખા ભી નહીં ઔર તુઝસે મોહબ્બત કી હૈ’ કે, હરિ ! તને જોયો નથી અમે, છતાં પણ તારી ભક્તિ કરી, તારા નામની માળા જપી. સંતોએ કહ્યું છે કે તારા નામના રટણમાં લાગી ગયા. તું મળ્યો તો નહીં, જોયા વગર જ તારી સાથે અમે પ્રીત કરી લીધી. આ જ તો સાહસ છે, શા માટે ? કારણ કે ‘દિલ કી આંખો સે તરે રુખ કી ઈબાદત કી હૈ.’
હવે યાદ આવે છે રામચરિત માનસનો વિભિષણ. જ્યારે વાનરોએ તેમને રોકી લીધા અને કહ્યું, "આ રાવણનો ભાઈ છે, રહસ્ય જાણવા આવ્યો છે, તેને રોકો.
ત્યારે સુગ્રીવે તો સ્પષ્ટ ના પાડી દીધી. અને કહ્યું, "તેને કેદી બનાવી દો ! આખરે રાક્ષસનો ભાઈ છે. ભગવાને સુગ્રીવની વાત પણ થોડી માની અને હનુમાનજીની સલાહ લીધી કે શું કરવું ? હનુમાનજીએ કહ્યું, "મહારાજ ! આવવા દો. જ્યારે વિભીષણ આવ્યો ત્યારે તેણે પણ આ વાત કરી હતી કે રાઘવ ! અમે આપને જોયા નથી, પરંતુ શ્રવણ સુંજસુ સુનિ આયઉં, તારો હનુમાન મારા ઘરે આવીને તારાં ગુણગાન ગાઈ રહ્યો હતો. આ મુદ્દા પર તારા ઉપર પ્રેમ કરીને આવ્યો છું. હવે રાખવો કે ઠોકર મારવી? જે નિર્ણય કરવો હોય તે તમે કરો. કારણ કે
શ્રવણ સુજસુ સુનિ આયઉં,
પ્રભુ ભંજન ભવ ભીર.
ત્રાહિ ત્રાહિ આરતિ હરન,
સરન સુખદ રઘુવીર
તુમકો દેખા ભી નહીં ઔર
તુઝસે મહોબ્બત કી હૈ
દિલ કી આંખો સે તેરે,
રુખ કી ઈબાદત કી હૈ.
સંકલ્પ કરો મારાં ભાઈ-બહેન ! કોઈની માનસિકતા બદલી નાખવી એ અહિંસા છે.