કયો ધંધો સારો ?

    ૨૩-ડિસેમ્બર-૨૦૧૬


રઘુભાઈ નામે એક ખેડૂત. એમની પાસે વીસેક વીઘાં જમીન. આખો દિ’ ખેતરમાં કામ કરે. એમનાં પત્ની ઘેર ગાય-ભેંસોની સેવાચાકરી કરે. એ ભલાં ને એમનું કામ ભલું.
એકવાર રઘુભાઈ બપોરા કરવા લીમડાના ઝાડ નીચે બેઠા હતા. ત્યાં એમને એક વિચાર આવ્યો : અરેરે ! આ તે કંઈ મારું જીવન છે ! ઉનાળાના તાપમાં, શિયાળાની ટાઢમાં ને વરસતા વરસાદમાં મારે કાળી મજૂરી કરવાની. કદી નિરાંતે ખાવાનું નહીં. કદી ક્યાંય દેવદર્શને જવાનું નહીં. ક્યાંય હરવા-ફરવા ના મળે. આના કરતાં કોક બીજો ધંધો શું ખોટો ?
ત્યાં લીમડાના ઝાડમાંથી અવાજ આવ્યો : "રઘુ, શો વિચાર કરે છે ? આ સાંભળી રઘુભાઈ ચમક્યા. અરે ! આ કોણ બોલ્યું ? ઝાડમાંથી ભૂત બોલ્યું કે શું ? તેમણે પૂછ્યું : "કોણ છો તમે ?
"રઘુ, ગભરાઈશ નહીં. એ તો હું ભગવાન બોલું છું. તને તારો આ ખેડૂતનો અવતાર નથી ગમતો ?
"ના પ્રભુ, જુઓને જરાય નવરાશ નહીં કે જરાય મજા નહીં.
"રઘુ, તારો ધંધો ઉત્તમ છે. તું અનાજ પકવે છે ને આ જગત જીવે છે.
"પણ પ્રભુ, મને ખાવાનો ટેમ મળતો નથી. એનું શું ? આના કરતાં બીજો અવતાર શો ખોટો ?
"બોલ, તારે શું બનવું છે ? ભગવાને પૂછ્યું.
"ગમે તે પણ ખેડૂત તો નહીં જ.
"રઘુ, એમ કર. આજ આખો દિ’ વિચાર કરી લે. પછી આવતી કાલે આજ સમયે અહીં આવજે. તારે જે અવતાર જોઈએ તે હું તને આપીશ. બસ !
આ સાંભળી રઘુ ખુશ થયો. તેણે કામ પડતું મૂક્યું. તેને થયું કે લાય, બાજુના નગરમાં જાઉં ને જુદા જુદા ધંધાદારીઓને મળુંને પછી નક્કી કરું કે શું બનવું. ને રઘુ ત્યાંથી નગરમાં જવા ઊપડ્યો.
રસ્તામાં એક વેપારી મળ્યો. તે ઘોડા પર જતો હતો. રઘુને થયું કે વેપારી થવાનું માંગું. વેપારીની પાસે જઈ હાથ જોડી રઘુએ પૂછ્યું : "ભાઈ વેપારી, તમારે તો લીલાલહેર હશે કેમ ?
વેપારી કહે, "કેવી લીલાલહેર ભૈ ? રાત પડે ઊંઘ આવતી નથી. "કેમ ? રઘુએ પૂછ્યું, વેપારી કહે, "કેમ શું ? વેપારમાં ભાવની વધઘટ થાય ને ખોટ જાય તો ? ક્યાંક ગોદામમાં આગ લાગી જાય તો?
રઘુને થયું કે વેપારી થવામાં મજા નથી. રઘુ આગળ ગયો. તે નગરમાં પેઠો. આગળ સોનીની દુકાન આવી. તેને થયું કે આ સોનીને કેવી લહેર છે ! દુકાને બેસી રહેવાનું. ન ટાઢ, તાપ કે વરસાદની ચિંતા. રઘુ દુકાનનાં પગથિયાં ચડ્યો, એટલે સોનીએ આવકાર્યો, "આવો ભૈ, બોલો શી સેવા કરું ?
રઘુ કહે, "સોની ભૈ, એક વાત પૂછું? "પૂછો. "આ ધંધો તમને ગમે છે ? આમાં તો તેમને નિરાંત હશે કેમ ?
સોની મોં બગાડીને કહે, "કેવી નિરાંત ? આ તો બાપદાદાનો ધંધો એટલે કર્યા વગર છૂટકો નથી. બાકી ઉપાધિનો પાર નથી. દુકાન બંધ કરી ઘેર જઈએ તો દુકાનમાં ચોરી થવાની ચિંતા. આના કરતાં બીજો ધંધો સારો.
રઘુ ઊભો થઈ ચાલ્યો આગળ, આગળ જતાં એક મંદિર આવ્યું. ત્યાં એક પંડિત કથા કરતા હતા. રઘુ ત્યાં બેઠો. કથા પૂરી થઈ એટલે પંડિતજીને મળ્યો. પગે લાગી પૂછ્યું : "પંડિતજી, તમારે તો લહેર ખરી હો. કથા કહેવાની ને લોકો પગે લાગી દક્ષિણા મૂકી જાય.
પંડિત કહે, "ભાઈ, બ્રાહ્મણનો દીકરો છું. થોડું ભણ્યો છું એટલે આવું બધું કરું છું. બીજો ધંધો અમને ન ફાવે. બાકી આ ધંધામાં કાંઈ બરકત નથી. કોઈવાર તો ભિક્ષા માગવાય નીકળવું પડે છે.
રઘુને થયું કે આવો અવતાર નકામો. પછી તે નગરની બહાર નીકળ્યો. એક ઝાડ નીચે બેસી બીજા ધંધા અંગે વિચારવા લાગ્યો.
એટલામાં ત્યાંથી રાજાની સવારી પસાર થઈ. રાજાની આગળ-પાછળ તેના નોકર-ચાકરો હતા. રઘુને થયું કે રાજાને બધી વાતે સુખ છે. મહેલમાં રે’વાનું, સારું-સારું ખાવાનું. ને સો મણની રજાઈમાં ઊંઘવાનું. લાવ, રાજાજીને પૂછવા દે.
રઘુ ઊભો થયો. રાજા સામે ગયો. હાથ જોડીને બોલ્યો, "મહારાજની જય હો. મહારાજ એક મૂંઝવણ છે. પૂછું ?
રાજા કહે, "પૂછને ભાઈ !
"મહારાજ, તમને આ અવતાર ગમે કે નહીં ? તમારે લહેર છે હોં !
રાજા નિસાસો નાખીને બોલ્યો, "સાચું કહું ભાઈ, હું રાજા ખરો, લોકો મને માન આપે પણ મને રાત પડ્યે ઊંઘ નથી આવતી. મને થાય કે પડોશી રાજા મારા પર ચડાઈ કરશે તો ? મારા દરબારમાંથી કોઈ બળવો કરશે તો ? આવા વિચારો રોજ આવે છે. એના કરતાં તો તમારા જેવા મજૂર માણસનો અવતાર સારો. આખો દિ’ પરસેવો પાડીએ એટલે ભૂખેય સારી લાગે ને રાતે નિરાંતે ઊંઘ પણ આવે. મને તો આવું સુખ સપનામાંય નથી મળતું.
ને રાજા આમ કહી વિદાય થયા, પરંતુ રઘુને વિચાર કરતો મૂકતા ગયા. રઘુના મનનો બધો ભ્રમ ભાંગી ગયો.
તે બીજે દિવસે ખેતરે ગયો. પેલા લીમડા પાસે જઈ ઊભો રહ્યો. લીમડામાંથી અવાજ આવ્યો. "રઘુ, બોલ, કયો અવતાર તારે લેવો છે ?
રઘુ બંને હાથ જોડીને બોલ્યો, "ભગવાન, મારે હવે બીજો અવતાર નથી લેવો. હું ખેડૂત છું એ જ સારું છે. મને હવે ખેડૂતના અવતારનું મહત્ત્વ સમજાઈ ગયું છે.
આમ કહી રઘુ આનંદભેર ખેતરમાં કામ કરવા મંડી ગયો.

નટવર પટેલે આ લેખ લખ્યો છે