હે પ્રભુ ! વધુ એક દિવસ આપો

    ૨૮-ડિસેમ્બર-૨૦૧૬

 

 

વેદોમાં માનવીની ઇચ્છાઓનું ઝીણવટથી વર્ણન કરેલું છે. ઇચ્છાઓના મુખ્ય બે ભાગ પાડ્યા છે. જીવનને લગતી મૂળભૂત ઇચ્છા અને જીવિકાને લગતી ઇચ્છા. જીવિકા માટેની ઇચ્છાઓ :- ખાવાની, મનોરંજનની, મિત્રો જોડે ગપ્પાં મારવાની, ચલચિત્ર જોવાની વગેરે જેનો કોઈ અંત નથી.
વાસ્તવિક રીતે જીવનને લગતી ઇચ્છાઓ ત્રણ પ્રકારની છે. દા.ત. ધારો કે આપણને ખબર પડે કે આજનો દિવસ એ મારા જીવનનો છેલ્લો દિવસ છે. કાલે મારું મૃત્યુ નક્કી છે. તો દરેક જણ શું ઇચ્છા રાખે? મને એક દિવસ વધુ જીવવું છે, એવી જ ને !
એક પ્રસંગ છે. મદ્રાસમાં ભગવદ્ગીતા પર મારા પ્રવચનો હતાં. એક હોટલમાં મારો ઉતારો હતો. તે રાત્રે અચાનક કોઈએ મારી ‚મનું બારણું ખખડાવ્યું. એક યુવતી મળવા માંગતી હતી. હું એને કંઈક પૂછું તે પહેલાં તેણે ઉતાવળે બોલવા માંડ્યું. ‘આજે હું મારી સાસુની જોહુકમીથી ત્રાસી આપઘાત કરવા નીકળી છું. દરિયાકિનારે ઘણા માણસો હતા, એટલે મેં વિચાર્યું કે બે કલાક પછી આપઘાત કરું, જેથી કોઈ મને બચાવવા કે મદદ માટે આવે નહીં અને સમય પસાર કરવા મેં આપનું પ્રવચન સાંભળ્યું.’
મેં પ્રવચનમાં સાંભળ્યું કે દરેક વ્યક્તિ જિંદગીનાં વર્ષોમાં વધુ એક દિવસ ઉમેરવા માગે છે. આ સરાસર ખોટું છે ! મને એક પળ પણ વધુ જીવવાની ઇચ્છા નથી. હમણાં સીધી દરિયાકિનારે જઈ આપઘાત કરું છું. આમ કહી તે ચાલવા લાગી. મેં તેને અટકાવી અને કહ્યું ‘મેં હજુ ફક્ત અડધી વાત કરી હતી, હજુ મારે બીજું અડધું કહેવાનું બાકી છે. માટે મહેરબાની કરી કાલ સાંજ સુધી રાહ જુઓ અને મારી બાકીની વાત જ‚રથી સાંભળો.’ બીજે દિવસે મેં વાત આગળ વધારી. ‘દરેકને જીવનના વર્ષોમાં એક દિવસ ઉમેરાવવો છે. વેદો પ્રમાણે આ ઇચ્છાને સત્ કહેવાય છે, પણ આપણે ઇચ્છીએ કે વધારાનો દિવસ આનંદમાં પસાર થવો જોઈએ.’ આને જીવનની બીજી ઇચ્છા કહેવાય. જ્યારે કોઈ અનંત આનંદને પ્રાપ્ત કરે છે, ત્યારે કોઈને મરવું હોતું નથી. જો કે પેલી યુવતી, જે આપઘાત કરવાની હતી તેને ફરીથી મળવાનું થયું નહીં. ત્રીજી જીવનની ઇચ્છામાં જ્ઞાનની ભૂખ છે. જીવનમાં જેટલું વધુ શક્ય હોય તેટલું જ્ઞાન સંપાદન કરવું, તે ત્રીજી ઇચ્છા છે.
હું આ વાત કરું ત્યારે તેનો સામાન્ય વિરોધ કરવા કોઈ કહેશે ‘મારે દશ વર્ષનો એક બાળક છે અને તેને ભણવામાં બિલકુલ રસ નથી, જ્યારે આપ કહો છો દરેકને જ્ઞાનની પિપાસા હોય છે. કેવી રીતે ?’
કોઈને તેના અભ્યાસના પાઠોમાં રસ ન હોય તેથી એમ કેવી રીતે કહેવાય કે તેને બીજું કોઈપણ પ્રકારનું જ્ઞાન મેળવવામાં રસ નથી?
મજાકમાં તમે કોઈને કહો ‘એક ખાનગી વાત છે, હમણાં નહીં કાલે જ‚રથી તમને કહીશ.’ શું સામેની વ્યક્તિ તે ખાનગી વાત સાંભળવા રાહ જોઈને બેસી રહેશે ખરી? આપણને કોઈ વાતનું અજ્ઞાન ખપતું નથી, તેથી જ કહું છું કે જ્ઞાન ભેગું કરવું, કંઈ નવીન વસ્તુ શીખવી એ ત્રીજી ઇચ્છા છે આને વેદ ચિત્ તરીકે જણાવે છે, ઓળખાવે છે. આથી ‘સત્’ એટલે જીવવાની ઇચ્છા, આનંદ એટલે આનંદથી જીવવાની ઇચ્છા, ચિત્ એટલે જ્ઞાન સંપાદનની પિપાસા.
વેદો તેને એક શબ્દમાં સત્ ચિત્ આનંદ કહે છે. આ ત્રણે ઇચ્છાઓ મનુષ્યને છે. જેમ દરિયાનો મરજીવો મોતી લેવા દરિયામાં મરણિયો થઈ ઊંડા પાણીમાં ખાબકે છે, તેમ માણસ પણ આ પ્રાપ્ત કરવા સતત દોડી રહ્યો છે. આ પાયાનું સત્ય ન જાણતાં આપણે આપણા જીવનને ક્ષુલ્લક વાતોમાં ગુમાવતા રહીએ છીએ. એક દૃષ્ટાંતથી આ સ્પષ્ટ રીતે સમજાશે.
એક જકાતનાકાની ઑફિસે એક નવો ઑફિસર નિમાયો. તે રોજ જોતો કે ‘એક સાયકલ-સવાર રેતી ભરેલી થેલી લઈને પસાર થતો હતો.’ વર્ષો સુધી આ રીતે તે રેતી લઈ જાય કેમ કે રેતી પર કોઈ જકાત ભરવાની હોતી નથી, તેથી જકાત કારકુન તેને જવા દેતો.
એ જકાત ઑફિસર નિવૃત્ત થયો ત્યારે તેણે જોયું કે જકાત નાકાની નજીક જ એક મોટી સાયકલની દુકાન થઈ હતી, જેનો માલિક તે જ સાયકલ-સવાર હતો. વધુ તપાસ કરતાં ખબર પડી કે તે રેતીની થેલી સાથે દરરોજ એક નવી સાયકલ લઈ જતો હતો. જકાત ઑફિસરે માથું કૂટ્યું કે ‘મેં મારી નોકરી દરમ્યાન રેતીની થેલીઓ જ જોઈ, પરંતુ એ રેતીની થેલી સાથે સાયકલ પણ જતી હતી, તે જોયું જ નહીં.’
આમ જ આપણે ઘણી વખત બિનજરૂ‚રી વાતોમાં ગોથાં ખાતા રહીએ છીએ અને જરૂ‚રી વાત ધ્યાન બહાર થઈ જાય છે. તેથી આધ્યાત્મિક ઉન્નતિ માટે વ્યક્તિએ જીવિકાની ઇચ્છાઓને મહત્ત્વ નહીં આપતાં જીવનની ઇચ્છાઓ વિષે વિચારવું જોઈએ.