બાજ બન્યો ન્યાયાધીશ

    ૩૦-ડિસેમ્બર-૨૦૧૬


 

નિર્મળ નીર લઈને વહેતી નર્મદાને કાંઠે સુંદરવન આવેલું હતું. આ વનમાં જાતજાતનાં પંખીઓ રહેતાં હતાં. એમના મધુર કલરવથી વન સદાયે ગાજતું રહેતું હતું.
આ વનમાં શકરો બાજ રહેતો હતો. તે નિર્દયી અને ઘાતકી હતો. એ ઊડતાં પંખીઓને આંતરી એમને પોતાના પંજામાં લઈ જંગલમાં ચારે બાજુ ઘૂમતો હતો. પેલું પંખી તીણી ચીસો પાડીને ભારે આક્રંદ કરતું. પંખીને આ રીતે રિબાવવામાં એને ભારે મોજ આવતી હતી. ત્યાર બાદ પોતાની તીક્ષ્ણ ચાંચ વડે એ પંખીને ખાતો હતો.
એક દિવસ જંગલનાં પંખીઓ બાજના જુલ્મ સામે વિચારણા કરવા સામે કાંઠે એકઠાં થયાં હતાં. છેલછબીલાં લેલાં હતાં. ભક્તરાજ હોલો હતો. શાંતિપ્રિય કબૂતર હતું. શોર મચાવતી કાબર હતી. મીઠાબોલો કોકિલ હતો. કળા કરતો મોર હતો. ગભરુ ચકલી હતી. પ્રજ્ઞાવંત સુગરી હતી. આ ઉપરાંત ચાષ, નીલકંઠ, ચંડૂલ, બુલબુલ, પીળક, સારસ, દેવચકલી, તેતર જેવાં અનેક પંખીઓ હતાં.
હંસે એ સભાને સંબોધતાં કહ્યું, વહાલા બંધુઓ, જગતમાં ગમે તેવાં અશક્ય કાર્યો સંપથી થાય છે. સૂતરનો એક તાર નિર્બળ છે, પરંતુ ઘણા તાર ભેગા મળી રસ્સી બને છે ત્યારે તે મજબૂત બને છે. બળવાન પણ એને તોડી શકતો નથી. માટે આપણે એક સંપી થઈ રહીએ, ત્યારે જ જુલ્મી બાજનો અંત લાવી શકીશું. આ માટે કારોબાર ચલાવવો જરૂ‚રી છે. કારોબારના વડા ન્યાયાધીશ ગણાશે. આપણે આપણામાંથી એક ન્યાયાધીશની વરણી કરીએ. આ પદ માટે હું પીઢ અને અનુભવી એવા ગીધદાદાની દરખાસ્ત રજૂ કરું છું. આપ મારી દરખાસ્તને વધાવી લેશો.
પંખીઓએ પાંખી ફફડાવી હંસરાજની દરખાસ્તને વધાવી લીધી.
એવામાં બાજ ઊડતો ઊડતો ત્યાં આવી પહોંચ્યો. એની સમજમાં બધું આવી ગયું. એ ગુસ્સાથી રાતોચોળ થઈ ગયો. એની આંખોમાંથી અંગારા વરસવા લાગ્યા. એ પદ માટે હું જ સર્વથા યોગ્ય છું. વીર પુરુષ કોઈના આપેલા આસન પર બેસતો નથી. એ આસનને ઝૂંટવી એના પર બેસે છે.
આજથી આ જંગલનો ન્યાયાધીશ હું છું. સૌએ મારી આજ્ઞામાં રહેવાનું છે. મારો પ્રતિકાર કરનારને હું ઘડીના છઠ્ઠા ભાગમાં મિટાવી દઈશ. તમારામાંથી કોઈને ન્યાયાધીશ બનવું હોય તો તે મારી સાથે દ્વંદ્વયુદ્ધ કરે. જે જીતે તે ન્યાયાધીશ બને. આ મારું તમને આહ્વાન છે.
બાજે આપેલા લલકારને કોઈએ ઝીલ્યો નહીં. આખી સભા સ્તબ્ધ બની ગઈ.
ઘટાટોપ થયેલાં વાદળોને પવન એક જ ઝપાટે વિખેરી નાખે છે, તેમ બાજના લલકારે પંખીઓને હત્પ્રભ બનાવી દીધાં.
ખરે જ બલિદાન આપ્યા વિના ક્રાંતિ સફળ થતી નથી. જે સમાજમાં મરી મટવાની તમન્ના નથી એના લલાટે ગુલામી લખાયેલી રહે છે.
બાજ હવે જંગલમાં એકચક્રી રાજ કરવા લાગ્યો. એનો બોલ વિધાતાનો લેખ બની જતો. પંખીઓના કલરવથી ગાજતું વન સ્મશાનવત્ બની ગયું.
એક દિવસ ચકલી હિંમત કરી બાજ પાસે ફરિયાદ કરવા આવી. એણે કહ્યું, ‘ન્યાયાધીશ સાહેબ, હું કાગડાના જુલમનો ભોગ બની છું. મારે એક પણ બચ્ચું નથી. મારાં ઈંડાં કાગડો ખાઈ જાય છે. કૃપા કરી આપ બે શબ્દ ઠપકાના કાગડાને કહો.’
બાજ કહેવા લાગ્યો, ‘ઓ ગભરુ ચકલી, મારી પાસે ફરિયાદ કરવાની તારામાં હિંમત ક્યાંથી આવી ? તને જરૂ‚ર કોઈએ ચઢાવીને મોકલી છે. મને બદનામ કરવાના ઇરાદાથી તું આવી છે. આજ તને એવો પાઠ ભણાવું કે એ જોઈ બીજો કોઈ ફરિયાદ કરવાની હિંમત ના કરે.’ આમ કહી બાજે ફરિયાદી ચકલીને પકડી જોતજોતામાં પીંખી નાખી. એનાં પીંછાં જંગલમાં ચોમેર ઊડવા લાગ્યાં.
બાજના જુલ્મનો સૂરજ પૂરા ત્રણસો ને સાઠ દિવસ ઊગ્યો અને આથમ્યો. એના પાપનો ઘડો છલકાઈ ઊઠ્યો.
બાજના જુલ્મની સામે એક દિવસ ગીધ, હંસ, સમડી, પોપટ અને કાગડો મળ્યાં. એમનામાં સ્વાભિમાન પ્રગટ્યું. તેઓ જુલ્મગાર બાજને નાબૂદ કરવા કૃતનિશ્ર્ચયી થયાં. એમણે યોજના બનાવી લીધી. એ યોજના મુજબ સમડી બાજ પાસે ફરિયાદ કરવા ગઈ, બાજ એની પાછળ પડ્યો. સમડીની ઉડ્યનશક્તિ બાજ કરતાં વિશેષ હતી. આ સમયે બે હંસો ચોરભા શિકારીની જાળને પકડી બાજને જાળમાં ફસાવવા સંતાઈને બેઠા હતા.
એવામાં સમડી ઊડતી હંસો પાસેથી પસાર થઈ. બાજ વેગથી ઊડતો આવતો હતો. બરાબરનો લાગ જોઈ હંસો જાળ લઈ બાજની સામે ઝપટ્યા. બાજ કંઈ વિચારે એ પહેલાં તો એ જાળમાં ફસાઈ ગયો. એણે જાળમાંથી છૂટવા ઘણા પ્રયત્નો કર્યા. એનો કોઈ પ્રયત્ન કારગત નીવડ્યો નહીં. એ થાકીહારી હંસને કરગરવા લાગ્યો. હંસે, ‘દુષ્ટ પર દયા ઘટે નહીં’ કહેતાં એને મધ્ય દરિયે લઈ આવ્યા. એમણે જાળને ઘૂઘવતા સાગરમાં ફેંકી દીધી. જાળ વિમાનમાંથી હવાઈ દળ ઊતરે એમ ઝોલાં ખાતી ખાતી દરિયામાં જઈને પડી. જગતમાં જુલ્મગારોનો અંત જે રીતે આવે છે એ રીતે બાજનો અંત આવ્યો.
બદલો ભલા બૂરાનો અહીંનો અહીં મળે છે તે કહેવત બાજ માટે સત્ય ઠરી.

 

આ લેખ પોપટલાલ મંડલી એ લખેલ છે