તપના જળમાં મનનું સ્નાન : ઉપધાન

    ૧૨-ફેબ્રુઆરી-૨૦૧૬


આપણે રોજ સવારે બ્રશ કરીએ છીએ, સ્નાન કરીએ છીએ, શરીરને શણગારીએ છીએ, કારણ કે શરીરની શુદ્ધતા જ‚રી છે, પણ જે રીતે આપણે રોજ સવારે સ્નાન કરીને શરીરને શુદ્ધ કરીએ છીએ એવી જ રીતે મનને પણ શુદ્ધ કરવું આવશ્યક છે. મનનું સ્નાન જુદા પ્રકારનું હોય છે, ત્યાગના સરોવરમાં ડૂબકી મારીને તપના જળમાં અસ્તિત્વ ઝબોળીએ ત્યારે મનનું સ્નાન થતું હોય છે. તનના સ્વચ્છતા અભિયાન કરતાં મનનું સ્વચ્છતા અભિયાન જો થઈ જાય તો જીવન ‘વન’ને બદલે ‘વૃંદાવન’ બની જાય. જીવતરની બધી જ આગ ઓલવાઈ જાય અને બાગ છવાઈ જાય. આજે અનેક લોકો, અનેક ધર્મમાં મનની શુદ્ધતા માટે કંઈક ને કંઈક પ્રવૃત્તિ કરતા હોય છે. પણ જૈન ધર્મમાં જે રીતે મનની શુદ્ધતા માટે તપ કરવામાં આવે છે તે મુઠ્ઠી ઊંચેરું છે. એ તપ માત્ર ‘પ્રવૃત્તિ’ ન રહેતાં ‘આત્માની વૃત્તિ’ બદલનારું બની રહે છે. આવું જ એક ઉપધાન તપ તાજેતરમાં જ બાવળા - બગોદરા રોડ પર આવેલા રાજગૃહી તીર્થ ખાતે યોજાઈ ગયું. સાધના સાપ્તાહિકના પાયામાં જેમનું તપ સમાયેલું છે એવા સાધનાના પૂર્વ પ્રમુખ ટ્રસ્ટી સ્વ. રમણભાઈ શાહના પરિવાર દ્વારા આ ઉપધાન તપનું આયોજન કરવામાં આવ્યું હતું.

માતુશ્રી કાન્તાબહેન રમણલાલ શાહ પરિવાર દ્વારા ઉપધાન તપ આરાધના જેવા આત્મજાગૃતિના અવસરને પોતાના જ્ઞાન, આશીર્વાદ, લાગણી, ભાવ અને ભક્તિના અજવાળાથી અજવાળવા માટે પ.પૂ. આચાર્ય ભગવંત શ્રી સાગરચંદ્રસાગરસૂરીજી મ.સા.ની પ્રેરક ઉપસ્થિતિ પ્રાપ્ત થઈ હતી. ઉપધાન તપના નિશ્રાદાતા, માર્ગદર્શક, પ્રવચન પ્રભાવક, ઉપકારી ગુરુદેવ પ.પૂ. સાગરચંદ્રસાગરસૂરીજીની નિશ્રામાં ૨ જાન્યુઆરી, ૨૦૧૬થી ૨૧ ફેબ્રુઆરી ૨૦૧૬ સુધી કુલ ૪૭ દિવસ સુધી શ્રાવકોએ ઉપધાન તપથી મનની શુદ્ધતા પ્રાપ્ત કરી હતી. સ્વ. રમણભાઈ શાહના દીકરા જીતુભાઈ શાહ, અજીતભાઈ શાહના દીકરા કલ્પન અજીતભાઈ શાહ,  વર્ષાબહેન અજીતભાઈ શાહ, પુત્રવધૂઓ પાયલબહેન તેજસકુમાર શાહ, હીરલબહેન ચિંતનભાઈ શાહ, બહેન-બનેવી શ્રી ઈલાબહેન શાહ અને ચંદ્રકાન્તભાઈ શાહ તથા અર્ચનાબહેન વીરવાડીયા સહિત કુલ ૨૯ શ્રાવકો આ ઉપધાન તપમાં ભાગ લીધો હતો. સમગ્ર ગુજરાતના કુલ ૧૫ જેટલાં સ્થાનો પરથી કુલ ૧૨૫ સાધકો આ તપમાં જોડાયા હતા. આ ઉપધાન તપના નિશ્રાદાતા સત્ત્વનિષ્ઠ પૂ. મુનિ શ્રી સત્વચંદ્રસાગરજી મ.સા., વૈયાવચ્ચકારક પૂ. મુનિરાજ શ્રી પદ્મયશસાગરજી મ.સા., વિશુદ્ધ સંયમી તીર્થચંદ્રસાગરજી મ.સા., કાર્યકુશલ પૂ. મુનિ શ્રી મોક્ષચંદ્રસાગરજી મ.સા., અધ્યયનશીલ પૂ. મુનિ શ્રી વૈરાગ્યચંદ્રસાગરજી મ.સા., તથા સ્વાધ્યાયપ્રેમી પૂ. મુનિ શ્રી ધન્યચંદ્રસાગરજી મ.સા.ની પ્રેરક ઉપસ્થિતિએ સૌ સાધકોની સાધનાને નવું જોમ અર્પ્યંુ હતું. આ ઉપધાન તપ અનોખા પ્રકારનું હોય છે. જેમાં ૪૭ દિવસ, ૩૫ દિવસ અને ૨૮ દિવસની જુદા જુદા પ્રકારની આરાધના થાય છે. વહેલી સવારે પાંચ વાગ્યાથી ક્રિયાઓ શ‚ થાય તે છેક મોડી સાંજ સુધી. કુલ ૪૮ કલાકે પાણી પીવાનું અને જમવાનું, ભૌતિક સાધનોથી તદ્દન અલિપ્ત રહેવાનું. મોબાઈલ ફોન, લાઇટ, પંખા કશાનો ઉપયોગ નહીં કરવાનો. કુલ ૪૭ દિવસ સુધી સ્નાન પણ નહીં કરવાનું. આપણે એક દિવસ સ્નાન વિના રહીએ તોપણ અરુચિ થાય. પણ આ તપનો પ્રભાવ એટલો છે કે આટલા દિવસ સ્નાન વિના પણ તપસ્વી શુદ્ધતાનો પર્યાય લાગે. તપથી એનું સમગ્ર અસ્તિત્વ શુદ્ધ થઈ જાય. ચહેરા પર ગર્ભગૃહમાં મૂકેલા દીવા જેવું તેજ વર્તાય. ભૂખ-તરસ પણ એના ચહેરાની રેખાને ન બદલી શકે. આશ્ર્ચર્ય અને આવકાર્ય વાત એ છે કે આ ઉપધાન તપમાં સુરતથી આવેલી સાડા સાત વર્ષની માહી નામની દીકરીથી લઈને પંચોતેર વર્ષના વૃદ્ધ સુધીની ઉંમરના શ્રાવકોએ ભાગ લીધો હતો અને તપથી મનની શુદ્ધતા પ્રાપ્ત કરી હતી.

જીવનમાં આ તપ માણસે એક જ વાર કરવાનું હોય છે. ૨૧મી ફેબ્રુઆરી ૨૦૧૬ના રોજ ઉપધાન તપનો અંતિમ દિવસ છે. આ દિવસે મોક્ષમાળ થશે. તમામ તપસ્વી સાધકો ગુરુદેવશ્રીના પરમ હસ્તે એક માળા ધારણ કરશે. જીવનને બદલી દેતા આ તપના તપસ્વીઓને અમે જોયા. એમના તેજથી આંખો અને હૈયું બંને પુલકિત થઈ ગયું. સોનું જે રીતે ટીપાઈને ચમકે તેવી જ ચમક આ સાધકોના ચહેરા પર હતી. એ જ રીતે આ ઉપધાન તપથી એમનું જીવન પણ ઝળકશે અને પરમકૃપાળુ પરમાત્મા સાથે ડાયરેક્ટ ડાયલીંગ થશે તેવો વિશ્ર્વાસ છે. સ્વ. રમણભાઈ શાહના પુત્રો શ્રી જીતુભાઈ શાહ તથા અજીતભાઈ શાહના પરિવાર દ્વારા આ ઉપધાન તપનું આયોજન થયું હતું. એવું લાગ્યું જાણે આ આયોજન એ માત્ર આયોજન નહોતું પણ પરમાત્મા સાથે લોકોનું ‘સંયોજન’ હતું. આ પુણ્યકાર્ય બદલ પરિવારને લાખ લાખ અભિનંદન. જિનશાસનનો સૂર્ય હજુ વધારે ઊર્જાવાન અને ઉજાસવાન બને તેવી શુભેચ્છા.


ઉપધાન એટલે ગુરુ મહારાજ પાસે રહીને ભગવાનની ઓરાને ધારણ કરવી : પ.પૂ. આચાર્ય ભગવંત શ્રી સાગરચંદ્રસાગરસૂરિજી મ.સા.

પરમ પૂજનીય આ.ભ. શ્રી સાગરચંદ્રસાગરસૂરિજી મ.સા.નો જન્મ વડોદરા પાસેના છાણી ગામમાં થયો. છાણી ગામમાં છેલ્લાં સો વર્ષમાં એંસી ઘરમાં એકસો ને સિત્તેર દીક્ષા થઈ છે. મહારાજ સાહેબના પરિવારમાં જ કુલ તેર દીક્ષા થઈ છે. દસ વર્ષની ઉંમરે તેમણે દીક્ષા લીધી ત્યારબાદ આગમગ્રંથો સહિત ન્યાય, છંદ, અલંકારો વગેરે ઘણો અન્ય અભ્યાસ કર્યો. પરમ પૂજનીય શ્રી સાગરાનંદસૂરીશ્ર્વરજી મહારાજ સાહેબના ગચ્છના અને જંબુદ્વીપ સંકુલ પ્રણેતા આગમવિશારદ પૂ. પંન્યાસ ગુરુદેવ શ્રી અભયસાગરજી મ.સા.ના તેઓશ્રી શિષ્ય છે. ઉલ્લેખનીય છે કે તેમના સંસારી પિતાશ્રીએ પણ હાલમાં ૭૮ વર્ષની ઉંમરે દીક્ષા લીધી છે.

આ ઉપધાન તપના નિશ્રાદાતા ગુરુદેવ પ.પૂ. આ.ભ. શ્રી સાગરચંદ્રસાગરસૂરીજી મહારાજ ઉપધાન વિશે શું કહે છે તે જાણીએ....

‘ઉપ’ એટલે ‘પાસે’ અને ‘ધાન’ એટલે ‘ધારણ કરવું’ ગુરુ મહારાજની પાસે રહીને ભગવાનની ઓરાને ધારણ કરવી. મન, વચન અને કાયા આ ત્રણેયમાં ભગવાનની ઓરા ધારણ કરવાની હોય છે. ભગવાનની ઓરાથી કાયાસ્નાન, વચનસ્નાન અને મનનું સ્નાન કરવાનું હોય છે.

ભગવાન મહાવીરે સ્વયં મહાનિષીથ નામના આગમમાં આ ઉપધાનની વાત કરી છે. એ પ્રકારની પ્રક્રિયા આજે ૨૫૦૦ વર્ષ પછી પણ ચાલી રહી છે, જે સાધુભગવંતો દ્વારા પરંપરિત થઈ અને આજે પણ વર્ષમાં હજારો શ્રાવકો આ ઉપધાન તપ કરી રહ્યા છે. એમાં જે પ્રક્રિયાઓ છે, એના દ્વારા શ્રાવક પોતે જ પોતાની અંદર જઈ શકે છે.

બહાર જે છે એ ભ્રમણા છે. સાચું સુખ સાધનોમાં નથી. આ કાયા પણ એક સાધન છે. ઉપધાન દ્વારા શ્રાવકો આ વાતની પ્રતીતિ કરે છે. દિવસમાં ચાર જ કલાક પાણી પીવાનું, અડતાલીસ કલાકમાં એક વખત ખાવાનું, લીલોતરી નહીં ખાવાની એ પ્રકારની પ્રક્રિયા હોય છે. દરરોજ સો ખમાસમણ લેવાના, જેમાં ત્રણ મુદ્રાઓ અને ત્રણ આસનો છે. જે સો વખત એક સાથે કરવાનાં હોય છે. આ બધી અનેક ક્રિયાઓના માધ્યમથી માણસ સ્નાન, તેલ, સાબુ વગેરે વિના પણ એકદમ ફ્રેશ થઈ જાય છે. માણસના મનમાં આ તપ દ્વારા બીજા પ્રત્યે દયા જાગે અને એ દયા જ એનું સ્નાન હોય છે. આ ઉપધાનમાં થિયરી ઓછી અને પ્રેક્ટિકલ વધારે હોય છે. ઉપધાનમાં પ્રવૃત્તિ અને વૃત્તિનું સંકોચન થાય છે. તેમાં સ્તોત્રોની સાધના થાય છે. આજે જ્યારે બહિર્ભાવ વધી રહ્યો છે ત્યારે સાચું સુખ પોતાની પાસે જ છે તેનો અહેસાસ આ ‘ઉપધાન તપ’ કરાવે છે.

 


પરમ પૂજનીય સાગરાનંદસૂરીશ્ર્વરજી મહારાજ સાહેબ

પંદર દિવસ ધ્યાનમાં રહીને આ મહારાજ સાહેબે સમાધિ ધારણ કરી હતી. મહત્ત્વની વાત એ છે કે ચારે પ્રકારના ફિરકાઓની અંદર જ્યારે આગમની હસ્તપ્રતો ખલાસ થવાની અણી પર હતી ત્યારે આદરણીય ગુરુદેવે આ બધા જ આગમો પ્રિન્ટીંગ કરાવ્યા અને પાલીતાણામાં કોતરાવવાનું શ્રેષ્ઠતમ કાર્ય કર્યું, માટે તેમને આગમોદ્ધારક કહેવાય છે.