મહાજ્ઞાની અષ્ટાવક્ર

    ૦૫-ફેબ્રુઆરી-૨૦૧૬

 


પ્રાચીન સમયની આ વાત છે. મહર્ષિ ઉદ્દાલક નામે એક મહાન ઋષિ હતા. ઉદ્દાલકને કહોડ નામના એક શિષ્ય હતા. તેમણે ગુરુજીની તનમનથી સેવા કરી, ગુરુજીએ તેમને વેદશાસ્ત્રોનું જ્ઞાન આપ્યું. એટલું જ નહીં પોતાની પુત્રી સુજાતાનાં લગ્ન તેની સાથે કર્યાં. પત્ની સાથે તેઓ ઋષિના આશ્રમમાં રહેવા લાગ્યા. થોડા સમય પછી સુજાતા ગર્ભવતી બની. એકવાર કહોડ મુનિ વેદપાઠ કરી રહ્યા હતા ત્યારે સુજાતાના ગર્ભમાંથી અવાજ આવ્યો, "પિતાજી, આપ બરાબર વેદપાઠ કરતા નથી. તેમાં ઘણી ભૂલો છે. શિષ્યોની વચ્ચે જ આ પ્રકારનો અવાજ સાંભળી કહોડ મુનિ ક્રોધાયમાન થઈ ગયા. તેમણે ગર્ભમાં રહેલા બાળકને શ્રાપ આપ્યો, "આ બાળક ગર્ભમાં જ આડીઅવળી વાતો કરે છે. તેનાં આઠેય અંગો વાંકાચૂંકા થઈ જાય.

પ્રસૂતિ સમય નજીક આવવાથી સુજાતાને કષ્ટ વધવા લાગ્યું. તેણે પતિદેવને કોઈ રાજા પાસે જઈને ધન લાવવા કહ્યું. કહોડ મુનિ જનક રાજા પાસે પહોંચી ગયા. એ સમયે જનક રાજા યજ્ઞ કરી રહ્યા હતા. મહારાજાની સભામાં એ સમયે બંદી નામે એક વિદ્વાન આવ્યો હતો. તેનો નિયમ હતો કે તેઓ શાસ્ત્રાર્થમાં કોઈને હરાવે તો તેને સમુદ્રમાં ડુબાડી દેવામાં આવતો. કહોડ મુનિએ તેની સાથે શાસ્ત્રાર્થ કર્યો પણ બંદી સામે તે હારી ગયા. તેમને સમુદ્રમાં જળમાં સમાધિ આપવામાં આવી.

આ સમાચાર ઉદ્દાલક ઋષિ પાસે પહોંચ્યા ત્યારે તેમણે પુત્રી સુજાતાને આ વાત કરીને નવજાત બાળકને ક્યારેય આ વાત ન કહેવા વિનંતી કરી.

છેવટે બાળકનો જન્મ થયો. તેનાં આઠેય અંગો વાંકા હોવાથી તેનું નામ અષ્ટાવક્ર રાખવામાં આવ્યું. અષ્ટાવક્ર ધીરે ધીરે મોટો થયો. જ્યારે તેની ઉંમર બાર વર્ષની હતી ત્યારે તે પોતાના નાના ઉદ્દાલક ઋષિના ખોળામાં રમી રહ્યો હતો.

એ સમયે જ ઉદ્દાલકનો પુત્ર શ્ર્વેતકેતુ ત્યાં આવી પહોંચ્યો. તેને ખોળામાંથી ખેંચીને શ્ર્વેતકેતુ બોલ્યો, "આ ખોળો તારા પિતાનો નથી તે તું આળોટે છે શ્ર્વેતકેતુની આવી વાણી સાંભળી અષ્ટાવક્રને ખૂબ દુ:ખ થયું. તે તેની માતા પાસે આવ્યો અને કહેવા લાગ્યો "માતાજી, મારા પિતાજી ક્યાં ગયા છે ? સુજાતાએ અષ્ટાવક્રને તેના પિતાના મૃત્યુની વાત જણાવી દીધી.

એ જ રાત્રે શ્ર્વેતકેતુએ અષ્ટાવક્રને જનક રાજાના ત્યાં ચાલતા યજ્ઞમાં જવાની વાત કરી. મામા-ભાણેજ બંને યજ્ઞ જોવા માટે મિથિલા નગરીમાં પહોંચ્યા.

યજ્ઞશાળાના દ્વાર પર જ દ્વારપાળોએ અષ્ટાવક્રને નાનો બાળક સમજીને ત્યાં રોકી દીધો અને કહ્યું "અહીં તો વિદ્વાન અને વૃદ્ધજનોને જ પ્રવેશ મળે છે.

અષ્ટાવક્રએ દ્વારપાળને કહ્યું, "વધારે ઉંમર થવાથી કે વાળ સફેદ થવાથી કે વધારે ધનવાન હોવાથી કોઈ મોટું બની જતું નથી. બ્રાહ્મણોમાં એ જ મોટો છે જે વેદોનો જ્ઞાતા છે.

દ્વારપાળે જ્યારે આ જાણ્યું કે તેઓ રાજસભાના મહાપંડિત બંદી સાથે શાસ્ત્રાર્થ કરવા આવ્યા છે ત્યારે તેમણે બંને બાળકોને જનક રાજા પાસે મોકલી આપ્યા. જનક રાજા પાસે જઈને અષ્ટાવક્રએ બંદી સાથે શાસ્ત્રાર્થ કરવાની વાત કરી. જનક રાજાએ તેને બાળક સમજીને શાસ્ત્રાર્થ ન કરવા માટે સમજાવવાનો પ્રયત્ન કર્યો અને તેની પરીક્ષા કરવા માટે પૂછ્યું, "ઊંઘતી વખતે પોતાની આંખો કોણ બંધ નથી કરતું ? જન્મ પછી કોણ ગતિ નથી કરતું ? કોને હૃદય નથી હોતું ? અને ઝડપી વેગથી કોણ આગળ વધે છે ?

અષ્ટાવક્રજીએ કહ્યું "માછલી સૂતી વખતે પોતાની આંખો બંધ કરતી નથી, જન્મ સમયે ઈંડામાં ગતિ હોતી નથી. પથ્થરમાં હૃદય હોતું નથી અને નદી પોતાના વેગથી આગળ વધે છે.

મહારાજા જનક અષ્ટાવક્રના ઉત્તરથી સંતુષ્ટ થયા. તેમણે બાળક અષ્ટાવક્રનું સન્માન કર્યું અને પંડિત બંદી સાથે તેનો પરિચય કરાવ્યો. તે પછી બંદી અને અષ્ટાવક્ર વચ્ચે શાસ્ત્રાર્થ થયો. શાસ્ત્રાર્થમાં બંદી હારી ગયા. મહારાજા જનકે નિયમ પ્રમાણે બંદીને સમુદ્રમાં ડુબાડી દેવાનો હુકમ કર્યો.

બંદીએ કહ્યું, "હું લોકપાલ વરુણદેવતાનો પુત્ર છું. મને જળમાં ડૂબવાનો કોઈ ભય નથી. જેવી રીતે તમારા દરબારમાં બાર વર્ષીય યજ્ઞ થઈ રહ્યો છે તેવી જ રીતે મારા પિતા વરુણદેવ પણ બાર વર્ષીય યજ્ઞ કરી રહ્યા છે. આ યજ્ઞ કરાવવા માટે વિદ્વાન બ્રાહ્મણોની આવશ્યકતા હતી. તેથી શાસ્ત્રાર્થના બહાને મેં જ એમને જળમાં ડુબાડયા છે. પરંતુ તેઓ મર્યા નથી. મારા પિતાજીનો બાર વર્ષીય યજ્ઞ પૂરો થઈ ગયો છે. થોડા સમયમાં જ બધા બ્રાહ્મણો સાથે મારા પિતાજી અહીં આવી રહ્યા છે.

આ વાતચીત ચાલતી હતી ત્યાં જ સમુદ્રમાં ડુબાડેલા બધા જ બ્રહ્મદેવતાઓ જળની બહાર નીકળી આવ્યા.

જનક રાજાની સભામાં આવીને કહોડ ઋષિએ કહ્યું, "મનુષ્યે આવાં કાર્યો માટે જ પુત્રની પ્રાપ્તિ કરવી જોઈએ.

એ પછી બંદી સમુદ્રમાં ડૂબીને પાતાળલોકમાં ચાલ્યા ગયા. જનક રાજા તથા બ્રાહ્મણોએ અષ્ટાવક્રનું સન્માન કર્યું. અષ્ટાવક્ર પોતાના પિતાના ચરણોમાં પડી ગયા. ત્યાં પિતા કહોડ અને મામા શ્ર્વેતકેતુ સાથે ઉદ્દાલક ઋષિના આશ્રમ પર આવ્યા. ત્યાંથી આવીને પિતાની આજ્ઞા પ્રમાણે સભંગા નદીમાં સ્નાન કર્યું. જેવા અષ્ટાવક્ર જળની બહાર આવ્યા કે તરત જ તેમનાં બધાં વાંકાચૂંકા અંગો સીધાં થઈ ગયાં.

આ જ અષ્ટાવક્રે મોટા થઈને અષ્ટાવક્ર ગીતાનો ઉપદેશ આપ્યો.

વ્યક્તિ તેના બાહ્ય દેખાવથી નહીં, પરંતુ આંતરિક ગુણોથી મહાન અને તેજસ્વી બને છે.

 

 

વહેંચીને ખાવું

રાજા અશ્ર્વઘોષ વૈરાગ્ય લઈને ઈશ્ર્વરનાં દર્શનની ઇચ્છાથી દેશ-દેશાવર ભ્રમણ કરી રહ્યા હતા. ન તેમને તીર્થયાત્રાથી શાંતિ મળી, ન દેવદર્શનથી. કથા-પ્રવચન સાંભળતા રહ્યા, તેમાં પણ કોઈ વાત ન બની. સાધનામાં મન લાગ્યું નહિ.

આ પરિભ્રમણમાં તેઓ એક ખેડૂતના ખેતરમાં જઈ પહોંચ્યા. તે ખૂબ પ્રસન્ન અને સંતુષ્ટ દેખાઈ રહ્યો હતો. તે મસ્ત થઈને ગીત ગાઈ રહ્યો હતો, ખૂબ શાંતિથી અને સૌમ્યતાથી.

અશ્ર્વઘોષ ત્યાં જ બેસી ગયા અને ખેડૂતને એવો જ સંતોષ આપવા માટે વિનંતી કરવા લાગ્યા. ખેડૂતે બધી જ વાત જાણી અને તેણે રાજાના આંતરિક દ્વંદ્વને ઊંડાણથી જાણી લીધું. તેણે રાજાને વૃક્ષ નીચે બેસાડ્યો, જે ચોખા ખાવા માટે બનાવ્યા હતા, તે પીરસ્યા અને બંનેએ અડધા-અડધા વહેંચીને ખાધા. પેટ ભરાઈ ગયું. ત્યાર બાદ બંને ગાઢ નિદ્રામાં સૂઈ ગયા. બંને સાથે સાથે જાગ્યા. ખેડૂતે પૂછ્યું, "તમને આ બધું કેવું લાગી રહ્યું છે ? રાજાએ સંતોષના સ્વરમાં કહ્યું, "ખૂબ સારું લાગી રહ્યું છે. જે ચોખા મેં આજે ખાધા છે, તેના સ્વાદનું વર્ણન થાય એમ નથી. જીવનમાં આવા સ્વાદિષ્ટ ચોખા મેં ક્યારેય નથી ખાધા. ખેડૂત બોલ્યો : "મહેનતથી કમાઈએ અને તેને હળીમળીને વહેંચીને ખાવામાં આવે તો એવી શાંતિ મળી શકે છે જે જ્ઞાની વૈરાગી ઇચ્છે છે.

રાજાનાં અંતર્ચક્ષુ ખૂલી ગયાં અને તે દિવસથી તેમણે તે રીતિ-નીતિ અપનાવી લીધી.

 

 

પ્રશ્નમંચ - 242

૧.    તાજેતરમાં ગુજરાતમાં રહેતી દેશની કઈ પ્રખ્યાત નૃત્યાંગનીનું અવસાન થયું ?

૨.    નેપાળની રાજધાની કઈ છે ?

૩.    ‘હઠીસિંહ’નાં દેરાં કયા ધર્મનાં સ્થાનકો છે ?

૪.    હિમાચલ પ્રદેશનું સૌથી મોટું શહેર કયું છે ?

૫.    ‘મહાત્મા મંદિર’ ક્યાં આવેલું છે ?

૬.    અમેરિકાની કઈ સંસ્થા અવકાશક્ષેત્રે કામ કરે છે ?

૭.    ‘ચ્યવનપ્રાશ’ બનાવવા કયા ફળનો ઉપયોગ થાય છે?

૮.    ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખનું નામ શું છે ?

૯.    વનસ્પતિના પાનનો લીલો રંગ શાને આભારી છે ?

૧૦.   રશિયાનું ચલણ કયું છે ?