દધીચિનું અસ્થિદાન

    ૦૧-એપ્રિલ-૨૦૧૬


દેવો અને દાનવો વચ્ચે મહાભયાનક યુદ્ધ થયું. યુદ્ધ ઘણો લાંબો સમય ચાલ્યું. છેવટે દેવોનો વિજય થયો. ઈન્દ્રરાજા ફરીથી સિંહાસન પર બેઠા. યુદ્ધના પરાજયથી દાનવો સંતાતા ફરતા હતા. દેવો આનંદમાં આવી ગયા પરંતુ તેમને એક વાતનો ભય સતાવતો હતો. દાનવો ભલે ભયભીત થયા હોય પરંતુ ગમે ત્યારે ફરીથી તેઓ યુદ્ધ કરશે અને આપણું રાજ્ય છીનવી લેશે. માટે જે શસ્ત્રોથી આપણી જીત થઈ છે તે શસ્ત્રોને આપણે બરાબર સંભાળીને રાખવાં જેથી આપણે યુદ્ધમાં વિજય મેળવી શકીએ.
પરંતુ આ શસ્ત્રો ક્યાં રાખવા તેનો પ્રશ્ર્ન ઊભો થયો. કોઈ દેવને ત્યાં શસ્ત્રો મૂકીએ અને ભોળપણથી દેવ આ વાત દાનવોને જણાવી દે તો આપણું તો આવી બને. માટે શસ્ત્રો એવી જગ્યાએ રાખવાં જ્યાં કોઈને જરા સરખો પણ વહેમ ન પડે.
એક દેવે સૂચન કર્યંુ, "ઋષિમુનિઓ શાંતિપ્રિય હોય છે. તેઓ દેવ-દાનવના ઝઘડામાં પડતા નથી. માટે કોઈ સમર્થ ઋષિના આશ્રમમાં શસ્ત્રો મૂકીએ તો કોઈને સહેજે વહેમ નહીં પડે.
આખરે શાંત અને પરોપકારી સ્વભાવના દધીચિ ઋષિના આશ્રમમાં શસ્ત્રો મૂકવાં એવું સર્વસંમતિથી નક્કી થયું.
બધા દેવતાઓ યુદ્ધનાં આયુધો લઈને દધીચિ ઋષિ પાસે આવ્યા. તેમણે દધીચિને વિનંતી કરતાં કહ્યું, "હે ઋષિવર, અમે અમારાં શસ્ત્રો સુરક્ષિત રહે તે માટે આપને ત્યાં મૂકવા માટે આવ્યા છીએ.
આ વાત ઋષિપત્ની સુવર્ચા સાંભળી રહ્યાં હતાં. તે સમજી ગયાં કે, "દેવોનાં શસ્ત્રો રાખવાનું કામ ઘણું જોખમ ભરેલું છે. દાનવોને થોડી પણ શંકા જાય તો આપણા આશ્રમ પર હુમલા કરે અને આશ્રમ છિન્નભિન્ન કરી નાખે. તેમણે દધીચિને કહ્યું, "ઋષિજી, આ શસ્ત્રો રાખવાનું જોખમ લેશો નહીં. વિના કારણે આપણે કોઈ ઉપાધિ નથી વહોરવી.
દેવોએ જોયું કે ઋષિપત્નીના કહેવાથી દધીચિ પણ શસ્ત્રો સંભાળવા તૈયાર થાય એમ નથી. આનાથી સુરક્ષિત જગ્યા તો બીજી એકેય નથી. દેવોએ આજીજી કરતાં દધીચિને કહ્યું, "અમે બધા ખૂબ આશા લઈને આપની પાસે આવ્યા છીએ. આપ દયાળુ સંત છો. દેવોના જીવનની સુરક્ષા આપના હાથોમાં છે. તમે શસ્ત્રો નહીં રાખો તો દાનવોના ભયની તલવાર અમારે માથે લટકતી રહેશે. અમે કાયમ માટે બેચેન બની જઈશું. માટે અમારા પર કૃપા કરો.
દેવોની વિનંતીથી દધીચિનું હૃદય પીગળ્યું. એમણે કહ્યું, "જાઓ, શસ્ત્રો મૂકતાં જાઓ.
આ શબ્દો સાંભળતાં જ દેવોએ બધાં શસ્ત્રો ઉતારીને ત્યાંથી ઝડપથી વિદાય થયા. રખેને ઋષિનું મન ફરી જાય. તેમને શસ્ત્રોની ગણતરી કરવાનું પણ યાદ રહ્યું નથી. શસ્ત્રો ક્યારે પાછાં લેવા આવશે એ પણ દેવોએ જણાવ્યું નહીં.
એમ કરતાં વર્ષો વીતી ગયાં. દેવોનાં અમોઘ શસ્ત્રો મેળવવા દાનવો અનેક ખટપટો કર્યા કરતા. એમને ખબર પડી કે દેવોએ શસ્ત્રો કોઈની પાસે સંતાડ્યાં છે, પરંતુ ક્યાં સંતાડ્યાં છે એ કોઈને ખબર પડી નહીં. પરંતુ બહુ શોધખોળને અંતે એટલી બાતમી મળી કે દેવો એકવાર દધીચિ ઋષિના આશ્રમમાં ગયા હતા. જ‚ર દેવોએ આ શસ્ત્રો દધિચીને આપ્યાં હોવાં જોઈએ.
દાનવો દધીચિ ઋષિને બરોબર ઓળખતા હતા. એમને સોંપેલી વસ્તુ એ ક્યારેય કોઈને આપે નહીં. એ વાત પણ નક્કી હતી. ઋષિ પાસેથી બળજબરીથી શસ્ત્રો પડાવી લેવા જઈએ તો ઋષિ ક્રોધાયમાન થઈને શ્રાપ આપે અને દાનવોનું નિકંદન નીકળી જાય. માટે કોઈ યુક્તિ શોધીને ઋષિ પાસેથી શસ્ત્રો મેળવવાં જોઈએ.
દેવો પોતાનાં શસ્ત્રો દધીચિ પાસે મૂકી આવ્યા પછી ક્યારેય આશ્રમમાં ફરક્યા નહીં. એમને ડર હતો કે ત્યાં જવાથી દાનવોને શસ્ત્રો છુપાવ્યાની ગંધ આવી જશે અને તેઓ આપણાં શસ્ત્રો પડાવી લેશે.
આ બાજુ દધીચિ ઋષિને ખબર પડી કે, "દાનવો જાણી ગયા છે કે શસ્ત્રો મારા આશ્રમમાં સંતાડેલાં છે. દુષ્ટ સ્વભાવના દાનવો મને હેરાન કર્યા વિના નહીં રહે. ખરેખર મેં ગંભીર ભૂલ કરી છે. ઋષિ ચિંતામાં શોકાતુર થઈ ગયા. તેમણે શસ્ત્રોની શક્તિના મંત્રો જાણવા પોતાના જ્ઞાનનો ઉપયોગ કર્યો. તેમણે વારાફરતી દરેક શસ્ત્રો સામે જોયું અને મંત્રનું આહ્વાન કર્યંુ. દરેક શસ્ત્રની શક્તિનું રહસ્ય તેમને મળી ગયું. આ શક્તિવાળું અભિમંત્રિત કરેલું જળ તેઓ પી ગયા. શસ્ત્રોની બધી જ શક્તિ તેમના શરીરમાં આવી ગઈ. હવે શસ્ત્રોની ચિંતા કરવાનું કોઈ કારણ નહોતું. ઋષિ સિવાય આ વાત કોઈ જાણતું નહોતું. ફરીથી ઋષિ નચિંત બની ધ્યાનસાધનામાં લીન બની ગયા.
થોડા સમય પછી દેવ-દાનવો વચ્ચે ઘોર યુદ્ધ થયું. વૃત્રાસુરે દાનવોની આગેવાની લીધી. ભીષણ સંગ્રામ પછી દેવોનો કારમો પરાજય થયો. દાનવો યુદ્ધમાં વિજયી થયા. દેવોને પોતાનાં શસ્ત્રો યાદ આવ્યાં. તેઓ બ્રહ્માજીને સાથે લઈને દધીચિ ઋષિના આશ્રમમાં આવ્યા અને પોતાનાં શસ્ત્રોની માગણી કરી.
દેવોએ આશ્રમમાં જઈ જોયું તો પોતાનાં શસ્ત્રો તો એમ જ પડ્યાં હતાં, પરંતુ તે બુઠ્ઠાં અને નિસ્તેજ બની ગયાં હતાં.
દેવો વિચારમાં પડી ગયા. આ શસ્ત્રો તો કોઈ જ કામમાં આવે તેમ નથી. દાનવોનો તો શું કીડી મંકોડાનો પણ નાશ કરી શકે તેમ નથી.
તેમણે દધીચિ ઋષિને કહ્યું, "આ શસ્ત્રો અમારાં નથી. આવાં નિસ્તેજ શસ્ત્રોનું અમારે શું કામ છે ? વૃત્રાસુર આગળ આવા શસ્ત્રો ટકી શકે તેમ નથી. માટે અમારાં શસ્ત્રો જેવા હતાં તેવાં અમને પાછાં સોંપી દો.
દધીચિ ઋષિએ કહ્યું, "દેવો, તમે તો શસ્ત્રો મૂકીને ચાલ્યા ગયા. તે પછી વર્ષોનાં વર્ષો વીતી ગયાં. દાનવોને શસ્ત્રો અહીં છે તેની બાતમી મળી. તેમણે શસ્ત્રો લઈ જવા અનેક પ્રકારનાં કાવતરાં કર્યાં. મારે માથે દાનવોનો ભય ઊભો થયો. મારી શાંતિ ઊડી ગઈ. શસ્ત્રો એમને સોંપીને વચનભંગ કરું તો મારા કૂળની આબ‚ જાય. મોટું જોખમ ખેડીને પણ તમારાં શસ્ત્રો મેં સાચવી રાખ્યાં છે. મારા યોગબળની શક્તિથી જ મેં તેને નકામાં કરી મૂક્યાં છે, જેથી દાનવો લઈ જાય તો પણ તેમના કામમાં ન આવે.
આ સાંભળી દેવોએ ચિંતાતુર બની કહ્યું, "શસ્ત્રોને પહેલાં જેવાં શક્તિશાળી બનાવવાનો ઉપાય બતાવો. જેણે શસ્ત્રોનું તેજ છીનવી લીધું તે જ તેને પાછું આપી શકે.
દધીચિએ કહ્યું, "શસ્ત્રો નિસ્તેજ બની ગયાં છે તે વાત સાચી પરંતુ તેનું તેજ મારામાં વસે છે. તે મારા શરીરના લોહી માંસમાં થઈને મારા હાડકામાં સ્થાયી થઈ ચૂક્યું છે. માટે તમારેે શસ્ત્રોનું તેજ જોઈતું હોય તો મારા શરીરનાં હાડકાં લઈ જાઓ.
દેવોએ કહ્યું, "ઋષિ, આવી વાત તો હોતી હશે ? અમે કંઈ રાક્ષસ છીએ કે બ્રહ્મહત્યાનું પાપ કરીએ ? અમને દેવોને એ ન શોભે. દધીચિએ કહ્યું, "જો તમે મારી હત્યા કરવા તૈયાર ન હોય તો તમારે મારા મૃત્યુ સુધી રાહ જોવી પડે.
હવે દેવો મૂંઝાયા. ઋષિનું મૃત્યુ તો ક્યારે આવે તે નક્કી નહીં. ત્યાં સુધી રાહ જોઈને બેસી રહીએ તો દાનવો અમારું ઇન્દ્રલોક છીનવી લે. શસ્ત્રોની અત્યારે હાલ જ જ‚ર છે, પરંતુ તેઓ બ્રહ્મહત્યાનું પાતક વહોરવા માગતા નહોતા. તેઓ નિરાશ થઈને બ્રહ્માજી પાસે આવ્યા અને બધી હકીકત કહી સંભળાવી. મૂંઝવણમાંથી કોઈ રસ્તો કાઢવા વિનંતી કરી.
ઈન્દ્રે કહ્યું, "મને તો બે બ્રહ્મહત્યાનું પાપ લાગે. એક તો દધીચિની હત્યા અને બીજી વૃત્રાસુરની હત્યા, કારણ કે વૃત્રાસુરને વિશ્ર્વકર્માએ ઉત્પન્ન કર્યો છે.
બ્રહ્માજીએ કહ્યું, "જો કોઈ આતતાયી મારવાના ઇરાદાથી આપણા ઉપર ધસી આવતો હોય તો ભલેને બ્રાહ્મણ હોય તો પણ તેનું પાતક લાગતું નથી.
ઈન્દ્ર દેવે કહ્યું, "વૃત્રાસુરની હત્યાનું પાપ તો નહીં લાગે પણ દધીચિની હત્યાથી તો મારું પતન થાય. એ કાર્ય હું ક્યારેય ન કરી શકું. બ્રહ્માજીએ કહ્યું, "આ સમયે દેવોનું સર્વસ્વ જવા બેઠું છે. દેવોના વિજયના મહાન કાર્ય માટે તમે જઈને ઋષિના હાડકાની માગણી કરો.
બ્રહ્માજીની આજ્ઞા થતાં જ બધા પાછા દધીચિના આશ્રમમાં આવ્યા. તેઓ ઋષિને પ્રમાણ કરી કહેવા લાગ્યા. "હે ઋષિવર, અમે જાણીએ છીએ કે ત્રણે લોકમાં તમે સૌથી મહાન તપસ્વી અને શ્રેષ્ઠ દાતા છો. તમારું જીવન સર્વના કલ્યાણ‚પ છે.
દધીચિ ઋષિએ કહ્યું, "હે દેવો, તમારી શી ઇચ્છા છે તે જણાવો હું તમને તે અવશ્ય આપીશ.
દેવોએ કહ્યું, "ઋષિવર, અમે અત્યંત ભયમાં છીએ. અમારું જીવન આપના હાથમાં છે. આપે અમારાં શસ્ત્રોનું તેજ તમારાં હાડકામાં સંભાળી રાખ્યું છે. અમારે દાનવો સાથે યુદ્ધ કરવા તે તેજની જ‚ર છે. જ્યાં સુધી હાડકામાંથી વજ્ર‚પી હથિયાર ન બને ત્યાં સુધી ભયાનક વૃત્રાસુરનો પણ નાશ થવાનો નથી. અમારા તથા ત્રણેય લોકનાં કલ્યાણ માટે અમને આપનાં હાડકાનું દાન કરો.
ઋષિએ કહ્યું, "હું તમને મારાં હાડકાં અર્પણ કરું છું. દેવોએ કહ્યું, "આપે તે અર્પણ તો કર્યાં પરંતુ જ્યાં સુધી આપ જીવો છો ત્યાં સુધી અમે તે કેવી રીતે લઈ શકીએ ?
દધીચિએ કહ્યું, "થોડીવાર થોભો, મારા શરીરનો ઉપયોગ આપના કલ્યાણ માટે થવાનો હોય તો તેનાથી ‚ડું શું ? જે શરીરનો કોઈ પણ ભાગ મૃત્યુ પછી કોઈના કામમાં નથી આવતો તે આપના જેવા દેવો માટે ઉપયોગમાં આવે તે મારું અહોભાગ્ય છે. દધીચિ ઋષિએ સમાધિ લગાવી. પળવારમાં જ તેમના પ્રાણ શરીરમાંથી ચાલ્યા ગયા. ઈન્દ્રરાજાએ સ્વર્ગમાંથી સુરભિ ગાય બોલાવી. તેણે શરીરને ચાટીને માંસરહિત બનાવી દીધું. વિશ્ર્વકર્માએ ઈન્દ્રની આજ્ઞાથી ઋષિની પીઠના હાડકામાંથી બ્રહ્મશિર નામનું શસ્ત્ર બનાવ્યું. બાકીનાં હાડકાંનો ભાગ પણ દેવોએ જે તે શસ્ત્રો બનાવવાના ઉપયોગ માટે લઈ લીધો. દેવો દાનવો વચ્ચે ફરીથી ભીષણ સંગ્રામ થયો. ઈન્દ્રે વૃત્રાસુર પર વજ્રથી પ્રહાર કર્યો. તેનું મોત થયું. દાનવોની સેના નાસીપાસ થઈ ગઈ. દેવોએ બીજા દાનવોનો પણ વિનાશ કર્યો. અંતે દેવોનો વિજય થયો. તેમણે મહાન તપસ્વી દધીચિ ઋષિને આ વિજય અર્પણ કર્યો.

પ્રશ્ર્નમંચ - ૨૪૯
(૧) શાલીમાર ગાર્ડન ક્યાં આવેલો છે ?
(૨) પોલોના મંદિર કયા નગર પાસે આવેલાં છે ?
(૩) કયા બાળકનો યમરાજ સાથે સંવાદ થયો હતો ?
(૪) સાપુતારા કયા જિલ્લામાં આવેલું છે ?
(૫) ‘દાદા હરિની વાવ’ ક્યાં આવેલી છે ?
(૬) ભક્ત પ્રહલાદ્ ની ફોઈનું નામ શું હતું ?
(૭) સ્વર્ગમાંથી ગંગા કોની જટામાં ઊતર્યાં હતાં ?
(૮) ગાંધીજીએ ‘સવાઈ ગુજરાતી’નું બિરુદ કોને આપ્યું હતું ?
(૯) કેરમની રમતમાં કુકરી કેટલા રંગની હોય છે ?
(૧૦) હાલમાં બેડમિન્ટનની કઈ મહિલા ખેલાડીને પદ્મશ્રી પુરસ્કાર મળ્યો ?

ગમ્મત ગુલાલ
બબલુ : ડૉક્ટર સાહેબ, આ નામની દવા તો આખા શહેરમાં ક્યાંય મળતી નથી.
ડૉક્ટર : ક્યાંથી મળે ? હું દવા લખવાનું જ ભૂલી ગયો હતો. આ તો મારી સિગ્નેચર છે.

બે પાગલ ધાબા પર સૂતા હતા ત્યાં અચાનક વરસાદ પડવા લાગ્યો.
પહેલો પાગલ : ચાલ નીચે ઊતર, લાગે છે આકાશમાં મોટું કાણું પડી ગયું છે.
ત્યાં અચાનક આકાશમાં વીજળી થઈ.
બીજો પાગલ : હવે સૂઈ જા, લાગે છે વેલ્ડીંગવાળો આવી ગયો છે.

ભિખારી : ભાઈ સાહેબ, એક ‚પિયો આપોને !
બબલુ : કાલે આવજે.
ભિખારી : કાલના ચક્કરમાં તો મારી લાખો ‚પિયાની ઉઘરાણી બાકી છે.