જંગલનું દુ:ખ

    ૨૩-એપ્રિલ-૨૦૧૬



સુંદરવનમાં વરસાદ થતો ન હતો. નદી તળાવો સુકાઈ રહ્યાં હતાં. વૃક્ષો, છોડવાઓ અને વેલા કરમાઈ રહ્યા હતા. પ્રાણીઓ તરસથી બેબાકળાં થઈ રહ્યાં હતાં. ચોમાસાની ઋતુ પસાર થઈ રહી હતી. છતાં આકાશમાં વાદળોનું કોઈ નામોનિશાન દેખાતું ન હતું. હાથીભાઈએ બધાં પ્રાણીઓને એક ખુલ્લા મેદાનમાં બોલાવ્યાં. તેમણે પ્રાણીઓને સંબોધન કરતાં કહ્યું, ‘મને એમ લાગે છે કે વરસાદી વાદળો આ જંગલનો રસ્તો ભૂલી ગયાં છે. આપણે તેમને બોલાવવા સંદેશો મોકલવો પડશે.’

બબલુ શિયાળે આગળ આવીને કહ્યું, ‘પોસ્ટ ઑફિસમાં મારે સારી ઓળખાણ છે. હું આજે જ સ્પીડ પોસ્ટથી વરસાદી વાદળોને જાણ કરું છું. હું પત્રમાં તેમને લખીશ કે સુંદરવન વરસાદ વગર અધમૂવું થઈ રહ્યું છે. જો વરસાદ નહીં વરસે તો જંગલ ખતમ થઈ જશે.’
બબલુ શિયાળની વાત સાંભળી બધાં હસવા લાગ્યાં. ચંપા હરણીએ કહ્યું, ‘આપણી ટપાલ સેવા ફક્ત દેશમાં જ કામ કરે છે. કોઈ પોસ્ટમેન તારી સ્પીડ પોસ્ટ લઈને આકાશમાં જઈ નહીં શકે.’
ચીનુ કાગડાએ કહ્યું, ‘હું સ્પીડ પોસ્ટ લઈને જઈશ.’
હાથીભાઈ બોલ્યા, ‘વાદળો ઘણાં ઊંચે હોય છે, કોઈ પક્ષી ત્યાં સુધી જઈ નહીં શકે.’
ગોલુરીંછ આગળ આવ્યો, તેણે કહ્યું, ‘સ્પીડ પોસ્ટ છોડો. મારી પાસે સેમસંગનો જોરદાર મોબાઈલ છે. હું આજે જ વાદળોને મૅસેજ મોકલી દઉં છું. મારો મૅસેજ પળભરમાં વાદળોને મળી જશે. હું જંગલનાં સુકાયેલાં તળાવ અને ઝરણાંના ફોટા પણ મોકલી દઈશ. તેને જોઈને વાદળોનું હૃદય પીગળી જશે અને તે વરસવા માટે તુરંત આવી જશે.’
ગોલુ રીંછની વાત પર પણ બધાં હસવા લાગ્યાં. ગપ્પી શિયાળે પૂછ્યું, ‘શું વાદળો પાસે પણ સેમસંગનો મોબાઈલ છે ? તારો મોકલેલો મૅસેજ હવામાં ગાયબ થઈ જશે, ને વળી ખાલી અમથા તારા બે ‚પિયા કપાઈ જશે.’
સફેદ સસલો કમ્પ્યૂટરનો સારો જાણકાર હતો. તેણે કહ્યું, ‘મારી પાસે ડેલનું લેટેસ્ટ લેપટૉપ છે. હું વાદળોને ઈ-મેઈલ કરી દઉં છું. ઈ-મેઈલ મળતાં વાદળ ખૂબ ખુશ થશે, તે વિચારશે કે સુંદરવન કેવું એડ્વાન્સ થઈ ગયું છે.’
આ સાંભળી ગોલુ રીંછે કહ્યું, ‘અરે બુદ્ધુ, વાદળો પાસે મોબાઈલ નથી, તો પછી કમ્પ્યૂટર ક્યાંથી હશે ?’
આ સાંભળી સફેદ સસલાએ કહ્યું, ‘વાદળોના વિસ્તારમાં સાઈબર કાફે તો હશે ને ? તેઓ ત્યાં જઈને મારો મૅસેજ વાંચી લેશે.’
હાથીભાઈને આવી વાતો સાંભળી ગુસ્સો આવવા લાગ્યો, તેમણે કહ્યું, ‘આવી બધી નક્કામી વાતો બંધ કરો. વાદળોને સંદેશો મોકલવાનો ચોક્કસ ઉપાય વિચારો.’
થોડીવાર માટે સભામાં મૌન છવાઈ ગયું, ત્યાં તો મોર અને ઢેલની જોડી આગળ આવી. તેમણે કહ્યું, ‘અમે જંગલમાં ‘મે આવ, મે આવ’ કહીને નાચવાનું શ‚ કરી દઈએ છીએ. વહેલા મોડાં વાદળોને તેની જાણ થઈ જ જશે. તેમને ખબર પડી જશે કે ચોમાસાની ઋતુ આવી ગઈ. તેમનો ગરજવા અને વરસવાનો સમય આવી ગયો, તેથી એ દોડતાં દોડતાં આવી ગરજવાનું અને વરસવાનું ચાલુ કરી દેશે.

થોડીવાર માટે સૌને આ વિચાર બરાબર લાગ્યો, પણ ત્યારે સમજુ હાથીભાઈએ કહ્યું, ‘વરસાદ થાય ત્યારે તેનું સ્વાગત કરતાં મોરને ઢેલ નાચે છે. વરસાદ આવતાં પહેલાં તેઓ નાચવા લાગે તેનો અર્થ શું ?’
છેવટે કોઈ કારગર ઉપાય મળતો ન હતો. બધાં હેરાન પરેશાન હતાં, ત્યાં જાંબુનું એક ઝાડ ઉદાસ ઊભું હતું, તેણે કહ્યું, ‘મારી જાતિનું હું એક માત્ર ઝાડ બચી ગયું છું. વર્ષોથી કોઈએ જાંબુનું બીજું ઝાડ વાવ્યું નથી, આવી જ હાલત બીજી જાતિનાં વૃક્ષોની પણ છે.’
જાંબુના ઝાડે વાતને આગળ વધારતાં કહ્યું, મારા આ દુ:ખમાં જ તમારી સમસ્યાનું સમાધાન છે.’
‘અરે, આ તું શું કહે છે ? તારા દુ:ખને વરસાદ સાથે શું સંબંધ ?’ ગોલુ રીંછ બોલ્યો.
જાંબુના ઝાડે સમજાવ્યું, ‘જંગલમાં વૃક્ષો ખૂબ જ ઓછાં થઈ રહ્યાં છે. વૃક્ષો અને વનરાજી વરસાદને ખેંચી લાવે છે. જો વૃક્ષો અને વનરાજી નહીં રહે તો વરસાદ ક્યાંથી આવશે ?’ વાદળો સ્પીડ પોસ્ટ, મૅસેજ, ઈ-મેઈલ કે નાચગાનની ભાષા સમજતાં નથી. એ તો ફક્ત હરિયાળીની ભાષા સમજે છે. હવે તમે જ નક્કી કરો કે વાદળોને વરસવા માટે કઈ રીતે જાણ કરશો ?
સભામાં સન્નાટો છવાઈ ગયો. બધાં પોતપોતાનું માથું ખંજવાળવા લાગ્યાં. હાથીભાઈએ આગળ આવી મૌન તોડ્યું. તેમણે કહ્યું, "આપણે આજથી જ નવા નવા રોપા વાવવાનું શ‚ કરીશું ! આખું જંગલ હરિયાળીથી ભરી દઈશું.
તે દિવસથી જંગલના બધાં પ્રાણીઓએ નવા નવા છોડવાઓ શોધી લાવીને જંગલમાં ખાલી જગ્યા પડી હતી ત્યાં રોપવાનું શરૂ કરી દીધું. મહિનો થતાં થતાં તો આખું જંગલ નવા અને નાના છોડવાઓથી છવાઈ ગયું.
અચાનક એક સાંજે આકાશમાં ગડગડાટી થવા લાગી. વીજળીના કડાકા ભડાકા થવા લાગ્યા. બધાં પ્રાણીઓ પોતપોતાની બખોલ કે રહેઠાણની બહાર નીકળી આકાશ તરફ જોવા લાગ્યાં. આખું આકાશ વાદળોથી છવાઈ ગયું હતું. નાનકડી ખિસકોલીએ કહ્યું, ‘અરે ! એમ લાગે છે કે વાદળોને સંદેશો મળી ગયો.’
તેવામાં મુશળધાર વરસાદ થવા લાગ્યો. બધાં પ્રાણીઓ તેમાં કુદાકુદ કરી નાચવા લાગ્યાં. મોર અને ઢેલ વરસાદના સ્વાગતમાં નૃત્ય કરવા લાગ્યાં. જંગલનું દુ:ખ દૂર થઈ ગયું.

 

શ્રેષ્ઠ આચરણમાં જ સદ્ગતિ



સંત કબીર તેમના જીવનના અંતિમ સમયમાં આવી પહોંચ્યા હતા. તેઓએ શિષ્યોને કહ્યું, "મારી ઇચ્છા મગહરમાં અંતિમ શ્ર્વાસ લેવાની છે. મને ઝડપથી ત્યાં લઈ જાઓ. સૌ આશ્ર્ચર્યચકિત થઈ ગયા, કારણ કે મૃત્યુના સમયે લોકો કાશી જાય છે અને કબીર છે કે કાશીના બદલે મગહર જવા ઇચ્છે છે. કબીર બોલ્યા : "કાશીમાં મૃત્યુ પામીને જો હું સ્વર્ગમાં જઉં તો પણ તે તો કાશીનો જ મહિમા કહેવામાં આવશે. મેં કરેલાં કર્મોનો કોઈ અર્થ નહિ રહે. લોકોના મનમાં ઘર કરી બેસેલી ભ્રમણાને દૂર કરવા માટે મગહરમાં જ મારા શરીરને ત્યાગવું સારું રહેશે. લોકોને એ વાત ધ્યાનમાં આવવી જોઈએ કે કબીરે એવા સ્થાને પ્રાણ ત્યાગ્યા જ્યાં મૃત્યુ પામીએ તો અધોગતિ થાય છે, પરંતુ તેનાં કર્મો એટલાં પવિત્ર હતાં કે પરમપિતા પરમેશ્ર્વર ત્યાં પણ તેઓને સદ્ગતિ જ પ્રદાન કરશે.
આ આખો ભ્રમણાઓનો સમુચ્ય છે. દુર્ગતિ કે સદ્ગતિ સ્થાન પર નિર્ધારિત નથી, શ્રેષ્ઠ કર્તવ્ય તથા કર્મ પર નિર્ભર છે.