ભગવાનનું સ્વ‚રૂપ

    ૧૬-જૂન-૨૦૧૬

ભગવદ્ ગીતાના સાતમા અધ્યાયમાં ભગવાન પોતાના વિષે ચાર મહત્ત્વની વાતો જણાવે છે-
ભૂમિરાપોનલો વાયુ: ખં મનોબુદ્ધિરેવ ચ
અહંકાર ઇતીંય મે ભિન્ના પ્રકૃતિરષ્ટધા ॥
પાંચ તન્માત્રાઓ - પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ તથા તેમની સાથે મન, બુદ્ધિ અને અહંકાર. આ આઠેય સાથે મળીને મારી અપરા પ્રકૃતિ બની છે. અહીં મહત્ત્વ એ વાતનું નથી કે આ પ્રકૃતિ શું છે ? મહત્ત્વ એ વાતનું છે કે ભગવાન કહે છે કે આ મારી પ્રકૃતિ છે.
પછી આગળ કહે છે કે આ જડ પ્રકૃતિ સિવાય મારી એક વધુ પરાપ્રકૃતિ છે. પ્રકૃતિમાં માધ્યમથી પરમાત્માની સીમિત, પરિચ્છિન્ન અભિવ્યક્તિને પરાપ્રકૃતિ કહે છે. આ પ્રમાણે સમજીએ - આપણા મનમાં શબ્દ, ‚રૂપ, રસ, ગંધ, સ્પર્શ આ પાંચેયનું જ્ઞાન ગ્રહણ કરવાની ક્ષમતા છે. પણ જ્યારે આપણું મન ફક્ત આંખોના માધ્યમથી કામ કરે છે તો તે કેવળ ‚રૂપને ગ્રહણ કરી શકે છે. એનો અર્થ એવો નથી કે મનની ક્ષમતા ઓછી છે. આ સીમા તો આંખોની કીકીઓની છે. જે કેવળ રૂ‚પને ગ્રહણ કરવાની ક્ષમતા ધરાવે છે. મન જ્યારે કાનના માધ્યમથી કાર્ય કરશે તો તે શબ્દને જ ગ્રહણ કરશે એટલે કે જે પ્રકૃતિના માધ્યમ દ્વારા પરિપૂર્ણ અભિવ્યક્ત પણ પરિચ્છિન્ન દેખાય છે. આ રીતે ઉપરોક્ત અપરા પ્રકૃતિના માધ્યમ દ્વારા પરમાત્માની અભિવ્યક્તિ પરિપૂર્ણ નથી થઈ શકતી. આ પરિચ્છિન્ન અભિવ્યક્તિને કહે છે જીવભાવ.
આ પ્રમાણે એક બાજુ તો છે જડ પ્રકૃતિ એટલે કે જગત. બીજી બાજુ છે ભગવાનની પરિચ્છિન્ન અભિવ્યક્તિ એટલે કે જીવ. આ જીવન અને જગતની ક્રિકેટ મેચ નિત્ય નિરંતર ચાલ્યા કરે છે અને આ બંને ટીમની વચ્ચે જે અમ્પાયર ઊભો છે તે છે ઈશ્ર્વર. તે જીવનું પણ નિયંત્રણ કરે છે અને જગતનું પણ. હવે આપણી પાસે ત્રણ ચીજો છે - જીવ, જગત અને ઈશ્ર્વર. આ ત્રણે એકબીજા પર નિર્ભર છે. જો જીવ ન હોય તો જગત કોના માટે ? અને જો જીવ અને જગત બંને જ ન હોય તો ઈશ્ર્વર કોનો નિયંત્રણકર્તા હશે ? જેમ કે જો બંને ટીમ મેદાનની બહાર જતી રહે તો અમ્પાયર ત્યાં કોના માટે ઊભો રહેશે ?
હવે એક વાત ગણિતની બીજી પણ આવે છે. If there are three variables matually dependent on each other, they are supported by a fourth entity which is a constant. જો આપણી સામે કેટલાંક એવાં તત્ત્વો છે જે એકબીજા પર આધારિત છે તો આવાં સાપેક્ષિત તત્ત્વોથી છેટે એક નિરપેક્ષ તત્ત્વ અવશ્ય હશે જે તેમનો આધાર છે. જેમ કે રાત અને દિવસ એકબીજા પર અવલંબિત છે, એક વગર બીજાનું અસ્તિત્વ જ નથી હોતું એવી જ રીતે સુખ-દુ:ખ, સુંદરતા-કુરૂ‚પતા, સારું-ખરાબ, બધું સાપેક્ષ છે અને એમની સાપેક્ષતાનો આધાર એક નિરપેક્ષ તત્ત્વ હોય છે. જેમ કે સારા વિચાર હોય કે ખરાબ વિચાર હોય બંને આવે તો મનમાં જ છે અને મન ન તો સારું હોય ન ખરાબ. જો મન સ્વયંમાં સારું કે ખરાબ હોય તો સારાપણું અને ખરાબપણું બંનેની અભિવ્યક્તિ તેમાં થઈ ન શકે. એ જ પ્રમાણે આ જીવ-જગત-ઈશ્ર્વરની સાપેક્ષતાનો પણ એક આધાર છે. તેને તૂરીય તત્ત્વ કહે છે, તેને જ પરમાત્મા કહે છે, તેને જ બ્રહ્મ કહે છે અને તેને જ ભગવાન કહે છે. આ જીવ, જગત અને ઈશ્ર્વર, બધાથી નિરપેક્ષ છે અને સ્વયં પરિપૂર્ણ છે.
હવે આપણે વિચાર કરીએ કે સાધના કોણે કરવાની છે ? લાલ રંગ પોતાની લાલાશ માટે દુ:ખી નથી. અગ્નિ પોતાની ગરમીના કારણે દુ:ખી નથી. સમુદ્ર પોતાની હલચલના કારણે દુ:ખી નથી. તાત્પર્ય એ છે કે આ જગત પોતાના કારણે દુ:ખી નથી. હવે પછીની વાત એ છે કે ઈશ્ર્વર જે પ્રકૃતિ અને જીવનો નિયંત્રણકર્તા છે તે પણ દુ:ખી નથી, કેમ કે ઈશ્ર્વરનું અંત:કરણ નથી. અંત:કરણની ઉપાધિ ધારણ કરનાર તો જીવ છે. ઈશ્ર્વર તો માયાની ઉપાધિ ધારણ કરે છે અને પરમાત્મા જે પરિપૂર્ણ છે તેમનો તો દુ:ખી થવાનો સવાલ જ પેદા નથી થતો. આ ચારેયમાં કેવળ દુ:ખી છે તે જીવ છે અને એટલે જ સાધના પણ તેણે જ કરવાની છે.