પંજાબના પ્રચાર પ્રમુખ શ્રી રામગોપાલજી પંજાબની વાસ્તવિક સ્થિતિ અને નશામુક્તિ માટે રા.સ્વ.સંઘે કરેલ વિશે વાત કરે છે

    ૨૮-જૂન-૨૦૧૬


શ્રી રામગોપાલજી જણાવે છે કે, પંજાબને જે રીતે નશીલું બતાવવામાં આવ્યું તે તેવું છે જ નહીં. લોકો કહે છે કે પંજાબનું સમગ્ર યુવાધન નશામાં ડૂબી ગયું છે પણ તે વાત ખોટી છે. હા, ગુટખા, દારૂ અને તમાકુનું વ્યસન ખૂબ છે. કેટલાંક અતિ ધનાઢ્ય અને શ્રીમંત વર્ગના નબીરાઓ અન્ય વ્યસનો કરે છે પણ આખે આખું પંજાબ કે એના યુવાનો નહીં.

  • અન્ય દેશોમાંથી નશીલા પદાર્થો પંજાબમાં આવે છે પણ અહીંથી તે અન્ય રાજ્યોમાં પહોંચાડી દેવાય છે. માત્ર પંજાબમાં જ તે નશો ખપી જતો નથી. હકીકતમાં વર્તમાન સરકાર અકાલી દળ અને ભાજપાની ગઠબંધનવાળી સરકારે અહીં ખૂબ કામ કર્યું છે. અહીંનો ટ્રેન્ડ બદલ્યો છે. સતત બીજી ટર્મ માટે સરકાર અહીં ચૂંટાઈ છે. વિપક્ષ પાસે મુદ્દો નથી. માટે આ મુદ્દાને આગળ કરી સરકારની છબી બગાડવાની કોશિષ થઈ રહી છે.
  • અન્ય રાજ્યોની જેમ પંજાબમાં પણ આ સમસ્યા છે. હા, સરહદી વિસ્તાર હોવાથી નશાનો પ્રભાવ અહીં વધારે છે પણ સંપૂર્ણ પંજાબ નશામાં છે તેવું કહેવું યોગ્ય નથી. પઠાનકોટ, ગુરૂદાસપુર, અમૃતસર, ફિરોજપુર અને ફાઝિલ્કા.... પંજાબના આ પાંચ જિલ્લાઓ સરહદી વિસ્તાર સાથે સંકળાયેલા છે. એટલે કે પાકિસ્તાની સરહદ સાથે સંકળાયેલા છે. આ પાંચ જિલ્લાના ૧૯ બ્લોક (ખંડ) છે. અહીં સંઘ તથા સંઘની સંસ્થાઓ દ્વારા નશામુક્તિ માટે કાર્ય થઈ રહ્યું છે, જેમ કે...
  • આ ૧૯ બ્લોકમાં સીમા સરહદી લોકસેવા સમિતિના બેનર હેઠળ અહીં જનજાગૃતિનાં કામો થાય છે. હમણાં જ ૨૦૧૪માં આ ૧૯ બ્લોકમાં એક વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન આ સમિતિ દ્વારા થયું હતું, જેમાં ૩૦ ટીમો આવી. કુલ ૩૦૦ ખેલાડીઓ આવ્યા અને બે દિવસ સુધી અહીં ટુર્નામેન્ટ રમાઈ. ૪૦૦ જેટલા બીજા યુવાનો પણ આવ્યા અને વ્યસનમુક્તિનો એક સંદેશ આ ટુર્નામેન્ટ થકી અનેક યુવાનો-લોકો સુધી પહોંચાડવાનો એક સફળ પ્રયત્ન થયો.
  • ૨૦૧૩માં ફાઝિલ્કા જિલ્લામાં મોટરસાઈકલ યાત્રાનું આયોજન થયું હતું. લગભગ ૪૦૦ મોટરસાઈકલ સાથે ૮૦૦ કરતાં વધુ યુવાનો તેમાં જોડાયા હતા. આ યાત્રામાં સરહદ સાથે જોડાયેલા ૨૫૦ કરતા વધુ ગામોને આવરી લેવાયાં. સતત બે દિવસ આ યાત્રા ચાલી. દરેક જગ્યાએ યુવાનોને-લોકોને જાગ્રત કરવામાં આવ્યા.
  • પંજાબના જે સરહદી વિસ્તાર છે ત્યાંના યુવાનોને સેનામાં ભરતી કરાવવા માટે દર ડિસેમ્બર મહિનામાં અહીં પાંચ દિવસનો કેમ્પ યોજવામાં આવે છે. કેમ્પમાં આ વિસ્તારના ૪૦થી ૯૦ની સંખ્યામાં નૌજવાનો જોડાય છે. ટ્રેનિંગ લે છે અને ઉલ્લેખનીય વાત એ છે કે આ કેમ્પમાં જોડાયેલા ૯૫ ટકા યુવાનો સેનામાં ભરતી પણ થઈ જાય છે.
  • માધવરાવ મૂલે સ્મારક સમિતિ પણ અહીં સેવાકાર્ય કરી રહી છે. આ સમિતિ દ્વારા સ્ત્રી હોમિયોપેથી ડિસ્પેન્સરી, સંસ્કાર કેન્દ્ર જેવા ૭૦ કરતાં વધારે સેવા યજ્ઞો ચાલી રહ્યા છે. આ સરહદી વિસ્તારોમાં જ લગભગ ૩૦૦ કરતાં વધારે ‘એકલ વિદ્યાલય’ વિશ્ર્વ હિન્દુ પરિષદ દ્વારા ચલાવાઈ રહ્યા છે.
  • ધર્મ જાગરણ દ્વારા ગુરૂ તેગ બહાદુર બલિદાન દિવસ પર આ બોર્ડર વિસ્તાર પર એક જાગરણ યાત્રા પણ કાઢવામાં આવે છે. સરહદ સુરક્ષા, વ્યસનમુક્તિ આ યાત્રાનો મુખ્ય વિષય હોય છે.