ખજાનો

    ૦૧-જુલાઇ-૨૦૧૬


અજય અને રમેશ શાળામાંથી ઘેર આવી રહ્યા હતા. થોડોક રસ્તો નદીને કિનારેથી પસાર થતો હતો. તડકામાં નદીનું પાણી ચમકતું હતું. એક તૂટેલી હોડી કિનારે પડેલી બંને જોતા હતા. એકબીજાને તે પૂછતા હતા : "આ હોડી કોની હશે ?

એક દિવસે વહેલી શાળા છૂટી ગઈ. તે દિવસે તેમણે હોડીની તપાસ કરવાનો વિચાર કર્યો. બંને હોડીની નજીક જઈને જોવા લાગ્યા. હોડી ત્રાંસી હતી. તેમાં થોડુંક પાણી ભરાયેલું હતું અને પાંદડાં પણ હતાં. કોહવાટની વાસ આવી રહી હતી. રમેશે હોડીમાં ચમકતી કોઈ ચીજ જોઈ. તે સિક્કો હતો. અજયે રમેશને હોડીમાં જવાની ના પાડી છતાં તે ગયો અને પેલો સિક્કો લઈ આવ્યો ને હસતાં હસતાં બોલ્યો : "ખજાનો !

અજયે કહ્યું : "આ તો એક ‚પિયાનો નવો સિક્કો છે, તે ખજાનો કેવી રીતે કહેવાય ?

રમેશે કહ્યું : "આપણી ચોપડીમાં ‘ખજાનો શોધ’ વાર્તા આવે છે, તે તેં પણ વાંચી હશે.

"હા, પણ એ તો ખાલી વાર્તા છે. એ રીતે કાંઈ ખજાનો ન મળી જાય.

ત્યારે ત્યાંથી પસાર થતા એક માણસે કહ્યું : "બાળકો, અહીં એરું નીકળે છે, તમે અહીં શું કરો છો ?

"આ હોડી જોઈ રહ્યા છીએ, કોની છે તે ? અજયે પૂછ્યું.

"અરે, એ તો પેલા ઝૂલણ ડોસાની છે. જેવો ડોસો તેવી તેની હોડી. તે વાર્તાઓ સરસ કહે છે. મળવું છે તમારે

તેને ? જુઓ, પેલી ઝૂંપડી રહી, તેમાં તે રહે છે.

અજય અને રમેશ ઝૂંપડીની નજીકમાં ગયા. અંદર એક ડોસો જોર જોરથી ખાંસી રહ્યો હતો. બંને ઝૂંપડીની અંદર ગયા. અજયે તરત જ ડોસાના બરડામાં હાથ ફેરવવા માંડ્યો. રમેશે બાજુના ઘડામાંથી પાણી લઈને પિવડાવ્યું. ડોસાને થોડોક આરામ થયો. તેણે ધીમેથી પૂછ્યું : "બાળકો, તમે કોણ છો અને અહીંયાં શા માટે આવ્યા છો ?

"અમે તો ખાલી ફરતા ફરતા આવ્યા છીએ, પરંતુ તમે દવા કેમ લેતા નથી ? અજયે પૂછ્યું.

ડોસાએ કહ્યું : "દવા કોણ આપે

મને ? હું તો અહીં એકલો જ રહું છું.

રમેશે પૂછી જ લીધું : "દાદા, પહેલાં તો તમે હોડી ચલાવતા હતા ને ? શું તમે કોઈ ખજાના વિશે જાણો છો ?

ડોસાએ હસીને કહ્યું : "બાળકો, મેં ખજાનાની વાર્તાઓ તો સાંભળી છે, પરંતુ તે તો કેવળ કહેવાની વાર્તાઓ જ હોય છે.

બંને જવા માટે ઊભા થયા એટલે ઝૂલણ ડોસાએ કહ્યું : "બાળકો, બીજી વાર આવજો, ત્યારે ખજાનાની વાર્તા સંભળાવીશ.

રમેશના પપ્પા વૈદ્ય હતા. તેણે પપ્પાને ઝૂલણડોસાની વાત કહી, ને પછી તેમને માટે ખાંસીની દવા માગી, પપ્પાએ કહ્યું : "દરદીને તપાસ્યા વગર દવા આપવાથી કોઈ ફાયદો થતો નથી. પરંતુ રમેશે જીદ કરી એટલે તેમણે એક દવા બાંધી આપી.

બીજે દિવસે સ્કૂલમાંથી છૂટીને પાછા આવતાં બંને જણા ઝૂલણની ઝૂંપડી પાસે ગયા. ત્યારે એક માણસ ઝૂંપડીમાંથી બહાર નીકળીને ઝટપટ ભાગી રહ્યો હતો, તે બંનેએ જોયું.

અજયે કહ્યું : "જ‚ર કોઈ ચોર લાગે છે. તેને તો પકડી લેવો જોઈએ. પછી બંને બૂમો પાડવા લાગ્યા : "ચોર...ચોર...! પકડો...પકડો...!

એ જ વખતે ડોસાએ બહાર આવીને કહ્યું : "જવા દો તેને.

પરંતુ સામેથી આવતા બે માણસોએ, ભાગી રહેલા ઇસમને પકડી લીધો, અને તેને ઝૂંપડીની પાસે લઈ આવ્યા.

"દાદા, તમારો ચોર પકડાઈ ગયો છે. અજયે કહ્યું.

"જવા દો, તેને ડોસાએ કહ્યું.

ચોરને પકડી લાવનારા માણસોએ ચકિત થઈને કહ્યું : "દાદા, ચોરને શા માટે છોડી દેવો જોઈએ, તેને તો પોલીસને હવાલે કરવો જોઈએ. જો આ બાળકોએ બૂમ પાડી ન હોત તો તે તો ભાગી જવાનો જ હતો.

આખરે તેની તલાશી લેતાં તેના ખિસ્સામાંથી સૌ-સૌની કેટલીક નોટો મળી આવી.

ડોસાએ કહ્યું : "આ મારો પુત્ર છે. તે જુદો રહે છે. ગઈકાલે મારા જૂના એક ગ્રાહક આવ્યા હતા. તેઓ પહેલાં મારી હોડીમાં મુસાફરી કરતા હતા. તેના બાકી ‚પિયા તેમણે મને આપ્યા હતા. ત્યારે મારો પુત્ર અહીં હાજર હતો. આજે આવીને તેણે મારી પાસે પૈસા માગ્યા, પરંતુ મેં આપવાની ના પાડી, એટલે તે મારી પાસેથી પૈસા ઝૂંટવી લઈને ભાગ્યો હતો.

"પુત્ર હોય તેથી શું થયું ? તેણે પૈસાની ચોરી તો કરી જ છે, તો તેને સજા થવી જ જોઈએ. ઝૂલણના પુત્રને પકડી લાવનારાઓએ કહ્યું.

"હા, તેને પોલીસને હવાલે કરવો જ જોઈએ. અજય અને રમેશે પણ તે જ વાત કહી.

"તે નકામો છે, રખડેલ છે. જો તેને પોલીસને સોંપી દેવામાં આવશે. તો તેનાં બાળબચ્ચાં ભૂખે મરી જશે. તેને જવા દો ઝૂલણે વિનંતી કરી.

"દાદા, તમારો પુત્ર તમારી જ દેખભાળ રાખતો નથી, છતાં પણ તમે તેની તરફેણ કરી રહ્યા છો ? અજયે પૂછ્યું પરંતુ ઝૂલણે કશું ન કહ્યું.

બસ, તેની આંખોમાંથી આંસુ પડી રહ્યા હતા. તેના પુત્રને છોડી દેવામાં આવ્યો. તે માથું ઝુકાવીને ત્યાંથી ચાલ્યો ગયો હતો. ઝૂલણના ‚પિયા તેને મળી ગયા હતા.

ઝૂલણની સાથે અજય અને રમેશ પણ ઝૂંપડીની અંદર ગયા. રમેશે ઝૂલણને દવા આપી. ઝૂલણે કહ્યું : "બેટા, તું મને ક્યાં સુધી દવા આપતો રહીશ ?

રમેશે કહ્યું : "દાદા, તમારી ખાંસી મટી ન જાય ત્યાં સુધી દવા આપીશું. અમે આ જ રસ્તે થઈને સ્કૂલમાં આવજા કરીએ છીએ.

થોડી વાર પછી અજય અને રમેશ પણ ઘેર જવા નીકળ્યા. રસ્તામાં અજય મર્માળું હસીને પૂછતો હતો : "મળી ગયો તને તારો ખજાનો ! રમેશ ?

"હા, મને તો જ‚ર મળી ગયો છે ખજાનો. તું તારી વાત કહે. એટલું કહીને રમેશ ખિલખિલ કરતો હસી પડ્યો હતો.

અને ઝૂલણની ખાંસી મટી ન જાય ત્યાં સુધી તેની પાસે રોજ જવાનું તેણે નક્કી કરી લીધું હતું.

 

બાળપ્રેરક પ્રસંગ

ગાંધીજીની નિર્ભયતા

સત્યાગ્રહ આંદોલન ખૂબ જોરશોરથી ચાલી રહ્યું હતું. અંગ્રેજ સરકાર ગાંધીજીના આંદોલનથી પરેશાન હતી. એક અંગ્રેજ અધિકારીએ ગુસ્સાથી આવેશમાં આવીને ત્યાં સુધી કહી દીધું : "જો ગાંધી મને ક્યાંક મળી જાય તો હું તેને ગોળીએ દઈ દઉં. ગાંધીજી સુધી પણ આ વાત પહોંચી. તેઓ બીજા દિવસે સવારમાં તે અંગ્રેજના ઘરે એકલા જ પહોંચી ગયા. તે સમયે તે અંગ્રેજ ઊંઘી રહ્યો હતો. જાગ્યા ત્યારે મુલાકાત થઈ.

"હું ગાંધી છું. તમે મને મારવાની પ્રતિજ્ઞા લીધી છે ને ! હું તમારી પાસે એટલા માટે આવ્યો છું કે તમે તમારું કામ સુવિધાથી કરી શકો. ગાંધીજીના આ શબ્દો સાંભળીને તે અંગ્રેજને પસીનો વળી ગયો, તેના હૃદયનું પરિવર્તન થયું. મારવાની વાત તો દૂર, ત્યાર બાદ તે અંગ્રેજ ગાંધીજીનો પરમ ભક્ત બની ગયો. આવા નિર્ભય હતા મહાત્મા ગાંધી.

 

પ્રશ્ર્નમંચ - ૨૫૮

૧.    સૌથી ઝડપી દોડી શકતું પ્રાણી કયું છે ?

૨.    સૌથી લાંબી ડોકવાળું પ્રાણી કયું છે ?

૩.    પ્રયાગમાં કેટલી નદીઓનો સંગમ થાય છે ?

૪.    રાજા વિક્રમાદિત્ય કયા નગરના રાજા હતા ?

૫.    શિવાજી મહારાજના ગુરુ કોણ હતા ?

૬.    આસામના નવા મુખ્યમંત્રી કોણ છે ?

૭.    કયા દેશને જ્વાળામુખીનો દેશ કહેવાય છે ?

૮.    દુનિયાનું સૌથી નાનું પક્ષી કયું છે ?

૯.    ગીર અભયારણ્ય શાના માટે જાણીતું છે ?

૧૦.   રેડિયમના શોધક કોણ હતા ?