હિન્દુ સ્વયં સેવક સંઘ દ્વારા ઓસ્ટ્રેલિયામાં સંઘ શિક્ષાવર્ગ

    ૨૬-જુલાઇ-૨૦૧૬


હિન્દુ સ્વયંસેવક સંઘ ઑસ્ટ્રેલિયા દ્વારા સંઘ શિક્ષા વર્ગ ૨૦૧૬ (એસ. એસ. વી. ૨૦૧૬)નું આયોજન ઓસ્ટ્રેલિયાના પર્થ શહેરમાં દિનાંક ૧/૭/૨૦૧૬થી દિનાંક ૯/૭/૨૦૧૬ સુધી  થયું. હોલીડે રિક્રિયેશન સેન્ટર હિલારીસમાં યોજાયેલા કેમ્પમાં ૧૦૬ યુવક અને યુવતીઓએ ભાગ લીધો. સિડની, મેલબોર્ન, કેનબરા, એડિલેટ તેમજ બ્રિસ્બન અને પર્થ જેવા શહેરોમાંથી શિક્ષાર્થીઓ આવેલા.

વહેલી સવારે ૫.૩૦ના જાગરણ બાદ રાત્રે ૧૦.૩૦ સુધી અલગ અલગ પ્રકારની શારીરિક અને બૌદ્ધિક પ્રવૃત્તિમાં દિવસ ક્યાં પસાર થાય છે તેની ખબર પણ પડતી નહીં, શારીરિક જેમ કે યોગચાપ (લેજીમ) નિયુદ્ધ (જ્યુડો કરાટે) દંડ (લાઠી) સમતા તેમજ આચાર પદ્ધતિ જેવા કાર્યક્રમો સવારે ૬.૩૦થી ૮.૦૦ અને સાંજે ૪.૦૦થી ૫.૩૦ સુધી દિવસમાં બે વખત મેદાનમાં થતા. ઉપરાંત, સવારે ૯.૦૦થી ૧૦.૩૦ અલગ અલગ ભારતીય રમતોનું શિક્ષણ આપવામાં આવતું. બધા જ યુવકો અને યુવતીઓ ઉત્સાહથી જોશભેર દરેક શારીરિક કાર્યક્રમમાં ભાગ લેતા, બૌદ્ધિક કાર્યક્રમો જેમકે અલગ અલગ વિષયો દ્વારા હિન્દુ ધર્મના પ્રાચીન અને અર્વાચીન વારસા બાબત તેમજ દરેક પ્રકારે ચરિત્ર સંપન્ન કેમ થવું તેનું માર્ગદર્શન તેમજ ચર્ચા અને કાર્યશાળા મારફત આપવાનો પ્રયત્ન થયો. સવારે ૬.૦૦ વાગ્યે ચા અને બિસ્કિટ સાથે દિવસ શ‚ થતો અને ૮.૩૦ વાગે સરસ મજાનો નાસ્તો, બપોરે ૧૨.૩૦ વાગે ભોજન ફરી ૩.૩૦ના ફ્રૂટ અને બિસ્કિટ જેવો નાસ્તો અપાતો અને રાત્રે ૮.૦૦ના ભોજન, જેમાં દરેક દિવસે અલગ અલગ પ્રાંતની વેરાયટી મળતી ક્યારેક દક્ષિણ ભારતીય તો ક્યારેક પંજાબી અને ગુજરાતી ભોજનનો આનંદ બધાએ ખૂબ લીધો. પર્થ શહેરના સ્થાનિક સામાજિક કાર્યકરો દ્વારા સાંજે આરતી બાદ પ્રેરણાદાયક પ્રસંગો કહેવામાં આવતા, જેનાથી યુવકો અને યુવતીઓને જીવંત ઉદાહરણ મળતું. દિનાંક ૯/૭/૨૦૧૬ના જાહેર સમારોપનું આયોજન થયું અને દરેક શિક્ષાર્થીએ શારીરિક કાર્યક્રમોનું પ્રદર્શન કર્યું. કાર્યક્રમના ચીફ ગેસ્ટ શ્રી દેવેન્દ્રજી (ઇન્ડિયન કૉન્સ્યુલેટ જનરલ) ઉપસ્થિત રહ્યા. ભારતથી પધારેલ માનનીય શ્રી ભીષ્માજી અને શ્રી અલકાતાઈજીનું માર્ગદર્શન મળ્યું. યુએસથી શ્રી અપર્ણાજી પૂર્ણ સમય હાજર રહી માર્ગદર્શન પૂરું પાડતા. એચ. એચ. એસ. ઑસ્ટ્રેલિયાના કાર્યવાહ શ્રી રામયાજી પ્રારંભથી અંત સુધી કેમ્પની સફળતા માટે કાર્યરત રહ્યા. ૯ દિવસના નિવાસી કેમ્પને સફળ બનાવવા ૧૨ કાર્યકર્તાએ તેમનો પૂર્ણ સમય કેમ્પ માટે આપ્યો. પર્થના સંઘ પરિવારે દરેક રીતે કેમ્પને સફળ બનાવવા તન, મન અને ધનથી સહયોગ આપ્યો. મોટાભાગનું રાશન સંઘ પરિવાર દ્વારા જેમ કે કેશવ શાખા, શિવાજી શાખા, વેને‚ શાખા અને વિવેકાનંદ શાખાના કાર્યકર્તા પરિવારમાંથી સહયોગ મળ્યો. દરરોજના ભોજન બનાવવાની વ્યવસ્થા વિવેકાનંદ શાખા તેમજ અન્ય શાખાનાં કાર્યકર્તા ભાઈ-બહેનો દ્વારા મળી.

પર્થમાં કાર્ય સારું થયું તેને ૭ વર્ષ જ થયાં હોવા છતાં કાર્યકર્તાઓએ આ સંઘ શિક્ષા વર્ગ સફળ બનાવ્યો તે અભિનંદનને પાત્ર છે.