ગણપતિ બાપા આવ્યા રે....

    ૩૧-ઓગસ્ટ-૨૦૧૬


સ્વર્ગના બગીચામાં શંકર ભગવાન અને પાર્વતી મા લટાર મારી રહ્યાં હતાં. એટલામાં એમણે ગણેશજીને જોયા. ગણેશજીના ચહેરા ઉપર ખૂબ જ ઉદાસી અને દુ:ખ સ્પષ્ટ દેખાતું હતું. પાર્વતી માતાએ હસતાં હસતાં પૂછ્યું : ‘બેટા ગણેશ... કેમ ઉદાસ અને દુ:ખી દેખાય છે ? શું થયું ?’
ગણેશજીએ રડમસ થઈને કહ્યું, ‘માતાશ્રી, આ પૃથ્વીવાસીઓ આજકાલ ગલીગલીએ મારા નામથી ગણેશ મહોત્સવની ભવ્ય ઉજવણી કરે છે. એમાં મારા પ્રત્યેની ભક્તિ અને ધર્મ એક બાજુ મુકાઈ જાય છે અને આ માણસ નામના પ્રાણીઓ બીજા જ પ્રકારના જલસા કરે છે...!!’
પાર્વતી માતા કહે, ‘બેટા, એ માણસો છે. સામાન્ય પ્રાણીઓ છે. જીવનથી થાકેલા, હારેલા, ઉદાસ આ નવ-દસ દિવસ તારા પ્રત્યેની ભક્તિ અને આસ્થાના કારણે થોડા જલસા કરે તો તને શું વાંધો છે. કરવા દે જલસા માણસોને...!!’
શંકર ભગવાન કહે, ‘અરે બેટા ગણપતિ... આ માણસો છે. એ જે કરે એને તો આપણે પણ ન પહોંચી શકીએ એ માણસો આપણા પ્રત્યે કેટલી શ્રદ્ધા, વિશ્ર્વાસ રાખે છે પછી એમાં થોડા માણસો દંભ કરે.. ધતિંગ કરે. ગણેશ મહોત્સવના નામથી જલસા કરે કે બીજું કાંઈ કરે એનાથી નારાજ ન થવાય...!!!’
ગણેશજી કહે : ‘અરે માતાશ્રી... પિતાશ્રી... હું બધું સમજું છું. ‘ગણેશ મહોત્સવ’ની ભવ્ય ઉજવણી થાય એ મને ગમે જ છે. હું દરેક ‘ગણેશ મહોત્સવ’માં સૂક્ષ્મ ‚પે હાજર જ હોઉં છું, પણ મારા નામથી આ માણસ નામના પ્રાણીઓ જાતજાતના દેખાડા, ધતિંગ, છેતરપિંડી, દંભ અને ખાસ તો પૈસાનું પ્રદર્શન કરે છે એ મને નથી ગમતું...!!’
પાર્વતી માતા કહે : ‘અરે, બેટા ગણેશ... આ માણસોએ આપણને જે શ્રદ્ધાથી પૂજ્યા છે. આપણી આરતી ઉતારી છે. આપણા નામથી ઉપવાસ કર્યા છે. એ આપણે ન ભૂલવું જોઈએ !’
શંકર ભગવાન કહે : ‘આ માણસોએ ખૂબ વિકાસ કર્યો છે. નવી ટેક્નોલોજીથી જાતજાતની સુખ સુવિધાઓ વચ્ચે રહે છે છતાં આપણને યાદ કરે છે એ ન ભૂલવું જોઈએ...!!’
ગણપતિએ ગુસ્સાથી કહ્યું, ‘આ બધું ઠીક છે, કબૂલ છે પણ માણસો જ્યારે દુ:ખ પડે, તકલીફમાં હોય ત્યારે જ આપણને યાદ કરે છે.’
પાર્વતી માતા કહે, : ‘બેટા, તું આજે આ માણસો ઉપર ખોટો ગુસ્સે થયો છે. તને એમની ખામીઓ જ દેખાય છે. ગુણો નથી દેખાતા.’
શંકર ભગવાન કહે, ‘આ માણસોએ જ ‘ગણેશ મહોત્સવ’ની નવ દિવસની ઉજવણી કરીને તને આખા વિશ્ર્વના ખૂણેખૂણે લોકપ્રિય કરી દીધો છે. એમાં એ માણસોની તારા પ્રત્યેની આસ્થા, શ્રદ્ધા લાગણી પ્રેમ નથી તો બીજું શું છે ? આ માણસોનો તારા પ્રત્યેનો અપાર પ્રેમ નથી તો બીજું શું છે ?
ગણપતિજીએ સ્મિત કરતા કહ્યું, ‘હા... તમારી વાત સાચી... આ માણસોનું ચાલે ને તો એ આપણા ત્રણેને વેચીને ચણા ખાય એવા છે !!’
શંકર-પાર્વતી કહે, ‘બેટા, તું આવું કટાક્ષમાં કેમ બોલે છે ?’
ગણપતિજીએ કહ્યું : ‘આ ગણેશ મહોત્સવ’ના નામથી નવ-દસ દિવસ સુધી ધર્મ, ભક્તિ, શ્રદ્ધા, આસ્થાના નામ ઉપર એ લોકો સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરે છે. એમાં ફિલ્મી ડાંસના કાર્યક્રમો કરે છે. લાઉડ સ્પીકરોથી અવાજનું પ્રદૂષણ કરે છે. ગંદકી કરે છે. ફેશન શોનું પ્રદર્શન કરે છે. ચા-પાણી-નાસ્તા અને જમણવારના મારા નામથી જલસા કરે છે.
પાર્વતી મા કહે : ‘અરે બેટા, એ સામાન્ય માનવીઓ છે. થોડા જલસા તો કરે ને ? એ જિંદગીથી કંટાળેલા હોય છે એટલે આવી નાનીનાની ખુશીઓ શોધે છે. ચાલે એ તો !!’
શંકર ભગવાન કહે : ‘માણસો રોજની જિંદગીમાં નોકરી-ધંધા, ભણવાનું અને બીજી કંટાળાજનક પ્રવૃત્તિથી ત્રાસેલા હોય છે. તો તારા નામથી થોડી ખુશી મેળવતા હોય, જલસા કરતા હોય તો એમને આપણે માફ કરી દેવા જોઈએ.’
ગણપતિ કહે : ‘અરે, આ બધું તો ઠીક.. છેલ્લા દિવસે ગણેશ મહોત્સવના નામથી મારી કેમિકલવાળી મૂર્તિઓ તળાવના પાણીમાં વિસર્જિત કરે છે. મને નદી-તળાવના પાણીમાં બધા ભેગા થઈને ડુબાડી દે છે. આ બધા માણસોને કોઈ તળાવના પાણીમાં ડુબાડી દે તો ?’
શંકર-પાર્વતી કહે : ‘બેટા... આવું ન બોલ.. એ લોકોની શ્રદ્ધા-પ્રેમ જો.. હવે લોકોમાં જાગૃતિ આવી જ છે. એ લોકો હવે હોજ બનાવે છે. કુંડ બનાવે છે અને પછી મૂર્તિ વિસર્જિત કરે છે. પર્યાવરણને બચાવે છે. પાણીને બચાવે છે. હા... થોડા લોકો હજુ આ બધું નથી સમજતા પણ ધીમે ધીમે સમજશે. બધા માણસો ખરાબ નથી...!!’
ગણપતિએ હસતાં હસતાં કહ્યું, : ‘માતાશ્રી... પિતાશ્રી મને તો આ બધું જ ખબર છે, પણ મારે તો આ માણસો પ્રત્યેનો તમારો પ્રતિભાવ જાણવો હતો કે આ ‘ગણેશ મહોત્સવ’ના નામથી આ માણસો જે ભવ્ય આયોજનો કરે છે. એમાં તમે બંને ખુશ છો કે નહીં ?’
શંકર-પાર્વતીમાતા હસતાં હસતાં
કહે : ‘અરે, ભોળા ગણેશ... અમને પણ તારી ખબર છે કે તું ખોટો ખોટો નારાજ થાય છે. તને પણ આ માણસોની શ્રદ્ધા, પ્રેમ, લાગણી, આસ્થા ગમે જ છે.’
ગણપતિએ ખડખડાટ હસતાં
કહ્યું, : ‘હા... મને પણ આ માણસોના ‘ગણેશ મહોત્સવ’ ગમે જ છે. હું પૃથ્વી ઉપર દરેક ‘ગણેશ મહોત્સવ’માં સાક્ષાત્ હાજર જ હોઉં છું. થોડા માણસો ખરાબ છે, પણ એમને તો હું ‘સીધા’ કરી જ દઈશ. માતાશ્રી, પિતાશ્રી... આ વખત ‘ગણેશ મહોત્સવ’માં તમે બંને પણ મારી સાથે દરેક ‘ગણેશ મહોત્સવ’માં લટાર મારવા આવજો જ. માણસોની ‘લીલા’ જોવા મળશે.
શંકર-પાર્વતીમાતાએ હસતાં-હસતાં કહ્યું, ‘ચોક્કસ દીકરા... આપણે ત્રણે પૃથ્વીના દરેક ‘ગણેશ મહોત્સવ’માં ચોક્કસ અને અચૂક હાજર રહીશું.’

પ્રેરક પ્રસંગ

સમયનું મૂલ્ય

ખૂબ મોડા સુધી બેન્જામિનની દુકાનની સામે ફરનારી એક વ્યક્તિએ અંતે પૂછ્યું : "આ પુસ્તકનું મૂલ્ય શું છે ? ક્લાર્કે જવાબ આપ્યો : "એક ડૉલર "એક ડૉલર ? "આનાથી ઓછું નહીં ?
"ના.
ખરીદનારાએ થોડી વાર સુધી વિચાર્યા બાદ તેને પૂછ્યું : "શું મિસ્ટર બેન્જામિન અંદર છે ? "હા, છે, પરંતુ અત્યારે તેઓ કામમાં વ્યસ્ત છે. ગ્રાહકે કહ્યું : "હું તેમને મળવા માગું છું. માલિકને બોલાવવામાં આવ્યા. ગ્રાહકે પૂછ્યું, "મિસ્ટર બેન્જામિન, તમે આ પુસ્તકનું ઓછામાં ઓછું કેટલું મૂલ્ય લેશો ? "સવા ડૉલર.
"અત્યારે તો તમારો ક્લાર્ક એક ડૉલર કહી રહ્યો હતો. "એ ઠીક છે, પરંતુ પોતાનું કામ છોડીને આવતાં મારો પણ સમય ખર્ચ થયો છે. ગ્રાહક આશ્ર્ચર્યચકિત થઈને જોવા લાગ્યો. વાતચીત સમાપ્ત કરવાની ઇચ્છાથી તેણે અંતિમ વાર ફરી પૂછ્યું, "સારું, છેલ્લી વાર આનું ઓછામાં ઓછું મૂલ્ય મૂલ્ય જણાવો, તો હું લઈ લઉં.
"દોઢ ડૉલર.
"દોઢ ડૉલર ? અત્યારે તો તમે સવા ડૉલર કહી રહ્યા હતા. "હા, તે મૂલ્ય મેં તે સમયે કહ્યું હતું. હવે દોઢ ડૉલર થશે અને જેટલો અમારો સમયનો વ્યય કરતા જશો, પુસ્તકનું મૂલ્ય વધતું જશે. ગ્રાહકે પૈસા આપી દીધા અને પુસ્તક લઈને ચાલ્યો ગયો. આપણે આજના સમયને ધન અને વિદ્યામાં પરિવર્તિત કરનારા તે દુકાનના માલિક પાસેથી શિક્ષણ મેળવવું જોઈએ.

પ્રશ્ર્નમંચ - ૨૬૫

૧. જમ્મુ-કાશ્મીરના વર્તમાન મુખ્યમંત્રી કોણ છે ?
૨. રિયો ઓલિમ્પિકમાં ભારત માટે સિલ્વર પદક મેળવનાર મહિલા કઈ છે ?
૩. આર.બી.આઈ.ના નવા ગવર્નર કોણ છે ?
૪. ગુજરાતનું સૌપ્રથમ પ્લેનેટોરિયમ કયાં સ્થપાયું હતું ?
૫. ગુજરાત રાજ્યના નવા મુખ્યમંત્રીનું નામ શું છે ?
૬. આ વર્ષે ‘સાધના’ સાપ્તાહિક તેનાં કેટલાં વર્ષની ઉજવણી કરી રહ્યું છે ?
૭. શિક્ષક દિન કયા મહાપુરુષની યાદમાં ઊજવાય છે ?
૮. તાજેતરમાં કઈ મહિલાએ પોતાના ૧૬ વર્ષના ઉપવાસ તોડ્યા ?
૯. વિસ્તારની દૃષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કયો છે ?
૧૦. તાજેતરમાં જ અભિનેતા ઋત્વિક રોશનની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ પર આવેલી ફિલ્મ કઈ છે ?