કોઈપણ વિકટ પરિસ્થિતિમાં તમારા મનને નબળું ન પડવા દો

    ૩૧-ઓગસ્ટ-૨૦૧૬

એક પ્રસંગ છે : એક મોબાઈલ ટાવરની ટોચે પહોંચી જવાની દેડકાઓ વચ્ચે હરીફાઈ હતી. દશેક દેડકાંઓ એ હરીફાઈમાં સામેલ થયા તો હતા પણ નીચે રહેલા દેડકાઓએ એ દેડકાઓના ઉત્સાહને તોડી નાખવાનું શરૂ કર્યું. ‘તમે ઉપર પહોંચી રહ્યા ! ટાવર ખૂબ ઊંચો છે અને તમારા પગ નાના છે. વળી, ઉપર જતાં સંતુલન ગુમાવીને જો નીચે પડશો તો તમારા સહુનું રામ બોલો ભાઈ રામ થઈ જશે. બહુ ડાહ્યા ન થાઓ, પાછા વળી જાઓ.’ આવા ઉત્સાહભંગના શબ્દો સાંભળીને નવ દેડકાઓ તો પાછા નીચે ઊતરી ગયા પણ એક દેડકો તો ઉપર પહોંચી જ ગયો. તાળીઓના ગડગડાટથી સૌએ તેને વધાવી તો લીધો પણ એ જ્યારે નીચે આવ્યો ત્યારે અન્ય દેડકાઓએ એને પૂછ્યું, ‘નીચે રહેલા કેટલાક દેડકાઓ ઉત્સાહભંગના શબ્દો બોલી રહ્યા હતા છતાં તું ઉપર કેવી રીતે પહોંચી ગયો ?’ ‘એવું છે ને કે મને આમેય ઓછું સંભળાય છે.’ એ દેડકાએ હસતાં હસતાં જવાબ આપી દીધો. હા, રસ્તા ખરાબ હોવા છતાં ગાડી મંજિલે પહોંચી શકે છે. જો ગાડીમાં પેટ્રોલ પર્યાપ્ત માત્રામાં હોય છે તો અને રસ્તા સારા હોવા છતાં ગાડી આગળ વધી નથી શકતી જો ગાડીમાં પેટ્રોલ નથી હોતું તો ! જીવનનું પણ આવું જ છે કષ્ટોની વણઝાર છતાં અને તકલીફોની હારમાળા છતાં જીવન મજેથી આગળ ધપતું રહે છે, જો મન ઉત્સાહસભર હોય છે તો અને સંખ્યાબંધ અનુકૂળતાઓ છતાં જીવન સ્થગિત થઈ જાય છે જો મન ઉત્સાહ વગરનું હોય તો ! એક વાસ્તવિકતાના ખ્યાલમાં ચાલતા હોય છે પણ એને કઈ દિશામાં ચલાવવી એનો નિર્ણય કરતું હોય છે મન ! જોતી હોય છે આંખ પણ એને શું જોવડાવવું એનો નિર્ણય કરતું હોય છે મન ! બસ, એ જ ન્યાયે ચાલતું હોય છે જીવન પણ એને કઈ રીતે ચલાવવું અને કઈ રીતે જીવાડવું એનો નિર્ણય કરતું હોય છે મન ! આનો અર્થ ? આ જ કે જો તમે જીવન ઢસડી રહ્યા છો તો એ એટલું જ સૂચવે છે કે તમે તમારા મનને માયકાંગલું બનાવી બેઠા છો અને જીવન જો તમે ઊંચકી રહ્યા છો તો એ એટલું જ સૂચવે છે કે તમારા મનને તમે મજબૂત બનાવી ચૂક્યા છો. બાકી એક વાત સ્પષ્ટ છે કે સમસ્યા ચહેરા પરના સ્મિતને ગાયબ જ કરનારી બની રહેતી હોય તો આ જગતના એક પણ માણસના ચહેરા પર સ્મિત ન જ હોવું જોઈએ, કારણકે આ જગતનો એક પણ જીવ એવો નથી કે જેના જીવનમાં એક પણ સમસ્યા ન હોય . ના, સંખ્યાબંધ સમસ્યાઓ વચ્ચે પણ ચહેરા પરના સ્મિતને અકબંધ રાખનારા જીવોની સંખ્યા આ જગતમાં કાંઈ નાનીસૂની નથી. આ વાસ્તવિકતા એટલું જ સૂચવે છે કે સ્મિતનો સંબંધ સમસ્યા સાથે એટલો નથી જેટલો મનના અભિગમ સાથે છે. મનનો અભિગમ જો હકારાત્મક છે, ઉત્સાહસભર છે તો ચહેરા પર સ્મિત અકબંધ છે અને મનનો અભિગમ જો નકારાત્મક છે, મુડદાલ છે તો ચહેરા પર સ્મિતનો દુષ્કાળ છે અલબત, એક પ્રશ્ન મનમાં એ ઊઠે કે કષ્ટોની વણઝાર વચ્ચે ય મનને ઉત્સાહસભર રાખવું શી રીતે ? મનના અભિગમને હકારાત્મક અને તાજગીસભર રાખવો શી રીતે? આ પ્રશ્ર્નનો જવાબ આ છે કે ‘હજુ પણ વધુ બગડી શકતું હતું’ આ વિચારને સતત ધબકતો રાખવો. બસ, તમે એ યાદ રાખી લો કે જીવનમાં ઓજસ્વી અને તેજસ્વી આ વિચારણા જ મનને કષ્ટોની વણઝાર વચ્ચે ય સ્વસ્થ રાખવાની પ્રચંડ ક્ષમતા ધરાવે છે.

ઝૂકનારો જીતે છે...

સાગરને મળી રહેલી નદી આજે ખૂબ પ્રસન્ન હતી. સાગરે નદીને પ્રસન્નતાનું કારણ પૂછ્યું. નદી કહે, કેટલાંય વરસોથી વચ્ચે રહેલો એક પર્વત તને જલદી મળવામાં મને અંતરાય કરતો હતો. એ પર્વતને મેં વર્ષો પછી આજે તોડી નાખ્યો ! ચારેય બાજુ હું જાહેરાત કરતી આવી છું કે મારા રસ્તામાં જે કોઈ પણ અવરોધ કરશે તેના આ પર્વત જેવા હાલ-બેહાલ થઈ જશે.
સાગર હસ્યો, બહેન ! એક કામ કરીશ ? આ એક બાજુ નેતરની સોટીઓ ઊગી છે તેમાંથી બે-ચાર સોટીની મારે જરૂર છે, લાવી આપીશ ?
નદી તો ઊપડી નેતરની સોટી લેવા. ભારે જોશથી નેતર પર આક્રમણ કર્યું પણ નદી જેવી નેતર પર કૂદી કે તરત જ નેતરે પોતાની કાયા નમાવી દીધી. નદીનું પાણી રવાના થતાં નેતર વળી પાછું ઊભું થઈ ગયું. આ જોઈને નદી વધુ ગુસ્સે થઈ ગઈ. બમણા જોશથી નેતર પર કૂદી પણ પરિણામ એનું એ જ ! આખો દિવસ નદીનાં આક્રમણો ચાલુ રહ્યાં. નેતર ન તૂટ્યું ! હારી-થાકીને નદી સાગર પાસે આવી.
કેમ બહેન ! નેતર ક્યાં ?
ન લાવી શકી. મને ખબર નથી પડતી કે આમ કેમ થયું ? પર્વતને હું તોડી શકી પણ આ નેતરને મૂળમાંથી હચમચાવી પણ ન શકી !
જો, આ રહ્યું તેનું કારણ ! પર્વતને તું તોડી શકી; કારણ કે તે અક્કડ હતો. નેતરને તું તોડી ન શકી; કારણ કે તે નમી ગયું હતું ! આ દુનિયામાં પર્વતની જેમ અક્કડ રહેનારાઓનાં પાણી ઉતારવાં સહેલાં છે; પરંતુ નેતરની જેમ સ્વયં નમી જનારાનાં પાણી ઉતારવાં સહેલાં નથી ! સાગરની આ વાત સાંભળી નદી મૌન થઈ ગઈ ! આધ્યાત્મિક જગતમાં આ વાત ખૂબ મહત્ત્વની છે. અક્કડ રહેનારાઓ હારી ગયા છે અને ઝૂકી જનારાઓ જીતી ગયા છે !

રત્નકણિકા

આપણને ઓછું મળ્યું છે
એ આપણું દુ:ખ નથી,
પણ જે મળ્યું
એ આપણને ઓછું
લાગી રહ્યું છે
એ આપણું દુ:ખ છે.

મંગળમાં જીવન છે કે નહીં,
એની ચિંતા પછી કરજો.
પહેલા જીવનમાં
મંગળ છે કે નહીં,
એ તો તપાસી લો !

- આચાર્ય વિજયરત્નસુંદરસૂરિ