કાશ્મિરની કશ્મકશ...!

    ૩૦-સપ્ટેમ્બર-૨૦૧૬


૧૮ સપ્ટેમ્બર, રવિવારે વહેલી સવારે ૫.૩૦ કલાકે જમ્મુ-કાશ્મિરના ઉરી સેક્ટરની લશ્કરી છાવણીમાં; એલ.ઓ.સી. ઓળંગીને ઘૂસેલા ચાર પાકિસ્તાની આતંકવાદીઓએ ઘાત લગાવીને ૧૮ જવાનોને તત્કાળ મોતને ઘાટ ઉતાર્યા. એથીયે વધુ સૈનિકો ઘવાયા. આ નૃશંસ હત્યાકાંડથી સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો. દેશવાસીઓમાં પાકિસ્તાન પરત્વે ગુસ્સાની લહેર ઊઠી, તો દેશજનતાની ભાવનાનો પ્રતિઘોષ પ્રગટ કરતા પ્રધાનમંત્રી શ્રી મોદીજીએ નિવેદન કર્યંુ કે : "ઉરીના નૃશંસ હત્યારાઓને બક્ષવામાં નહીં આવે. એ સાથે જ સમગ્ર દેશમાં વ્યાપક લાગણીનું ઘોડાપૂર ઊછળ્યું. "નાપાક પાકિસ્તાનને કડક સજા કરો, એલ.ઓ.સી. ઓળંગીને પાકિસ્તાન દ્વારા ચલાવાતા આતંકી ટ્રેઇનીંગ કેમ્પ્સનો ખાત્મો બોલાવો. હવે તો યુદ્ધ એ જ કલ્યાણ !, બલૂચિસ્તાનની આઝાદીની ચળવળને સંપૂર્ણ સમર્થન આપો, પાકિસ્તાનને ચાર ટુકડાઓમાં વિભાજિત કરી નાખો. બલૂચિસ્તાન, સિંધ, પખ્તુનિસ્તાનને સ્વતંત્ર કરવામાં ભારત સિંહ-ભૂમિકા ભજવે, P.O.K. માંથી પાકિસ્તાનને તગેડી મૂકી સંપૂર્ણ જમ્મુ-કાશ્મીર રાજ્ય ઉપર ત્રિરંગો લહેરાવવામાં આવે, જમ્મુ-કાશ્મીરમાં કથિત આઝાદીની માગણી કરનાર પાકિસ્તાન પ્રેરિત તત્ત્વોનો સફાયો કરવામાં આવે, ૩૭૦મી કલમ રદ કરી સંપૂર્ણ જમ્મુ-કાશ્મીર રાજ્યનું ભારતીય સંઘમાં પૂર્ણ વિલીનીકરણ કરવામાં આવે. આ પ્રકારની રાષ્ટ્રીય માંગ બુલંદ બની છે. લોકલાગણીના યથોચિત પ્રતિધ્વનિ રૂ‚પે, રાષ્ટ્રીય સલામતી સંલગ્ન અધિકારીઓ, ઇન્ટેલિજન્સ સર્વિસીસે સલાહ-મશવરાનો દોર ચાલુ કર્યો છે. દેશજનતાએ કાંઈક નક્કર પગલાની અપેક્ષાએ ભારત સરકારની ઝડપી અને પરિણામલક્ષી કામગીરીની આંખોની પલકો બિછાવીને પ્રતીક્ષા આદરી છે. દડો હવે પ્રધાનમંત્રી મોદીજીના કોર્ટમાં છે. આ સંદર્ભમાં ભારત સરકાર સમક્ષ કયા વિકલ્પો છે ? કયા પ્રકારની રાજનયિક (ડિપ્લોમેટિક) અને સૈન્ય કાર્યવાહી આવશ્યક છે, શક્ય છે અને યોગ્ય છે ? તેની વ્યાપક ચર્ચા-નેશનલ ડિબેટ આજકાલ મીડિયામાં અને સોશ્યલ મીડિયામાં કેન્દ્રવર્તી બની રહેલ છે.
છેલ્લા બે મહિનાથી પણ વધુ સમયથી, કાશ્મીર ઘાટીની પરિસ્થિતિ ઘણી જ નાજુક તબક્કે પહોંચી છે. તેમાં ગુરુદાસપુર, પઠાણકોટ અને છેલ્લે ઉરી ક્ષેત્ર પરના આતંકી હુમલાથી પરિસ્થિતિ વણસી ગઈ છે. ત્યારે સમગ્ર દેશવાસીઓ આ આતંકવાદનો બકાસુર જે નિર્દોષ નાગરિકો અને સૈનિકોની હત્યા કરે છે; એ બકાસુરના કાયમી ખાત્મા માટે મહાભારતકાલીન ભીમની પ્રતીક્ષા કરે છે. દેશજનતા મોદીજીના ‚પમાં ગદાધારી ભીમનું શૌર્ય પ્રગટ થાય એ માટે ઉદ્ગ્રીવ-ઊંચી ડોકે આતુરતાથી પ્રતીક્ષારત છે. ત્યારે મોદીજી શું કરશે ? કરી શકશે ? મોદીજીએ શું કરવું જોઈએ ? એ બાબતો ઠંડકથી વિચારવા યોગ્ય છે...
પાકિસ્તાન-ચીનની જુગલબંધી જોતા વિશ્ર્વની મહાસત્તા અમેરિકાનું વલણ નિર્ણાયક બની રહેલ છે. આ સંદર્ભમાં અમેરિકાની ભારત તરફી વિદેશનીતિ; જે અટલજીના કાર્યકાળમાં જોવા મળેલી. વચ્ચેના યુપીએના દાયકામાં એ પ્રક્રિયા મંદ પડેલી, પરંતુ મે ૨૦૧૪થી ભારતમાં મોદીજીની સરકાર સુપ્રતિષ્ઠ થયા પછી; અમેરિકા લોકશાહીવાદી ભારતનું મૂલ્ય વિશેષ‚પે સમજતું થયું છે. મોદીજીની ગતિશીલ-દૃષ્ટિવંત વિદેશનીતિને કારણે જ આજે અમેરિકા સહિત સમગ્ર પશ્ર્ચિમી રાષ્ટ્રો અને જાપાન સહિતનાં પૂર્વનાં રાષ્ટ્રો પણ ભારત તરફ સન્માનની નજરે જોતા થયાં છે.
પાકિસ્તાન પ્રારંભથી જ ભારત વિરોધી ગતિવિધિમાં સક્રિય છે. તેનું કારણ એ છે કે પાકિસ્તાનનો જન્મ જ ભારતદ્વેષ - હિંદુદ્વેષમાંથી થયો છે. એ રીતે નફરત અને હિંસામાંથી જ પાકિસ્તાનનું વિષવૃક્ષ પેદા થયું છે. એટલે ભારતને કઈ રીતે નષ્ટ કરવું ? એ પાકિસ્તાન માટે કાયમી વન પોઈન્ટ પ્રોગ્રામ છે. પાકિસ્તાને સપ્ટે-ઑક્ટો. ૧૯૪૭માં કાશ્મીર ઉપર, જાન્યુઆરી ૧૯૬૫માં કચ્છ સરહદે, સપ્ટેમ્બર ૧૯૬૫માં ભારતની સમગ્ર પશ્ર્ચિમી સરહદે હુમલો કરીને યુદ્ધો આદર્યા. એ ત્રણેય યુદ્ધોમાં પાકિસ્તાનનો કારમો પરાજય થયો. એ જ રીતે ૧૯૭૧ની બાંગ્લાદેશની સ્વતંત્રતાની લડાઈ નિમિત્તે યોજાયેલા યુદ્ધમાં પણ; પાકિસ્તાનનો સંપૂર્ણ પરાજય થયો. પૂર્વ પાકિસ્તાન નષ્ટ થઈ, સ્વતંત્ર બાંગ્લાદેશનો ઉદય થયો. પાકિસ્તાનના ૯૩ હજાર સૈનિકોએ ભારતીય સેના સમક્ષ શરણાગતિ સ્વીકારી, ૧૯૯૯માં કારગીલ ક્ષેત્રમાં પાકિસ્તાની ઘુસણખોરોનો સફાયો કરીને, અટલજીની સરકારે પાકિસ્તાનની મેલી મુરાદ નષ્ટ કરેલી. આ રીતે વારંવારના પરાજયો પછી પાકિસ્તાને તેની વ્યૂહરચના બદલી નાખી છે. તત્કાલીન પાકિસ્તાનના લશ્કરશાહ જિયા-ઉલ-હકે ઉચ્ચાર્યુું છે તેમ : "થાઉઝન્ડ્સ કટ્સ ઓન ઇન્ડિયા ભારતવર્ષના રાષ્ટ્રીય શરીર ઉપર હજારો ઘાવ કરીને, ભારતવર્ષને સતત લોહીનીંગળતુ કરીને, નિર્બળ કરવાનો નાપાક પ્લાન પાકિસ્તાને અમલમાં મૂક્યો છે. ખુલ્લી લડાઈમાં હારી ગયેલા પાકિસ્તાને હવે ઇસ્લામિસ્ટ જેહાદી આતંકવાદીઓને સરહદપારથી ભારતમાં યોજનાબદ્ધ રીતે ઘુસાડીને, છદ્મયુદ્ધ-શકુની ચાલ-આતંકવાદીએ દ્વારા પ્રોક્સી-વોર અમલમાં મૂકેલ છે.
પાકિસ્તાને બળજબરીથી પચાવી પાડેલ જમ્મુ-કાશ્મીર રાજ્યના પશ્ર્ચિમી હિસ્સા- કે જેને પાકિસ્તાન ‘આઝાદ કાશ્મીર’ તરીકે ઓળખાવે છે. ત્યાં પાકિસ્તાની સેનાના પ્રત્યક્ષ સમર્થનથી આતંકી તાલીમ કેમ્પસ ચાલી રહ્યા છે. ત્યાંથી સઘન પ્રશિક્ષણ મેળવેલા પૂર્ણ શસ્ત્રસજ્જ ફિદાયીન આતંકવાદીઓ L.O.C પાર કરીને ભારતીય જમ્મુ-કાશ્મીર ક્ષેત્રમાં પ્રવેશીને આતંકી કાર્યવાહીને અંજામ આપે છે. પાકિસ્તાની લશ્કર L.O.C. ઉપર કવર ફાયરિંગ કરીને, આતંકવાદીઓને સરહદ પાર કરવામાં સહાય કરે છે.
આ સંદર્ભમાં ભારતમાં એવો લોકમત પ્રબળ બન્યો છે કે, P.O.K.માં ચાલતા આતંકી ટ્રેઇનીંગ કેમ્પ્સના સફાયા માટે ભારતીય લશ્કરે L.O.C. ઓળંગીને ‘સર્જીકલ ઑપરેશન’ હાથ ધરવું અનિવાર્ય બન્યું છે.
આવા સર્જીકલ ઓપરેશનની સફળતા માટે સઘન સૈનિક તૈયારીઓ, હવાઈ હુમલાની ચુસ્ત-દુરસ્ત આગોતરી યોજના, એની સફળતા માટે જ‚રી ઇન્ટેલિજન્સ ઇનપુટ્સ (ભારતની જાસૂસી સંસ્થાઓ તરફથી મળતું વ્યૂહાત્મક માર્ગદર્શન વ.) અનિવાર્ય જ‚રત છે.પાકિસ્તાની પડકારનો પ્રત્યુત્તર સરળ નથી. પી.ઓ.કે. - પાક ઓક્યુપાઈડ કાશ્મીરમાં પાકિસ્તાન દ્વારા ચલાવાતા આતંકી ટ્રેઈનીંગ કેમ્પ્સના ખાત્મા માટે ભારતીય સેના હવાઈ હુમલાનો આશરો લઈ શકે. સૈદ્ધાંતિક રીતે, કાનૂનન સંપૂર્ણ જમ્મુ-કાશ્મીર રાજ્ય - (પી.ઓ.કે. સહિતનું) ગિલગીટ - ચિત્રાલ - બાલ્ટિસ્તાન - હિંદુકુશ પર્વતમાળાનું સંપૂર્ણ ક્ષેત્ર ભારતનું જ છે. તત્કાલીન જમ્મુ-કાશ્મીર રિયાસતનો એ સમગ્ર ક્ષેત્ર ઉપર કબજો હતો. માટે એ ક્ષેત્રમાં ક્યાંય પણ ભારત વિરોધી આતંકી કાર્યવાહી પાકિસ્તાન ચલાવે, તેને નષ્ટ કરવાનો ભારતનો સંવૈધાનિક, નૈતિક અને રાજનૈતિક અધિકાર છે એવું સ્પષ્ટપણે ખોંખારીને કહેવાનો અને તેના અમલનો સમય ક્યારનોય પાકી ગયો છે.
જે કોઈ લશ્કરી અને રાજનયિક (ડિપ્લોમેટિક) નિષ્ણાતો ભારતના આ પ્રકારના સર્જીકલ ઓપરેશન સામે સાવધાનીનો સૂર ઉચ્ચારે છે,
તેની પાછળ એ નિષ્ણાતોનું લોજીક શું છે ? આવું ઑપરેશન પાકિસ્તાનને છંછેડવા માટે બહાનું બની શકે છે. તેનાથી સર્જીકલ ઑપરેશન ચોક્કસ ક્ષેત્ર પૂરતું સિમિત રહેવાને બદલે, સમગ્ર ઑપરેશન વ્યાપક યુદ્ધમાં ફેરવાઈ જઈ શકે છે. આ પ્રકારના નિરીક્ષણ - તારણ પાછળ રહેલો સાવધાનીનો સૂર અણસુણ્યો કરી શકાય તેમ પણ નથી. આવી સ્થિતમાં પરિસ્થિતિ પલટાઈ જાય કે, વકરી જાય તો ભારતે પાકિસ્તાન સામેના વ્યાપક યુદ્ધનું જોખમ પણ વિચારી રાખવું જોઈએ.ભારત સમક્ષના વિકલ્પો સરળ અને સહેલા નથી. તેને માટે છેલ્લાં ૬૯ વર્ષથી ચાલતા આવેલા ભારતના કથિત "આદર્શવાદી વ્યવહાર, તેમજ અવાસ્તવિક અને ભારતનાં રાષ્ટ્રીય હિતોની ઉપેક્ષા કરનારી વિદેશનીતિ પણ ઓછી જવાબદાર નથી. દા.ત., અમેરિકા કે ઈઝરાયલ જેવા દેશો, તેમના દુશ્મનોની દુશ્મનાવટભરી કોઈપણ ગતિવિધિ - સૈનિકી કે રાજનયિક તેનો વળતો પ્રત્યુત્તર તત્કાળ પાઠવે છે અને યોજનાબદ્ધ રીતે દુશ્મનને પરાજિત પણ કરે છે.
કમનસીબે ભારતીય વિદેશનીતિમાં આ પ્રકારનું ઈનીશિયેટીવ - પહેલવૃત્તિનો અભાવ જોવા મળે છે. આ સંદર્ભમાં ભારતની પરંપરાગત વિદેશનીતિની કથની-કરણી વચ્ચે આભ-જમીનનું અંતર જોવા મળે છે. એક તરફ ભારતની સંસદ સર્વાનુમતે પ્રસ્તાવ પસાર કરીને, પી.ઓ.કે. સહિતનું સંપૂર્ણ જમ્મુ-કાશ્મિર રાજ્ય ભારતીય સંઘનું અવિભાજ્ય અંગ હોવાની ઉદ્ઘોષણા કરે છે. બીજી તરફ પાકિસ્તાન જ્યારે ગેરકાયદે પચાવી પાડેલ પી.ઓ.કે. ક્ષેત્રનો ઉત્તરી હિસ્સો સામ્યવાદી ચીનને ગિફ્ટમાં આપી દે છે અને ધૂર્ત ચીન એ જ ભૂભાગને ભારત વિરોધી લોન્ચિંગ પેડ તરીકે ઇસ્તેમાલ કરીને, હિન્દુકુશ પર્વતમાળામાં બુગદા ખોદીને નવા રાજમાર્ગો અને રેલવે-જાળ બિછાવવાનું કાર્ય આરંભે છે ત્યારે, ભારતની જે તે વખતની સરકારો, પાકિસ્તાન અને ચીનની એ સંયુક્ત કાર્યવાહીને સ્પષ્ટપણે વખોડી કાઢીને, ભારતના અલ્ટિમેટમને જો ઠુકરાવવામાં આવે તો, તત્કાળ સૈનિકી કાર્યવાહી કરીને ચીન-પાક. દુશ્મનોના એ ક્ષેત્રમાં પગ જમાવવાના પ્રારંભિક પગલાને જ નષ્ટ કરવાના સંકલ્પને શા માટે અમલમાં મૂકી શકી નહીં ? આવો આકરો - અણગમતો અને વેલીડ - યથાયોગ્ય પ્રશ્ર્ન પૂછવાનો સમય પાકી ગયો છે. જો ભારતે ચીનને પી.ઓ.કે. - હિંદુકુશ પર્વતમાળામાં પ્રવેશ કરવાના તેના પ્રયાસનાં પ્રારંભમાં જ અટકાવવાની કામગીરી કરી હોત, તો ચીનની ગુસ્તાખી ઉત્તરે હિંદુકુશ પર્વતમાળાથી આગળ વધી, સુદૂર દક્ષિણે સાગરકિનારે બલુચિસ્તાની સમુદ્રી સીમા પર આવેલ ગ્વાદર બંદર પર કબજો જમાવવા સુધી વિસ્તરી શકી ન હોત. મહાભારતકારે ચેતવણી ઉચ્ચારી જ છે કે, આતંકી બકાસુરની ભૂખ કદીય શાંત થતી હોતી નથી. બકાસુરને નષ્ટ કરવા માટે ભીમની વીર્યવંત ભુજા અને તેને શોભાવતો ગદા-પ્રહાર એ જ બકાસુરના ખાત્માનો સટીક ઉપાય છે ! આપણાં શાસ્ત્રોમાં કહ્યા મુજબ આ ધરતી તો ‘વીરભોગ્યા વસુંધરા’ છે ! કાયરોથી ધરતીની શોભા વધતી નથી. ભાવુક કૃષ્ણભક્તિમાં આપણને કાન્હાની બંસી અને ગોપીઓ સાથેની રાસલીલાનું તો સ્મરણ સદૈવ રહ્યા કર્યું,.. પરંતુ ભારતવર્ષના બહાદુરો ! શ્રીકૃષ્ણ કે અવતારી જીવનકાર્ય કી ઉપેક્ષા કરકે, સુદર્શન ચક્ર ચલાના કયું ભૂલ ગયે ?!
આ સંદર્ભમાં પાકિસ્તાન વિરુદ્ધના કોઈપણ રાજનિયક (ડિપ્લોમેટિક) કે સૈનિકી સાહસ અગાઉ, ચીનનું ફેકટર નજરઅંદાજ કરી શકાય નહીં. સામ્યવાદી ચીન કે જે નવા સંદર્ભમાં મૂડીવાદી ગણાતા અમેરિકાને પણ પાછુ પાડી દે એવું પાકું ગણતરીબાજ મૂડીવાદી અર્થકારણને વરેલું બની ગયું છે. ચીનને એનું સાધ્ય સિદ્ધ કરવાના માર્ગ આડે હવે કોઈપણ સિદ્ધાંત, શરમ, નડતર‚પ નથી. આવા ચીને પાકિસ્તાનમાં વ્યાપક મૂડીરોકાણ કર્યું છે. હિન્દુકુશથી ગ્વાદર બંદર સુધીના પહોળે પટ્ટે ને પાઘડીપને ચીને વ્યાપક પથારો પાથર્યો છે. હવે ચીનને ત્યાંથી ‘ગો-બેક’ કહેવું - કરાવવું અશક્ય નહીં તો અઘરું તો છે જ ! જે રાજનયિક વિશ્ર્લેષકો, પાકિસ્તાનના આક્રમક રવૈયાના પ્રત્યુત્તર‚પે, આવેશમાં આવી જઈને, લશ્કરી આંધુળિકીયા સામે સાવધાનીનો સૂર ઉચ્ચારે છે, તેની પાછળ આ જમીની સચ્ચાઈ પણ નજરઅંદાજ કરી શકાય નહીં.
પરંતુ તેની સામે એક બીજો પ્રગટ મત એવો પણ છે કે, જેમ ચીન એક તરફ દબંગાઈ દેખાડી રહ્યું છે, ચીનની એ જ દબંગાઈ જ સુદૂર પૂર્વમાં જાપાનથી લઈ, પશ્ર્ચિમે યુરોપિયન યુનિઅન અને અમેરિકા સુધીના દેશોમાં શત્રુત્વ નિર્માણ કરવામાં કારણભૂત બની રહેલ છે. સાઉથ ચાઈના સી - દક્ષિણી ચીની સમુદ્રમાં આવેલા વિએટનામ, દક્ષિણ કોરીયા, જાપાન સહિતના અનેક દેશો; આજે ચીનની વિસ્તારવાદી નીતિરીતિથી ત્રસ્ત છે. આ સંદર્ભમાં ૧૯૭૧ના ભારત-પાકિસ્તાન યુદ્ધ બાંગ્લાદેશની આઝાદી માટેની લડાઈમાં જેમ ચીન તટસ્થ રહેલું, એવું વલણ પણ ચીન દાખવી શકે. કારણ કે હાલ ચીનની આર્થિક વિકાસ-ગાડીને બ્રેક લાગી ગઈ છે. આંતર્રાષ્ટ્રીય વ્યાપાર એ ચીન માટે પ્રાણવાયુ સમાન છે. ધૂર્ત ચીનને તેના વ્યાપક વૈશ્ર્વિક પરિપ્રેક્ષ્યમાં રહેલા લાંબાગાળાના હિતોના સંદર્ભમાં પાકિસ્તાનની પડખે ચઢવામાં રહેલા જોખમો ન દેખાય ન સમજાય તેવું માનવું મુશ્કેલ છે.પાકિસ્તાનની પડખે ચઢી ગયેલા ચીનના સંદર્ભમાં ઉપરોક્ત વૈશ્ર્વિક પ્રવાહો પણ ઘણા મહત્ત્વના છે. આ સંદર્ભમાં પાકિસ્તાન સામેની કોઈ પણ લશ્કરી કાર્યવાહી અને તેના ભાવિ જોખમો સંદર્ભમાં; હાલની ભારત સરકાર અને તેની વિદેશનીતિ - પ્રધાનમંત્રી મોદીજીના દ્વારા મોદી-ડોક્ટ્રીન (મોદી સિદ્ધાંત) પાછળનું આ રહસ્ય છે. કેટલાક વાંક દેખા "અંધ ટીકાકારો મોદી, બસ વિદેશોમાં ઉડ્યા જ કરે છે, એવું સતત વ્હીસ્પરીંગ કેમ્પેઈન ચલાવે છે. પરંતુ મોદીજીની ગતિશીલ વિદેશનીતિ, તેના દૃષ્ટિવંત વૈશ્ર્વિકવ્યૂહને આ સંદર્ભમાં જોવાની અનિવાર્યતા છે. જેનાથી વિશ્ર્વમંચ પર ભારતનું વજુદ પ્રસ્થાપિત થયું છે.
એક વાત સુનિશ્ર્ચિત છે કે, મોદીજી જેવા પરિપક્વ મુત્સદ્દી રાજપુરુષ, પાકિસ્તાનને પદાર્થ પાઠ પાઠવવાની રાષ્ટ્રીય લાગણી અને માગણી સંદર્ભમાં પ્રાઈમ ટાઈમ ટી.વી. ચેનલની ચર્ચાઓ કે ઊર્મી ઉછાળ દેશભક્તિના સૂત્રોથી દોરવાઈને ઉતાવળું-અવિચારી કદમ ક્યારેય ભરશે નહીં - ભરી શકે પણ નહીં ! મોદીજીનું પ્રત્યેક પગલું, વ્યાપક આંતરરાષ્ટ્રીય સંદર્ભ અને વિશ્ર્વ-વ્યૂહ રચનાના ભાગ‚રૂપે જ લેવાશે - લેવાવું જોઈએ અને એટલે જ મોદીજી પ્રત્યેક આંતરરાષ્ટ્રીય ફોરમમાં ‘આતંકવાદ’ એક વૈશ્ર્વિક સમસ્યા છે અને તેનો સામનો વૈશ્ર્વિક વ્યૂહરચનાથી જ સંભવિત છે. એવું ઘૂંટીને ઘૂંટીને ઉચ્ચારે છે. એ વાત સાચી કે અનંત-અનિશ્ર્ચિત કાળ સુધી ભારત સંયમ ન રાખી શકે, પરંતુ મોદીજીની ગતિશીલ વિદેશનીતિ જોતાં મોદીજી લશ્કરી નિષ્ણાતો, સેનાધ્યક્ષ અને રાજનાયિક સલાહકારોના સહિયારા શાણપણ સાથે આગળ વધીને યોગ્ય સમય અને સ્થળે જ‚ર ત્રાટકશે અને એમ કરતી વેળાએ ભારત એ ધર્મયુદ્ધમાં એકલું-અટૂલું નહીં જ હોય... વિદેશમંત્રી સુષ્માજીનું સંયુક્ત રાષ્ટ્ર સંઘ મહાસભાનું સંતુલિત પણ વેધક ઉદ્બોધન આ બાબતનું જ્વલંત ઉદાહરણ છે.


રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘ ઉરીના શહીદોને હૃદયપૂર્વકની શ્રધ્ધાંજલિ પાઠવે છે : સરકાર્યવાહ શ્રી ભૈયાજી જોશી

રા.સ્વ.સંઘ ભારતીય સેનાના ઉરી ખાતેના થાણા ઉપરના ક્રૂર આતંકી હુમલાને સખત શબ્દોમાં વખોડી કાઢે છે. એ બહાદુર સૈનિકો - જેઓએ દેશ માટે બલિદાન આપી શહીદ થયા છે. તેઓને અમારી હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ. આવા તમામ આતંકવાદીઓ, તેમના આકાઓ તથા તેમના સમર્થકો સામે મજબૂતાઈથી અને લક્ષ્યપૂર્ણ થાય તેવી રીતે સખત કાર્યવાહી થવી જોઈએ.
(પ્રસારિત : મનમોહન વૈદ્ય, અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ, કાનપુર : ૧૮ સપ્ટેમ્બર, ૨૦૧૬)

 

યુદ્ધ સિવાયના સંભવિત વિકલ્પો...

પાકિસ્તાનમાં ભારતીય પ્રદેશમાં થઈને મુખ્ય છ નદીઓ પ્રવાહિત રહે છે. સિંધુ, જેલમ, ચિનાબ એ ત્રણ ઉત્તરીય નદીઓનો જળસ્રોત; ૧૯૬૦ના સિંધુ-જળ કરાર અન્વયે પાકિસ્તાન માટે ફાળવવામાં આવેલ છે, જ્યારે પૂર્વની બાકીની ત્રણ નદીઓ રાવી, બિયાસ અને સતલજ નદીના જળસ્રોતનો ઉપયોગ પ્રસ્તુત કરારથી ભારત કરી શકે છે.
પાકિસ્તાનને કરારો પદાર્થપાઠ શીખવવા માટે, ભારત સિંધુ-જળ-સમજૂતી કરારને ફગાવી દઈને, પાકિસ્તાનની જીવાદોરી સમાન એ ત્રણેય નદીઓના જળસ્રોતને વ્યૂહાત્મક રીતે અટકાવી દઈને, પાકિસ્તાનને તરસે મારી શકે છે ! એ જ રીતે ભારતીય નૌકાદળ અરબી સમુદ્રમાં વ્યાપક જમાવડો કરીને, પાકિસ્તાનનો ખાડી દેશોમાંથી આવતો માલ-સામાન-પેટ્રોલિયમ પુરવઠો પણ અટકાવી દઈ શકે છે.
એ જ રીતે અમેરિકા, યુરોપિયન યુનિયનના દેશો અને પૂર્વના અનેક દેશોનો સાથ મેળવી, પાકિસ્તાનની આર્થિક નાકાબંધીના ઉપાયો પણ યોજી શકાય તેમ છે. આ સંદર્ભમાં યુનોમાં જે રીતે પાકિસ્તાનનો ફિયાસ્કો થયો છે એ જોતાં ભારતનું વ્યાપક વૈશ્ર્વિક સમર્થન ભારતને માટે જમા પાસું છે.
આની સામે પાકિસ્તાન ખાડી દેશોના મુસ્લિમ દેશો ઉપર મદાર રાખે છે, પરંતુ એ દેશો પણ તેમના લાંબા ગાળાના આર્થિક-રાજકીય-લશ્કરી હિતોને ભોગે, ક્યાં સુધી પાકિસ્તાન જેવા દેવાળિયા દેશ માટે આગળ ઉપર ઘસડાતા રહી શકશે ? એ પણ એક સવાલ છે. બીજી તરફ વિશ્ર્વની અત્યંત ઝડપથી વિકસતી આર્થિક શક્તિના ‚પમાં ભારતનો દબદબો વિશ્ર્વભરમાં પ્રસ્થાપિત થઈ રહ્યો છે. સવાસો કરોડના લોકશાહીવાદી દેશનું-મુક્તબજાર; પશ્ર્ચિમી રાષ્ટ્રોને અને પૂર્વના દેશોને પણ ભારતનું સમર્થન કરવા માટે પૂરતાં કારણો આપે છે... આવી પરિસ્થિતિમાં ભારત સાથેનું યુદ્ધ પાકિસ્તાનના ખુદના અસ્તિત્વ માટે પણ ખતરાની ઘંટી પુરવાર થઈ શકે છે.
ભારત સામેની લડાઈ દરમિયાન, પાકિસ્તાનના ત્રણ મહત્ત્વના વિસ્તારો - બલૂચિસ્તાન, સિંધ અને પખ્તુનિસ્તાનમાં આંતરિક વિદ્રોહ વકરી શકે છે. પાકિસ્તાનની સેના સરહદો ઉપર યુદ્ધકીય ઑપરેશનમાં વ્યસ્ત હોય ત્યારે આ ત્રણેય પ્રાંતોમાં બળવો થઈ શકે છે અને કાશ્મીર ઘાટીની કથિત આઝાદી મેળવવા જતાં, પાકિસ્તાનના ત્રણ મહત્ત્વના પ્રાંતોમાં ‘બાંગ્લાદેશવાળી’ થવા સંભવ છે. પાકિસ્તાન આ યુદ્ધ પછી ચાર ટુકડાઓમાં વિખંડિત થઈ જવાની પૂરી સંભાવના છે...

 

યુદ્ધમાં પરમાણુ શસ્ત્રોનો ખતરો ?

ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. પારસ્પરિક દુશ્મનીનાં કાળાં વાદળો ઘેરાઈ ચૂક્યાં છે. તેમાં ક્યારે પ્રચંડ વીજ-કડાકા‚પે યુદ્ધની આગ ફેલાઈ જશે ? અને એ આગ કેવી પ્રચંડ હશે ? તેની આગાહી કરવી મુશ્કેલ છે. પાકિસ્તાનની બેજવાબદાર સરકાર અને લશ્કરશાહો તો આવી પરિસ્થિતિમાં વળતા પગલા‚પે પરમાણુ હુમલાની પણ ધમકી ઉચ્ચારી રહ્યા છે ! આ સંદર્ભમાં ભારત જેવા પીઢ, ઠરેલ રાષ્ટ્ર માટે અને તેના નેતૃત્વ માટે યથાયોગ્ય નિર્ણયનો પડકાર મોટો છે. પાકિસ્તાનના પરમાણુ યુદ્ધના આંધળુકિયાને નજરઅંદાજ કરી શકાય નહીં. ભારત-પાક. વચ્ચેના વ્યાપક યુદ્ધ દરમિયાન અરાજકતા જેવી પરિસ્થિતિમાં; ત્યાંની આતંકી ટોળકીઓના નાપાક હાથોમાં પાકિસ્તાનનાં પરમાણુ હથિયારો જઈ પડે એવી દહેશત ભારત ઉપરાંત અમેરિકા જેવા દેશોને પણ સતત રહે છે. જો કે ભારતની વિશાળ જનસંખ્યા અને હજારો કિલોમીટરની વ્યાપક સરહદો જોતાં સૂચિત પરમાણુ યુદ્ધમાં જો ભારતની ગંભીર ખુવારીનું જોખમ છે, તો એ સાથે જ ભારતના વળતા ફટકા‚રૂપે સમગ્ર પાકિસ્તાનના વિનાશની પણ શક્યતા રહે છે. પાકિસ્તાન આ બાબતે મનમાં બધું સમજે છે. તેથી ભાવિ યુદ્ધ દરમિયાન ભારતની અને વિશ્ર્વના લોકશાહીવાદી દેશોની સહિયારી વ્યૂહરચના એવી હોવી જોઈએ કે, યુદ્ધ વ્યાપક બને તે પહેલાં પાકિસ્તાનના પરમાણુ મથકોનો કબજો પાકિસ્તાન પાસેથી છીનવી લેવામાં આવે. આવા ગંભીર ઓપરેશનમાં હાલની વૈશ્ર્વિક પરિસ્થિતિમાં ભારતને ઇઝરાયેલ, અમેરિકા જેવા દેશોની વ્યૂહાત્મક અને ઇન્ટેલિજન્સ સહાય જ‚રથી મળી શકે તેમ છે. પરંતુ યુદ્ધ છેડાય એ પહેલાં આ બાબતે આગોતરી ખાત્રીની પાકી જોગવાઈ કરવી, ભારત માટે અનિવાર્ય બની રહે તેમ છે અને એટલે જ ભારત સરકાર કોઈ પણ ઉતાવળીયો નિર્ણય લઈ શકે નહીં.ભારત-પાકિસ્તાન વચ્ચેના સંભવિત યુદ્ધના વ્યાપક આર્થિક નુકસાનની ગણતરી જોતાં, પાકિસ્તાન તો, યુદ્ધ પછી જો જીવતું રહે તો, દેવાળિયું બની જશે. આ તરફ ભારતની વિકાસની ગાડી પાટેથી ઊતરી જઈ શકે છે અને મોટી આર્થિક નુકશાની જોતાં ભારત એક દાયકો પાછળ ઘસડાઈ શકે છે. આ સંદર્ભમાં મહાભારત યુદ્ધ પૂર્વે, સ્વયં શ્રીકૃષ્ણ ભગવાને સામે ચાલીને દુર્યોધન સમક્ષ શાંતિ પ્રસ્તાવ પ્રસ્તુત કરેલો. યુદ્ધ એ તમામ વૈકલ્પિક ઉપાયો નિષ્ફળ જાય, તે પછીનો છેલ્લો વિકલ્પ જ હોઈ શકે. એ કડવું સત્ય મહાભારત આપણને શીખવે છે...