વાચ-કાછ મન નિશ્ર્ચળ રાખે, ધન ધન જનની તેની રે

    ૦૯-સપ્ટેમ્બર-૨૦૧૬

સમગ્ર વિશ્ર્વ સીતા-રામમય છે એમ કહીને ગોસ્વામીજીએ પૂરા જગતની વંદના કરી. અસુરોની પણ વંદના કરી, કારણ કે લંકામાં પણ વિભીષણ હોય છે અને અયોધ્યામાં પણ મંથરા હોય છે. શુભમાં પણ કોઈ અશુભ તત્ત્વ રહે છે અને અશુભની સૃષ્ટિમાં પણ કોઈ શુભ તત્ત્વ રહેતું હોય છે. એથી સૌની વંદના કરી, પછી તુલસીનો રાષ્ટ્રવાદ, લોકો કહે છે તુલસી પીટી-પીટાઈ વાતો કરે છે, એક પરંપરાવાદી છે, ખેર... જેની જે સમજ, પરંતુ તુલસીનો રાષ્ટ્રવાદ જુઓ, તુલસીનો વિશ્ર્વવાદ જુઓ. તુલસીને રઘુવંશની કથા કહેવી છે પણ સૌથી પહેલાં રામની નહીં, રાષ્ટ્રની વંદના કરી છે. તમે ચોપાઈ શોધી શકશો, રાષ્ટ્રવાદ સૌથી પહેલાં છે. ગોસ્વામીજીએ પહેલાં રાષ્ટ્રની વંદના કરી છે પછી રાજાની વંદના કરી છે.
આજે આ રાષ્ટ્રમાં કેટલાય લોકો એવા છે કે જેને રાષ્ટ્રની મૂળ-મૂળ વાતો કઈ છે એની ખબર નથી અને પ્રતિષ્ઠા મેળવી લે છે. ૧૫મી ઑગસ્ટ હતી, એક ભાઈ રાષ્ટ્રધ્વજ લેવા માટે દુકાનમાં ગયા. દુકાનદારે બે-ત્રણ માપના રાષ્ટ્રધ્વજ બતાવ્યા. એક નાનો, એક થોડો મોટો અને એક એનાથી પણ મોટો. પેલા ભાઈએ દુકાનદારને કહ્યું, આમાં કોઈ બીજો કલર
છે ? દુકાનદાર દુકાન બંધ કરીને ચાલ્યો ગયો ! કેમ આપણે ગાંધીજીને રાષ્ટ્રપિતા કહ્યા ? આપણા સૌમાં રાષ્ટ્રવાદ હોવો જોઈએ. રાષ્ટ્રના મહિમા પાસે બાકીનું બધું ગૌણ બનવું જોઈએ. જેના જીવનમાં તક હોય ત્યારે બધું જ છોડવાની તૈયારી હોય તેવી વ્યક્તિ રાષ્ટ્રવાદનું નિર્માણ કરી શકે છે. ગોસ્વામીજી લખે છે-
‘બંદઉં અવધપુરી અતિ પાવનિ
સરજૂ સરી કલિ કલુષ નસાવાનિ ॥
અયોધ્યાના રાજાને પહેલાં પ્રણામ નથી. તુલસી કહે છે રાષ્ટ્રને મારા પહેલા પ્રણામ છે. પછી નદીઓની વંદના કરી. રાષ્ટ્રની સમૃદ્ધિની વંદના કરી. મારે રાજનીતિ સાથે કોઈ લેવા દેવા નથી. આપ સૌ જાણો છો, પરંતુ મારા હૃદયની પ્રસન્નતા વ્યક્ત કરી રહ્યો છું કે, નદીઓને એક કરીને છેલ્લા ગામ સુધી પહોંચાડવાની જે યોજના છે, તેની સરાહના થવી જોઈએ. વિશ્ર્વમંગલ અને રાષ્ટ્રમંગલની જે યોજનાઓ હોય તેમાં વિરોધ છોડી, વાદ-વિવાદ છોડી, એકમત બની કામ કરવું જોઈએ. મારે રાજનીતિ સાથે શું લેવા દેવા ? મારે કાંઈ ટિકિટ નથી લેવી ! પરંતુ જ્યાં શુભ થતું હોય ત્યાં એક સાધુના નાતે હું બોલ્યા વગર પણ કેમ રહું ? રામાયણમાં લખ્યું છે કે રાજ્યએ કોઈ નિર્ણય કરવો હોય તો ચાર મત લેવા જોઈએ અને તો પછી એ નિર્ણય શુભ જ હોય. પહેલાં સાધુઓનો મત લો. એવા સાધુ કે જે કેવળ રાષ્ટ્રપ્રીતિવાળા હોય. એમને બીજી કોઈ લેવા દેવા ન
હોય. લોકમત લો. ત્રીજા સ્થાન પર છે રાજનીતિ એટલે કે રાજનીતિ શું કહે છે ? લોકમંગલ માટે રાજનીતિના આધારે શું કરવું જોઈએ ? અને અંતમાં આપણા દેશની સનાતનતા શું કહે છે ? વેદમત એટલે કે આપણી વિશાળ સનાતનતા શું કહે છે ?
આ ટી.વી.એ મારી નાખ્યો છે ભારતને મારા બાપ ! કથા સાંભળીને એવી ચેનલો ન જોશો. વારેવારે ઈંડાની જાહેરાત, વારેવારે દારૂની જાહેરાત. આ દેશ કયા પંથે જઈ રહ્યો છે ? અને આ ઉપર બેઠેલાને કોઈ અક્કલ આવતી નથી ? પૈસા ન મળે, હૂંડિયામણ ન મળે તો મારો ગોળી. અડધા રોટલામાં અમે પેટ ભરીશું પણ દેશની સંસ્કૃતિ ભ્રષ્ટ થાય છે એવી ચેનલો શું કામ ઊભી કરો છો ? હું તો જોઉં નહીં કોઈ દિ. હા, સમાચાર ને ઈ ક્યારેક જોઉં. ક્યારેક ઓચિંતી નજર પડી જાય આવતાં-જતાં તો દેખાય કે કેવા અભદ્ર નખરાં કરતાં હોય છે. તમે થોડું જોવાનું બંધ કરો અને સત્તાને મારી પ્રાર્થના પણ ખરી કે હિન્દુસ્તાનને હિન્દુસ્તાન રહેવા દો. ભારતને ભારત રહેવા દો. કરવા જેવું બીજું ઘણું છે તે કરો. ચારેબાજુથી દેશને મારી નાખ્યો છે. ત્યાં કોઈને કંઈ નહીં કરતાં આજે કેવું ફળ આવ્યું છે...? ઊડી ગ્યા, નીકળી ગ્યા ! મારે કોઈ રાજનીતિ સાથે સંબંધ નથી, મારે સંસ્કૃતનીતિ સાથે સંબંધ છે. મારે રામનીતિ સાથે સંબંધ છે, મારે કૃષ્ણનીતિ સાથે સંબંધ છે, મારે વ્યાસનીતિ સાથે સંબંધ છે !’
કાલે ગઢવીબાપા મને કેતા’તા. એણે ગાયોની કતલ પર કવિતા લખી છે કે ‘કલ્યાણ’નો અંક બહાર પડ્યો એમાં અલકબીરમાં હૈદરાબાદની છ હજાર ગાયો કપાયાની વેદના છે. ગાયો આટલી બધી કપાય પછી આ દેશ શાંત કેમ રહી શકે ? રણછોડદાસજી બાપુએ પણ કહેલું અને છેલ્લે દેવરાહાબાબાએ કહ્યું, જેટલા-જેટલા સિદ્ધ પુરુષો થયા તેમણે કહ્યું કે ‘જ્યાં સુધી ગાયોની કતલ બંધ નહીં થાય ત્યાં સુધી ભારત શાંતિ નહીં અનુભવી શકે. ગાયોના નિ:સાસા લાગશે ત્યાં સુધી ચેન નહીં મળી શકે !’
બાપ-દીકરી, બાપ-દીકરો સાથે બેસીને ન જોઈ શકે એવી ચેનલો ન જુઓ બાપ ! અને આપની વાત મને ગમી કે વાત-વાતમાં ફ્રોઇડની વાત આવે. ગોળી મારોને એણે સેક્સ માટે આમ કહ્યું તેમ કહ્યું. શું આમાં ભારતની બુદ્ધિમત્તા છે ? ભારતની બુદ્ધિમતા તો છે,
વાચ-કાછ મન નિશ્ર્ચળ રાખે,
ધન ધન જનની તેની રે.
સાવધાન ! બુદ્ધિને ભ્રષ્ટ કરે એવાં લખાણો, ચિત્રો, ચેનલો ન જુઓ. ફેંકી દો કચરાના ટોપલામાં. તમારી સંસ્કૃતિને નીચું જોવું પડે એવાં કૃત્યો ન કરો બાપ ! ટી.વી.માં ‘રામ-રામ’ જે કરતા’તા કિસાનના પ્રોગ્રામમાં ઈ બંધ કરાવી દીધું કે સાંપ્રદાયિક છે. એને બદલે ‘નમસ્કાર-નમસ્કાર’ કરી નાખ્યું. કરવા જેવું છે એવું થતું નથી ને ન કરવાનું થાય છે. ભગવાન સૌને સદ્બુદ્ધિ આપે.