ગુજરાતકારણ : ગુજરાતનાં સાંપ્રત આંદોલનો... સ્વયંભૂ કે પ્રેરિત ?

    ૧૭-નવેમ્બર-૨૦૧૭

 
છેલ્લાં અઢી વર્ષમાં ગુજરાતે નવા પ્રકારનાં આંદોલનોને ઊભરતાં અને વિવાદ જગવતાં જોયાં છે, જેમાં પાટીદાર આંદોલન, ઓબીસી આંદોલન, દલિત આંદોલન મુખ્ય છે. જે રીતે આ ત્રણ આંદોલનો શરૂ થયાં છે અને વિસ્તર્યાં છે, તેની પાછળ સ્વયંભૂ લોકલાગણી છે કે, સોચી-સમજી રાજનીતિ? એવો પ્રશ્ર્ન જાગે એ પ્રકારની આશંકા આ ત્રણેય આંદોલનો અને તેના યુવા ચહેરાઓના વૃત્તિ-વલણને જોતાં ઘુમરાઈ રહી છે ! તો આ કથિત યુવાનેતાઓ - હાર્દિક - અલ્પેશ - જિજ્ઞેશ ઘટના કે દુર્ઘટના શું છે ? એ સમજવાનો પ્રયાસ કરીએ તો જ આપણને, આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણીની શતરંજ-ચાલનો મર્મ પકડાય ! ચાલો ઓળખીએ આ ‘યુવા-નેતાઓ’ને !
 
બચકાના - બિનજવાબદાર નેતૃત્વ હાર્દિક પટેલ
આમ તો ઑગસ્ટ ૨૦૧૫ પહેલાં ‘હાર્દિક’ શબ્દ માત્ર અભિનંદન સાથે જ જોડાયેલો ! પરંતુ આજે ‘હાર્દિક’ એ વ્યક્તિ મટીને એક ઘટના કે દુર્ઘટના રૂપે ગુજરાતમાં ઊભરી આવ્યો છે ! ઑગસ્ટ ૨૦૧૫માં પાટીદારો માટેની અનામત માગણીને વાચા આપવા માટે, અમદાવાદમાં પાટીદારોની મહારેલી યોજાઈ તે સાથે જ, હાર્દિક મીડિયાની લાઈમ લાઈટમાં ઝળક્યો. એ મહારેલી નિમિત્તે હાર્દિકે કરેલાં ઉચ્ચારણો અને ઉટપટાંગ વર્તણૂકને કારણે, હાર્દિક એ દિવસથી જ વિવાદાસ્પદ વ્યક્તિત્વ રૂપે પેશ આવ્યો. પાટીદાર મહારેલી દરમ્યાન આવેદનપત્ર કોણ સ્વીકારે ? અને ક્યાં સ્વીકારેથી લઈ, અનેક બાબતોએ આશ્ર્ચર્ય સર્જેલું. આમ તો ગુજરાતની પાટીદાર કોમ સરદાર પટેલના સમયથી જ સાહસિક, શૌર્યવાન, મહેનતકશ, શાણી, સંસ્કારી, દેશભક્ત કોમ તરીકે પંકાયેલી છે. સ્વરાજ-આંદોલનમાં તેમજ સ્વરાજ વર્ષોમાં પણ, ગુજરાતના પાટીદાર સમાજે દેશમાં અને વિદેશોમાં ભારે નામના મેળવી છે. પાટીદાર સમાજમાં તેમના ધાર્મિક સ્થાનકોના અગ્રણીઓ અને વરિષ્ઠ નેતાઓનું માર્ગદર્શન પાટીદાર સમાજને નિરંતર મળતું જ રહ્યું છે. પરંતુ આ બધાની વચ્ચે હાર્દિક પટેલ નામનો લબરમૂછીઓ જુવાન કઈ રીતે ઊભરી આવ્યો? એ પ્રશ્ર્નને સમજવા માટે અને તેના યથાર્થ ઉત્તરની ખોજમાં જવાથી, અનેક અસ્પષ્ટ બાબતો સ્પષ્ટ થઈ શકે તેમ છે.
હાર્દિક પટેલને ધ્યાનથી સાંભળીએ, જોઈએ, જાણવા પ્રયાસ કરીએ તો સમજાશે કે, આ યુવાનમાં કોઈ ઉચ્ચ બૌદ્ધિક ચમકારો, વિચારોનું ઊંડાણ કે પરિસ્થિતિનું યોગ્ય મૂલ્યાંકન કરવા માટેની નીતરી સમજ બહુ જોવા મળતી નથી. એથી હાર્દિક તેનાં જાહેર ઉચ્ચારણોમાં ભગતસિંહ અને સરદાર પટેલના નામોને એકીસાથે ફંગોળવા સાથે પ્રસંગોપાત વિરોધીઓ માટે અનાપશનાપ શબ્દપ્રયોગો પણ ઉછાળે છે ! પાટીદારોની લાગણી અને માગણી સંદર્ભમાં હાર્દિકનાં ઉચ્ચારણોમાં અને વર્તનમાં પરસ્પર વિરોધી બાબતો પણ અવારનવાર જોવા મળે છે. પાટીદાર સમાજની માગણીઓ સંદર્ભમાં ગુજરાત સરકાર સાથેની અનેક વાટાઘાટો દરમ્યાન, ગુજરાત સરકારનું પ્રારંભથી જ સહકારભર્યું - ખુલ્લું મન જોવા મળ્યું છે. સરકારે પાટીદારો માટે જે કોઈ પેકેજ જાહેર કર્યાં તેને પાટીદારોનાં અમુક વર્તુળોએ આવકાર્યાં પણ છે. પરંતુ હાર્દિકે એ તમામ સરકારી જાહેરાતોને ‘લોલીપોપ’ કહીને ઠુકરાવી દીધી છે ! ગુજરાત સરકારે પાટીદારો માટેની અનામત સંદર્ભમાં, બંધારણીય જોગવાઈઓ અંગે સ્પષ્ટતા કરીને, ખુલ્લા મનથી જે કોઈ રસ્તો નીકળી શકે તેમ હોય એ માટેની તૈયારી દર્શાવી છે...
 
હાર્દિકની માગણીઓમાં રહેલો અંતર્વિરોધ
પરંતુ આમ છતાંય દિવસે ને દિવસે હાર્દિકનું વલણ, ભાજપા સરકાર વિરુદ્ધ વધુ ને વધુ આક્રમક અને નકારાત્મક રહ્યું છે. આ સંદર્ભમાં એ બાબત નોંધવી જ‚રી છે કે, ગુજરાત કોંગ્રેસે હાર્દિક પટેલને બે હાથ પહોળા કરીને ઉમળકાથી આવકાર્યો છે. રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના આગેવાનોએ હાર્દિકની માગણીઓ સંદર્ભમાં સહાનુભૂતિનો દેખાવ પણ કર્યો છે. પરંતુ આ લખાય છે ત્યાં સુધીમાં કોંગ્રેસ પક્ષે, હાર્દિક પટેલની અનામત માટેની માગણીનો ઓબીસી કોટામાં સમાવેશ કરાશે કે તેને ઈબીસી-બિનઅનામત ગરીબ તબકામાં સમાવેશ કરાશે ? તેની સ્પષ્ટતા કરી નથી. હાર્દિકની પાંચ માગણીઓમાંથી છેલ્લી અનામતની માગણી અંગે કોંગ્રેસે હજુ સુધી તેનું સ્ટેન્ડ જાહેર કર્યું નથી. આમ છતાંય પાંચ પૈકીની ચાર માગણીઓ કોંગ્રેસે સ્વીકારી છે એમ જણાવી, હાર્દિકે કોંગ્રેસ પ્રત્યેનો તેનો ઝુકાવ પ્રગટ કર્યો છે. ભાજપાએ પણ હાર્દિકની આ જ પ્રકારની માગણીઓ સંદર્ભમાં જે સ્પષ્ટ જાહેરાતો કરી છે તેની, હાર્દિકે ‘લોલીપોપ’ કહી મજાક કરી છે. પરંતુ કોંગ્રેસની આવી જ જાહેરાત એ પણ ‘લોલીપોપ’ જ છે, એમ કહેવાને બદલે, ‘ભાજપા ભગાઓ અને કોંગ્રેસ લાવો’ એ પ્રકારના સંકેતો હાર્દિકે જરૂર આપ્યા છે ! જ્યારે હાર્દિકને કહેવામાં આવ્યું કે, કોંગ્રેસ પાર્ટીમાં પણ અનેક ખામીઓ-ખરાબી છે ત્યારે હાર્દિકનો લાક્ષણિક જવાબ : "કોંગ્રેસ ચોર છે, પરંતુ ભાજપા મહાચોર છે! આ સંદર્ભમાં હવે કોણ ચોર અને કોણ મહાચોર ? - એનો ફેંસલો ‘હાર્દિક-અદાલત’ જ કરવા લાગશે, તો પછી આપણી ન્યાયિક અદાલતો માટે કયાં કામો બાકી રહેશે ?!
 
હાર્દિક કોઈનો એજન્ટ છે ?
પરંતુ ગાંધી-સરદારના ગુજરાતમાં, હાર્દિક પટેલ માટેના પ્રારંભિક ઉછાળા પછી - ભરતી પછી જેમ ઓટ આવતી હોય છે, તેવા સ્પષ્ટ સંકેતો સાંપડી રહ્યા છે. પાટીદારોનો સુશિક્ષિત યુવાવર્ગ, ઠરેલ આગેવાનો, વિશુદ્ધ સમાજસેવકો, ધાર્મિક સ્થાનકોના સ્વસ્થ-નીતિમાન-નિષ્પક્ષ આદરણીય આગેવાનોમાં પણ, હાર્દિક પ્રકારના વૃત્તિ-વલણ સામે પુનર્વિચારણાનાં વમળો જોઈ શકાય છે. ‘સાધના’નો આ અંક પ્રેસમાં જઈ રહ્યો છે ત્યારે મળતાં સમાચાર પ્રમાણે ‘સરદાર પટેલ ગ્રુપ’ જઙૠના અગ્રણી શ્રી લાલજીભાઈ પટેલે તેમના કાર્યકર્તાઓના સંમેલન પછી ઘોષણા કરી છે કે, જઙૠના કોઈ કાર્યકરને આગામી વિધાનસભા ચૂંટણીમાં ઊભો રાખવામાં આવશે નહીં. જો કોઈ ઊભો રહેશે તો તેને સસ્પેન્ડ કરાશે. SPGને મતે ભાજપા અને કોંગ્રેસ સમાન છે. જઙૠનું આ નિવેદન હાર્દિકના કોંગ્રેસ તરફી ઝુકાવ સામેના સ્પષ્ટ સંકેતરૂપ છે. એમાં વળી બાકી રહી જતું પુરુ કરવા રેશ્મા - વરુણ પ્રકારના પાટીદાર યુવા ચહેરાઓ હાર્દિકની સામે મેદાને પડ્યા છે. આને કારણે અઢી વર્ષ પહેલાં આંદોલનકારી પાટીદારો એકજૂથ છે એવી માન્યતામાં મોટા ગાબડા પડવા લાગ્યા છે. હાર્દિકનો આત્યંતિક ભાજપા વિરોધવાદ અને કોંગ્રેસ સાથેના મેળાપીપણાથી પાટીદારોના સમજદાર, કેળવાયેલ, સુશિક્ષિત યુવા વર્ગમાં વધતી જતી બેચેની સપાટી પર આવી રહી છે. એનાથી આગામી ચૂંટણીના સમીકરણો બદલાઈ શકે છે કે ગુજરાતના પાટીદાર સમાજે જે રીતે ૧૯૮૧ અને ૧૯૮૫ના અનામત વિરોધી આંદોલનનું નેતૃત્વ કરીને, સ્પષ્ટ સંકલ્પશક્તિ અને રાજકીય ઇચ્છાશક્તિ પ્રગટ કરેલી. એવી જ સંકલ્પશક્તિ અને રાજકીય ઇચ્છાશક્તિ આજે પણ પાટીદાર સમાજ ધરાવે છે. પરંતુ ‘જય સરદાર’ - ‘જય પાટીદાર’ સૂત્રોચ્ચાર વચ્ચે, હાર્દિક પ્રકારના નેતૃત્વને પનાહ દેવા પાછળના શાણપણ અંગે સવાલિયા નિશાન પ્રગટ થઈ રહ્યાં છે ! રાજકીય વિશ્ર્લેષકો હાર્દિકનું કોંગ્રેસ સાથેનું ફલર્ટિંગ - આંખમિચૌલી ઉભય માટે આત્મઘાતક થઈ રહેશે તેવી આગાહી પણ કરી રહ્યા છે. જે પાટીદાર સમાજ ૧૯૮૧-૮૫માં અનાતમપ્રથાની સંપૂર્ણ નાબૂદી માટે આંદોલને ચડ્યો હતો, એ જ પાટીદાર સમાજ હવે અનામતની માગણી કરતો થયો છે. એની પાછળ સામાજિક - આર્થિક કારણો ગૌણ અને રાજકીય કારણો મુખ્ય હોય એવી પણ ધારણા બંધાઈ રહી છે. હાર્દિક પોતે તે પણ કોંગ્રેસનો એજન્ટ છે; એવી છાપથી બચવા, તટસ્થતાનો દેખાવ તો કરે છે. પરંતુ પેલા ફિલ્મી ગીત મુજબ, હાર્દિક-કોંગ્રેસના પ્રણય-સંબંધો ‘સબ કો માલૂમ હૈ, ઔર સબકો ખબર હો ગઈ!’ની તરજ ઉપર જગજાહેર છે !
 

 
અલ્પેશ ઠાકોર સમાજ સુધારકનો મુખૌટો ?
હાર્દિક પટેલના અનામત માટેના આંદોલનની પ્રતિક્રિયા‚પે, અલ્પેશ ઠાકોરના ‚પમાં ઠાકોરોનું યુવાનેતૃત્વ ઊભરી આવ્યું એમ રાજકીય વિશ્ર્લેષકોનું તારણ છે. કારણ કે, પાટીદારોની અનામત માગણી કેવળ અને કેવળ ઓબીસી માટેના ૨૭ ટકા કોટામાં જ સમાવી શકાય. સર્વોચ્ચ અદાલતનું જાહેર વલણ પણ, બંધારણીય મર્યાદામાં ૪૯ ટકાથી વધુ અનામત જોગવાઈની વિરુદ્ધ છે. બિનઅનામત જ્ઞાતિસમૂહો માટેની EBC જોગવાઈ સંદર્ભમાં, બંધારણીય મર્યાદાઓ નડતરરૂપ છે. એટલે જો હાર્દિકની માગણી મુજબ, પાટીદાર સહિતના બિનઅનામત ઉજળિયાત ગણાતા સમૂહો માટે, ઓબીસી કોટામાં પ્રવેશનું દ્વાર ખોલવામાં આવે તો; હાલના ઓબીસી સમૂહના પ્રવર્તમાન કોટામાં એટલો કાપ પડે જ. જેનો ઓબીસી વર્તુળો પ્રારંભથી જ ઉગ્ર વિરોધ કરી રહ્યાં છે. મળતા અહેવાલો પ્રમાણે અલ્પેશ ઠાકોરે પણ, કોંગ્રેસને પાટીદારો સંદર્ભમાં ઓબીસી કોટાને છેડવા સામે લાલબત્તી ધરી છે.
આ રીતે હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર, જુદી જુદી સામાજિક કેટેગરીમાંથી આવતા હોઈ, તેમના વચ્ચે પારસ્પરિક હિતોની ટક્કર અનિવાર્ય છે. આમ છતાંય રાજકીય વ્યૂહ-રૂપે પ્રારંભમાં અલ્પેશ ઠાકોરે પોતાની સમાજ સુધારક તરીકેની છાપ ઉપસાવવા પ્રયાસો કર્યા. ઓબીસી સમાજ - ખાસ કરી અલ્પેશ જે સમાજમાંથી આવે છે એ ઠાકોર સમાજમાં વ્યસનમુક્તિ, નશાબંધી, શૈક્ષણિક વિકાસ જેવા નિર્દોષ લાગતા સામાજિક-એજન્ડાથી આગળ વધી, મહિનાઓ સુધી અલ્પેશે તેના આંદોલનને બિનરાજકીય અને સામાજિક સુધારણાની ચળવળ તરીકે પ્રસ્થાપિત કરવાના પ્રયાસો કર્યા. પરંતુ ગાંધીનગરમાં કથિત ‘જનાદેશ રેલી’ને નામે, અલ્પેશે તેનું અસલી પોત પ્રકાશીને, કોંગ્રેસ-પ્રવેશની જાહેરાત કરીને, અલ્પેશે પોતાનો સમાજસુધારક અને નિષ્પક્ષતાનો મુખૌટો જાતે જ ફગાવી દીધો છે! ગાંધીનગર ખાતેની અલ્પેશની ઠાકોર સમાજની રેલીએ, અલ્પેશનો અસલી ચહેરો પ્રગટ કરી દીધો છે! છેલ્લા કેટલાક મહિનાઓથી અલ્પેશ ઠાકોરે કથિત એસ.સી., એસ.ટી., ઓબીસી-એકતા મંચની નૌટંકી જારી રાખેલી. પરંતુ ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવતાં જ, અલ્પેશે તેનો અસલી કોંગ્રેસી રંગ પ્રગટ કર્યો ! અલ્પેશ પોતે જિલ્લા પંચાયતની ચૂંટણી કોંગ્રેસી ઉમેદવાર તરીકે લડીને હારી ચૂકેલો છે. અલ્પેશના પિતા પણ જૂના કોંગ્રેસી છે.
 
અલ્પેશ કાચંડાની જેમ રંગ બદલે છે
આ સંદર્ભમાં સ્વરાજનાં સિત્તેરમાં વર્ષમાં એ નોંધવું રહ્યું કે, અગાઉની જેમ હવે ભારતીય સમાજ - ભારતવર્ષના નાગરિકો અને ભારતીય ગણતંત્રના કોઠાસૂઝ ધરાવતા મતદારો કોઈ એક નેતા, રાજકીય પક્ષ કે સંગઠનના દોરવાયા દોરાઈ જાય, એવી ઘેટાંવૃત્તિમાંથી ઝડપથી બહાર આવી રહ્યાં છે. મે ૨૦૧૪ની લોકસભા ચૂંટણીનાં પરિણામો અને છેલ્લે ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીનાં પરિણામોએ એ બાબત સ્પષ્ટ કરી છે કે, સમય-સંજોગો ઊભા થતાં, પડકારને મહાન તકમાં ફેરવી નાખવાની આવી ક્ષણોમાં; ભારતીય મતદારો નાત-જાત-સંપ્રદાય-કોમથી પર અને ઉપર ઊઠીને, અખિલ ભારતીય સંદર્ભમાં સમજી-વિચારીને શાણપણભર્યો સ્પષ્ટ જનાદેશ આપી શકે છે ! તેથી અલ્પેશ ઠાકોર જેવા કથિત યુવાનેતાની કાખઘોડીથી, ચુનાવ વૈતરણી પાર કરવા મથતી કોંગ્રેસ પાર્ટીએ એ સમજવું રહ્યું કે, મતદારો કોઈના પણ ખિસ્સામાં હોતા નથી. વળી જે રીતે અલ્પેશ ઠાકોરને સમગ્ર ઓબીસી સમૂહના નેતા તરીકે પ્રોજેક્ટ કરવાની નાકામ કોશિશ થઈ રહી છે તે દર્શાવે છે કે, અલ્પેશ ઠાકોર, સમગ્ર ઓબીસી સમૂહના નેતાને બદલે તેમના ઠાકોર સમાજમાં પણ એક મર્યાદિત જૂથનું જ પ્રતિનિધિત્વ ધરાવે છે. ગાંધીનગર પ્રકારના શક્તિ-પ્રદર્શન-મેળાવડા કેવા તો પ્રાયોજિત હોય છે ? અને તેની પાછળ કોંગ્રેસ સહિતનાં કેવાં કેવાં પરિબળો કામે લાગતાં હોય છે ? એ પણ હવે કોઈ ખાનગી બાબત રહી નથી !
 
જિજ્ઞેશ મેવાણી : કહીં પે નિગાહેં, કહીં પે નિશાના !
કથિત યુવા-નેતામાં ત્રીજું નામ જિજ્ઞેશ મેવાણી પણ મીડિયામાં ચમકી રહ્યો છે. ‘ઉના-કાંડ’થી જિજ્ઞેશ લાઈમલાઈટમાં આવેલ છે. અન્ય બે યુવા નેતાઓ - હાર્દિક અને અલ્પેશની સરખામણીમાં, જિજ્ઞેશ મેવાણી પ્રમાણમાં વધુ કેળવાયેલ લાગે છે. એ ઠાવકું-ઠાવકું બોલે છે. પોતે માત્ર ને માત્ર તેમના દલિત સમાજને જ સમર્પિત છે. એમ કહેનાર જિજ્ઞેશનું જાહેર નિવેદન છે કે, એ કોઈ પણ રાજકીય પક્ષમાં જોડાવાનો નથી. પરંતુ એ સાથે જ જિજ્ઞેશ એકીશ્ર્વાસે એમ પણ ઉચ્ચારે છે કે, તે ભાજપાની વિચારધારા સામેની તેની લડત જારી રાખશે. અને એ લક્ષ્ય હાંસલ કરતી વેળાએ, જિજ્ઞેશ માટે કોંગ્રેસ પાર્ટી (તેની લાખ બૂરાઈઓ છતાંય) ‘અછૂત’ નથી ! જિજ્ઞેશ મેવાણી માટે જેએનયુની જાણીતી - નામીચી ‘અફઝલ-ગેંગ’ના સરગણા સમાન ક્ધહૈયાકુમારો પણ ‘અછૂત’ નથી - બલ્કે અત્યંત આવકાર્ય છે, એવું જિજ્ઞેશનું જાહેર વૃત્તિ-વલણ પણ જિજ્ઞેશની વધારાની ‘યોગ્યતા’ (?) છે !
 
જિજ્ઞેશનો ‘હિડન-એજન્ડા’ શું છે ?
ઉપર જણાવ્યા પ્રમાણે જિજ્ઞેશને માટે ‘ઉના-કાંડ’થી મીડિયાની લાઈમ-લાઈટમાં આવવાનું શક્ય બન્યું છે. જિજ્ઞેશ અને અલ્પેશ વચ્ચે એક પ્રકારનું વ્યૂહાત્મક સામ્ય પણ જોઈ શકાય છે. એકતરફ અલ્પેશ પોતાને ઓબીસી આગેવાન ગણાવવા સાથે જ, સમગ્ર એસ.સી., એસ.ટી. ઓ.બી.સી.-એકતાની ભ્રમણા ફેલાવવાની નાકામ કોશિશ કરી રહેલ છે. એવું જ જિજ્ઞેશ મેવાણી માટે પણ કહી શકાય. જિજ્ઞેશની વ્યૂહ-રચના અને પેંતરાબાજીમાં તેમના દલિત સમાજ ઉપરાંત, આદિવાસી સમાજ અને એ ઉપરાંત મુસ્લિમ સમુદાયને પણ એકજૂટ કરીને, માધવસિંહ ખ્યાત ‘ખામ’ પ્રકારનું રાજકીય ‘કોકટેલ’ બનાવવાના નાકામ પ્રયાસો પણ જોઈ શકાય છે. આ સંદર્ભમાં જિજ્ઞેશ દલિતોના તમામ સમુદાયોનું પ્રતિનિધિત્વ કરે છે, એવા દાવામાં પણ વજુદ જણાતું નથી...
જિજ્ઞેશ મેવાણીને જો સાચા માનીએ તો, સમાજના દલિતો સહિતના તમામ કચડાયેલા, વંચિતો, પીડિતો, ગરીબો અને નબળા વર્ગના હિતો માટે એ કામ કરી રહેલ છે. જિજ્ઞેશની આ પ્રકારની ‘કોકટેલ’ પાર્ટીમાં, ઉપર કહ્યા મુજબની ‘અફઝલ-ગેંગ’ના સાથ-સહકાર સાથે જ, વટાળ પ્રવૃત્તિઓમાં ગળાડૂબ ખ્રિસ્તી મિશનરીઓ પણ જિજ્ઞેશ માટે આવકાર્ય છે ! (આવાં ખ્રિસ્તી સંગઠનોના આગેવાનો વળી પોતાને ‘સેક્યુલર’ પણ ગણાવે છે, એ જાણી-સાંભળી હસવું કે ગુસ્સે થવું ?કહી શકાય નહીં !)
 
જિજ્ઞેશનો હાસ્યાસ્પદ વિરોધવાદ
વધુમાં જિજ્ઞેશના મતે તેમની આ ‘કોકટેલ’ પાર્ટીનો શત્રુ નંબર એક-એ ‘ભાજપા’ અને સંઘ પરિવાર છે. પરંતુ સ્વરાજના સાત દાયકાઓ સુધી દેશને લૂંટનાર, નિ:શાસન અને કુશાસનપ્રવીણ કોંગ્રેસ પાર્ટી, જિજ્ઞેશ મેવાણી માટે અત્યંત આવકાર્ય છે ! આ સંદર્ભમાં ભાઈ જિજ્ઞેશને પૂછી શકાય કે, ‘ઉના-કાંડ’ જેવા કે એથીય અદકેરા નિર્ઘૃણ્ણ-ઉત્પીડન-કાંડ, ગુજરાત સિવાય શેષ ભારતમાં નથી થયાં ? ગુજરાતમાં ઉનાકાંડ વેળાએ ભાજપી-શાસન હતું અને આજે પણ છે. આ સંદર્ભમાં ઉનાકાંડને પગલે ગુજરાત સરકારે ત્વરિત આકરા પગલાં ભર્યાં પણ છે. બિનભાજપા શાસિત રાજ્યો, ખાસ કરી કોંગ્રેસ-શાસિત રાજ્યોમાં, ભૂતકાળમાં અને આજે પણ દલિતોનું-સમાજના નબળા-ગરીબ વર્ગોનું ઉત્પીડન થતું રહ્યું નથી?! પરંતુ જિજ્ઞેશ મેવાણી પ્રકારનાં તત્ત્વો માટે કથિત સામાજિક ન્યાય, શોષણમુક્ત સમાજનું દર્શન સિલેક્ટીવ, એકાંગી અને આત્યંતિક છે ! ભાઈ જિજ્ઞેશને લાગણીસભર પ્રશ્ર્ન પૂછી શકાય ? - ‘ભાજપના જે કોઈ કથિત દોષ-દૂષણો છે, તેનાથી કોંગ્રેસ પાર્ટી મુક્ત છે?!’ પરંતુ જિજ્ઞેશ મેવાણી પ્રકારના પરિબળો પાસેથી નિખાલસ જવાબની અપેક્ષા, હાલના તેમના વૃત્તિ-વલણ જોતાં, રોંગ-નંબર પર ડાયલ કરવા જેવી બાબત બનવા સંભવ છે !
 
જિજ્ઞેશ-છોટુ વસાવા વિઘટનકારી તત્ત્વો સાથે ?
જિજ્ઞેશ મેવાણીની વિચારધારાની તરંગ-લંબાઈ ઉપર જ, ભરૂચ વિસ્તારના આદિવાસી નેતા ..... કથિત ભિલીસ્તાન ટાઈગર સેના ખ્યાત શ્રી છોટુભાઈ વસાવાની પણ ગણતરી થઈ શકે. છોટુ વસાવા પણ હમણાં સુધી જનતા દળમાં રહ્યે રહ્યે - નીતિશકુમારના સમર્થક હતા. પરંતુ નીતિશકુમારે હમણાંથી એનડીએ સાથે જવાનો નિર્ણય કરતાં, શ્રી છોટુભાઈ વસાવાએ રાતોરાત શ્રી શરદ યાદવ જૂથના નેતૃત્ત્વમાં, હાડોહાડ ભાજપા વિરોધી અને એટલે કોંગ્રેસને ગળે લગાવવાનો પેંતરો રચ્યો. પરંતુ છોટુ વસાવાની આ તે કેવી કથિત સામાજિક-ન્યાય અને શોષણમુક્ત સમાજની તાલાવેલી ?! ‘ભિલીસ્તાન ટાઈગર સેના’ને નામે, ગુજરાતના આદિવાસી ક્ષેત્રમાં માઓવાદી તત્ત્વોને છોટુ વસાવા પ્રકારના પરિબળો પ્રોત્સાહન આપતા જોવા મળે છે. બીજી તરફ ‘ભાજપા વિરોધવાદ’માં ઇસ્લામિસ્ટ-જેહાદી આતંકી તત્ત્વો પણ વસાવા માટે માનીતા-પોતીકા એવી છાપ પડે છે ! આ સંદર્ભમાં ગુજરાત વિધાનસભાની આ ચૂંટણીમાં, સપાટી ઉપર જે કાંઈ જોવા મળે છે, તેનાથી પણ વધુ ઊંડે જે આંતરપ્રવાહો વહી રહ્યા છે, તે માત્ર ગુજરાત માટે જ નહીં, શેષ ભારત-અખિલ ભારતીય સંદર્ભમાં પણ ગહન પૃથક્કરણ, છાનબીન અને સુયોગ્ય નિષ્કર્ષ પર આવવા માટે મહત્ત્વપૂર્ણ છે. સમગ્ર વૈશ્ર્વિક પરિપ્રેક્ષ્યમાં ભારતની ભૂમિકાના સંદર્ભમાં પણ આમાંથી મહત્ત્વના સંકેતો સાંપડી રહ્યા છે. આજે સમગ્ર વિશ્ર્વમાં જે પ્રકારે જેહાદી આતંકવાદ, રક્તબીજ રાક્ષસની જેમ વિસ્તરી રહ્યો છે, એની પાછળ કેવળ આર્થિક રાજકીય પરિબળો નથી. આ એક પ્રકારની સભ્યતાઓ વચ્ચેનો સંઘર્ષ છે. (ખરું કહીએ તો આ સંઘર્ષ વૈશ્ર્વિક સભ્યતાનો અસભ્યતા વિરુદ્ધનો સંઘર્ષ છે!) શ્રીમદ્ ભગવદ્ ગીતાનો શબ્દપ્રયોગ કરીએ તો, આ એક પ્રકારનો દેવાસુર-સંગ્રામ છે. દૈવી-સંપદા અને આસુરી શક્તિ વચ્ચેનો આ સંઘર્ષ છે. ભારતવર્ષે તેની વૈદિક સભ્યતા, સનાતન જીવનમૂલ્યો અધિષ્ઠિત સપ્ત-સિંધુ સંસ્કૃતિના શાશ્ર્વત અધિષ્ઠાન ઉપર, આ ધર્મયુદ્ધનું નેતૃત્વ કરવાનું છે. એ માટે અનિવાર્ય સામાજિક સમરસતા, રાષ્ટ્રીય ભાવાત્મક એકાત્મતા અને વૈશ્ર્વિક સુસંવાદિતા, સર્વસમન્વય અને એના મૂળમાં રહેલી આધ્યાત્મિક ચેતના-બ્રાહ્મીચેતના-કોસ્મિક કોન્સિયસનેસને પુન: પ્રજ્જ્વલિત કરવાની છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી એ તો માત્ર નિમિત્ત છે. એનાં પરિણામો ભારતીય રાજનીતિના ભાવિ સંકેતરૂપ બની રહેશે...
 
ઉપસંહાર
આ સંદર્ભમાં ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં, ગુજરાતની પ્રબુદ્ધ-શાણી જનતા, કોઠાસૂઝ ધરાવતા મતદારો; હાર્દિક-અલ્પેશ-જિજ્ઞેશ-છોટુ વસાવા સહિતની ચોકડીને ખભે લઈને સત્તા માટે હવાતિયાં મારતી કોંંગ્રેસને, તેના નાત-જાત-સંપ્રદાય-કોમવાદના ‘વોટબેંક’ પોલિટિક્સને સંપૂર્ણ પરાસ્ત કરીને, સામાજિક સમરસતા, રાષ્ટ્રીય એકતા - અખંડિતતાના આધાર ઉપર વિકાસના એજન્ડાને વરેલ, ભાજપાને પ્રચંડ જનસમર્થનથી વિજયી બનાવી... ભગવાન શ્રીકૃષ્ણ, દયાનંદ સરસ્વતી, નરસિંહ, મીરાં, નર્મદ, ગાંધી, સરદારનું ગૌરવ વધારી, એ પ્રેરણાપુરષોનું સ્વપ્ન સાકાર કરશે એવી અભ્યર્થના!