શ્રદ્ધાંજલિ : ઋષિતુલ્ય પરમ શ્રદ્ધેય શ્રી નરેન્દ્રભાઈ પંચાસરાની ચિરવિદાય મૌન તપસ્વી સાધક બનકર... હિમગિરી સે ચૂપચાપ ગલેં...

    ૧૮-નવેમ્બર-૨૦૧૭

 
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સુરતના વરિષ્ઠ પ્રચારક શ્રી નરેન્દ્રભાઈ ગિરધરલાલ પંચાસરાનું દિ. ૧૦ નવેમ્બર, ૨૦૧૭ના રોજ રાત્રે ૧૧.૨૫ કલાકે દુ:ખદ અવસાન થયેલ છે. તેમની અંતિમયાત્રા દિ. ૧૧ નવેમ્બર, ૨૦૧૭ના રોજ સુરતના સંઘ કાર્યાલયથી નીકળી કુરુક્ષેત્ર સ્મશાનભૂમિમાં પહોંચી હતી જ્યાં તેમનાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
સ્વ. શ્રી નરેન્દ્રભાઈ વર્ષ ૧૯૪૫માં અમરેલીથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં જોડાયા. સંઘકાર્યના મહત્ત્વને જાણી વર્ષ ૧૯૬૪માં રાષ્ટ્રકાર્યને સમર્પિત જીવન જીવવા પ્રચારકનો માર્ગ અપનાવ્યો.
પ્રચારક જીવનની શરૂઆત દાહોદથી થઈ. ભિન્ન-ભિન્ન જવાબદારીઓનું વહન કરતા-કરતા ગુજરાત પ્રાંતના સહ પ્રાંત પ્રચારક તરીકે ગુજરાતમાં સંઘકાર્યનો વ્યાપ વધાર્યો.
સંઘકાર્ય દરમ્યાન તેઓ ગુજરાત ભરના અનેક મહાનુભાવો જેવા કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, સ્વ. શ્રી કાશીરામભાઈ રાણા, સ્વ. શ્રી ચંપકભાઈ સુખડીયા, શ્રી યશવંતભાઈ ચૌધરી, શ્રી ફકિરભાઈ ચૌહાણના પ્રેરણાસ્ત્રોત રહ્યા.
દક્ષિણ ગુજરાતના તાપી/ડાંગ જિલ્લાના છેવાડાના વ્યક્તિની સેવાના તથા સામાજિક સમરસતાના ધ્યેયને અનુસરીને પ્રારંંભ થયેલી ‘ડૉ. આંબેડકર વનવાસી કલ્યાણ ટ્રસ્ટ’ સેવા સંસ્થાના સ્વપ્નદ્રષ્ટા તેમજ આધશિલ્પી બની સેવાકાર્યનો વ્યાપ અને સુગંધ સમગ્ર ગુજરાતમાં પ્રસરાવી. સુરતમાં સંઘ તેમજ અન્ય ક્ષેત્રોના વિકાસમાં શ્રી નરેન્દ્રભાઈનો અમૂલ્ય ફાળો રહ્યો છે. અનેક ગૃહસ્થી પરિવારોએ પોતાના પરિવારના સભ્ય તરીકે તેઓને અનુભવ્યા. અનેક ભાઈઓ-બહેનોના વ્યક્તિગત જીવનના માર્ગદર્શક રહ્યા. છેલ્લા ૪૦ વર્ષથી તેઓ દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને સુરત કેન્દ્ર હોવાને કારણે સમગ્ર સુરતના અનેક પરિવારો પોતાના પરિવારના વડિલ ગુમાવ્યાની લાગણી અનુભવી રહ્યા છે.
સ્વર્ગસ્થની અંતિમ યાત્રા ૧૧ નવેમ્બરના રોજ સુરતના સંઘ કાર્યાલયથી નીકળી કુરુક્ષેત્ર સ્મશાનભૂમિ ખાતે પહોંચી હતી. ત્યાં તેમના પાર્થિવદેહની અંતિમક્રિયા કરવામાં આવી હતી. અંતિમક્રિયામાં માન. મધુભાઈ કુલકર્ણીએ ઉપસ્થિત રહી પ્રેરક ઉદ્બોધન દ્વારા શ્રધ્ધાંજલિ આપી હતી.
સ્વ. શ્રી નરેન્દ્રભાઈ પંચાસરાનું જીવન સ્વયંસેવકો માટે તો આદર્શ છે જ, પરંતુ રાષ્ટ્રકાર્ય કરનારા તમામ લોકો માટે પ્રેરક બની રહેશે. ‘સાધના’ પરિવાર તેમને અશ્રુભરી શ્રદ્ધાંજલિ પાઠવે છે.
 
હું છેલ્લાં શ્ર્વાસ સુધી સંઘ સાથે જોડાયેલો રહીશ...
 
વર્ષ ૨૦૧૫માં ‘સાધના’ના પ્રતિનિધિ દ્વારા ૮૨ વર્ષીય શ્રી નરેન્દ્રભાઈ પંચાસરાની મુલાકાત લેવામાં આવી હતી. શ્રી નરેન્દ્રભાઈએ સંઘકાર્યનાં અનેક પ્રસંગો કહ્યા હતા. આજે તેમનાં દુ:ખદ અવસાન નિમિત્તે શ્રધ્ધાંજલિ આપતા અહીં પ્રસ્તુત કરીએ છીએ તેઓશ્રીના ભાવભર્યાં શબ્દો...
"ઈ.સ. ૧૯૪૪માં શિશુ અવસ્થાથી જ હું સંઘમાં સ્વયંસેવક તરીકે જોડાયેલો તે આજે ૮૨ વર્ષની ઉંમર સુધી જોડાયેલો છું અને છેલ્લા શ્ર્વાસ સુધી રહીશ.
મારા જીવનનો સૌથી વધુ સમય મેં સુરતમાં વિતાવ્યો છે. ઈ.સ. ૧૯૬૪માં હું પ્રચારક તરીકે નીકળેલો. ઈ.સ.૧૯૭૨ના જુલાઈ માસમાં હું સુરત આવેલો. એ સમયે મા. વકીલ સાહેબ પ્રાંત પ્રચારક હતા. મને પ્રાંત પ્રચારક પ્રમુખની જવાબદારી આપવામાં આવી હતી. ઈ.સ. ૧૯૮૧-૮૨માં હું ખૂબ બીમાર પડેલો. એ વખતે દેશમુખજી સંભાગ પ્રમુખ હતા. સ્વસ્થ થયા બાદ વકીલ સાહેબે મને બારડોલી તાલુકાનું કામ સોંપ્યું.
૭૨ની સાલમાં હું અહી આવ્યો ત્યારે સુરતમાં માત્ર પાંચ શાખાઓ હતી, એ પણ છૂટીછવાઈ. અહીં જવાબદારી નિભાવતા. અનંતરાવ કાળે, વાસુદેવ તલવલકર વગેરે અધિકારીઓ સાથે મળીને અમે લોકોનો ખૂબ સંપર્ક કરીને શાખાઓ વધારી, શાખાની સંખ્યા પાંચમાંથી વધીને ૧૦ થઈ અને ધીમે ધીમે ૧૦માંથી વધીને ૧૫ પણ થઈ.
શાખાવૃદ્ધિમાં સૌથી વધુ ફાળો રાજસ્થાની સ્વયંસેવકોનો રહ્યો તથા મહારાષ્ટ્રથી આવેલ બે પ્રચારકોનો પણ સંઘની કાર્યવૃદ્ધિમાં અમૂલ્ય ફાળો રહેલો છે. એમના આવ્યા બાદ ધીમે ધીમે શાખાની સંખ્યા વધીને ૪૫ થઈ. અમે હરખભેર મા. રજ્જુભૈયાને જાણ કરી, પણ તેમણે કહ્યું, શાખાની સંખ્યા ૫૦ ન થાય તો મહાનગર ન કહેવાય. અમને જુસ્સો ચડ્યો. અમે સૌએ મળીને સુરતમાં શાખાની સંખ્યા ૫૦થી પણ આગળ પહોંચાડી દીધી. ઈ.સ. ૧૯૮૬માં મા. શ્રી સુરેશરાવ કેત્તકરના હસ્તે આ કાર્યાલયનું ભૂમિપૂજન થયું અને ઈ.સ. ૧૯૮૭માં મા. શ્રી રજ્જુભૈયાના હસ્તે કાર્યાલયનું લોકાર્પણ થયું.
સુરતના સંઘ વિકાસ અને વિસ્તારનો હું સાક્ષી છું. સંઘજીવન દરમિયાન મેં શિશુગણ શિક્ષકથી લઈને ગટનાયક, શિક્ષક, કાર્યવાહ, નગર કાર્યવાહ, સહ પ્રાંત પ્રચારક સુધીની અનેક જવાબદારીઓ નિભાવી છે એમાં સુરત મોખરે છે. પદ અને જવાબદારીઓ અનેક બદલાયાં પણ હું એમ નહીં કહું કે મેં બહુ કામ કર્યું. મેં તો માત્ર સંઘની યોજના પ્રમાણે મને જે કાર્ય સોંપાયું તે નિષ્ઠાથી કર્યું છે. સંઘજીવન જીવ્યો છું. પ્રત્યેક જગ્યાએ મધ્યમવર્ગના કાર્યકર્તાઓ કામ કરતા હતા. તેમની મહેનત પાયામાં છે.

નરેન્દ્રભાઈ પંચાસરા કા જીવન સમર્પિત, અનુશાસન વ નિષ્ઠા સે પરિપૂર્ણ પ્રચારકત્વ કે ઉદાહરણ કે ‚રૂપ મેં થા : પ.પૂ. ડૉ. મોહનજી ભાગવત
 
સ્વર્ગીય નરેન્દ્રભાઈ પંચાસરા કા વૃદ્ધાવસ્થા મેં બીમારી કા નિમિત્ત હોકર નિધન યહ સમાચાર મન મેં એક દુ:ખદાયક રિક્તતા છોડ ગયા. આયુ વ સ્વાસ્થ્ય કે કારણ કુછ વર્ષો સે યદ્યપિ વે કિસી દાયિત્વ પર નહીં થે ફિર ભી ઉનકા હોના હી અનેક કાર્યકર્તાઓ કે લિયે આત્મીય પરામર્શ કી ઉપલબ્ધતા: શ્રદ્ધા વ વિશ્ર્વાસ કે લિયે સતત પ્રકાશ દેને વાલા એક શાંત નંદાદીપ તથા નજર કા ધાક વ હાથ કા આધાર દેને વાલે એક બુજુર્ગ કા હોના થા. પ્રચારકો કે લિયે તો ઉનકા શાંત સમર્પિત અનુશાસન વ નિષ્ઠા સે પરિપૂર્ણ જીવન પ્રચારકત્વ કે ઉદાહરણ કે રુપ મેં થા. યદ્યપિ ઉનકા પાર્થિવ અબ નહીં રહા, ઉસકી જગહ બની રિક્તતા કો સહન કરતે હુએ ઉનકે ઉસ આત્મીય ઉદાહરણ સ્વરુપ જીવન કો અપને જીવન વ્યવહાર સે આગે બઢાતે હુએ ઉસ રિક્તતા કો ભરને કા કામ હમ સબ સ્વયંસેવકો કો તથા ઉનકે પરિવારજનોં કો ભી કરના પડેગા. હમેં આવશ્યક ધૈર્ય પ્રાપ્ત હો તથા દિવંગત જીવ કો ઉત્તમ ગતિ પ્રદાન હો ઇસ પ્રાર્થના કે સાથ મૈં ઉનકી પવિત્ર વ આત્મીય સ્મૃતિ મેં અપની વ્યક્તિગત તથા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કી ઔર સે શ્રદ્ધાંજલિ અર્પણ કરતા હૂં.
 
અજાત શત્રુ હતા સ્વ. નરેન્દ્રભાઈ પંચાસરા : ડૉ. જયંતિભાઈ ભાડેસીયા
 
ક્ષેત્રિય સંઘચાલક માન. ડૉ. જયંતિભાઈ ભાડેસિયાએ કહ્યું કે, ગુજરાતનાં વરિષ્ઠ અને ઋષિતુલ્ય પ્રચારક નરેન્દ્રભાઈ પંચાસરા હવે નથી રહ્યા. તેઓ તપસ્વી બની જીવનભર ચાલતા રહ્યા - તેઓ અજાત શત્રુ હતા. જ્યારે જ્યારે તેમને મળતા ત્યારે તેમની વાતો થકી પિતા જેવો પ્રેમ અને માતા સરીખા વાત્સલ્યનો અનુભવ થતો. કહેવાય છે કે દેવદર્શને જવું જોઈએ. તેમને મળવું એ દેવદર્શન જ હતું. ગુરુજી સાથે તેમના અનુભવો તેમના બૌદ્ધિકોમાં સાંભળવા મળ્યા હતા. તેઓએ ‘ભારત માતાની જય’ માટે આખું શરીર સંઘને સમર્પિત કરી દીધું. ડૉ. આંબેડકર વનવાસી કલ્યાણ કેન્દ્ર બનાવવું અને દક્ષિણ ગુજરાતના વનવાસી વિસ્તારોમાં જે કાર્ય થયું. તેમાં તેમનું મોટું માર્ગદર્શન રહ્યું હતું. તેમની પ્રેરણા અને માર્ગદર્શન આપણી સાથે સદાય રહેશે. તેમની આત્માને શાંતિ મળે એવી ઈશ્ર્વરને પ્રાર્થના.

સુરતમાં સ્વ. નરેન્દ્રભાઈ પંચાસરાનો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ
 
સ્વ. શ્રી નરેન્દ્રભાઈ પંચાસરાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા, સુરતમાં રા. સ્વ. સંઘ દ્વારા શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રાંતપ્રચારક શ્રી ચિંતનભાઈ ઉપાધ્યાયે સદ્ગતને શ્રદ્ધાંજલિ આપતાં કહ્યું હતું કે, "કાકાને લઈને જે વર્ણનો થયા છે. આપણે સૌએ તેવા બનવાનો પ્રયાસ કરીએ એ જ તેમને સાચી શ્રદ્ધાંજલિ ગણાશે. વધુ સાંભળો, ઓછુ બોલો, વધુમાં વધુ લોકોને મળો. પ્રેમથી મળો, હસીને વાત કરો અને નાની-નાની બાબતો પ્રત્યે ધ્યાન આપવાના ગુણો આપણે સ્વ. કાકા પાસેથી શીખવાનાં છે.
મા. પ્રાંત સંઘચાલક શ્રી મુકેશભાઈ મલકાણ, મા. પ્રાંત સહ કાર્યવાહ શ્રી કિશોરભાઈ મુંગલપરા, પ્રાંત સહ કાર્યવાહ શ્રી શૈલેષભાઈ પટેલ, વરિષ્ઠ પ્રચારક શ્રી મગનભાઈ ગૌસ્વામી, ભારતીય વિચાર મંચના શ્રી કૈલાસજી શર્મા, શ્રી મીઠાલાલજી, રાષ્ટ્ર સેવિકા સમિતિનાં શ્રી પ્રકાશબહેન શર્મા, ડૉ. આંબેડકર વનવાસી કલ્યાણ ટ્રસ્ટના વ્યવસ્થાપક શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, સ્વ. નરેન્દ્રકાકાના મોટાભાઈ શ્રી હિમ્મતભાઈ પંચાસરા અને તેમના પરિવાજનો વગેરે એ શ્રદ્ધાંજલિ સભામાં ઉપસ્થિત રહી સદ્ગતને શ્રદ્ધાંજલિ અર્પી હતી.