બાર હાથ ચીભડું ને તેર હાથ બી !! એક સુંદર બાળવાર્તા

    ૨૬-નવેમ્બર-૨૦૧૭


 

 

બાલમિત્રો, તમે કહેવત સાંભળી હશે. ‘ગપ્પીને ઘેર ગપ્પી આવ્યા, કહો ગપ્પીજી ! બાર હાથ ચીભડું ને તેર હાથ બી !!’ એટલે કે સાવ ખોટું. ગપ્પુ મોટું ! તો વાર્તા એક મોટું ગપ્પું છે, પણ તમને બહુ મજા આવશે. તો લો સાંભળો...

હરભમ હાથીની દીકરી હની હાથિણી ક્યાંક જઈ રહી હતી. ખૂબ ચાલવાથી એને થાક લાગેલો. ભૂખ પણ લાગી હતી. રસ્તામાં કંચન કીડી મળી.

કંચને પૂછ્યું : ‘હની, કેમ ધીમીધીમી ચાલે છે ?’

હની કહે : ‘માશી, સાવ થાકી ગઈ છું. મારાથી હવે ચલાતું નથી. શું કરું ?’

કંચન બોલી : ‘ઓહો, એમાં શું મૂંઝાઈ ગઈ ? ચાલ, બેસી જા મારી પીઠ પર.’

હની તો કંચનકીડીની પીઠ પર બેસી ગઈ. કંચન એને ઉપાડીને ચાલવા લાગી. હનીને તો મજા આવી ગઈ. રસ્તામાં ચણાનું ખેતર આવ્યું. ખેતરમાં ચણાના છોડ પર ચઢીને અમથાકાકા ઊંટ તરબૂચ ખાતા હતા. એમણે કંચન અને હનીને આવતાં જોયાં. અને પૂછ્યું : ‘કંચનબહેન, હનીને કેમ ઊંચકવી પડી ?’

કંચન બોલી, ‘બિચારી સાવ નાની છે! ચાલતાં ચાલતાં થાકી ગઈ. ને ભૂખી થઈ એટલે.’

અમથાકાકા કહે, : ‘એમ છે, તો લો તરબૂચ ખાઓ.’

અમથાકાકાએ ચણાના છોડ પરથી તોડી તોડીને મોટાં મોટાં તરબૂચ ફેંક્યા. હનીએ સાત તરબૂચ ખાધાં. કંચને તેર તરબૂચ ખાધાં. બન્ને ધરાઈ ગયાં. હોઈયાં કરીને મોટા ઓડકાર ખાધા. એમના ઓડકાર સાંભળીને ચણાનો છોડ તૂટી પડ્યો. અમથાકાકા ભફાંગ કરતાકને નીચે પડ્યા. ને ચણાના ઘેઘૂર છોડ નીચે દબાઈ ગયા. કંચન અને હની બહુ દૂર પહોંચી ગયેલા. તેથી એમને વાતની ખબર પડી.

આગળ જતાં બન્નેને તરસ લાગી. રસ્તામાં નાની એવી નદી આવી. કંચન અને હની આખી નદી પી ગયા. નદીમાં ટીપુંય પાણી ના રહ્યું.

એક તરસ્યો કાગડો ઊડતો ઊડતો નદીકાંઠે આવ્યો. એને પાણી પીવું હતું, પણ નદી તો કોરીધાકોર ! કાગડાએ કંચન અને હનીને પૂછ્યું : ‘નદીનું પાણી ક્યાં ગયું ?’

બેઉ ખોટું બોલ્યાં : ‘નદીનું પાણી તો સૂરજદાદા પી ગયા !’

કાગડો કહે : ‘પણ મને બહુ તરસ લાગી છે. તેનું શું ?’

કંચન બોલી : ‘અહીંથી થોડે દૂર દરિયો છે. ત્યાં જા.’

કાગડો બોલ્યો : ‘દરિયાનું પાણી તો ખારું હોય. કેમ પીવાય ?’

કંચન કહે : ‘દરિયાનું પાણી ગળ્યું થઈ ગયું છે !’

કાગડાએ પૂછ્યું : ‘દરિયાનું પાણી ગળ્યું કંઈ રીતે થયું ?!’

કંચને માંડીને વાત કરી : ‘ છે ને તે થોડા દિપહેલાં એકસો અગિયાર આગબોટ પરદેશ જવા નીકળી હતી. બધી એની મેળે ચાલતી હતી. એમાં ગાંગડા સાકર ભરેલી હતી. દરિયામાં ભારે તોફાન થયું. ને બધીય આગબોટ ડૂબી ગઈ. ગાંગડા સાકર ઓગળી ગઈ ને દરિયાનું ખારું પાણી ગળ્યું થઈ ગયું ! મધમીઠું શરબત બની ગયું !

વાત સાંભળી કાગડાના મોંમાં પાણી સાવી ગયું ! દરિયે પહોંચવા એકદમ ઊડ્યો. ખૂબ ઊંચે ચઢ્યો. વખતે આકાશમાં એક મોટું વિમાન આમથી તેમ અટવાતું હતું. વિમાનમાં કોઈ પ્રવાસી હતું. એક રોબોટ (યંત્રમાનવ) એને ચલાવતો હતો. દરિયે પહોંચવાની ઉતાવળમાં કાગડાને આવડું મોટું વિમાન દેખાયું નહીં. કારણ કે કાગડાભાઈના ચશ્મા એક ચકલી ઉછીના લઈ ગયેલી.

કાગડો વિમાન સાથે અથડાયો. કાગડાને તો કશું થયું નહીં પણ વિમાન ભડભડ સળગી ઊઠ્યું. સળગતું વિમાન દરિયામાં પડ્યું. દરિયામાં મગરમચ્છથી માંડીને માછલાં સુધીના ઘણા જીવજંતુ રહેતા હતા. તેમણે આગ અડી શકે તેવાં વસ્ત્રો પહેરી લીધાં હતાં. દરિયો સળગવા લાગ્યો. એનું પાણી બળવા લાગ્યું. બળીને કોલસા જેવું થઈ ગયું. આખોય દરિયો રાતાચોળ અંગારા ભરેલો. જાણે મસમોટો કોઈ ચૂલો જોઈ લો !

સમુ સમડીને રોટલા ઘડવાના બાકી હતા. સમુ સમડીએ તો દરિયાના ચૂલા પર તાવડી મૂકીને રોટલા ઘડવા માંડ્યા. રોટલા ઘડતી જાય અને તાવડી પર શેકતી જાય.

કાગડો ઊડતો ઊડતો ત્યાં આવ્યો. એને તરસ સાવ ભુલાઈ ગઈ અને હવે તો કકડીને ભૂખ લાગી હતી. એણે રોટલાની થપ્પીમાંથી એક મોટો રોટલો ચાંચથી ઉપાડ્યો અને ઊડતો ઊડતો ભાગી ગયો. સમુ સમડી તો જોતી રહી. મનોમન બોલી : ‘હવે સાલ્લો આવે ને તો બે કાન વચ્ચે માથું થઈ જાય એટલો ઢીબું ! એના મનમાં વળી શું સમજતો હશે ?’

કાગડો ચાંચમાં રોટલો લઈને ઊડતો ઊડતો પહોંચ્યો ચણાના ખેતરમાં. ચણાના છોડ પર બેસીને કાગડો તો રોટલોને તરબૂચ ખાવા લાગ્યો. ખાતો જાય ને મોજથી ગાતો જાય :

ગપ્પીને ઘેર

ગપ્પી આવ્યા !

કહો ગપ્પીજી ?

બાર હાથ ચીભડું

ને તેર હાથ બી !’