ગુજરાતના આર્થિક વિકાસમાં એનઆરઆઈ અને એનઆરજીનું પ્રદાન NRG

    ૦૪-નવેમ્બર-૨૦૧૭

 
ગુજરાતને ભારતના વિકાસનું એન્જિન કહેવામાં આવે છે. ભારતનાં તમામ રાજ્યોમાં ગુજરાત આર્થિક રીતે સતત આગળ રહેનારું રાજ્ય છે. મોટા ભાગે ગુજરાત આર્થિક વિકાસમાં ભારતમાં પ્રથમ નંબર જાળવી રાખે છે. ગુજરાતી પ્રજા વેપારી પ્રજા છે. વેપાર અને ઉદ્યોગ તેના લોહીમાં છે. પૈસા કમાતાં તેને આવડે છે.
ગુજરાતના આર્થિક વિકાસનાં અનેક પરિબળો અને કારણો છે. તેમાંનુ એક કારણ છે, ગુજરાત છોડીને બહાર વસેલા એનઆરજી અને એનઆરઆઈનું ગુજરાતના આર્થિક વિકાસ સાથેનું જોડાણ અને રોકાણ.
સમગ્ર વિશ્ર્વમાં ભારત બહાર એનઆરઆઈ વસે છે. તેની સંખ્યા આશરે બે કરોડની છે. જો તેમાં ગુજરાતીઓના પ્રમાણ વિશે વિચાર કરીએ તો લગભગ ૩૫ ટકા ગુજરાતીઓ છે. બે કરોડ એનઆરઆઈમાં આશરે ૭૦ લાખ ગુજરાતીઓ હોવાનો અંદાજ છે. બીજી વાત, ગુજરાત બહાર વસતા કુલ ગુજરાતીઓની સંખ્યા વિશે વિચાર કરીએ તો આ આંકડો એક કરોડથી વધી જાય છે. ગુજરાત બહાર ભારતનાં જુદાં જુદાં રાજ્યોમાં ઘણી મોટી સંખ્યામાં ગુજરાતીઓ વસે છે. એનો અર્થ એ થયો કે એનઆરજીની સંખ્યા એક કરોડથી પણ વધારે છે.
એનઆરઆઈ અને એનઆરજી બંને ગુજરાતમાં આર્થિક રોકાણ કરવામાં સતત સક્રિય રહ્યા છે.
ગુજરાત એ વેપાર ઉદ્યોગ કરવા માટે ફળદ્રુપ જગ્યા છે, જેમ ઘણી જમીન ફળદ્રુપ હોય છે. તેમાં મબલખ પાક ઊગે. વેપાર ઉદ્યોગની બાબતમાં ગુજરાત ફળદ્રુપ પ્રદેશ છે. અહીં તમે કોઈ પણ વેપાર કે ઉદ્યોગમાં નાણાં રોકો તો નુકસાનની શકયતા ઘણી ઓછી હોય છે. એટલે જ તો રતન ટાટાએ એક વખત કહ્યું હતું કે જે ઉદ્યોગપતિ ગુજરાતમાં નાણાં રોકતો નથી તે મૂર્ખ છે અને વેપારીઓ કે ઉદ્યોગપતિઓ કયારેય મૂર્ખ હોતા નથી. જેમ તમામ પ્રાણીઓમાં શિયાળ સૌથી ચતુર પ્રાણી ગણાય છે તેમ વ્યવસાય કે ધંધાની રીતે વિચાર કરીએ તો વેપારી અથવા ઉદ્યોગપતિ સૌથી ચતુર હોય છે.
* * *
ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસ
ગુજરાતમાં ખેતી, પશુપાલન અને ઉદ્યોગો ત્રણેયનો સમાન રીતે ખૂબ જ સરસ વિકાસ થયો છે. ગુજરાતના ખેડૂતો પરિશ્રમી છે. ગુજરાતમાં પ્રગતિશીલ અને આધુનિક માનસવાળું વાતાવરણ હોવાથી કૃષિક્ષેત્રે પણ ખૂબ વિકાસ થયો છે. કૃષિક્ષેત્રે સતત સંશોધનો થતાં રહે છે. ગુજરાતના આર્થિક વિકાસમાં કૃષિક્ષેત્રનું મોટું પ્રદાન છે. કૃષિક્ષેત્રની સફળતાનો લાભ ઉદ્યોગોને પણ મળે છે. જેમ ગુજરાત કૃષિક્ષેત્રે આગળ છે તે રીતે જ પશુપાલન ક્ષેત્રે પણ ઘણું આગળ છે. સમગ્ર વિશ્ર્વની પ્રતિષ્ઠિત ગણાતી અમૂલ ડેરી ગુજરાતમાં છે. અમૂલ મોડલ માત્ર ભારતમાં નહીં, વિદેશમાં પણ અમલમાં મુકાયું છે.
કૃષિ અને પશુપાલનની સફળતા ગુજરાતના ઉદ્યોગોને આગળ વધવામાં ખૂબ જ મદદરૂપ થાય છે.
ગુજરાતમાં કાપડ, કેમિકલ, મેન્યુફેકચરિંગ, હીરા, ફાર્માસ્યુટિકલ, પ્લાસ્ટિક સહિત અનેક ઉદ્યોગો વિકસ્યા છે. ગુજરાત પાસે ભારતનું સૌથી મોટું કંડલા મહાબંદર છે અને બીજાં પણ ઘણાં બંદરો છે. ભારતનો સૌથી લાંબો દરિયાકિનારો ધરાવતા ગુજરાત પાસે વેપારની અઢળક તકો છે.
ગુજરાતના આર્થિક વિકાસમાં એનઆરઆઈનું મોટું પ્રદાન છે. આ પ્રદાન પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે છે.
ગુજરાતમાં NRIનું રોકાણ
પહેલાં વાત કરીએ ગુજરાતના ઉદ્યોગોમાં એનઆરઆઈના રોકાણની.
ગુજરાતની બહાર રહેતા એનઆરજી ગુજરાતમાં રોકાણ કરે છે તેની પાછળ બે મજબૂત કારણો જવાબદાર છે. પહેલું કારણ એ છે કે ગુજરાતમાં જે પૈસા રોકવામાં આવે છે તે પૈસા ડૂબી જતા નથી. કોઈ પણ વેપારી નફો થતો હોય તો જ પૈસા રોકે. ગુજરાતમાં જે પૈસા રોકવામાં આવે છે એ પૈસા ઊગી નીકળે છે. જેને વતન માટે પ્રેમ ના હોય તેવા લોકો પણ ગુજરાતમાં પૈસા રોકવા માટે તત્પર હોય છે. એનઆરઆઈ અથવા એનઆરજી ગુજરાતમાં રોકાણ કરે છે તેની પાછળ બીજું કારણ છે વતનપ્રેમનું. અહીં જન્મીને દરિયાપાર જઈને સમૃદ્ધ થયેલા લોકો એવો વિચાર કરે છે કે વતનનું આપણા પર મોટું ઋણ છે. એ ઋણ એક યા બીજી રીતે આપણે ઉતારવું જોઈએ.
ગુજરાતના આર્થિક વિકાસમાં એનઆરઆઈની સક્રિયતા વધી તેનું એક કારણ વાયબ્રન્ટ સમીટ પણ છે. ૨૦૦૩માં પ્રથમ વાયબ્રન્ટ ઈન્વેસ્ટમેન્ટ સમીટનું આયોજન કર્યું. આ એક મૌલિક અને નવી વાત હતી. તેમણે ઉતરાયણ એટલે કે મકરસંક્રાતિ જેવા તહેવારને વિકાસ સાથે જોડ્યો. અમદાવાદના ટાગોર હોલમાં જાન્યુઆરી ૨૦૦૩માં પ્રથમ વાયબ્રન્ટ ઈન્વેસ્ટમેન્ટ સમીટ મળી. પછી તો આ ઈન્વેસ્ટમેન્ટ સમીટે ઇતિહાસ રચ્યો. દર બે વર્ષે તેનું ગુજરાત સરકાર દ્વારા આયોજન થતું રહૃાું. ૨૦૦૩, ૨૦૦૫, ૨૦૦૭, ૨૦૦૯, ૨૦૧૧, ૨૦૧૩, ૨૦૧૫ અને ૨૦૧૭ આમ કુલ આઠ વાયબ્રન્ટ સમીટનું આયોજન થયું. કોઈ રાજ્યના વિકાસમાં આવા કોઈ નવા પ્રયોગનું માતબર પ્રદાન હોય તે ગુજરાતમાં જ જોવા મળે છે. આ સફળતા ઐતિહાસિક બની રહી. તેની ટીકા પણ થઈ. એવા આક્ષેપો પણ મૂકવામાં આવ્યા કે વાયબ્રન્ટ ઈન્વેસ્ટમેન્ટ સમીટમાં જે એમઓયુ થાય છે તે માત્ર કાગળ પર હોય છે. એ બધી વાતને બાજુ પર મૂકીને વિચાર કરીએ તો વિરોધીઓએ પણ એ ચોક્કસ સ્વીકારવું પડે કે વાયબ્રન્ટ ઈન્વેસ્ટમેન્ટ સમીટે માત્ર એનઆરજી, એનઆરઆઈને જ નહીં, વિદેશીઓને પણ ગુજરાતમાં રોકાણ કરવા માટે પ્રેર્યા.
ગુજરાત સરકારના ઈન્ડેક્ષ્ટ-બીના પૂર્વ સ્પેશિયલ ડ્યુટી ઓફિસર જે. જી. હિંગરાજીયા સાહેબ કહે છે કે ગુજરાતમાં એનઆરઆઈ રોકાણ નિયમિત રીતે વિવિધ ક્ષેત્રોમાં આવતું રહ્યું છે. અહીં સફળતાનો દર ઘણો ઊંચો છે. બીજું એક કારણ એ પણ છે કે ગુજરાત સરકારનો રોકાણકારો માટેનો દૃષ્ટિકોણ અત્યંત પોઝિટિવ અને મદદ‚પકર્તા છે. અહીં સિંગલ વિન્ડોમાં બધા જ દસ્તાવેજો મળી જાય તેવું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે. અન્ય એક ઉચ્ચ અધિકારી કહે છે કે ગુજરાત સરકારની એનઆરઆઈ રોકાણકારો માટેની પ્રોત્સાહક નીતિને કારણે પણ ઘણો ફરક પડ્યો છે.
અમેરિકામાં વસતા અગ્રણી સુરેશ જાની કહે છે કે ગુજરાત સરકારને એનઆરઆઈ સમુદાય સાથે એકરુપ કરવાનું મહત્ત્વનું કામ તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યું હતું. તેમણે અંગત રસ લઈને મહત્ત્વના પ્રોજેકટો અને ઉદ્યોગપતિઓ સાથે અંગત રીતે કોમ્યુનિકેશન કર્યું. આ બહું જ મહત્ત્વની વાત છે. ઉદ્યોગપતિઓને એવું પ્રતીત થયું કે અમને ગંભીરતાથી લેવામાં આવી રહ્યા છે.
વિશ્ર્વના અનેક ઉદ્યોગપતિઓ આ વાતને સ્વીકારે છે. અમેરિકાનાં ટોચનાં ભારતીય સંગઠનોમાં ચેરમેન અને પ્રમુખપદના ચાવી રુપ હોદ્દા ધરાવનાર અગ્રણી ઉદ્યોગપતિ અને વતનપ્રેમી સી. કે. પટેલ પણ આ જ પ્રકારની વાત કરે છે. તેઓ કહે છે કે ગુજરાતમાં એનઆરઆઈનું રોકાણ અગાઉ પણ આવતું હતું, પરંતુ શ્રી નરેન્દ્ર મોદીના મૌલિક, નવા, ક્રિયાશીલ અને સતત પોતાની સામેલગીરી સાથેના પ્રયાસોને કારણે આખી વાત બદલાઈ ગઈ.
નડિયાદમાં ઈપ્કો ગ્રુપના મોવડી દેવાંગભાઈ પટેલ પોતે એનઆરઆઈ છે. વિશ્ર્વના ઘણા દેશોમાં તેઓ વ્યવસાય-ધંધા સાથે સંકળાયેલા છે. તેમનું જૂથ સામાજિક પ્રવૃત્તિઓમાં માતબર અનુદાન આપવા માટે પણ જાણીતું છે. તેઓ કહે છે કે ગુજરાતના આર્થિક વિકાસમાં એનઆરઆઈનું પ્રદાન ચોક્કસપણે છે. ગુજરાતના ઘણા ઉદ્યોગોમાં તેમણે રોકાણ કર્યું છે.
ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વપ્રમુખ અને આઈઆઈએમ અમદાવાદના એન્યુમી અમલ ધ્રૂ કહે છે કે ગુજરાતમાં એનઆરઆઈનું આર્થિક વિકાસમાં વિવિધ સ્તરનું પ્રદાન છે. દરિયાપાર રહેતા ગુજરાતીઓ અહીં રહેતા પોતાના સગાં-સબંધીઓને ધંધો કરવા માટે પૈસા આપે છે. કેટલાક કેસમાં તેમની ભાગીદારી પણ રાખે. આવા તો તમને ગુજરાતમાં અનેક નાનાં-મધ્યમ કારખાનાં અને ધંધા જોવા મળે જેમાં એનઆરઆઈનો આર્થિક સહયોગ હોય. મોટાં રોકાણોની સાથે આવાં નાનાં રોકાણોની પણ આર્થિક વિકાસમાં મોટી અસર હોય. ગુજરાતની રાષ્ટ્રીયકૃત બેન્કોમાં એનઆરઆઈ ડિપોઝિટનો આંકડો ૨૦,૦૦૦ કરોડને પાર કરી ગયો છે. આ મોટી વાત છે. ગુજરાતના માધાપર, કેરા, બળદિયા જેવાં કચ્છનાં ગામોમાં તો તમને ઘણી મોટી સંખ્યામાં એનઆરઆઈ ડિપોઝિટ જોવા મળે. ભારતનાં રોકાણોમાં સૌથી વધુ ટોચનાં ગામોમાં કચ્છનાં આ ગામોનો સમાવેશ થાય છે. દરિયાપાર રહેતા ગુજરાતીઓ પોતાના પૈસા વતનની બેન્કોમાં રાખવાનું પસંદ કરે છે અને તેઓ આ રીતે ગુજરાતના આર્થિક વિકાસમાં મદદ કરે છે.
શૈક્ષણિક સંસ્થાઓમાં NRGનું યોગદાન
ગુજરાતના વિકાસમાં શૈક્ષણિક સંસ્થાઓનું મોટું પ્રદાન છે. ગુજરાતની ટોચની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં એનઆરઆઈ અને એનઆરજીનું ઘણું મોટું પ્રદાન રહ્યું છે. ગુજરાતને છેલ્લાં થોડાં વર્ષોમાં જે નવી યુનિવર્સિટીઓ સ્થપાઈ છે જેવી કે, ચારુસેટ, ગણપત, કડી સર્વ વિદ્યાલય સહિતની મોટા ભાગની યુનિવર્સિટીઓના વિકાસમાં એનઆરઆઈનો આર્થિક સહયોગ મળ્યો છે. એમએસ યુનિવર્સિટી હોય કે ઉત્તર ગુજરાત યુનિવર્સિટી હોય કે પછી ગુજરાતની અન્ય યુનિવર્સિટીઓ હોય. આ યુનિવર્સિટીઓનાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ પોતાની માતૃસંસ્થાને ખોબલે ને ખોબલે મદદ કરી છે.
કુંવરજી નામની ખાનગી કંપનીમાં એનઆરઆઈ રોકાણનો એક જુદો વિભાગ છે. વર્ષોથી આ વિભાગને ચલાવતાં નિરાલીબહેન શાહ સતત એનઆરઆઈ સાથે સંપર્કમાં રહે છે. તેઓ કહે છે કે એનઆરઆઈ લોકો ગુજરાતમાં રોકાણ કરવા માટે સતત આતુર રહે છે. તેમનું એવું પણ કહેવું છે કે નોટબંધી અને જીએસટીના અમલ પછી હવે એનઆરઆઈ સમુદાયનો ગુજરાત અને ભારતમાં વિશ્ર્વાસ મજબૂત થયો છે. તેઓ માનતા થયા છે કે ભારતમાં હવે બે નંબરનું નાણું ઘટશે અને પ્રોફેશનાલિઝમ આવશે.
ગુજરાતના અર્થતંત્રમાં યુનિવર્સિટીઓનું મોટું પ્રદાન છે અને તેમાં એનઆરઆઈનો સહયોગ ઘણો મોટો મળ્યો છે. ગણપત યુનિવર્સિટીના સ્થાપક અને ગુજરાત રાજ્યના પૂર્વ ઉદ્યોગમંત્રી અનિલ પટેલે અનેક વાર કહૃાું છે કે ગણપતભાઈએ મોટું અનુદાન આપ્યું તેના કારણે ઉત્તર ગુજરાતમાં ગણપત યુનિવર્સિટી જેવી એક વૈશ્ર્વિક શૈક્ષણિક સંસ્થાનું નિર્માણ થઈ શકયું. ગુજરાતમાં તમને અનેક સ્થળે આવું જોવા મળશે.
એનઆરઆઈ લોકો ગુજરાતની સામાજિક પ્રવૃત્તિઓમાં પણ મોટું અનુદાન આપે છે. ખાસ કરીને આરોગ્ય ક્ષેત્રમાં એનઆરઆઈ સમુદાયનું મોટું રોકાણ હોય છે. આ રોકાણ પાછળ આર્થિક ઇરાદો હોતો નથી, પરંતુ આર્થિક વિકાસને તે મદદ તો કરે જ છે. ગુજરાતની હૉસ્પિટલોમાં, ખાસ કરીને સેવાકીય ભાવનાથી ચાલતી હૉસ્પિટલોમાં અને આરોગ્ય સંસ્થાઓ અને આરોગ્ય પ્રવૃત્તિઓમાં એનઆરઆઈનું જે પ્રદાન છે તેની વિગતવાર નોંધ લેવાનો પ્રયત્ન કરીએ તો એક કરતાં વધારે પુસ્તકો લખવાં પડે તેવી સ્થિતિ છે. એનઆરઆઈ લોકો પોતાના ગામને મિનરલ વોટર પીવડાવવા માટે આરઓ પ્લાન્ટ નાખે, ગામના લોકો પ્રસંગ ઊજવી શકે તે માટે કોમ્યુનિટી હોલ બાંધી આપે, શાળામાં કોમ્પ્યુટર લેબોરેટરીની ભેટ આપે, પુસ્તકાલય સ્થાપી આપે, શાળાના ઓરડા બાંધી આપે, મંદિરમાં મોટું અનુદાન આપે, ગામની બહેનો માટે ધંધા રોજગારની સગવડ કરે, ખેડૂતો અને ખેતમજૂરો માટે ખાસ યોજનાઓ કરે... આ બધી બાબતો ભલે સીધી રીતે ગુજરાતના આર્થિક વિકાસમાં મદદ ન કરતી હોય, પરંતુ ગુજરાતના આર્થિક વિકાસમાં તેનું પ્રદાન તો હોય જ છે.
એ અરસામાં ઉદ્યોગપતિઓને ગુજરાતમાં રોકાણ કરવા માટે આકર્ષવા ઘણાં પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન બનાવડાવેલાં. એ પ્રેઝન્ટેશન બતાવવામાં આવે તે પહેલાં ગુજરાત સરકાર ક્ધયા કેળવણી માટેના જે પ્રયાસો કરતી હતી તેનું પ્રેઝન્ટેશન ઉદ્યોગપતિઓને પહેલું બતાવવામાં આવતું હતું. ઘણાને ખૂબ નવાઈ લાગતી હતી કે ઉદ્યોગપતિઓને ક્ધયા કેળવણી સાથે શું સંબંધ? નરેન્દ્ર મોદી કહેતા હતા કે સીધો સંબંધ છે. આર્થિક વિકાસની સાથે ક્ધયા કેળવણી વધવી જ જોઈએ. એટલું જ નહીં આપણે ઉદ્યોગપતિઓને એ વાતની પણ પ્રતીતિ કરાવવી જોઈએ કે અમે સામાજિક વિકાસ માટે કેટલા પ્રતિબદ્ધ છીએ.
એનઆરઆઈ સમુદાય પણ આ અભિગમને વર્ષોથી સ્વીકારે છે. એનઆરઆઈ સમુદાય ગુજરાતમાં આર્થિક ક્ષેત્રોમાં સીધું રોકાણ કરે છે તેટલા જ પૈસા તે સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓમાં પણ આપે છે. સમાજ માટેનો એનઆરઆઈ સમુદાયનો આ સ્વસ્થ અને આદરથી ભરેલો અભિગમ ગુજરાતને આર્થિક વિકાસમાં પ્રથમ નંબરે રાખવામાં ખૂબ મદદ કરે છે.