‘જાતિ અને પંથનો કોઈ ભેદ આપણને રોકી ના શકે...’ ન્યૂ ઇન્ડિયાનાં વિઝન માટે સરદાર સાહેબનું કથન પ્રેરક છે : નરેન્દ્ર મોદી

    ૦૪-નવેમ્બર-૨૦૧૭
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. દિવાળીના છ દિવસ બાદ મનાવવામાં આવતું મહાપર્વ છઠ, આપણા દેશમાં સૌથી વધુ નિયમ અને નિષ્ઠા સાથે મનાવાતા તહેવારોમાંનું એક છે. જેમાં ખાણી-પીણી થી લઈને વેશભૂષા સુધી, દરેક વાતમાં પારંપારિક નિયમોનું પાલન કરવામાં આવે છે. છઠ પૂજાનું અનુપમ પર્વ પ્રકૃતિથી અને પ્રકૃતિની ઉપાસના સાથે પૂરી રીતે જોડાયેલું છે. સૂર્ય અને જળ, મહાપર્વ છઠની ઉપાસનાના કેન્દ્રમાં છે, તો વાંસ અને માટીથી બનેલા વાસણો તેમજ કંદમૂળ, તેની પૂજનવિધી સાથે જોડાયેલી અભિન્ન સામગ્રીઓ છે. આસ્થાનાં આ મહાપર્વમાં ઉગતા સૂર્યની ઉપાસના અને અસ્ત થતા સૂરજની પૂજાનો સંદેશ અદ્વિતિય સંસ્કારથી પરિપૂર્ણ છે. દુનિયા તો ઉગવાવાળાને જ પૂજવામાં લાગી હોય છે, પરંતુ છઠ પૂજા આપણને તેમની આરાધના કરવાના પણ સંસ્કાર આપે છે જેનો અસ્ત પણ લગભગ નિશ્ચિત જ હોય છે. આપણા જીવનમાં સ્વચ્છતાનાં મહત્વની અભિવ્યક્તિ પણ આ તહેવારમાં સમાયેલી છે. છઠથી પહેલા આખા ઘરની સફાઈ, સાથે જ નદી, તળાવ, પોખરના કિનારે, પૂજા સ્થળ એટલે કે ઘાટની પણ સફાઈ, પૂરા જોશ સાથે બધા લોકો જોડાઈને કરે છે. સૂર્ય વંદના અથવા છઠ પૂજા, પર્યાવરણ સંરક્ષણ, રોગ નિવારણ તેમજ અનુશાસનનું પણ પર્વ છે.
ખાદી ફોર ટ્રાન્સફોર્મેશન
મારા પ્રિય દેશવાસીઓ, મન કી બાતની પ્રશંસા પણ થતી રહે છે, આલોચના પણ થતી રહે છે. પરંતુ જ્યારે પણ હું મન કી બાતના પ્રભાવ તરફ નજર કરું છું તો મારો વિશ્ર્વાસ દ્રઢ થઈ જાય છે કે આ દેશના જનમાનસ સાથે મન કી બાત સો ટકા અતૂટ સંબંધથી બંધાઈ ગઈ છે. ખાદી અને હાથવણાટનું જ ઉદાહરણ લઈ લો. ગાંધી જયંતી પર હું હંમેશા હાથવણાટ માટે, ખાદી માટે વકીલાત કરતો રહેતો હોઉં છું અને તેનું પરિણામ શું છે ! આપને પણ તે જાણીને ખુશી થશે. મને જણાવવામાં આવ્યું છે કે આ મહિને ૧૭ ઓક્ટોબરે ધનતેરસનાં દિવસે દિલ્હીના ખાદી ગ્રામોદ્યોગ ભવનનાં સ્ટોરમાં લગભગ એક કરોડ વીસ લાખ રૂપિયાનું રેકોર્ડ વેચાણ થયું છે. ખાદી અને હાથવણાટનું એક જ સ્ટોર પર આટલું મોટું વેચાણ થવું, એ સાંભળીને આપને પણ આનંદ થયો હશે, સંતોષ થયો હશે. દિવાળી દરમિયાન ખાદી ગિફ્ટ કૂપનનાં વેચાણમાં લગભગ ૬૮૦ ટકાની વૃદ્ધિ નોંધવામાં આવી છે. ખાદી અને હસ્તકળાની વસ્તુઓનાં કુલ વેચાણમાં ગત વર્ષ કરતા આ વર્ષે લગભગ ૯૦ ટકા વૃદ્ધિ જોવા મળી છે. એ જ દેખાડે છે કે આજે યુવાનો, વડીલો, મહિલાઓ દરેક વયના લોકો ખાદી અને હાથવણાટને પસંદ કરે છે. હું કલ્પના કરી શકું છું કે, આનાથી કેટલાય વણકર પરિવારોને, ગરીબ પરિવારોને, હાથશાળ પર કામ કરતા પરિવારોને કેટલો લાભ થયો હશે. પહેલા ખાદી ખાદી ફોર નેશન હતું અને આપણે ખાદી ફોર ફેશનની વાત કહી હતી. પરંતુ પાછલા કેટલાક સમયથી હું અનુભવે કહી શકું છું કે ખાદી ફોર નેશન અને ખાદી ફોર ફેશન બાદ હવે ખાદી ફોર ટ્રાન્સફોર્મેશનની જગ્યા લઈ રહ્યું છે. ખાદી ગરીબમાં ગરીબ વ્યક્તિના જીવનમાં, હાથવણાટ ગરીબમાં ગરીબ વ્યક્તિના જીવનમાં બદલાવ લાવીને તેમને સશક્ત બનવવાનું શક્તિશાળી સાધન બનીને ઊભરી રહ્યું છે. ગ્રામોદય માટે આ બહુ મોટી ભૂમિકા અદા કરી રહ્યું છે.
શાંતિ રક્ષા મિશનમાં ભારતની સક્રિયતા
શ્રીમાન રાજન ભટ્ટે નરેન્દ્ર મોદી એપ પર લખ્યું છે કે તેઓ સુરક્ષાબળો સાથેની મારી દિવાળીનાં અનુભવ વિશે જાણવા માંગે છે અને તેઓ એ પણ જાણવા માગે છે કે આપણા સુરક્ષાદળો કેવી રીતે દિવાળી મનાવે છે. શ્રીમાન તેજસ ગાયકવાડે પણ નરેન્દ્ર મોદી એપ પર લખ્યું છે, અમારા ઘરની પણ મિઠાઈ સુરક્ષાદળો સુધી પહોંચાડવાની વ્યવસ્થા થઈ શકે કે કેમ ? અમને પણ અમારા વીર સુરક્ષાદળોની યાદ આવે છે. અમને પણ લાગે છે કે અમારા ઘરની મિઠાઈ દેશના જવાનો સુધી પહોંચવી જોઈએ.
દિવાળી આપ દરેક લોકોએ ખૂબ હર્ષોલ્લાસ સાથે મનાવી હશે. મારા માટે દિવાળી આ વખતે પણ એક વિશેષ અનુભવ લઈને આવી. મને ફરી એકવાર સીમા પર તહેનાત આપણા જાંબાઝ સુરક્ષાદળોની સાથે દિવાળી મનાવવાનું સૌભાગ્ય મળ્યું. આ વખતે જમ્મુ-કાશ્મીરના ગુરેજ સેક્ટરમાં સુરક્ષાદળો સાથે દિવાળી મનાવવાનું મારે માટે અવિસ્મરણીય રહ્યું. સીમા પર જે કઠિન અને વિષમ પરિસ્થિતિઓનો સામનો કરીને આપણા સુરક્ષાદળ દેશની રખેવાળી કરે છે તે સંઘર્ષ, સમર્પણ અને ત્યાગ માટે હું દરેક દેશવાસીઓ તરફથી આપણા સુરક્ષાદળોનાં દરેક જવાનોનો આદર ક‚ છું. જ્યાં આપણને અવસર મળે, જયારે આપણને મોકો મળે, આપણા જવાનોનાં અનુભવ જાણવા જોઈએ, તેમની ગૌરવગાથા સાંભળવી જોઈએ. આપણામાંથી કેટલાય લોકોને ખબર નહીં હોય કે, આપણા સુરક્ષાદળના જવાનો, ન માત્ર આપણી સીમા પર પરંતુ વિશ્ર્વભરમાં શાંતિ સ્થાપિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહ્યા છે. યુએન શાંતિદૂત બનીને તેઓ દુનિયામાં હિન્દુસ્તાનનું નામ ઉજાળી રહ્યા છે. હમણાં ગત દિવસોમાં, ૨૪ ઓક્ટોબરે વિશ્ર્વભરમાં ઞગ દિવસ, સંયુક્ત રાષ્ટ્ર દિવસ મનાવવામાં આવ્યો. વિશ્વમાં શાંતિ સ્થાપિત કરવાનાં યુએનના પ્રયાસો, તેની સકારાત્મક ભૂમિકાને દરેક લોકો યાદ કરે છે. અને આપણે તો વસુધૈવ કુટુંબકમ્ ને માનવાવાળા છીએ એટલે કે આખું વિશ્ર્વ આપણો પરિવાર છે. અને આ જ વિશ્ર્વાસને કારણે ભારત શરૂઆતથી જ યુએનની વિવિધ મહત્વપૂર્ણ પહેલમાં સક્રિય ભાગીદારી નિભાવતું આવ્યું છે.
આપ જાણતા જ હશો કે ભારતના બંધારણની પ્રસ્તાવના અને યુએન ચાર્ટરની પ્રસ્તાવના, બંને We the People શબ્દોથી જ શરૂ થાય છે. ભારતે નારી સમાનતા પર હંમેશા જોર આપ્યું છે અને UN Declaration Of human Rights તેનું જીવતું-જાગતું પ્રમાણ છે. તેના પ્રાથમિક ફકરામાં જે દરખાસ્ત કરવામાં આવી હતી તે હતી, All men are born free and equal જેને ભારતના પ્રતિનિધિ હંસા મહેતાના પ્રયાસોથી બદલવામાં આવ્યું અને બાદમાં સ્વિકારાયું, All human beings are born free and equal. આમ તો આ બહુ નાનો બદલાવ લાગે છે પરંતુ એક તંદુરસ્ત વિચારનાં તેમાં દર્શન થાય છે. યુએનની ક્રિયાકલાપોમાં ભારતે જે એક મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે તે છે UN PEACEKEEPING OPERATIONSમાં ભારતની ભૂમિકા. સંયુક્ત રાષ્ટ્રનાં શાંતિ-રક્ષા મિશનમાં ભારત હંમેશા મોટી સક્રિય ભૂમિકા નિભાવતું રહ્યું છે.
ભારતના સુરક્ષાદળોએ વિભિન્ન દેશોમાં ન માત્ર ત્યાંના લોકોની રક્ષા કરી છે, પરંતુ People Friendly Operations કરીને તેમના દિલ પણ જીતી લીધા છે. ભારતીય મહિલાઓએ શાંતિ સ્થાપિત કરવાના કાર્યોમાં અગ્રણી ભૂમિકા નિભાવી છે. બહુ ઓછા લોકો એ વાત જાણતા હશે કે, ભારત પ્રથમ દેશ હતો જેણે લાઈબેરિયામાં સંયુક્ત રાષ્ટ્રના શાંતિ અભિયાન મિશનમાં ઋયળફહય ઙજ્ઞહશભય ઞક્ષશિં મોકલ્યું હતું. અને જુઓ, ભારતનું આ પગલું વિશ્ર્વભરના દેશો માટે પ્રેરણાસ્ત્રોત બની ગયું. અને ત્યારબાદ બધા દેશોએ પોતપોતાનાં Women Police Unit મોકલવાનું શરૂ કર્યું. આપને સાંભળીને ગર્વ થશે કે ભારતની ભૂમિકા માત્ર Peace keeping Operations સુધી જ સીમિત નથી પરંતુ ભારત લગભગ ૮૫ દેશના Peace keepersને પ્રશિક્ષણ આપવાનું કાર્ય પણ કરે છે.
મહાત્મા ગાંધી અને ગૌતમ બુદ્ધની આ ભૂમિથી આપણાં બહાદૂર શાંતિ રક્ષકોએ વિશ્ર્વભરમાં શાંતિ અને સદ્ભાવનો સંદેશ પહોંચાડ્યો છે. Peacekeeping Operations સરળ કાર્ય નથી. આપણા સુરક્ષાદળોના જવાનોને દુર્ગમ વિસ્તારોમાં જઈને કામ કરવું પડે છે. અલગ-અલગ લોકો વચ્ચે રહેવું પડે છે. ભિન્ન-ભિન્ન પરિસ્થિતિઓ અને અલગ-અલગ સંસ્કૃતિને જાણવી-સમજવી પડે છે. તેમને ત્યાંની સ્થાનિક જ‚રિયાતો, માહોલને અનુરૂપ પોતાને ઢાળવા પડે છે. આજે જ્યારે આપણા બહાદુર UN Peacekeepersને યાદ કરીએ છીએ તો કેપ્ટન ગુરૂબચન સિંહ સલારિયાને કોણ ભૂલી શકે, જેમણે આફ્રિકાના કોંગોમાં શાંતિ માટે લડતા, પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દીધું હતું. તેમને યાદ કરીને દરેક દેશવાસીની છાતી ગર્વથી ફૂલી જાય છે. તેઓ એકમાત્ર UN Peacekeepers હતા. વીર પુરૂષ હતા જેને પરમવીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા. લેફ્ટેનન્ટ જનરલ પ્રેમચંદજી, એ ભારતીય Peacekeepersના એક છે જેમણે સાયપ્રસમાં વિશિષ્ટ ઓળખ ઉભી કરી. ૧૯૮૯માં ૭૨ વર્ષની વયે તેમને નામિબિયામાં Operation માટે ફોર્સ કમાન્ડર બનાવવામાં આવ્યા અને તેમણે તે દેશની આઝાદી સુનિશ્ર્ચિત કરવા માટે પોતાની સેવાઓ પ્રદાન કરી. જનરલ થિમૈય્યા, જે ભારતીય સેનાનાં પણ પ્રમુખ રહી ચૂક્યા છે. તેમણે સાયપ્રસમાં UN Peacekeeping નું નેતૃત્વ કર્યું અને શાંતિ કાર્યો માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દીધું. ભારત શાંતિદૂતના રૂપમાં હંમેશા વિશ્વમાં શાંતિ, એકતા અને સદ્ભાવનાનો સંદેશ આપતું રહ્યું છે. આપણો વિશ્ર્વાસ છે કે દરેક લોકો શાંતિ, સદભાવ સાથે જીવે અને એક વધુ સારી તેમજ શાંતિપૂર્ણ આવતીકાલનાં નિર્માણની દિશામાં આગળ વધે.
મારા પ્રિય દેશવાસીઓ આપણી પુણ્યભૂમિ એવા મહાન લોકોથી સુશોભિત રહી છે જેમણે નિસ્વાર્થ ભાવ સાથે માનવતાની સેવા કરી છે. સિસ્ટર નિવેદિતા, જેમને આપણે ભગિની નિવેદિતા પણ કહીએ છીએ, તે પણ એ અસાધારણ લોકોમાંના એક હતા. તેઓ આયરલેન્ડમાં માર્ગરેટ એલિઝાબેથ નોબેલના ‚પમાં જન્મી હતી.
સિસ્ટર નિવેદિતા બ્રિટિશ રાજમાં થતા અત્યાચારોથી ઘણા દુ:ખી હતા. અંગ્રેજોએ ન માત્ર આપણા દેશને ગુલામ બનાવ્યો હતો પરંતુ તેમણે આપણને માનસિક રુપથી પણ ગુલામ બનાવવાનો પ્રયાસ કર્યો હતો. આપણી સંસ્કૃતિને નીચી દેખાડીને, આપણામાં હીન ભાવના પેદા કરવી, આ કામ નિરંતર ચાલતું રહેતું હતું. ભગિની નિવેદિતાજીએ ભારતીય સંસ્કૃતિના ગૌરવને પુન:સ્થાપિત કર્યું. રાષ્ટ્રિય ચેતના જાગૃત કરીને લોકોને એક કરવાનું કામ કર્યું. તેમણે વિશ્વના અલગ-અલગ દેશોમાં જઈને સનાતન ધર્મ અને દર્શન વિશે કરાતા દુષ્પ્રચારોના વિરોધમાં અવાજ ઉઠાવ્યો. પ્રસિદ્ધ રાષ્ટ્રવાદી તેમજ તમિલ કવિ સુબ્રમણ્ય ભારતી પોતાની ક્રાંતિકારી કવિતા પુદ્દુમઈ પેન્ન, New women અને મહિલા સશક્તિકરણ માટે પ્રખ્યાત છે. એવું કહેવાય છે કે તેની પ્રેરણા ભગિની નિવેદિતા જ હતાં. ભગિની નિવેદિતાજીએ મહાન વૈજ્ઞાનિક જગદિશચંદ્ર બસુને પણ સહયોગ આપ્યો. તેમણે પોતાના લેખ અને સંમેલનોના માધ્યમથી બસુનાં સંશોધનનાં પ્રકાશન તેમજ પ્રચારમાં સહાયતા કરી. ભારતની આ જ એક વિશેષ સુંદરતા છે કે આપણી સંસ્કૃતિમાં આધ્યાત્મિકતા અને વિજ્ઞાન, એકબીજાનાં પૂરક છે.
જીવનશૈલી સુધારીએ
યુવાવસ્થામાં આ પ્રકારની બીમારીથી ગ્રસ્ત થવાનું એક પ્રમુખ કારણ છે - આપણી જીવનશૈલીમાં શારીરિક પ્રવૃત્તિઓમાં ખામી અને આપણી ખાણીપીણીની રીતભાતમાં પરિવર્તન. સમાજ અને પરિવારે આ બાબત પર ધ્યાન આપવાની જરૂર છે.
જ્યારે તેઓ તેના પર વિચારશે તો તમે જોજો કે કંઈ સવિશેષ કરવાની જરૂર નથી. બસ જરૂર છે, નાની-નાની વાતોને સાચી રીતે, નિયમિત રીતે કરતા રહીને પોતાની ટેવ બદલવાની, તેને પોતાનો એક સ્વભાવ બનાવવાની. હું તો ઇચ્છીશ કે પરિવારજનો સભાનપણે એ પ્રયાસ કરે કે, બાળકો ખુલ્લા મેદાનમાં જવાની ટેવ અપનાવે. સંભવ હોય તો આપણે પરિવારનાં મોટા લોકો પણ આ બાળકો સાથે જરા ખુલ્લામાં જઈને રમીએ. બાળકોને લિફ્ટમાં ઉપર આવવાજવાના બદલે દાદરા ચડીને જવાની ટેવ પાડો.
દેશનું નામ ઊજાળનારા ખેલાડી
અલગ-અલગ રમતોમાં આપણા ખેલાડીઓએ આપણા દેશનું નામ ઉજાળ્યું છે. હોકીમાં ભારતે શાનદાર રમત રમીને એશિયા કપ હોકીનો ખિતાબ જીત્યો છે. આપણા ખેલાડીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું અને તેના બળે ભારત દસ વર્ષ પછી એશિયા કપ ચેમ્પિયન બન્યું છે. આ અગાઉ ભારત ૨૦૦૩ અને ૨૦૦૭માં એશિયા કપ ચેમ્પિયન બન્યું હતું. સમગ્ર ટીમ અને મદદગાર સ્ટાફને મારા તરફથી, દેશવાસીઓ તરફથી ખૂબ-ખૂબ શુભકામનાઓ.
હોકી પછી બેડમિન્ટનમાં પણ ભારત માટે સારા સમાચાર આવ્યા છે. બેડમિન્ટ સ્ટાર કિદામ્બી શ્રીકાંતે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતાં ડેન્માર્ક ઑપનનો ખિતાબ જીતીને દરેક ભારતીયમાં ગૌરવની લાગણી જન્માવી છે. ઇન્ડોનેશિયા ઑપન અને ઑસ્ટ્રેલિયા ઑપન પછી તેમનો આ ત્રીજો સુપર સીરિઝ પ્રીમિયર ખિતાબ છે. હું આપણા યુવા સાથીને તેમની આ સિદ્ધિ માટે અને ભારતનું ગૌરવ વધારવા માટે ઘણા ઘણા અભિનંદન પાઠવું છું.
દોસ્તો, આ મહિને ફિફા અંડર-૧૭ વિશ્ર્વ કપનું આયોજન થયું. વિશ્ર્વભરની ટીમો ભારત આવી અને બધાએ ફૂટબોલના મેદાન પર પોતાની આવડત દેખાડી. ભલે, ભારત ખિતાબ ન જીતી શક્યું પરંતુ ભારતના યુવા ખેલાડીઓએ બધાનું દિલ જીતી લીધું. ફૂટબોલનું ભવિષ્ય ઘણું ઉજ્જવળ છે, તેના સંકેત નજરે પડી રહ્યા છે. હું એક વાર ફરી બધા ખેલાડીઓને, તેમના સહયોગીઓને અને બધા રમતપ્રેમીઓને અભિનંદન આપું છું, શુભકામનાઓ આપું છું.
આગામી અવસરનાં અભિનંદન
૪ નવેમ્બરે ગુરૂ નાનક જયંતી છે. ગુરૂ નાનક દેવજી, શીખોના પહેલા ગુરૂ જ નહીં, પરંતુ જગદ્ગુરુ છે. તેમણે સમગ્ર માનવજાતના કલ્યાણ વિશે વિચાર્યું, તેમણે બધી જાતિઓને એક સમાન ગણાવી. મહિલા સશક્તિકરણ અને નારી સન્માન પર તેમણે ભાર મૂક્યો હતો.
૩૧ ઑક્ટોબરે આપણે સરદાર વલ્લભભાઈ પટેલજીની જન્મજયંતી. આપણે જાણીએ છીએ કે આધુનિક અખંડ ભારતનો પાયો તેમણે નાખ્યો હતો. ભારત માતાનાં આ મહાન સંતાનની અસાધારણ યાત્રામાંથી આજે આપણે ઘણું બધું શીખી શકીએ છીએ. ૩૧ ઑક્ટોબરે શ્રીમતી ઈન્દિરા ગાંધી પણ આ દુનિયાને છોડીને ચાલ્યાં ગયાં. સરદાર વલ્લભભાઈ પટેલની વિશેષતા એ હતી કે તેઓ ન માત્ર પરિવર્તનકારી વિચાર આપતા હતા પરંતુ તેઓ તેને કરીને દેખાડવા માટે ખૂબ જ જટિલ સમસ્યાનો વ્યવહારિક ઉકેલ શોધી કાઢવામાં નિપુણ પણ હતા.
દેશને એક કરવાનું આ કાર્ય માત્ર તેઓ જ કરી શકે એમ હતા જેમણે એક એવા રાષ્ટ્રની પરિકલ્પના કરી જ્યાં બધા લોકો સમાન હોય, તેમણે કહ્યું હતું અને હું ઇચ્છીશ કે સરદાર વલ્લભભાઈ પટેલની આ વાત સદા-સર્વદા આપણા બધા માટે પ્રેરણાદાયક છે. તેમણે કહ્યું હતું, જાતિ અને પંથનો કોઈ ભેદ આપણને રોકી ન શકે, બધા ભારતના દીકરા અને દીકરીઓ છે, આપણે બધાએ પોતાના દેશને પ્રેમ કરવો જોઈએ અને પારસ્પરિક પ્રેમ અને સદભાવના પર પોતાની નિયતિનું નિર્માણ કરવું જોઈએ.
સરદાર સાહેબનું આ કથન આજે પણ આપણા ન્યૂ ઇન્ડિયાના વિઝન માટે પ્રેરક છે, પ્રાસંગિક છે. અને આ જ કારણ છે કે તેમનો જન્મ દિવસ રાષ્ટ્રીય એકતા દિવસના રૂપમાં મનાવાય છે. દેશને એક અખંડ રાષ્ટ્રનું સ્વરૂપ આપવામાં તેમનું યોગદાન અતુલનીય છે. સરદાર સાહેબની જયંતીનાં અવસર પર ૩૧ ઑક્ટોબરે દેશભરમાં રન ફોર યૂનિટીનું આયોજન કરવામાં આવશે, જેમાં દેશભરમાંથી બાળકો, યુવાનો, મહિલાઓ, બધી જ ઉંમર-વર્ગના લોકો સામેલ થશે. મારો આપ સહુને અનુરોધ છે કે તમે પણ રન ફોર યૂનિટી- પરસ્પર સદભાવનાનાં આ ઉત્સવમાં ભાગ લો.
દિવાળીની રજાઓ પછી, નવા સંકલ્પ સાથે, નવા નિશ્ર્ચય સાથે, આપ સહુ પોતાની રોજિંદી જિંદગીમાં ફરી એક વાર જોડાઈ ગયા હશો. મારા તરફથી દેશવાસીઓને, તેમનાં બધાં સપનાં સાકાર થાય, તેવી શુભકામનાઓ છે. ખૂબ ખૂબ ધન્યવાદ.