કવર સ્ટોરી : ચાબહાર પે ચર્ચા

    ૧૪-ડિસેમ્બર-૨૦૧૭
 
 
 
ચાબહાર બંદરનું ધમધમતું થવું ભારતની મોટી કૂટનૈતિક સફળતા
પાકિસ્તાન અને ચીનની અનેક કૂટનૈતિક ચાલો અને અવરોધો સામે આંખથી આંખ મિલાવી આખરે ભારતે ઈરાન સુધી સમુદ્રીમાર્ગે એટલે કે ચાબહાર બંદરગાહ શ‚ કરવામાં સફળતા મેળવી છે. ઈરાનના સિસ્તાન. બલૂચિસ્તાન પ્રાંત સ્થિત આ બંદરગાહ ભારત માટે કેટલું મહત્ત્વનું છે તે જાણીએ.
ઈરાનના રાષ્ટ્રપતિ હસનરુહાની દ્વારા આ મહિનાની શરૂઆતમાં જ ભારત માટે બહુપ્રતીક્ષિત એવા ચાબહાર બંદરનું ઉદ્ઘાટન થયું. ચાબહાર બંદર ભારત, ઈરાન અને અફઘાનિસ્તાન વચ્ચે નવો રણનૈતિક વ્યપારિક માર્ગ સાબિત થશે એમાં શંકાને સ્થાન નથી. આ માર્ગ થકી ભારત હવે પાકિસ્તાનની ગરજ વગર અફઘાનિસ્તાન અને તેનાથી પણ આગળ રુસ અને છેક યુરોપ સુધી આર્થિક કારોબાર કરી શકશે.
ઉલ્લેખનીય છે કે, ભારત અને અફઘાનિસ્તાન સાથેની વધતી નિકટતા પાકિસ્તાનને હંમેશાથી આંખના કણાની માફક ખૂંચે છે. પાકિસ્તાનની હરકતોને કારણે ભારત માટે ત્યાં સુધી પહોંચવામાં હંમેશા મુશ્કેલીઓ આવતી રહી છે. કારણ કે પાકિસ્તાન ઇચ્છતું જ નથી કે અફઘાનિસ્તાનમાં ભારતની કોઈપણ ભૂમિકા હોય. પાકિસ્તાન દ્વારા હંમેશા એવા આરોપ લગાવવામાં આવી રહ્યા છે કે, ભારત અફઘાનિસ્તાનમાં પોતાની હાજરી ઊભી કરે છે. પાકિસ્તાનમાં અસ્થિરતા ફેલાવી રહ્યું છે. આ પૃષ્ઠભૂમિને ધ્યાનમાં રાખીને પાકિસ્તાનના ભૂમાર્ગનો ઉપયોગ કર્યા વગર સીધેસીધા જ અફઘાનિસ્તાન પહોંચવાની સુવિધા મળે તે ભારત માટે મોટી ઉપલબ્ધિ જ ગણાય. ગુજરાતના કંડલા અને ચાબહાર બંદરગાહનું અંતર ખૂબ જ ઓછું થાય છે. પરિણામે ભારત પોતાની ચીજવસ્તુઓ ઈરાન મારફતે અફઘાનિસ્તાનમાં ખૂબ આસાનીથી પહોંચાડી શકશે અને તેમાં સમય અને નાણાં બન્નેની મોટી બચત થશે. વાત જ્યારે ચાબહાર બંદરની થઈ રહી છે ત્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ઈરાનયાત્રાને યાદ કરવી જ‚રી બની જાય છે. યાત્રા દરમિયાન ઈરાન અને ભારત વચ્ચે ૧૨ સમજૂતીઓ પર મંજૂરીની મહોર લાગી હતી, જેમાં ચાબહાર બંદરના વિકાસ તેમજ ચાબહાર-જાહેદાન રેલમાર્ગ નિર્માણ સમજૂતી મુખ્ય હતી.
ચાબહાર બંદરની ભૌગોલિક સ્થિતિ પર નજર કરીએ તો તે સિસ્તાન-બલૂચિસ્તાન પ્રાંતમાં સ્થિત ફારસની ખાડીની બહાર ભારતના પશ્ર્ચિમી તટ પર સ્થિત છે. પરિણામે ભારતના પશ્ર્ચિમી તટથી ત્યાં ખૂબ જ આસાનીથી પહોંચી શકાય છે. એક મહિના પહેલાં ભારતે અફઘાનિસ્તાનમાં આ જ રસ્તેથી ૪૦ હજાર ટન ઘઉં મોકલ્યા હતા.
 
૨૦૦૩માં બની હતી રણનીતિ
 
પાકિસ્તાનની ભારત સાથેના મધ્ય એશિયાઈ દેશો સાથેના વ્યાપાર અવરોધવાની અવળચંડાઈ અને ચીનના વધી રહેલા સામરિક પ્રભુત્વને પહોંચી વળવા ૨૦૦૩માં તત્કાલીન એનડીએ સરકાર દ્વારા ચાબહાર બંદરને વિકસિત કરવાની રણનીતિ બનાવી તત્કાલીન પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીજી અને ઈરાનના રાષ્ટ્રપતિ સૈયદ મોહમ્મદ ખાતમીના પ્રયાસોને કારણે આ સમજૂતીનો પાયો તો નંખાઈ ગયો. ઈરાન, ઇરાક યુદ્ધ અને ઈરાનના પરમાણુ કાર્યક્રમને કારણે તે વિશ્ર્વમાં વિખૂટું પડતું ગયું. ત્યારબાદ અહમદીનેદના રાષ્ટ્રપતિ કાળમાં ઈરાન અમેરિકાના સંબંધોમાં તનાવ ચરમપર પહોંચ્યા. ઈરાન પર અનેક પ્રકારના આર્થિક પ્રતિબંધો લાદી ૧૦૦ અરબ ડૉલરની સંપત્તિ પણ જપ્ત કરી લીધી હતી. તેના તેલ અને ગેસની નિકાસ પર પણ પ્રતિબંધ લગાવી દીધો હતો. આમ અહમદીનેદના રાષ્ટ્રપતિ કાળ દરમિયાન ઈરાન અંધાધૂંધીમાં હતું, પરિણામે ભારત સાથેની ચાબહાર સમજૂતી પણ આગળ વધી શકી નહીં, પરંતુ અમહદીનેદ બાદ હસન રુહાની રાષ્ટ્રપતિ બનતાં જ ઈરાનની પરિસ્થિતિ ધીરે ધીરે સુધરવા લાગી. બીજી તરફ પશ્ર્ચિમ એશિયામાં બદલાઈ રહેલી રાજનીતિને કારણે ઈરાન અને અમેરિકા બન્ને એકબીજાની નજીક આવવા મજબૂર બન્યા. અમેરિકા ઈરાન વચ્ચે સંબંધો સુધરવાને કારણે પશ્ર્ચિમિ દેશોમાં પણ ઈરાનને લઈ હકારાત્મક વલણ અપનાવવાનું શરૂ થયું.
પશ્ર્ચિમિ દેશો અને ઈરાન વચ્ચેના સંબંધોમાં આવી રહેલા આ પરિવર્તનના લાભની તક તત્કાલીન સરકારે ઝડપી અને ૨૦૦૩માં થયેલી ચાબહાર સમજૂતીને આગળ વધારવા રણનીતિ બનાવી વડાપ્રધાન મોદીજી ૨૦૧૬માં ઈરાનની યાત્રા પર ગયા અને આ સમજૂતીને આખરી ઓપ આપવામાં આવ્યો.
 
ચીન-પાકિસ્તાન પર રાખી શકાશે નજર
 
ભારત માટે ચાબહાર રણનૈતિક રીતે પણ ખૂબ જ મહત્ત્વનું છે, કારણ કે તે પાકિસ્તાનમાં ચીન દ્વારા ચાલતા ગ્વાદર બંદરથી માત્ર ૭૨ કિલોમીટર જ દૂર છે. ચીન આ બંદરને ચીન-પાક આર્થિક કોરિડોર અંતર્ગત વિકસિત કરી રહ્યું છે. આ બંદરને વિકસિત કરવા માટે ચીનની મંશા સાફ છે, તે આ ગ્વાદર બંદર મારફતે એશિયામાં નવો વ્યાપાર અને પરિવહનનો માર્ગ ખોલી પોતાનો દબદબો કાયમ કરવા માંગે છે.
પરંતુ ચાબહાર બંદરની શરૂઆત બાદ એમ કહી શકાય કે, ભારતે ચીનની આ રણનૈતિક બઢતનો જવાબ આપ્યો છે. ચાબહાર ઉલ્લેખનીય છે કે, ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં ભારતીય નૌકાદળના વડા એડમિરલ સુનિલ લાંબા નવી દિલ્હીમાં પત્રકારોને મળ્યા ત્યારે તેઓએ પાકિસ્તાનના ગ્વાદર બંદર પર ચીનની હાજરીને લઈ ચિંતા વ્યક્ત કરતાં કહ્યું હતું કે, ગ્વાદર બંદરે ચીની લશ્કરી જહાજોની હાજરી વધી રહી છે. પીપલ્સ લિબરેશન આર્મીનાં જહાજો ગ્વાદર બંદરે આવનજાવન કરી રહ્યાં છે તે ચિંતાનું કારણ છે. બંદરનું સંચાલન કરતી કંપનીઓમાં પણ ચીનની કંપનીઓનો બહુમતી હિસ્સો છે. એટલે તેના પર ચીનનું પ્રભુત્વ રહેશે. આવા સંજોગોમાં ચીનનાં નૌકાદળનાં જહાજો આ બંદરે આવનજાવન કરે તેના પર ભારતની નજર રહે તે ખૂબ જ જરૂરી છે. ૨૦૦૮થી હિન્દુ મહાસાગરમાં ચીનનાં આઠ યુદ્ધજહાજોની હાજરી નિયમિત બની છે. તેમાંથી ત્રણ આફ્રિકા અને યમન નજીક પાયરસી સામે કામગીરીમાં લાગેલાં છે. વર્ષમાં એકાદ બે વખત સબમરીન પણ એસ્કોર્ટ શિપ સાથે અહીં આંટો મારી જાય છે.
જ્યા ચીન હોય ત્યાં ભારતે સાવધાની રાખવી જ પડે. નૌકાદળના વડાની આ ચિંતા વ્યાજબી છે. જો કે ચીનને જવાબ આપવા માટે આપણી પાસે ગુજરાતનો દરિયાકિનારો છે, પણ દુશ્મનને પાછળથી પણ ઘેરવા માટે ભારતને એક સ્થાનની જ‚ર હતી અને તે સ્થાન ચાબહાર બંદર બની શકે તેમ છે, કારણ કે આ બંદર પરથી ભારતનો વાયા ઈરાન થઈ મધ્ય એશિયા તેમજ યુરોપ સાથે સૌથી વધુ વ્યાપાર થવાનો છે અને આ બંદરને વધુ ડેવલોપ કરવામાં પણ ભારતનો હાથ રહેવાનો છે. એટલે ચીનને તેની જ ભાષામાં અહીં જવાબ આપી શકાશે.
 
કયા કયા દેશો માટે લાભદાયી
 
ભારત અને ઈરાને અનેકવાર અફઘાનિસ્તાનમાં શાંતિ સ્થપાય તે માટે તમામ પ્રકારનો સહયોગ આપવાની વાત કરી છે. ભારત અને ઈરાન વચ્ચે તાલિબાનના સફાયા અને ઉત્તરી ગઠબંધન એટલે કે નોર્દન ગઠબંધનને લઈને પણ એક રાય છે. આ સિવાય મધ્ય એશિયામાં આર્થિક અવસરો તેમજ પ્રાકૃતિક સંસાધનો સુધી ભારતની પહોંચ બનાવવા માટે પણ આ રસ્તો મહત્ત્વનો સાબિત થઈ શકે તેમ છે. મધ્યમ એશિયા ભારત માટે એટલા માટે મહત્ત્વનું છે કે આ વિસ્તાર ખનિજ સંસાધનોથી અતિ સમૃદ્ધ છે.
આમાંથી ત્રણ કઝાકિસ્તાન, ઉઝબેકિસ્તાન અને તુર્કમેનિસ્તાન દુનિયાના સૌથી વધુ તેલ તેમજ પ્રાકૃતિક ગેસ ક્ષેત્રોમાંના એક છે. આ દેશો આર્થિક રૂપે મધ્ય એશિયાઈ દેશો પણ હવે ઉદારીકરણની નીતિ અપનાવી રહ્યા છે. ત્યારે વ્યાપાર માટે ભારતને મોટું બજાર મળી શકે છે. સામરિક રીતે પણ મધ્ય એશિયા ભારત માટે ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. ત્યારે ચાબહાર બંદરગાહની ભૂમિકા ભારત માટે અતિ મહત્ત્વપૂર્ણ બની જાય છે.
મધ્ય એશિયામાં શાંતિ અને સ્થિરતા સ્થપાય એ પણ ભારત માટે મહત્ત્વનું છે. મધ્ય એશિયાની સરહદ અફઘાનિસ્તાન સાથે જોડાયેલી છે. અમેરિકન સૈનિકોમાં ઘટાડા બાદ અફઘાનિસ્તાનમાં અનેક પડકારો ઊભા થયા છે. તેવામાં ભારત માટે મધ્ય એશિયામાં પોતાની હાજરી નોંધાવવી ખૂબ જ જરૂરી છે. ઈરાન સાથે દોસ્તી અને મધ્ય એશિયામાં સશક્ત ભાગીદારીથી ન માત્ર પાકિસ્તાન અને ચીનની સૈન્ય ગતિવિધિઓ પર નજર રાખી શકાશે, પરંતુ આતંકવાદી સંગઠનોની ગતિવિધિઓ પર પણ ભારત નજર રાખી શકશે. ઈરાન સાથે ચાબહારની સમજૂતીથી ઈરાન અને ભારત બન્ને આ ક્ષેત્રમાં પોતાની ભૂ-સામરિક રણનીતિને નવી ઊંચાઈઓ પર પહોંચાડી શકે છે.
 
ભારતની ઈંધણની જરૂરિયાત પણ પૂરી થશે
 
ઈરાન વિશ્ર્વમાં તેલ તેમજ ગેસના વિપુલ ભંડારોવાળા દેશોમાંનો એક છે. ભારત-ઈરાનના પરંપરાગત સબંધો પણ ઇરાકમાંથી કાચા તેલની ખરીદીને કારણે વધુ વિકસ્યા છે. ભારતને પોતાનો વિકાસદર ૮.૯ ટકાના દરે વધારવો હોય તો તેને માટે વિપુલ પ્રમાણમાં ઊર્જાની જરૂર છે અને આ ઊર્જાનો સૌથી મોટો સ્રોત ઈરાન બની શકે છે. તેની સામે ભારત ઈરાનને જ‚રિયાતનો માલસામાન પૂરો પાડે છે.
ભારતમાંથી ઈરાનમાં થતી વસ્તુઓ, ચોખા, વિવિધ પ્રકારનાં મશીનો તેમજ સાધનો, ધાતુઓ, કાચું લોખંડ, દવાઓ, કૃષિ, રસાયણ અને રબ્બર સહિતનો અનેક ચીજવસ્તુઓની નિકાસ થાય છે. ચાબહાર બંદરના નિર્માણથી ભારતની ઈરાનમાં થતી નિકાસને વધુ વેગ મળશે એ નક્કી છે.

 
 
ચાબહાર બંદર શરૂ થવાથી ભારતને થશે આટલા ફાયદા
  • ચાબહાર બંદરગાહનો સીધો ફાયદો ભારતના વ્યાપારીઓને થશે. ભારતીય વ્યાપારીઓ પોતાનો માલ-સામાન કોઈપણ પ્રકારની રોકટોક અને હેરાનગતિ વગર સીધે-સીધો ઈરાન સુધી પહોંચાડી શકશે. ઈરાનથી એ સામાન અફઘાનિસ્તાન અને મધ્ય એશિયાના અનેક દેશો સુધી પહોંચાડાશે.
  • ભારતીય માલ-સામાનનો એક્સપોર્ટ (નિકાસ) ખર્ચ પણ ખૂબ જ ઓછો થઈ જશે. એક અનુમાન મુજબ લગભગ ૧/૩ જેટલી રાહત મળી શકે છે. સાથે સાથે સમય પણ ખૂબ જ બચશે.
  • ઈરાન અને અફઘાનિસ્તાન સાથે મધ્ય એશિયાઈ દેશો સાથે વ્યાપાર વધવાથી ચીન-પાકના રણનૈતિક પડકાર સામે ભારતને વધુ મજબૂતી મળશે.
  • ચાબહાર બંદરગાહે ઈરાનને હિન્દ મહાસાગરથી નજીક લાવી દીધું છે. પાકિસ્તાનની સરહદથી ૭૨ કિ.મી. દૂર હોવાથી તે ચીન દ્વારા નિર્મિત ગ્વાદર બંદરનો જોરદાર જવાબ છે.
બંદરગાહના શરૂ થવાથી તેની વાર્ષિક માલવાહન ક્ષમતા ૨૫ લાખ ટનથી વધી ૮૫ લાખ ટન સુધી પહોંચી જવાનો અંદાજ છે. ભારતે ગત વર્ષે આ બંદર અને તેની સાથે જોડાયેલી રેલ અને સડક પરિયોજનાઓ માટે ૫૦ લાખ કરોડ ડૉલર સહાયની પ્રતિબદ્ધતા દર્શાવી હતી.
ચાબહાર બંદરને વિકસિત કરવામાં ભારતની સીધી ભાગીદારી છે. આ બંદરની સાથે ભારત અફઘાનિસ્તાનની સરહદ સુધી સડક અને રેલમાર્ગ પણ વિકસાવી રહ્યું છે, જેનાથી સંપૂર્ણ મધ્ય એશિયામાં ભારતનું પહોંચવું આસાન બની જશે. આ પરિયોજનાનું નિર્માણ ઈરાનની સૌથી મોટી સરકારી કંપની અલઅનબનિયા કરી રહી છે. આ સિવાય ભારતની એક સરકારી કંપની પણ તેમાં સામેલ છે.
ચીન પોતાની લાંબા ગાળાની રણનીતિ મુજબ પાકિસ્તાનના ગ્વાદર બંદરને વિકસાવી રહ્યું છે. આ જ રણનીતિ મુજબ ચીન કારગરથી માંડી ગ્વાદર સુધી ૩૦૦૦ કિલોમીટર લાંબો આર્થિક રૂટ બનાવવામાં લાગ્યું છે. આના માટે ચીને પાકિસ્તાનમાં ૪૬ લાખ અરબ ડૉલરનું રોકાણ કર્યું છે. પરિણામે ચીન આ બંદરગાહનો ઉપયોગ ભારત સામે રણનૈતિક નજર રાખવા કરી શકે છે, ત્યારે ચાબહાર રૂપે ભારતને ચીનની આ ચાલબાજીનો જવાબ આપવાનું એક હથિયાર મળી ગયું છે.