ખટપટી ખિસકોલી

    ૧૪-ડિસેમ્બર-૨૦૧૭

 
 
એક ઘનઘોર જંગલ હતું. આ જંગલમાં વસતાં તમામ પ્રાણી-પંખીઓ સંપીને રહેતાં હતાં. અહીં ન કોઈ રાજા હતો કે ન કોઈ પ્રજા હતી. સહુ કોઈ ભાઈચારાની ભાવના સાથે ઊંચ-નીચના ભેદભાવ રાખ્યા વગર સાથે મળીને આનંદથી જીવન વિતાવી રહ્યાં હતાં.
આ જંગલમાં થોડા સમયથી એક ખટપટી ખિસકોલી આવી ચડી હતી. તે આખો દિવસ એક ઝાડથી બીજા ઝાડ માથે ચઢી ખિલ-ખિલ કર્યા કરતી અને જંગલમાં રહેતાં પ્રાણી-પંખીઓના મગજમાં ખટપટનું ઝેર રેડી એકબીજાને અંદરોઅંદર લડાવ્યા કરતી અને પોતે તેની મજા માણ્યા કરતી.
જ્યારથી આ જંગલમાં ખટપટી ખિસકોલી આવી છે ત્યારથી જંગલનાં જાનવરો-પંખીઓની વચ્ચે લડાઈ-ઝઘડા શરૂ થયા છે ને ભાઈચારાની ભાવનાની જગ્યા વેરઝેરે લીધી છે. એવી વાત જંગલમાં રહીને તપ-સાધના કરી રહેલા ગરુડ નામના એક સંત મહાત્માને કાને આવી.
સંત મહાત્માએ જંગલની શાંતિ કાયમ રહે તે માટે આ ખિસકોલીને પોતાની ઝૂંપડીએ બોલાવી અને ધર્મ, કર્મ વગેરેનો ઉપદેશ આપ્યો અને સૌની સાથે હળીમળીને રહેવાની શિખામણ આપી. પછી તો સંત મહાત્મા ગરુડજી તેને રોજ બોલાવતા ને નવા નવા ઉપદેશો આપતા હતા. પણ શેઠની શિખામણ ઝાંપા સુધીએ એ કહેવત પ્રમાણે ખિસકોલીનો સ્વભાવ ન જ બદલાયો. બધું ભેંસ આગળ ભાગવત વાંચવા જેવું થયું હતું. તો પણ જંગલમાં શાંતિ લાવવા માટે ગમે તે ભોગે ખિસકોલીનો ખટરાગી સ્વભાવ સુધારવા સંતે મનમાં ગાંઠ વાળી લીધી હતી.
આ ખિસકોલીને બે બચ્ચાં હતાં. તેને સારું શિક્ષણ મળે તે માટે જંગલીશાળાને બદલે ખિસકોલીએ બન્નેને જંગલની બહાર આવેલી એક અંગ્રેજીશાળામાં ભણવા સારુ બેસાડ્યાં હતાં. તેથી તેનામાં ભારતીય સંસ્કારોનું રોપણ થયું ન હતું. વિદેશી ભાષાએ ભારતીય માતૃભાષા પર તરાપ મારી હતી. બન્ને બાળકો અભ્યાસ પૂરો કરી જંગલમાં આવ્યાં. આ સમયે ખિસકોલી વૃદ્ધ થઈ હતી. તેનાથી ચાલી શકાતું પણ ન હતું. બન્ને છોકરા પોતપોતાની રીતે સ્વતંત્ર જીવન જીવવા અલગ અલગ ઘર વસાવી રહેવા લાગ્યા. પોતાના દીકરા અલગ થઈ જવાને કારણે ઘરડી ખિસકોલી ભારે મુસીબતમાં આવી પડી. તેણે બેય દીકરાઓને બોલાવી પૂછ્યું :
‘બેટા ! તમને સારું શિક્ષણ મળે તે માટે તમને જંગલની શાળાને બદલે આધુનિક શાળામાં મોકલ્યા હતા. મારી ઊતરતી અવસ્થામાં તમે મારા જીવનની લાકડી બનો એવી આશા મેં રાખી હતી. આજે હું ઘરડી થઈ છું. મારાથી ચાલી શકાતું નથી. ઊતરતી અવસ્થામાં મા-બાપની સેવા-ચાકરી કરવાનું તમને નથી ભણાવ્યું ? શું ત્યાં તમને પરિવારથી અલગ રહેવાનું શિક્ષણ શીખવાડાયું છે ? એ જે હોય તે, હવે જાગ્યા ત્યાંથી સવાર ગણી મારી સાથે રહેવા આવી જાવ.’
માની વાત સાંભળી બન્ને દીકરા બોલ્યા : ‘મા ! અમને જુદાં રહેવાનું કોઈ શિક્ષકે નથી ભણાવ્યું. પણ અમે જ્યારે આ જંગલમાં આવ્યા ત્યારે જોયું કે અહીં સૌ જનાવરો પોતપોતાના પરિવારોથી અલગ અલગ સ્વતંત્ર ઘર વસાવીને રહે છે. મા-બાપથી દીકરો જુદો રહે છે. પતિથી પત્ની અલગ રહે છે. ભાઈથી ભાઈ નોખો રહે છે. સાસુથી વહુ અલગ રહે છે. અમે ક્યાંય એવું નથી જોયું કે જ્યાં આખો પરિવાર એકસંપથી એક જ ઘરમાં રહેતો હોય ! જો અમે તારી સાથે રહીએ તો અમે બધાથી જુદા તરી આવીએ. સહુ અમારી હાંસી ઉડાવે. અમારે તો અમારા નાતભાઈઓ જે રીતે રહે છે તે રીતે જ અલગ થઈને રહેવું છે. તારે જેમ કરવું હોય તેમ કર. અમે તારી સાથે રહીને જુદા તરી આવવા માગતા નથી.’
દીકરાઓની વાત સાંભળી ખિસકોલીને પોતાના પગ તળેથી જમીન સરકતી લાગી. પોતે જ એકસંપથી રહેતાં જનાવરોની વચ્ચે ખટરાગ ઊભો કરાવીને સૌને અલગ પડાવ્યાં હતાં. જો પોતે બે લાકડાં લડાવી જંગલનાં જનાવરોને ઝઘડાવ્યાં ન હોત તો સૌ એક સંપથી રહેતાં હોત અને તેનું અનુકરણ પોતાના બન્ને દીકરાઓએ કર્યું હોત. પોતે જ ખાડો ખોદ્યો હતો ને પોતે જ તેમાં પડી પડી રડી રહી હતી.